ભારતે (India) છેલ્લા એક દાયકામાં અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પરિણામ પણ ધીરે-ધીરે જોવા મળી રહ્યું છે. આ જ પ્રગતિના પરિણામ સ્વરૂપ હવે ભારતમાં ગરીબીના પ્રમાણમાં પણ મોટો ઘટાડો (Reduction in poverty) થયો છે. દારુણ ગરીબી (Extreme poverty) તો લગભગ નાબૂદ થઈ ગઈ છે. ભારત માટે આ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટના ગણાઈ રહી છે. તેની પુષ્ટિ ભારત સરકાર દ્વારા 2022-23 અને 2023-24 માટે કરવામાં આવેલા ઘરગથ્થું ખર્ચના સરવેમાં થઈ છે.
આ વિશેની માહિતી સુરજીત એસ ભલ્લા અને કરણ ભસીનના ‘Four Fact on Inclusive Growth In India’ નામના શોધપત્રમાં જોવા મળે છે. તે પેપરનો ડેટા ભારતમાં ગરીબીના પ્રમાણ થયેલો ઐતિહાસિક ઘટાડો દર્શાવે છે. આ સાથે જ તે અસમાનતામાં થયેલા તીવ્ર ઘટનાના પુરાવા પણ રજૂ કરે છે. સંશોધન અનુસાર, વર્ષ 2023-24ના સમયગાળામાં ભારતે ગરીબીને દૂર કરવા માટેની પોતાની યોજનાબદ્ધ કાર્યવાહીનું પરિણામ હવે મળી રહ્યું છે.
ઘટી રહી છે ગરીબી- શું કહે છે આંકડા?
ભારત લાંબા સમયથી વિવિધ પદ્ધતિઓના આધારે ગરીબી અંદાજની ચર્ચા કરી રહ્યું છે. જેના કારણે અલગ-અલગ પરિણામો અને રિપોર્ટ્સ પણ સામે આવતા રહે છે. જોકે, 2022-23 અને 2023-24 માટે તાજેતરમાં જ કરવામાં આવેલો ઘરગથ્થું ખર્ચનો સરવે (HCES) સૌથી વધુ વ્યાપક માનવામાં આવી રહ્યો છે. કારણ કે, તેનો રિપોર્ટ તાજેતરની સ્થિતિને અનુરૂપ અને તાજી જાણકારી સાથેનો છે.
સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, 1.90 ડોલર PPP ઇન્ટરનેશનલ પોવર્ટી લાઇન દ્વારા માપવામાં આવેલી દારુણ ગરીબી 2023-24માં ઘટીને 1 ટકાની નીચે આવી ગઈ છે. 3.65 ડોલર PPP પોવર્ટી લાઇનની વાત કરવામાં આવે તો 2011-12માં જે ગરીબી 52% હતી તે 2023-24માં ઘટીને 15.1% પર આવી ગઈ છે. આ ઉપરાંત 3.20 ડોલર PPPના લોવર મિડલ-ઇન્કમ બેન્ચમાર્ક પર પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો (માથાદીઠ ગરીબીનો ગુણોત્તર) નોંધપાત્ર રીતે ઘટીને 2011-12માં જે 51.9% હતો તે 2023-24માં 14.9% રહી ગયો છે.
આ આંકડાઓ છેલ્લા દાયકામાં જીવનધોરણમાં થયેલા નોંધપાત્ર સુધારાને દર્શાવે છે. ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો એકંદરે આર્થિક પ્રગતિ સાથે સુસંગત છે, ખાસ કરીને તેનાથી ઓછી આવક ધરાવતા વર્ગ સુધી લાભને પહોંચાડી શકાય છે.
આર્થિક વૃદ્ધિ અને કલ્યાણકારી યોજનાઓ- બે મુખ્ય ચાલકબળ
ગરીબીને નાબૂદ કરવાની દિશામાં મળેલી આ ઐતિહાસિક સફળતમાં ઘણા પરિબળોએ યોગદાન આપ્યું છે. જેમાં સતત આર્થિક વૃદ્ધિ અને લક્ષિત સામાજિક કલ્યાણ યોજનાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
1. ઉચ્ચ આર્થિક વિકાસ દર
છેલ્લા દાયકામાં ભારતે સરેરાશ GDP વૃદ્ધિ દર 6-7% જાળવી રાખ્યો છે. આ વૃદ્ધિને કારણે આવકના સ્તરમાં વધારો થયો છે, રોજગારીની તકો વધી છે અને ખર્ચની પદ્ધતિમાં પણ સુધારો થયો છે. ખાસ કરીને વસ્તીના નીચલા અને પછાત વર્ગમાં તેની સીધી અસર જોવા મળી છે.
2. કલ્યાણ અને સામાજિક સુરક્ષા યોજનાઓ/કાર્યક્રમો
ખાદ્ય સહાય કાર્યક્રમો: જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) જેવી પહેલોએ લાખો લોકો માટે ખાદ્ય ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT): સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અપનાવવાથી બિનકાર્યક્ષમતા ઓછી થઈ છે અને સામાજિક કલ્યાણ કાર્યક્રમોની અસરકારકતામાં પણ સુધારો થયો છે.
રોજગાર અને કૌશલ્ય વિકાસ: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) જેવી યોજનાઓએ નોકરીની તકો દ્વારા ઓછી આવક ધરાવતા વ્યક્તિઓને સતત નાણાકીય સહાય પૂરી પાડી છે.
આવાસ અને સ્વચ્છતા કાર્યક્રમો: પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અને સ્વચ્છ ભારત અભિયાન જેવી પહેલોએ વંચિત સમુદાયોના જીવનધોરણમાં સુધારો કર્યો છે, જેનાથી એકંદરે સામાજિક-આર્થિક ઉત્થાનને પણ પ્રોત્સાહન મળ્યું છે.
ખર્ચમાં તીવ્ર વધારો અને આર્થિક અસમાનતામાં મોટો ઘટાડો
આ સંશોધન ભારતમાં આર્થિક અસમાનતામાં વધારો થતો હોવાના મિથકને પણ દૂર કરે છે. રિપોર્ટ અનુસાર, એક મહત્વપૂર્ણ વાત એ છે કે, વસ્તીના નીચેના ત્રણ દશાંશ લોકો માટે વપરાશ ખર્ચમાં અભૂતપૂર્વ વધારો થયો છે અને આર્થિક પછાત ગણાતા લોકો પણ હવે જરૂરી ચીજવસ્તુઓ માટે સારો ખર્ચ કરી શકવા સક્ષમ બન્યા છે. સૌથી ગરીબ વર્ગનો માસિક માથાદીઠ ખર્ચ (MPCE) શ્રીમંત જૂથો કરતા નોંધપાત્ર રીતે ઊંચા દરે વધ્યો છે.
ગિની ગુણાંક (અસમાનતાનું માપ) 2011-12માં 37.5 હતો, હવે તે ઘટીને 2023-24માં 29.1 થયો છે. બધી શ્રેણીઓમાં વપરાશ ખર્ચમાં વધારો થયો છે, જેમાં વસ્તીના નીચલા 30% લોકોમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે. આર્થિક પછાત કહેવાતા ત્રણ દશાંશ વિસ્તારોમાં ખોરાક, ગ્રાહક વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓના ખર્ચમાં બે આંકડાનો વધારો થયો છે.
ગરીબી ઘટાડા સાથે અસમાનતામાં થયેલો ઘટાડો, ભારતને તેવી કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરે છે, જે આ રીતે સમાવેશી વિકાસ સાથે આગળ વધીને આજે વિશ્વફલક પર અગ્રેસર છે અને ભારત તે અર્થવ્યવસ્થા પૈકીનું એક અર્થતંત્ર છે.
ગરીબી રેખા પર પુનર્વિચાર: નવા માપદંડોની જરૂર
લેખકોની દલીલ છે કે, ભારતની હાલની ગરીબી રેખાઓ રાષ્ટ્રએ કરેલી નોંધપાત્ર આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખતા ખૂબ જૂની થઈ ગઈ છે, ડેટા દ્વારા તેની પુષ્ટિ પણ થઈ છે. પરંપરાગત રીતે ભારતમાં ગરીબી રેખાઓ કેલરી-આધારિત થ્રેશોલ્ડનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવતી હતી અને તેંડુલકર અને રંગરાજન સમિતિઓ જેવી નિષ્ણાત સમિતિઓ દ્વારા સમયાંતરે તેને અપડેટ કરવામાં આવતી રહી હતી.
જોકે, રિપોર્ટ યુરોપિયન દેશોમાં ઉપયોગમાં લેવાતા માપદંડોની જેમ, સાપેક્ષ ગરીબીના માપદંડો તરફ પરિવર્તન સૂચવે છે. બે નવી ગરીબી રેખાઓ પ્રસ્તાવિત કરવામાં આવી છે:
- એક 33મા ટકાના સરેરાશ માથાદીઠ ખર્ચ (MPCE) પર આધારિત છે.
બીજી એક યુરોપિયન મોડેલનો ઉપયોગ કરે છે, જે ગરીબીને સરેરાશ આવકના 60% તરીકે વ્યાખ્યાયિત કરે છે.
ભસીન અને ભલ્લાએ પેપરમાં દલીલ કરી છે કે, આ માપદંડો ઝડપથી વિકસતા અર્થતંત્રમાં અભાવની વધુ સચોટ અને ગતિશીલ સમજ પ્રદાન કરશે.
આગળનો રસ્તો: લાભ જાળવી રાખવો
જોકે, દારુણ ગરીબી નાબૂદ કરવી એ એક ઐતિહાસિક સિદ્ધિ તો છે પણ , પરંતું તેના લાભોને ટકાવી રાખવા અને વિસ્તૃત કરવા માટે સતત નીતિગત ધ્યાન અને સભાન પ્રયાસોની પણ એટલી જ જરૂર છે. અભ્યાસમાં દલીલ કરવામાં આવી છે કે, આ લાભોને ટકાવી રાખવા માટે આગામી પગલાંમાં પૂરતું ધ્યાન આપવું પણ ખૂબ જરૂરી છે.
1. માનવ મૂડીમાં વધારો: શિક્ષણ અને આરોગ્યસંભાળ માટે સંસાધનોની ફાળવણી આર્થિક પ્રગતિને ટકાવી રાખવામાં અને લાંબાગાળાના વિકાસમાં ફાળો આપવા માટે મદદ કરશે.
2. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારને મજબૂત બનાવવો: જેમ-જેમ શહેરીકરણ આગળ વધશે તેમ-તેમ ઉત્પાદન અને સેવાઓમાં વધુ રોજગારીની તકોનું સર્જન આર્થિક સ્થિરતા માટે જરૂરી બનશે.
3. નાણાકીય સુલભતા અને ડિજિટલ કનેક્ટિવિટીનું વિસ્તરણ: ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવાથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો અર્થતંત્રમાં વધુ સક્રિય રીતે ભાગ લઈ શકશે.
4. આબોહવાની સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વિકાસનું નિર્માણ: આવનારી પેઢીઓ માટે સમૃદ્ધ ભવિષ્ય સુરક્ષિત કરવા આર્થિક પ્રગતિ પર્યાવરણીય સ્થિરતા સાથે સુસંગત હોય તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ રહેશે.
નિષ્કર્ષ
દારુણ ગરીબી દૂર કરવામાં ભારતની સફળતા તેની આર્થિક સ્થિતિસ્થાપકતા, સામાજિક નીતિઓ અને સમાવિષ્ટ વિકાસ વ્યૂહરચનાઓનો એક મજબૂત પુરાવો છે. HCES 2023-24 રિપોર્ટના તારણો પુષ્ટિ કરે છે કે, ન માત્ર ગરીબીમાં તીવ્ર ઘટાડો થયો છે, પરંતુ અસમાનતામાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે અને આ બાબત વિકાસશીલ અર્થતંત્રોમાં એક દુર્લભ સિદ્ધિ છે. જેમ-જેમ રાષ્ટ્ર આગળ વધે છે, તેમ-તેમ ગરીબીના માપદંડોને અપડેટ કરવા અને આર્થિક સમાવેશનને ટકાવી રાખવા એ ખરેખર સમાન અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે ચાવીરૂપ છે. આ સફળતાની ગાથા સમાવિષ્ટ આર્થિક વિકાસ માટે પ્રયત્નશીલ અન્ય વિકાસશીલ રાષ્ટ્રો માટે એક મોડેલ તરીકે સેવા આપી શકે છે.