દર 3-4 મહિને BCC ઇન્ડિયા કોઈ એવો લેખ છાપે છે, જે પત્રકારત્વ અને મનોવૈજ્ઞાનિક જંગ વચ્ચેની રેખાને ઝાંખી પાડી દે છે. તાજેતરમાં તેણે એક લેખ છાપ્યો, જેનું શીર્ષક હતું ‘Gen-Z ઊઠી રહ્યા છે? ભારતના યુવાનો શા માટે રસ્તાઓ પર નથી ઊતરી રહ્યા?’ આ લેખ એવી જ જૂની પેટર્નનો નવો નમૂનો છે, જેના આધારે ભારતને અસ્થિર કરવાની અને રમખાણો ભડકાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
પ્રથમ નજરમાં આ લેખ એક સામાન્ય પ્રશ્ન ઉઠાવે છે: ભારતમાં મોટી સંખ્યામાં રહેલ Gen-Z ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે, તે નેપાળ કે બાંગ્લાદેશના યુવાનોની જેમ ક્રાંતિ શા માટે નથી કરી રહ્યા? પરંતુ થોડું ધ્યાનથી જુઓ તો આ લેખ વિશ્લેષણ કરતાં વધુ ઉશ્કેરણીજનક લાગે છે. આ ભારતીય યુવાનોને ખુલ્લેઆમ બળવો કરવા અને પડોશી દેશોમાં થઈ રહેલી અરાજકતાની નકલ કરવાનું આમંત્રણ આપે છે.

BBCની નિષ્પક્ષતાનો દાવો અને હિંસાની ઇચ્છા
પોતાને નિષ્પક્ષ ગણાવતા BBCનું હિંસક વિદ્રોહોનું મહિમામંડન આશ્ચર્યજનક છે. લેખનો સ્વર એવો છે, જાણે તેને દુ:ખ છે કે ભારતીય વિદ્યાર્થીઓએ હજુ સુધી આગચંપી, તોડફોડ અને સરકાર બદલવાના પ્રયાસો નથી કરતા. આ માત્ર સંસ્થાનવાદ વિચારસરણીનું પરિણામ નથી, જે પોતાના ગુલામ રહી ચૂકેલ દેશને તૂટતો જોવા માંગે છે, જેથી દૂર બેસીને નૈતિક ઉપદેશ આપી શકાય. આ બધું સમજી વિચારીને કરવામાં આવી રહેલ રાજનીતિક ચાલ છે.
ઉશ્કેરણીની કળામાં ઉસ્તાદ છે BBC
BBCનો આ લેખ પ્રોપગેન્ડાનો ઉસ્તાદ છે. તે એશિયાના ‘બેચેન’ Gen-Zની પ્રશંસાથી શરૂ થાય છે, જે ‘48 કલાકમાં સરકારો પાડી દે છે’, જાણે સંસ્થાઓનું પતન કરવું એ જ પ્રગતિનું મેડલ હોય. પછી આવે છે ભારત સાથે તુલના – ભારતના યુવાનો ‘વિખરાયેલા’, ‘ડરેલા’ અને ‘અલગ-પડેલા’ છે. અર્થ સ્પષ્ટ છે: તેઓ પોતાની પેઢીનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ છે, કારણ કે તેઓ બળવો નથી કરી રહ્યા.
લેખ મનોવૈજ્ઞાનિક છે, વિશ્લેષણાત્મક નહીં. ‘રાષ્ટ્ર-વિરોધી કહેવાઈ જવાનો ડર’ અને ‘સરકારના વિરોધને બદનામ કરવું’ જેવા શબ્દો ઊંડાણપૂર્વક વિચારવા માટે નહીં, પરંતુ ગિલ્ટ ફિલ કરાવવા માટે મૂકવામાં આવ્યા છે. આ પત્રકારત્વ યુવાનોને શાંત રહેવાનું નથી શીખવતું પરંતુ, શાંતિને કાયરતા અને સંયમને દમન ગણાવતી ઉશ્કેરણી છે.
નેપાળનું ઉદાહરણ, BBCનો નવો ઝનૂન
આ લેખ નેપાળમાં તાજેતરમાં ઘટેલી ઘટનાઓના આધારે લખાયો છે, જ્યાં સપ્ટેમ્બર 2025માં તથાકથિત ‘Gen-Z ક્રાંતિ’એ કેપી ઓલીની સરકાર પાડી દીધી હતી. BBC તેને ફિલ્મી અંદાજમાં વર્ણવે છે, જાણે કોઈ ઐતિહાસિક યુવા વીરતાની ક્ષણ હોય.
પરંતુ આ ચમક પાછળ ભયાનક સત્ય છે. નેપાળના વિદ્રોહમાં લગભગ 20 લોકો મર્યા, પૂર્વ વડા પ્રધાનોનાં ઘર સળગાવી દેવાયા, મંત્રીઓ પર હુમલા થયા અને સિંહ દરબાર જેવા ઐતિહાસિક સ્થળોમાં તોડફોડ થઈ. સેનાને કર્ફ્યૂ લગાવવો પડ્યો અને દેશ હવે સૈન્ય શાસનની અણી પર છે.
પરંતુ BBC આ અરાજકતાને ‘સફળતા’ કહે છે, એક એવું ‘ઉદાહરણ’ જેની ભારતના યુવાનોએ નકલ કરવી જોઈએ. લેખ એ નથી કહેતો કે નેપાળના વિરોધીઓએ પોતે હિંસાથી અલગ થઈ ગયા હતા અને કહેતા હતા કે તેમના આંદોલનને બાહ્ય તત્વોએ હાઇજેક કરી લીધું હતું. પરંતુ BBC તેની જાણકારી નહીં આપે. કારણ કે તેનો હેતુ માહિતી આપવાનો નથી, પરંતુ આ વિચાર વાવવાનો છે કે ભારતના ‘અસ્થિર’ Gen-Z નેપાળના બળવાખોરોના ‘વીરતાપૂર્ણ’ પગલાં પર ચાલે.
જ્યારે વિરોધ લોહીયાળ બને ત્યારે ચૂપકીદી
BBC અન્ના હજારે આંદોલનથી લઈને CAA વિરોધ સુધીના ભારતના જૂના આંદોલનોને એમ કહીને યાદ કરે છે જાણે તે વિરોધનો સુવર્ણયુગ હતો. પણ જ્યારે તેમાં થયેલા લોહિયાળ સંઘર્ષ, વિનાશ અને સાંપ્રદાયિક તણાવ પર તે મૌન થઈ જાય છે.
CAAના વિરોધમાં કટ્ટરપંથીઓએ જાહેર સંપત્તિ સળગાવી, રસ્તા રોક્યા, દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસામાં 50થી વધુ મોત થયા. જે ‘વિદ્યાર્થી નેતાઓ’નું BBC મહિમાગાન કરે છે, તેઓ ગાંધીવાદી નહીં, પણ બળવો ભડકાવવાના આરોપી હતા.
આવા આંદોલનોને ‘ઉમદા’ ગણાવીને અને આજની શાંતિ પર શોક વ્યક્ત કરીને BBC મૂળભૂત રીતે અરાજકતાને યાદ કરે છે. તેને ગમે છે જ્યારે ભારતને ‘અસ્થિર’ અને ‘દમનકારી’ ગણાવી શકાય – લંડનના ન્યૂઝરૂમમાં ‘ભારત 8% વૃદ્ધિ કરે છે’ એવી હેડલાઈન્સ કરતાં આ વધુ વેચાય છે.
‘રાષ્ટ્રવિરોધી’ શબ્દ એક હથિયાર
લેખમાં ‘રાષ્ટ્રવિરોધી’ શબ્દ એક ચાલાક હથિયાર તરીકે વપરાયો છે. BBCના ફ્રેમમાં આ ડર ભારતીય યુવાનોને રસ્તા પર ઉતરતા અટકાવે છે. આ ચાલાકી રાષ્ટ્રવાદને સરમુખત્યારશાહી અને અસંમતિને વીરતા સાથે સરખાવે છે.
પરંતુ સત્ય એ છે કે ભારતીય યુવાનો વધુ સમજદાર બન્યા છે. તેમણે જોયું છે કે દેશવિરોધી તાકાતો આવા ‘એક્ટિવિઝમ’ને કેવી રીતે હથિયાર બનાવે છે. શાહીન બાગના ચક્કાજામથી લઈને ‘વિદ્યાર્થી આંદોલનો’ની આડમાં કાર્યરત ફોરેન ફન્ડિંગથી ચાલતા NGO સુધી, Gen-Z એટલા માટે ચૂપ નથી કારણ કે તેઓ ડરેલા છે. તેઓ ચૂપ છે કારણ કે તેઓ વધુ સમજદાર બન્યા છે.
તેઓ જાણે છે કે બસો સળગાવવાથી નોકરીઓ નથી મળતી, પથ્થર ફેંકવાથી ભ્રષ્ટાચાર નથી અટકતો અને સરકારોને ઉથલાવી દેવાથી સારા ભવિષ્યની ખાતરી નથી મળતી. ભારતના Gen-Z સ્ટાર્ટઅપ્સ બનાવી રહ્યા છે, કોડીંગ કરી રહ્યા છે, ફિલ્મો બનાવી રહ્યા છે અને વિશ્વભરમાં મુસાફરી કરી રહ્યા છે, બાહ્ય કઠપૂતળીઓના ઈશારે રાજકીય નાટક પર તેમની શક્તિ નથી વેડફી રહ્યા.
લોકોને રસ્તા પર ઉતારવા મથતું BBC
જ્યારે BBC ઉમર ખાલિદની જેલ અને જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે થયેલી અથડામણનો ઉલ્લેખ કરે છે, ત્યારે તે શૈક્ષણિક સંદર્ભમાં નહીં, પરંતુ ભાવનાત્મક ટ્રિગર તરીકે કરે છે. તે ‘ક્રૂર સરકારી દમન’ની યાદોને તાજી કરવા માંગે છે અને કહેવા માંગે છે કે 2019માં આ કામ ‘અધૂરું’ રહી ગયું હતું.
અર્થ સ્પષ્ટ છે: “તમે તમારા સિનિયર્સ સાથે શું થતું જોયું. શું તમે બદલો લેવા નથી માંગતા?” આ પત્રકારત્વ નથી, પરંતુ ભાવનાત્મક ચાલાકી છે.
BBC ‘યુનિવર્સિટી પ્રોટેસ્ટ કલ્ચરના અંત’ પર વિલાપ કરવાનો ડોળ કરે છે, પરંતુ વાસ્તવમાં તે કેમ્પસમાં શિસ્ત પુનઃસ્થાપિત કરવામાં અને શૈક્ષણિક સંસ્થાઓને રાજકીય સંગઠનો દ્વારા કબજે કરવામાં રોકવામાં મોદી સરકારની સફળતા પર વિલાપ કરી રહ્યું છે.
ભારતના કેમ્પસ વૈચારિક શિક્ષણની યુદ્ધભૂમિથી ઇનોવેશન કેન્દ્રોમાં પરિવર્તિત થઈ ગયા છે. BBC માટે આ પરિવર્તન નિઃશંકપણે અસહ્ય છે, કારણ કે તે ભારતીય યુવાનોને ભડકેલા, બેરોજગાર અને સિસ્ટમ-વિરોધી જોવા વધુ પસંદ કરે છે.
શું Gen-Z બંધનમાં કે મુક્ત? BBCના બેવડા ધોરણો
લેખમાં BBC ભારતની વિવિધતાને નબળાઈ તરીકે વર્ણવે છે, કહે છે કે જાતિ, ભાષા અને પ્રદેશના આધારે વિભાજનને કારણે યુવાનો એક થઈ શકતા નથી. પરંતુ જ્યારે આ વિવિધતા ઉપયોગી થાય છે, ત્યારે તેને ‘જીવંત બહુસાંસ્કૃતિકતા’ કહેવામાં આવે છે.
નેપાળ કે બાંગ્લાદેશમાં એકરૂપતાના કારણે મોટાપાયે મુવમેન્ટ સરળ થઈ રહે છે. પરંતુ ભારતમાં વિકેન્દ્રીકરણ લોકશાહીનો આત્મા છે. BBC તેને ‘વિભાજન’ કહે છે. જ્યારે ભારતીયો તેને સંઘવાદ કહે છે.
રાષ્ટ્ર વ્યાપી બળવો કરાવવાની BBCની ઈચ્છા તેના બેવડા વલણોને ઉજાગર કરે છે. તે એકરૂપતા, એકતા અને અરાજકતાને સંકટ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે.
ભારતની સ્થિરતા જ છે પશ્ચિમની સમસ્યા
BBCની વાસ્તવિક ચિંતા ભારતના યુવાનો સાથે નહીં, પરંતુ ભારતની સ્થિરતા સાથે છે. નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા પશ્ચિમી મીડિયા માટે ઉપયોગી છે કારણ કે તે અસ્થિર છે અને તેમને ‘વિદેશી લોકશાહી’ ગણી શકાય છે. પરંતુ 37 કરોડ Gen-Z ધરાવતો ભારત દેશ અખંડ બંધારણીય પ્રણાલી સાથે અડીખમ ઉભો છે, જે BBCની કલ્પનાથી પરે છે.
2024 સહિતની દરેક ચૂંટણી દર્શાવે છે કે ભારતીય યુવાનો ભ્રમિત નથી, પરંતુ સમજદાર છે. ભાજપને મજબૂત યુવા સમર્થન મળે છે એ ડરથી નહીં, પરંતુ સારું પ્રદર્શન, માળખાગત સુવિધાઓ, કલ્યાણ, રાષ્ટ્રવાદ અને ડિજિટલ સશક્તિકરણને કારણે મળે છે. તેથી BBCનો દાવો કે યુવાનો ‘રાજકારણથી બચે છે’ તે પોકળ લાગે છે.
ભારતીય યુવાનો રસ્તા પરનાં આંદોલનથી ડિજિટલ અને ચૂંટણી એક્ટિવિઝમ તરફ આગળ વધ્યા છે, જ્યાં તેમના અવાજો વધુ મહત્વપૂર્ણ છે અને વ્યાવસાયિક અરાજકતાવાદીઓ દ્વારા તેમના વિરોધને હાઇજેક કરી શકાતા નથી.
મોદી ફેક્ટર છે BBCના દુઃખનું વાસ્તવિક કારણ
લેખના મૂળમાં સમાજશાસ્ત્ર નથી, રાજનીતિ છે. BBC, ધ ગાર્ડિયન અને ધ ન્યૂયોર્ક ટાઇમ્સ જેવી પશ્ચિમી સંસ્થાઓ નરેન્દ્ર મોદીને બે બાબતો માટે ક્યારેય માફ કરી શકી નથી: એક તો ભારતની હિંદુ સભ્યતાની ઓળખને કોઈ શેહશરમ વગર પ્રોત્સાહન આપ્યું અને બીજું આ બંદૂકથી નહીં પર લોકતાંત્રિક પદ્ધતિથી કર્યું.
જ્યારે મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે તે ફક્ત એક ધાર્મિક સમારોહ નહોતો, તે એક સભ્યતાનો સુધારો હતો. તેણે વિશ્વને જણાવ્યું કે ભારત હવે તેના વિશ્વાસ કે આસ્થા માટે માફી નહીં માંગે, કે તે ધર્મનિરપેક્ષતાને હિંદુ ઓળખની ગેરહાજરી તરીકે વ્યાખ્યાયિત નહીં કરે. BBCની નજરમાં આ એક પાપ સમાન હતું.
તેમનો વૈશ્વિક દૃષ્ટિકોણ બાઈનરી પર કાર્ય કરે છે: બહુસંખ્યક એટલે દમનકારી, રાષ્ટ્રવાદ એટલે ફાસીવાદ, સ્થિરતા એટલે તાનાશાહી. જ્યારે ભારતીય યુવાનો આ બેવડા વલણો નકારે અને પ્રગતિ પસંદ કરે છે, ત્યારે BBCનું વૈચારિક તંત્ર ગભરાઈ જાય છે.
પશ્ચિમી મીડિયાનો બળવા પ્રત્યેનો મોહ
પશ્ચિમી મીડિયાની ગ્લોબલ સાઉથના વિદ્રોહોને કવર કરવાની રીત કંઈક પરેશાન કરનારી છે. તેઓ દૂરથી ક્રાંતિઓની પ્રશંસા કરે છે અને જ્યારે તેના પર ધૂળ જામી જાય તો અદૃશ્ય થઈ જાય છે.
આરબ સ્પ્રિંગથી લઈને શ્રીલંકાના વિરોધો સુધી, પશ્ચિમી મીડિયાએ ‘યુવા-નેતૃત્વવાળા વિદ્રોહો’ને સિંહની જેમ રજૂ કર્યા અને જ્યારે આ દેશો અસ્થિરતા, મોંઘવારી કે ગૃહયુદ્ધમાં ફસાયા તો તેઓ પોતે ગાયબ થઈ ગયા.
હવે તેઓ નવું રમતનું મેદાન શોધી રહ્યા છે અને પોતાની વિશાળ યુવા વસ્તી સાથે ભારત તેમના માટે સૌથી મોટું ઇનામ છે.
તેથી BBCનો લેખ પત્રકારત્વ ઓછો અને ભરતી પોસ્ટર જેવો વધુ લાગે છે – “તમારા પડોશીઓને જુઓ. શું તમે તેમના જેવા બનવા નથી માંગતા?”
પરંતુ ભારતીયો હવે સરળતાથી મૂર્ખ નથી બનતા. તેમણે જોયું છે કે આ ‘નેતૃત્વવિહીન’ ચળવળો લોકશાહીમાં નહીં, પરંતુ અરાજકતામાં સમાપ્ત થાય છે.
વાસ્તવિક Gen-Z ક્રાંતિ: મૌન, ડિજિટલ અને નિર્ણાયક
ભારતના Gen-Zને ઇતિહાસ રચવા માટે રસ્તાઓ પર ઉતરવાની જરૂર નથી. તેમની ક્રાંતિ શાંત પણ ઊંડી છે – સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી, ડિજિટલ ગવર્નન્સ અને તેમની ઓળખમાં એક નવો ગર્વ દેખાય છે. દિલ્હીના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરવાને બદલે તેઓ ભવિષ્ય માટે કોડીંગ કરી રહ્યા છે. હાઇવે પર ટાયર સળગાવવાને બદલે તેઓ ટિયર-3 શહેરોમાંથી ડોલર કમાઈ રહ્યા છે. આ ભારતીય અસંમતિનો નવો ચહેરો છે જે વિનાશક નથી પણ રચનાત્મ છે. અને તે જ BBCને પરેશાન કરે છે.
BBC કેમ ઇચ્છે છે ભારતમાં રક્તપાત?
જ્યારે BBC લખે છે કે ભારતના Gen-Z ‘સાવચેત છે પણ બળવાખોર નથી,’ ત્યારે તે પ્રશંસા નથી, પણ ફરિયાદ છે. તે તૂટેલા કાચ, ટિયર ગેસ અને તિરંગાથી રંગાયેલા અશાંતિના ફૂટેજ ઇચ્છે છે, જેથી ફરીથી ભારતને એક અસ્થિર દેશ તરીકે દર્શાવી શકાય.
કારણ કે BBC માટે મોદીના નેતૃત્વ હેઠળ શાંત, આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર ભારત તેનું અંતિમ દુઃસ્વપ્ન છે. તે એક હિંદુ-બહુસંખ્યક લોકતંત્રને સમજી નથી શકતું, જે પોતાની આસ્થા માટે માફી માંગ્યા વિના ફલીફૂલી રહ્યું છે, જે પ્રદર્શનો નથી કરતું અને પશ્ચિમી નૈતિક ઉપદેશો સામે ઝૂકવાનો ઇનકાર કરે છે.
એ જ BBC જે કાઠમંડુમાં આગચંપીની પ્રશંસા કરે છે, તે દિલ્હીમાં ‘લોકતાંત્રિક અભિવ્યક્તિ’ કહેશે, જ્યાં સુધી આગ તેમના પોતાના દૂતાવાસોની નજીક ન પહોંચે.
રાહુલ ગાંધી અને BBC વચ્ચેનું કનેક્શન
રસપ્રદ વાત એ છે કે BBCની ઉશ્કેરણી એકલી નથી. નેપાળમાં કેપી ઓલીની સરકાર પડ્યાના થોડા જ દિવસો પછી રાહુલ ગાંધીએ અચાનક ભારતના Gen-Z માટે નવો પ્રેમ વ્યક્ત કર્યો, જેને માત્ર રાજકીય તકવાદ જ કહી શકાય.
X ઉપર ગાંધીએ જાહેર કર્યું કે ‘Gen-Z બંધારણ બચાવશે અને વૉટર ફ્રોડ રોકશે અને પછી તેમની પાર્ટીએ એક વિચિત્ર ‘Gen-Z ગીત’ લૉન્ચ કર્યું– એક રેપ સોંગ, જે ગુસ્સો અને બગાવતને રોમેન્ટિક બનાવે છે અને તેને ‘યુવા ભારતનો અવાજ’ કહે છે.
BBCની ફરિયાદ અને કોંગ્રેસની આ નવી ચાલ વચ્ચે સચોટ સુમેળ જોવો મુશ્કેલ નથી. BBC ભારતીય યુવાનોને ડરેલા પીડિતો તરીકે બતાવે છે; રાહુલ ગાંધી તેમને નારા, ગીતો અને બનાવટી ગુસ્સાથી ‘જગાવવા’ના પ્રયાસો કરે છે. એક વૈચારિક જમીન તૈયાર કરે છે, બીજો રાજકીય સ્ક્રિપ્ટ આપે છે.
આ તાલમેલ સંયોગ નથી પરંતુ એક ઇકોસિસ્ટમનો ભાગ છે. બંનેનો હેતુ એક છે: ભારતના યુવાનોને સુધારના બદલે વિદ્રોહ કરવા, ચર્ચાને બદલે બળવો કરવા માટે ઉશ્કેરવા. BBC સ્ક્રીપ્ટ લખે છે; કોંગ્રેસ તેને પ્રોત્સાહન આપે છે, એવી આશામાં કે સોશિયલ મીડિયાની ચિંગારી રસ્તાઓ પર આગ બની જશે.
ભારતની શાંતિ, તેના વર્તમાન નેતૃત્વમાં વિશ્વાસ
પરંતુ અત્યાર સુધી ભારતીય યુવાનોએ લોકતંત્ર અને વર્તમાન નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવ્યો છે. આ માત્ર વિશ્વાસ નથી, તેનાથી કંઈક વધુ છે.
ભારતના લોકતંત્રની ખૂબી તેના અવાજમાં નથી, પરંતુ તેના સંયમમાં છે. એક અબજ લોકોનું એકસાથે રહેવું, ચર્ચા કરવી અને પોતાની રાજધાનીને સળગાવ્યા વિના વૉટ કરવો એ નબળાઈ નથી પણ સભ્યતા છે.
BBCને શાહીન બાગ જેવું કંઈક જોઈએ છે, પરંતુ ભારત આગળ વધી ચૂક્યું છે. મોદી સરકારે ભાગલાવાદી વિચારને રસ્તાના વિદ્રોહોથી ડિજિટલ સશક્તિકરણ અને નીતિગત જોડાણ સુધી બદલી દીધો છે. અને ભારતનો યુવાન ‘દબાયેલો’ નથી, પરંતુ એ દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં વ્યસ્ત છે, જેના કારણે BBCને તકલીફ થઈ રહી છે
તો… BBCજી, એવું બિલકુલ નથી કે Gen-Z પોતાની નિયતિ હાંસલ કરવામાં ‘નિષ્ફળ’ થઈ રહ્યા છે. પરંતુ તે પોતાના લક્ષ્યો તરફ મૌનપણે આગળ વધી રહ્યા છે. આ જ મૌન BBCને હજમ નથી થઈ રહ્યું.
આ અહેવાલ મૂળ અંગ્રેજીમાં જિનિત જૈને લખ્યો છે. મૂળ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો. હિન્દી અનુવાદ વાંચવા અહીં ક્લિક કરો.


