‘નવજીવન ન્યૂઝ’ નામથી યુટ્યુબ ચેનલ ચલાવતા ‘પત્રકાર’ પ્રશાંત દયાળે તાજેતરમાં એવો દાવો કર્યો કે તેમણે પ્રકાશિત કરેલા એક સમાચાર માટે અમદાવાદ પોલીસે તેમની પાંચ કલાક પૂછપરછ કરી. અન્ય એક યુટ્યુબ પત્રકાર ગોપી મણિયારની ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં દયાળે આ વાત કહી અને બંનેએ મળીને એવું ચિત્ર રજૂ કર્યું કે અમદાવાદની પોલીસ પત્રકારોને હેરાન કરી રહી છે.
ગોપી મણિયારની ચેનલ ‘નિર્ભય ન્યૂઝ’ પર 28 માર્ચે પ્રકાશિત ઇન્ટરવ્યુમાં પ્રશાંત દયાળ દાવો કરે છે કે નવજીવન ન્યૂઝ પર એક સમાચાર પ્રકાશિત થયા હતા, જેમાં અમદાવાદના ગોમતીપુરમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની ઉપર ઉચ્ચ IPS અધિકારીઓના ફોન આવવાના ચાલુ થયા અને ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનરે એક તપાસ બેસાડી હતી અને તેને લઈને પાંચ કલાક સુધી તેમની પૂછપરછ થઈ.
પ્રશાંત દયાળનું કહેવું છે કે તેમને એક નનામો પત્ર મળ્યો હતો, જે પત્રના આધારે સ્ટોરી કરવામાં આવી હતી. જેનું શીર્ષક હતું- ‘અમદાવાદના ગોમતીપુરમાં 60થી વધુ દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, આવો મહિલાએ કર્યો દાવો.’ જોકે તેમણે સાથે એમ પણ કહ્યું કે પોતે વિડીયોમાં જણાવ્યું હતું કે પત્ર સાચો છે કે ખોટો એ તેમને ખબર નથી.

પત્રકારનું કહેવું છે કે આ વિડીયો બાદ તેમને ઉચ્ચ IPS અધિકારીઓના ફોન આવવાના ચાલુ થયા, જેમણે તેમને જણાવ્યું કે અમદાવાદ પોલીસ કમિશનર નારાજ થયા છે અને સ્ટોરી હટાવી લેવામાં આવે. પ્રશાંત આગળ કહે છે કે, “વારંવાર કહેવામાં આવ્યા પછી પણ અમે જ્યારે કહ્યું કે સ્ટોરી પરત લેવામાં આવે એમ નથી તો અધિકારીઓએ કહ્યું કે, તો પોલીસ કમિશનરે કહ્યું છે કે નોટિસ આપો અને જરૂર પડે તો ગુનો દાખલ કરો.” ધ્યાન રહે કે અહીં ગુનો કોની સામે દાખલ કરવાનો અને નોટિસ કોને આપવાની એ પ્રશાંત દયાળે ચોખવટ કરી નથી, જેથી સાંભળનારને એવું પણ લાગી શકે કે પત્રકાર સામે કાર્યવાહી કરવાની વાત છે. જ્યારે પોલીસ કાર્યવાહી ક્યાં કરી રહી છે એ સદંતર જુદી હકીકત છે.
ત્યારબાદ પ્રશાંત દયાળ કહે છે કે, 26 તારીખે પોલીસ કમિશનર એક તપાસ સોંપે છે અને એ સંદર્ભમાં મારી પૂછપરછ થઈ. પ્રશાંત દયાળનો દાવો છે કે પૂછપરછમાં તેમને પરિવાર વિશે અને અંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમજ અમુક પ્રશ્નો એવા પૂછવામાં આવ્યા જેનાથી તેઓ ફસાઈ શકે. આ સમગ્ર ચર્ચા દરમિયાન ઇન્ટરવ્યુ લેતાં બેન વારંવાર ‘પત્રકારની પૂછપરછ શા માટે’ અને ‘પોલીસ આમ કેમ કરી રહી છે ને તેમ કેમ કરી રહી છે’ના સવાલો પૂછતાં રહ્યાં, જેથી પત્રકારોની પૂછપરછવાળી વાત ફેલાતી રહે. વચ્ચે-વચ્ચે તેઓ પોલીસને જ્ઞાન પણ આપે છે, જેની સંભવતઃ પોલીસને જરૂર હોય એમ લાગતું નથી.
અમદાવાદ પોલીસે શું કહ્યું?
સમગ્ર મામલામાં હકીકત ત્યારે સામે આવી જ્યારે અમદાવાદ પોલીસે જાતે પોતાના સત્તાવાર X અકાઉન્ટ પરથી નોટિસ સાર્વજનિક કરી દીધી. આ નોટિસમાં પોલીસ કમિશનરે માત્ર આ મામલે તપાસનો આદેશ આપીને જો તેમાં કોઈ વાસ્તવિકતા હોય તો અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. તેમાં પત્રકાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું નથી.
અમદાવાદ પોલીસે X અકાઉન્ટ પરથી આ નોટિસ મૂકીને લખ્યું કે, ‘અમદાવાદના ગોમતીપુરમાં એક યુટ્યુબ ચેનલ પર દારૂ-જુગારના અડ્ડાઓ બાબતે વિડીયો આવતા તાત્કાલિક પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને જણાવવામાં આવ્યું હતું કે, આ બાબતે શું હકીકત છે તેની તપાસ કરીને દારૂ-જુગારના અડ્ડા ઉપર તાત્કાલિક રેડ કરી, પ્રવૃત્તિને નેસ્તાનાબૂદ કરવા માટે સૂચના છે. આ ઉપરાંત પોલીસ કમિશનરે કોઈ પોલીસ અધિકારી/કર્મચારીની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદના ગોમતીપુરમાં એક YouTube channel ઉપર દારૂ જુગારના અડ્ડાઓ બાબતે વિડિયો આવતા તાત્કાલિક પોલીસ કમિશનર દ્વારા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ને જણાવેલ કે " *આ બાબતે શું હકીકત છે તેની તપાસ કરી, તેમજ આ દારૂ-જુગાર ના અડ્ડા ઉપર તાત્કાલિક રેડ કરી, આ પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સૂચના છે આ… pic.twitter.com/aef5uyqIQj
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 29, 2025
પોલીસે આગળ જણાવ્યું કે, “આ એક ઉદાહરણ છે કે શહેર પોલીસ કમિશનર દ્વારા શું આદેશ આપવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયામાં શું અર્થઘટન થઈ રહ્યું છે.”
નોટિસ જોતાં જાણવા મળે છે કે, પોલીસ કમિશનરે નવજીવન ન્યૂઝના વિડીયોનો સંદર્ભ આપીને નાયબ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચને આદેશ આપ્યો હતો કે સમાચારની હકીકત ચકાસીને જો અડ્ડાઓ ચાલતા હોય તો તાત્કાલિક તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે. આ નોટિસમાં ક્યાંય પત્રકાર વિરુદ્ધ કે તેની ચેનલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું નથી.