Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતભાવનગરના મહારાજા દ્વારા પૂજા થયા બાદ શિવાલય પર ફરકે છે ધ્વજપતાકા, પછી...

    ભાવનગરના મહારાજા દ્વારા પૂજા થયા બાદ શિવાલય પર ફરકે છે ધ્વજપતાકા, પછી જ શરૂ થાય છે ભાદરવી અમાસનો મેળો: નિષ્કલંક મહાદેવ મંદિરમાં આજે પણ અકબંધ છે સદીઓ જૂની પરંપરા

    એવી માન્યતા છે કે, રાજા દ્વારા પૂજા કર્યા બાદ સ્વયં હનુમાનજી તે ધ્વજપતાકાની રક્ષા કરે છે અને આગામી એક વર્ષ સુધી તેને આંચ પણ આવવા દેતા નથી. ભાવનગર સ્ટેટના દરેક રાજવીઓએ આ પરંપરાનું પાલન કર્યું હતું. બીજી એક માન્યતા એવી પણ છે કે, નિષ્કલંક મહાદેવ મંદિરની ધ્વજપતાકાનું પૂજન કરવાથી રાજ્યમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને પ્રજા પણ સુખી રહે છે.

    - Advertisement -

    આપણાં દેશમાં અનેક લોકસંસ્કૃતિઓ પાંગરી હતી અને તેની સાથે જન્મ થયો હતો લોકપરંપરાઓનો. જે-તે પ્રદેશમાં તેની પોતાની લોકપરંપરાઓ અસ્તિત્વ ધરાવતી હતી. રાજાશાહી સમયે પણ અનેક લોકપરંપરાઓ અસ્તિત્વ ધરાવતી હતી. તાજેતરમાં જ વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે લોકમાતા વિશ્વામિત્રીની પૂજા-અર્ચના કરીને તેમને શાંત થવા પ્રાર્થના કરી હતી. ત્યારબાદ વડોદરા શહેરમાંથી પાણી ઓસર્યા પણ હતા. આ જ પરંપરા વડોદરામાં પહેલાં પણ પાળવામાં આવતી હતી. 1927માં ભારે તારાજીના કારણે તત્કાલીન વડોદરા સ્ટેટના મહારાણીએ પણ વિશ્વામિત્રી નદીની પૂજા કરી હતી. આવી જ એક પરંપરા ભાવનગર રાજવી પરિવારમાં પણ જોવા મળે છે. ભાવનગરના કોળિયાકમાં સ્થિત પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવ મંદિરમાં ભાવનગરના મહારાજા ધ્વજની પૂજા કરે છે અને ત્યારબાદ જ તે ધ્વજને શિવાલય પર ફરકાવવામાં આવે છે.

    કોળિયાકના દરિયા કિનારે પ્રાચીન શિવાલય આવેલું છે, જેને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પાંચ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. તેનો ઇતિહાસ પણ ખૂબ ભવ્ય અને આહલાદક છે. પરંતુ તેનાથી પણ વધુ રોચક છે, અહીંનો ‘નકળંગનો મેળો’ અને ભાવનગર રાજ પરિવારની પરંપરા. સામાન્ય રીતે આ શિવાલયના દર્શન માટે બારે માસ લોકો આવતા રહે છે, પરંતુ શ્રાવણ માસમાં અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે અને તેમાં પણ ભાદરવી અમાસના દિવસે દર્શનાર્થીઓનો આંકડો લાખોમાં પહોંચી જાય છે. ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવની જગ્યામાં એક લોકમેળો પણ ભરાય છે.

    ભાવનગર નરેશ કરે છે પૂજા, પછી જ ભરાય છે મેળો

    નિષ્કલંક મહાદેવના મેળા પહેલાં રાજ પરિવાર તરફથી એક પરંપરાનું પાલન કરવામાં આવે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કાર્યકાળ પહેલાંથી આ પરંપરા ચાલી આવે છે. ભાદરવી અમાસના દિવસે ભાવનગર સ્ટેટના મહારાજા દ્વારા શિવાલય પર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજનું પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ તે જ ધ્વજ પતાકા ફરકાવવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે. મહારાજા દ્વારા ફરકાવવામાં આવેલ ધ્વજ પતાકા એક વર્ષ સુધી શિવાલય પર લહેરાતી રહે છે. આશ્ચર્યની વાત એ છે કે, આખા વર્ષ દરમિયાન મોટા ભાગે મંદિર સમુદ્રમાં રહેતું હોવા છતાં ધ્વજને કોઈપણ જાતનું નુકશાન થતું નથી! વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપમાં પણ આ ધ્વજ કોઈપણ પ્રકારના નુકશાન વિના લહેરાતો જોવા મળ્યો હતો.

    - Advertisement -

    એવી માન્યતા છે કે, રાજા દ્વારા પૂજા કર્યા બાદ સ્વયં હનુમાનજી તે ધ્વજપતાકાની રક્ષા કરે છે અને આગામી એક વર્ષ સુધી તેને આંચ પણ આવવા દેતા નથી. ભાવનગર સ્ટેટના દરેક રાજવીઓએ આ પરંપરાનું પાલન કર્યું હતું. બીજી એક માન્યતા એવી પણ છે કે, નિષ્કલંક મહાદેવ મંદિરની ધ્વજપતાકાનું પૂજન કરવાથી રાજ્યમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને પ્રજા પણ સુખી રહે છે. રાજ્યમાં કુદરતી આફત ન આવે અને જો આવે તો તેનાથી રાજ્યની પ્રજા અને જીવમાત્રની રક્ષા થઈ શકે તે હેતુથી રાજવીઓ ભાદરવી અમાસના દિવસે ધ્વજનું પૂજન કરે છે અને તેને ફરકાવે છે.

    ભાવનગરના મહારાજા દ્વારા પૂજન પૂર્ણ થયા બાદ ધ્વજ ફરકાવવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે નિષ્કલંક મહાદેવનો મેળો. લાખો લોકો આ મેળામાં ઉમટી પડે છે. ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આ મેળામાં અંદાજિત 2થી 3 લાખ લોકોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. આ મેળામાં ગુજરાતીઓ સહિત દક્ષિણ ભારતના લોકો પણ વિશેષ ભાગ લેતા જોવા મળે છે. ખાસ કરીને મદ્રાસના લોકો માટે આ મેળાનું ખૂબ મહત્વ છે. આ મેળાને સ્થાનિક લોકો નકળંગના મેળા તરીકે ઓળખે છે. માન્યતા છે કે, જીવનમાં એકવાર નકળંગનો મેળો કરવાથી મહાદેવની કૃપા દ્રષ્ટિ બની રહે છે.

    નિષ્કલંક મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

    નિષ્કલંક મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે જાણવા માળે ઑપઇન્ડિયાએ મંદિરના મુખ્ય પૂજારી જયદેવગીરી ગૌસ્વામીનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે મહાભારતકાલિન ઇતિહાસ વાગોળ્યો હતો. પૂજારી અનુસાર, આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતનું યુદ્ધ થયું હતું. પાંડવોના વિજયઘોષની સાથે પાંડવો પર પોતાના પરિજનોના મૃત્યુનું કલંક પણ લાગ્યું હતું. આ કલંક દૂર કરવા અને પોતે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણનો અભિપ્રાય માંગ્યો હતો. ભગવાન કૃષ્ણએ પાંડવોને એક કાળા રંગની ધજા અને કાળા રંગની ગાય આપીને કહ્યું હતું કે, જે સ્થળે આ ગાય અને ધ્વજ બંને શ્વેત રંગ ધારણ કરશે તે સ્થળ પર શિવલિંગની સ્થાપના કરી શિવ આરાધના કરવાથી કલંકમાંથી મુક્તિ મળશે.

    તેમણે આગળ જણાવ્યું કે, પાંચેય પાંડવો વિહરતા-વિહરતા ભાવનગર નજીક એક દરિયા કિનારે આવીને ઊભા રહ્યા. ત્યાં ગૌમાતાનો અને ધ્વજનો રંગ શ્વેત થઈ ગયો. આથી પાંચેય પાંડવોએ ત્યાં પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી, જેનાથી યુદ્ધમાં થયેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળતા તેઓ નિષ્કલંક થયા અને ત્યારથી આ મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને નકળંગ મહાદેવ તરીકે ઓળખે છે.

    પાંચેય પાંડવોએ કુરુક્ષેત્રમાં કરેલા પાપોના પ્રાયશ્ચિત માટે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. આજે પણ પાંચેય શિવલિંગ ત્યાં અડીખમ ઉભા છે. અહીં દિવસના માત્ર પાંચ કલાક દર્શન થઈ શકે છે. પાંચ કલાક સિવાયના સમયે દરિયાદેવ શિવલિંગ પર જળાભિષેક કરે છે.

    અરબી સમુદ્ર કરે છે મહાદેવનો જળાભિષેક

    સામાન્ય રીતે જોઈએ તો, ભારતમાં એવા ઘણા દેવસ્થાનો છે જે સમુદ્ર કિનારે આવેલા હોય. ખાસ કરીને શિવાલયો સમુદ્ર તટ પર આવેલા હોય છે, પણ આ મંદિર સમુદ્રમાં 3 કિલોમીટર અંદર સ્થિત છે. અહીંયા રોજ અરબી સમુદ્રની લહેરો પાંચેય શિવલિંગ પર જળાભિષેક કરે છે. દિવસના માત્ર 5 કલાક જ મહાદેવના દર્શન કરી શકાય છે. બાકીના સમયે આ દેવસ્થાન સમુદ્રમાં જ રહે છે. ભરતીના સમયે માત્ર આ મંદિરની ધજા અને સ્તંભો નજરે પડી શકે છે.

    આ શિવાલય સમુદ્રની મધ્યે આવેલું હોવાથી દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતા જ મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત છે અને ભરતી-ઓટ હિંદુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ અને અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં પણ અહીની સ્થિતિ એવી છે કે કેટલાક સમય સુધી આ મંદિર દરિયાના પાણીમાં જ ડૂબેલું રહે છે અને ત્યારબાદ દરિયો મંદિર સુધી પહોંચવાનો રસ્તો આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં