Saturday, July 20, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસમુદ્રનાં મોજાં કરે છે ભોળાનાથનો અભિષેક, દરિયામાં શમાવવા છતાંય શિવાલયની ધજા રહે...

  સમુદ્રનાં મોજાં કરે છે ભોળાનાથનો અભિષેક, દરિયામાં શમાવવા છતાંય શિવાલયની ધજા રહે છે હેમખેમ: જાણો ભાવનગરના મધદરિયે આવેલ પૌરાણિક નિષ્કલંક મહાદેવ મંદિર વિશે

  ભારતમાં એવા ઘણા દેવસ્થાનો છે જે સમુદ્ર કિનારે આવેલા હોય. ખાસ કરીને શિવાલયો સમુદ્ર તટ પર આવેલા હોય છે. પણ આ મંદિર સમુદ્રમાં 3 કિલોમીટર અંદર સ્થિત છે. અહિયાં રોજ અરબી સમુદ્રની લહેરો પાંચેય શિવલિંગ પર જળાભિષેક કરે છે. દિવસના માત્ર 5 કલાક જ મહાદેવના દર્શન કરી શકાય છે. બાકીના સમયે આ દેવસ્થાન સમુદ્રમાં જ રહે છે.

  - Advertisement -

  ભારતમાં એવા ઘણા મંદિરો અને હિંદુ સ્થાપત્યો આવેલા છે જે પોતાની ભીતર ઘણા રહસ્યો લઈને બેઠા છે. એ દ્વારકા હોય, જગન્નાથ મંદિર હોય કે પછી નિષ્કલંક મહાદેવ મંદિર હોય. બધા જ મંદિરમાં કંઈક એવી બ્રહ્માંડીક ઉર્જા છે જેનાથી એ મંદિર વિશેષ અને પવિત્ર બની રહે છે. આજે એક એવા જ પ્રાચીન શિવાલય વિશે જાણવાનું છે કે જેને નિષ્કલંક મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

  ભાવનગરના દરિયાકાંઠે આવેલા આ પૌરાણિક નિષ્કલંક મહાદેવ મંદિર સાથે લાંબો અને ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે. તેની સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે જે હજુ પણ સૌ કોઈ નથી જાણતું. આજે પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે અમે આપને આ ભવ્ય અને પૌરાણિક શિવાલય વિશે વધુ જાણકારી આપવાનો પ્રયત્ન કરીશું.

  સ્થાનિક રહેવાસી રાજદીપભાઈ દેસાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે “નિષ્કલંક મહાદેવ શિવાલય ભાવનગર જિલ્લાના કોળિયાક ગામથી લગભગ 3 KM દૂર અરબી સમુદ્રમાં આવેલું છે. પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું આ સ્થળ ખરેખર મનમોહક છે. ત્યાં જતા શિવભક્તો અને યાત્રાળુઓને આહલાદક અનુભૂતિ કરાવે છે. આવું નયનરમ્ય સ્થળ મનને અતિશય શાંતિ પ્રદાન કરે છે. સકારાત્મક ઊર્જા એવી કે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં જતા જ દુનિયાની બધી ગફલતો દૂર થાય છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. બે ઘડી એવું લાગે કે કોઈ અલગ આયામમાં પહોંચી ગયા છીએ. આવા સ્થળને ઉજાગર કરવું પ્રત્યેક શિવભક્ત અને સ્થાનિકોનું પરમ કર્તવ્ય છે.”

  - Advertisement -

  નિષ્કલંક મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

  ઑપઇન્ડિયા સાથે થયેલી ખાસ વાતચીત દરમિયાન નિષ્કલંક મહાદેવ મંદિરના મુખ્ય પૂજારી જયદેવગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે “આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતનું યુદ્ધ થયું હતું. પાંડવોના વિજયઘોષની સાથે પાંડવો પર પોતાના પરિજનોના મૃત્યુનું કલંક લાગ્યું હતું. આ કલંક દૂર કરવા અને પોતે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણનો અભિપ્રાય માંગ્યો હતો. ભગવાન કૃષ્ણએ પાંડવોને એક કાળા રંગની ધજા અને કાળા રંગની ગાય આપીને કહ્યું હતું કે, જે સ્થળે આ ગાય અને ધ્વજ બંને શ્વેત રંગ ધારણ કરશે તે સ્થળ પર શિવલિંગની સ્થાપના કરી શિવ આરાધના કરવાથી કલંકમાંથી મુક્તિ મળશે.”

  તેઓએ આગળ જણાવ્યું, “પાંચેય પાંડવો વિહરતા-વિહરતા ભાવનગર નજીક એક દરિયા કિનારે આવીને ઊભા રહ્યા. ત્યાં ગૌમાતાનો અને ધ્વજનો રંગ શ્વેત થઈ ગયો. આથી પાંચેય પાંડવોએ ત્યાં પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી જેનાથી યુદ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળતા તેઓ નિષ્કલંક થયા અને ત્યારથી આ મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને નકળંગ મહાદેવ તરીકે ઓળખે છે.”

  પાંચેય પાંડવોએ કુરુક્ષેત્રમાં કરેલા પાપોના પ્રાયશ્ચિત માટે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. આજે પણ પાંચેય શિવલિંગ ત્યાં અડીખમ ઉભા છે. અહીં દિવસના માત્ર પાંચ કલાક દર્શન થઈ શકે છે. પાંચ કલાક સિવાયના સમયે દરિયાદેવ શિવલિંગ પર જળાભિષેક કરે છે.

  અરબી સમુદ્રમાં સ્થિત છે નિષ્કલંક મહાદેવ

  આમ જોવા જઈએ તો ભારતમાં એવા ઘણા દેવસ્થાનો છે જે સમુદ્ર કિનારે આવેલા હોય. ખાસ કરીને શિવાલયો સમુદ્ર તટ પર આવેલા હોય છે. પણ આ મંદિર સમુદ્રમાં 3 કિલોમીટર અંદર સ્થિત છે. અહિયાં રોજ અરબી સમુદ્રની લહેરો પાંચેય શિવલિંગ પર જળાભિષેક કરે છે. દિવસના માત્ર 5 કલાક જ મહાદેવના દર્શન કરી શકાય છે. બાકીના સમયે આ દેવસ્થાન સમુદ્રમાં જ રહે છે. ભરતીના સમયે માત્ર આ મંદિરની ધજા અને સ્તંભો નજરે પડી શકે છે.

  આ શિવાલય સમુદ્રની મધ્યે આવેલું હોવાથી દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતા જ મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત છે અને ભરતી-ઓટ હિંદુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ અને અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં પણ અહીની સ્થિતિ એવી છે કે કેટલાક સમય સુધી આ મંદિર દરિયાના પાણીમાં જ ડૂબેલું રહે છે અને ત્યારબાદ દરિયો મંદિર સુધી પહોંચવાનો રસ્તો આપે છે.

  ભાદરવી અમાસે ભરાય છે લોકમેળો, મહારાજા ફરકાવે છે ધ્વજ પતાકા

  સામન્ય રીતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અને ખાસ કરીને શ્રાવણના સોમવારે અહી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ભાદરવા મહિનાની અમાસે અહી પરંપરાગત લોકમેળો ભરાય છે. લાખો લોકો આ મેળામાં ઉમટી પડે છે. મહાદેવની જયકારની સાથે આ મેળામાં અંદાજિત 2 થી 3 લાખ લોકોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. આ મેળામાં ગુજરાતીઓ સહિત દક્ષિણ ભારતના લોકો પણ વિશેષ ભાગ લેતા જોવા મળે છે. ખાસ કરીને મદ્રાસના લોકો માટે આ મેળાનું ખૂબ મહત્વ છે. આ મેળાને સ્થાનિક લોકો નકળંગના મેળા તરીકે ઓળખે છે.

  મંદિરમાં ભરાતો પારંપરિક લોકમેળો

  મંદિરના મુહૂર્ત પ્રમાણે ભાવિકો અને શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે અને ત્યારબાદ ભગવાનના દર્શન તથા પૂજા-અર્ચના કરે છે. આ મેળામાં આવતા બહારના લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા ગામના લોકો પોતાના ઘરે જ ગોઠવે છે. કેટલી આત્મીયતા હશે કાંઠાના લોકોમાં.

  ભાવનગર મહારાજા દ્વારા ધ્વજપૂજન

  ભાદરવી અમાસના દિવસે ભાવનગર રાજ્યના મહારાજા દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજા ફરકાવ્યા બાદ જ મેળાની શરૂઆત થાય છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે. પછી આ જ ધજા મંદિરમાં એક વર્ષ સુધી લહેરાતી જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આખા વર્ષ દરમિયાન મોટા ભાગે મંદિર સમુદ્રમાં રહેતું હોવા છતાં ધ્વજને કોઈપણ જાતનું નુકશાન થતું નથી! વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપમાં પણ આ ધ્વજ કોઈપણ પ્રકારના નુકશાન વિના લહેરાતો જોવા મળ્યો હતો.

  અદભૂત નૈસર્ગિક સૌંદર્ય

  કલ્પના કરો કે, દરિયાની ભીની માટી પર ચાલીને, દરિયાની વચ્ચે પાંચ અદભૂત શિવલિંગના દર્શન કરવા. આ નજારો જ કેટલો સુંદર હશે! શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે દરિયામાં 3 કિલોમીટ જેટલું અંતર કાપીને ચાલતા જાય છે અને આસ્થાભેર આ અનન્ય મંદિરના દર્શનનો લાભ લે છે. કિનારેથી દરિયાની અંદર જતાં સમયે ઠંડો, ભેજવાળો પવન, અલૌકિક માહોલ અને ચોમેર શાંતિ આ આધ્યાત્મિક સ્થળને સંપૂર્ણ પર્યટન સ્થળ બનાવે છે. યુવા પેઢીના લોકોને મધદરિયે આવેલા આ મંદિરના ફોટા પાડવાનો પણ એક રોમાંચક અનુભવ મળે છે.

  મંદિરની આસપાસ માત્ર સમુદ્રનું પાણી જોવા મળે છે. સમુદ્રની પોતાની એક સકારાત્મક ઉર્જાનો આપણે અનુભવ કરી શકીએ છીએ. પ્રકૃતિના શાંત અને મીઠા અવાજો, દરિયાના લોકોની દરિયાદિલી અને પક્ષીઓનો કર્ણપ્રિય કિલ્લોલ આ મંદિરના પ્રાકૃતિક વૈભવમાં ચાર ચાંદ પૂરે છે.

  મંદિર સાથે જોડાયેલી લોકમાન્યતાઓ

  લોકમાન્યતાઓ બધી જગ્યાએ અલગ-અલગ જોવા મળે છે. કોઈપણ લોકસંસ્કૃતિનું મહત્વનું અને આગવું પરિબળ હોય છે લોકમાન્યતાઓ. સ્થાનિક લોકોની આ મંદિર સાથે ગાઢ આસ્થા જોડાયેલી છે. લોકો ઘણીબધી માનતાઓ અને બાધાઓ રાખે છે.

  લોકોની એવી માન્યતા છે કે નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાના દર્શન માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે. કોઈ સગા-વ્હાલાની ચિતાની રાખ જો શિવલિંગ પર લગાડીને જળમાં પ્રવાહિત કરવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મંદિરમાં ચિતાની ભસ્મ, દૂધ, દહી અને શ્રીફળ ચઢાવવામાં આવે છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં