Saturday, May 18, 2024
More
  હોમપેજદેશ'ભગવાન કૃષ્ણએ પણ સોમવારે કરી હતી શિવ આરાધના': જાણો શ્રાવણના સોમવારે કેમ...

  ‘ભગવાન કૃષ્ણએ પણ સોમવારે કરી હતી શિવ આરાધના’: જાણો શ્રાવણના સોમવારે કેમ કરાય છે દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના અને શું છે તેનું મહત્વ

  શ્રાવણ માસને હિંદુ ધર્મશાસ્ત્રોમાં અતિપવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે. આ મહિનામાં જ દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું હતું જેમાંથી હળાહળ વિષ ઉત્પન્ન થયું હતું. આ વિષ સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવા માટે પૂરતું હતું. ભગવાન મહાદેવે આ વિષ પોતાના કંઠમાં સમાવી લઈને સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું. આ કારણે જ મહાદેવને નીલકંઠ પણ કહેવાય છે. આ મહિનામાં લોકો ભગવાન શિવની ઉપાસના, સાધના અને પૂજા-અર્ચના કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે.

  - Advertisement -

  હાલમાં હિંદુઓનો સૌથી પવિત્ર મહિનો એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણમાં ભક્તો દેવાધિદેવ મહાદેવ ભગવાન શંકરની પૂજા આરાધના કરતા હોય છે. એમાં પણ શ્રાવણના સોમવારનો મહિમા અનેરો જ હોય છે. આપણે સૌ શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરતાં હોઈએ છીએ, મંદિરમાં ભગવાન મહાદેવ પાસે આપણે ઈચ્છાઓની પૂર્તિ માટે આરાધના કરતાં હોઈએ છીએ. તેમજ શ્રાવણ માસના પવિત્ર સોમવાર વિશે આપણે થોડું-ઘણું જાણતા પણ હોઈએ છીએ. તો આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે શ્રાવણ માસના પવિત્ર સોમવારની મહિમા શું છે અને શા માટે સોમવાર હિંદુઓ માટે અતિપવિત્ર ગણાય છે.

  શ્રાવણ માસને હિંદુ ધર્મશાસ્ત્રોમાં અતિપવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે. આ મહિનામાં જ દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું હતું જેમાંથી હળાહળ વિષ ઉત્પન્ન થયું હતું. આ વિષ સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવા માટે પૂરતું હતું. ભગવાન મહાદેવે આ વિષ પોતાના કંઠમાં સમાવી લઈને સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું. આ કારણે જ મહાદેવને નીલકંઠ પણ કહેવાય છે. આ મહિનામાં લોકો ભગવાન શિવની ઉપાસના, સાધના અને પૂજા-અર્ચના કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે.

  શ્રાવણ માસના પવિત્ર સોમવારનો મહિમા

  સંસ્કૃતમાં સોમવારને (इन्दुवासरम्) થી ઓળખવામાં આવે છે. દુનિયાની મોટાભાગની ભાષાઓમાં આ વારનાં નામનો અર્થ ‘ચંદ્રનો વાર’ તેવો થાય છે. ભગવાન ચંદ્રને સોમદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

  - Advertisement -

  હિંદુ ધર્મશાસ્ત્રો પ્રમાણે ભારતવર્ષના ગુજરાત રાજ્યમાં ભગવાન સોમદેવે વેરાવળ વિસ્તારમાં ભગવાન શિવના પવિત્ર શિવલિંગની સ્થાપના કરી હતી. ભગવાન સોમદેવ મહાદેવના પરમ ભક્ત ગણાય છે. આ કારણે જ તેમણે શિવલિંગની સ્થાપના કરી તેની વિશેષ ભક્તિ કરી હતી. જપ-તપ, આરાધના, ભક્તિ, પ્રાથના, ધ્યાન જેવી નવોઢા ભક્તિ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ભગવાન સોમ દ્વારા સ્થાપીત આ પવિત્ર શિવલિંગને ભારતવર્ષ સોમનાથ તરીકે ઓળખે છે.

  ભગવાન શિવને પણ પોતાના ભક્તો વધુ પ્રિય છે. ચંદ્રને તેમણે પોતાના મસ્તક પર ધારણ કરી ધન્ય કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને સોમવાર તેમના પ્રિય ભક્ત સોમદેવને સમર્પિત છે એટલા માટે જ શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે અને શ્રાવણ માસના પવિત્ર સોમવારનું એથી પણ વધુ મહત્વ ગણાય છે. સાથે જ શ્રાવણનો સોમવાર ભગવાન શિવનો પ્રિય વાર છે અને શ્રાવણના સોમવારનું મહાત્મય અનેરું છે. આ દિવસે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ ભક્તોને મનવાંછિત ફળ પ્રદાન કરે છે.

  સોમવારનું સૌ પ્રથમ વ્રત ભગવાન કૃષ્ણએ કર્યું હતું

  એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનત્કુમારને સોમવારનું મહત્વ જણાવ્યું હતું. કાશી અને પુરીના વિદ્વાનોના જણાવ્યા અનુસાર સોમવારનું વ્રત સૌથી પહેલા ભગવાન કૃષ્ણએ કર્યું હતું.

  ભગવાન શિવજીએ સ્વયં સનત્કુમારને જણાવ્યું હતું કે સોમવાર મારુ જ સ્વરૂપ છે. સોમવારે વ્રત-તપ, પૂજા-અર્ચના કરવાથી દરેક પ્રકારની ઉપલબ્ધિ અને પરમ સુખ મળે છે. સાથે જ શિવજીએ કહ્યું હતું કે 12 મહિનામાં શ્રાવણ માસ પવિત્ર છે અને પવિત્ર શ્રાવણ મહિનામાં સોમવાર શ્રેષ્ટ છે.

  શ્રાવણના પવિત્ર સોમવારે શિવપૂજાનું મહત્વ

  શ્રાવણ માસના પવિત્ર સોમવારે જ ભગવાન આદિદેવની પૂજા કરવાથી દરેક પ્રકારનું પુણ્ય મળે છે. સોમવારે ઉપવાસ કરીને સંયમ સાથે વૈદિક કે લૌકિક મંત્રોથી વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. બ્રહ્મચારી, ગૃહસ્થ, કન્યા કે પરણિત સ્ત્રી કોઈપણ ભગવાન શિવની આરાધના કરીને મનવાંછિત ફળ મેળવી શકે છે.

  શ્રાવણ મહિનામાં સોમવારે રુદ્રાભિષેક, શિવરુદ્રી કરીને દરિદ્ર નારાયણ (દરિદ્ર રૂપી ઈશ્વર)ને ભોજન અને વસ્ત્ર દાન કરવાથી ધન-ધાન્ય ઇત્યાદિમાં વધારો થાય છે. શિવજીની પૂજા સવારે કે સાંજે બંને સમયે કરી શકાય છે. પરંતુ શ્રાવણ માસના સોમવારને દિવસે પૂજાનો સૌથી શુભ સમય સાંજનો એટલે કે પ્રદોષ કાળનો માનવામાં આવે છે. ભગવાન શિવજીએ જ આ સમય તેમની પૂજા માટે શુભ ગણાવ્યો છે. જેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં થયો છે.

  સાંજે સૂર્યાસ્ત પછી શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કેમ કે સુર્ય અસ્ત થતાં જ પ્રદોષ કાળ શરૂ થઈ જાય છે અને રાત શરૂ થવા સુધી આ સમય રહે છે. આ પ્રકારે દિવસ અને રાતની વચ્ચેનો સમય શિવપૂજા માટે શ્રેષ્ટ ગણાય છે. શિવ મહાપુરાણમાં કહેવાયું છે કે આ સમય દરમિયાન શિવજી પ્રસન્ન મુદ્રામાં રહે છે. એટલે પ્રદોષ કાળમાં વિશેષ પૂજાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે.

  શિવાલયોમાં ઉમટી પડે માનવ મહેરામણ

  સંપૂર્ણ ભારતમાં શિવભક્તો માટે આ પવિત્ર દિવસ કલ્યાણકારી અને પાવન માનવામાં આવે છે. દેશભરના શિવાલયો (શિવ મંદિરો)માં શ્રાવણ માસના પવિત્ર સોમવારે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠે છે. શિવભક્તો તન, મન અને ધનથી ભગવાન મહાકાલની પૂજા કરે છે. શિવ મંદિરમાં જઈ ધૂપ, દીપ અને ભસ્મ આરતી કરે છે. નદી કે કૂવામાંથી શુદ્ધ જળ ભરીને ભગવાન મહાદેવનો જળાભિષેક કરે છે. ઘણા ભક્તો ગંગાજળ અને દૂધથી પણ ભગવાન શિવનો અભિષેક કરે છે.

  ભગવાન શિવના અભિષેકના ઘણા પ્રકારો જોવા માળે છે. જેમાં જળાભિષેક, દુગ્ધાભિષેક (દૂધનો અભિષેક), પંચામૃત અભિષેક જે પાંચ પ્રકારના દ્રવ્યો ભેગા કરીને કરવામાં આવે છે. સાથે જ શિવભક્તો ભગવાન શિવને ચંદન લગાવી, બીલીપત્ર, ધતૂરો અને મદારના ફૂલ પણ ચડાવે છે. આમ ભારતભરમાં પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગ અને સ્થાનિક શિવાલયોમાં ભક્તોની માનવ મહેરામણ ઉમટી પડે છે.

  આ વર્ષે ભક્તોને શિવભક્તિ માટે મળ્યા શ્રાવણમાં 8 સોમવાર

  ભગવાન ભોળાનાથના ભક્તો આમ તો દર વર્ષે શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જોતા જ હશે, પણ આ વર્ષનો શ્રાવણ મહાદેવના ઉપાસકો માટે ખાસ રહ્યો છે. જેનું કારણ એ છે કે આ વખતે એક નહીં પણ બે-બે શ્રાવણ માસ છે. આ વર્ષે અધિક શ્રાવણ હોવાથી ભક્તો માટે મહાદેવની ભક્તિનો બેવડો અવસર છે. અધિક માસના કારણે આ વખતે શ્રાવણ માસના કુલ 60 દિવસો છે. જાણકારોના અનુસાર આ પ્રકારનો યોગ 19 વર્ષો બાદ બની રહ્યો છે.

  આ વર્ષે અધિક શ્રાવણ તરીખ 18 જુલાઈથી શરુ થયો હતો અને 16 ઓગસ્ટએ પૂરબ થયો હતો. આ વખતે શ્રાવણ માસ 17 ઓગસ્ટથી શરુ થયો છે અને 16 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે..

  ભગવાન શિવની પૂજા માટે શાસ્ત્રોમાં નવોઢા ભક્તિ દર્શાવી છે. જેમાં નવ પ્રકારની ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કરી શકાય છે. છતાંપણ દરેક ભક્તો પોતાની માન્યતા તથા પોતાના નિર્દોષભાવ સાથે શિવ આરાધના કરી શકે છે. ભગવાન શિવ કરુણાનિધિ ગણાય છે. તે બધા ભક્તોને મનવાંછિત ફળ આપનારા છે. ભક્તોની પીડા હરનારા, દુખ હરનારા, કષ્ટ હરનારા, દારિદ્રય (ગરીબી) હરનારા દેવાધિદેવ મહાદેવને પવિત્ર શ્રાવણ માસના પવિત્ર સોમવારે નતમસ્તક નમન.

  હર હર મહાદેવ

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં