Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતભોળાનાથના ભક્તો માટે બેવડો અવસર, આ વખતે શ્રાવણમાં આવશે 8 સોમવાર: 19...

    ભોળાનાથના ભક્તો માટે બેવડો અવસર, આ વખતે શ્રાવણમાં આવશે 8 સોમવાર: 19 વર્ષે બન્યો છે આ મહાયોગ, ચાલો જાણીએ શું છે અધિક શ્રાવણનું મહત્વ, અને શું છે તેનો મહિમા

    19 વર્ષ બાદ આવનારા અધિક શ્રાવણ દરમિયાન શિવ અને વિષ્ણુનો પણ અનેરો સંગમ થવા જઈ રહ્યો છે. જેમાં 17 તારીખે સોમવતી અમાસ છે અને 18 તારીખથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. આમ, ભક્તો એક જ સાથે બંને ભગવાનની ભક્તિ કરી શકશે અને મનવાંછિત ફળ પામી શકશે.

    - Advertisement -

    ભગવાન ભોળાનાથના ભક્તો આમ તો દર વર્ષે શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જોતા જ હશે, પણ આ વર્ષનો શ્રાવણ મહાદેવના ઉપાસકો માટે ખાસ છે. જેનું કારણ એ છે કે આ વખતે એક નહીં પણ બે-બે શ્રાવણ માસ છે. આ વર્ષે અધિક શ્રાવણ હોવાથી ભક્તો માટે મહાદેવની ભક્તિનો બેવડો અવસર છે. અધિક માસના કારણે આ વખતે શ્રાવણ માસના કુલ 60 દિવસો છે. જાણકારોના અનુસાર આ પ્રકારનો યોગ 19 વર્ષો બાદ બની રહ્યો છે. આ વર્ષે અધિક શ્રાવણ તરીખ 18 જુલાઈથી શરુ થશે અને 16 ઓગસ્ટ સુધી રહેશે. આ વખતે શ્રાવણ માસ 17 ઓગસ્ટથી શરુ થશે અને 16 સપ્ટેમ્બર સુધી રહેશે.

    આમ તો દર ત્રણ વર્ષે એક અધિક માસ સામાન્ય રીતે આવતો જ હોય છે. પરંતુ આ વિશે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ જ્યોતિષ કન્હૈયાલાલ જોશી ઉર્ફે કનુ મહારાજનો સંપર્ક કર્યો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે અધિક માસની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને આ વર્ષે તેનું મહત્વ કેમ વધુ છે.

    અધિક માસ એટલે શું?

    કનુ મહારાજના જણાવ્યા અનુસાર હિંદુ પંચાંગોમાં આની સંપૂર્ણ માહિતી મળી આવે છે. તેમણે કહ્યું કે, “હિંદુ પંચાંગ અનુસાર 365 દિવસના સૌર એટલે કે સૂર્ય વર્ષમાં કુલ 15 ઘટી, 31 પળ અને 30 વિપળનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ચંદ્ર વર્ષમાં 354 દિવસ 22 ઘટી, 1 પળ અને 23 વિપળ મુજબના દિવસોની ગણતરી કરવામાં આવે છે. આના કારણે જ દર ત્રણ વર્ષે ચંદ્ર વર્ષમાં 1 વધારાનો મહિનો જોડવામાં આવે છે. આ વધારાના મહિનાના જોડાવાના કારણે તે વર્ષમાં 12ની જગ્યાએ 13 મહિનાઓ હોય છે અને વધારાના ગણવામાં આવેલા મહિનાને અધિક માસ કહેવામાં આવે છે. આ કરવા પાછળનું મુખ્ય કારણ સૌર એટલે કે સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના અંતરના સંતુલનને જાળવી રાખવા માટેનું છે.”

    - Advertisement -

    આ અધિક શ્રાવણ શા માટે મહત્વનો?

    આ અધિકમાસ શા માટે મહત્વનો છે તેની માહિતી આપતા કનુ મહારાજ જણાવે છે કે, “અધિક શ્રાવણ એટલે મહાદેવની ભક્તિનો બેવડો અવસર. જોકે આનું ગણિત પણ પંચાંગ સાથે જોડાયેલું છે, અને હિંદુ પંચાંગ અનુસાર જે મહિનામાં 33 દિવસોની ગણતરી કરવામાં આવે છે તે મહિનાના દિવસો બેવડા થઈ જાય છે, એટલે કે 30 દિવસનો માસ કે મહિનો 60 કે 59 દિવસનો ગણવામાં આવે છે.”

    આ શ્રાવણની મહત્વતા જણાવતા તેમણે કહ્યું હતું કે, “અધિક માસને તે જ મહિનામાં ફરીવાર લાગવામાં 19 વર્ષનો સમય લાગે છે. પંચાંગના ગણિત અનુસાર આ પહેલા અધિક શ્રાવણ 19 વર્ષ પહેલા લાગ્યો હતો. હવે ફરી આ યોગ બનવા માટે 19 વર્ષનો સમય લાગશે. શ્રાવણ અધિક માસ એ દેવાધિદેવ મહાદેવની આરાધના માટે વધુ મહત્વનો છે, કારણ કે આ વર્ષે ઉપાસકોને કુલ 60 દિવસો સુધી દિવસો સુધી ભગવાન શંકરની ભક્તિ કરવાનો અવસર મળશે.”

    આ શ્રાવણ મહિનામાં આવતા 8 સોમવાર પણ તેને ખાસ બનાવે છે: કનુ મહારાજ

    કનુ મહારાજના જણાવ્યા અનુસાર સામાન્ય દિવસો કરતા શ્રાવણ માસમાં કરવામાં આવેલી દેવાધિદેવ મહાદેવની ભક્તિનું ફળ જે બે ગણું મળે છે તે જ રીતે આ અધિકમાસ પણ શિવ ઉપાસકોને શ્રાવણ માસ જેટલુ જ એટલેકે તમામ પૂજાઓનું ફળ ભક્તોને બે ગણું મળશે.

    તેમણે જણાવ્યું કે, “શ્રાવણ મહિનામાં આવતા 4 સોમવારોનું મહત્વ પણ સનાતન ધર્મમાં ખુબ મહત્વ ધરાવે છે, પણ આ વખતના શ્રાવણ અને અધિક શ્રાવણમાં ભક્તોને 4 નહીં પણ 8 પવિત્ર સોમવાર મળશે ભગવાન શંકરની ઉપાસના માટે. અધિક મહિના મુજબ પ્રથમ સોમવાર 24 જુલાઈ, 31 જુલાઈ, 7 ઓગસ્ટ, 14 ઓગસ્ટ (અધિક શ્રાવણનો છેલ્લો સોમવાર અને શિવરાત્રી), 21 ઓગસ્ટ (શ્રાવણ માસનો પ્રથમ સોમવાર), 28 ઓગસ્ટ 4 સપ્ટેમ્બર, અને છેલ્લો સોમવાર 11 સપ્ટેમ્બરના રોજ આવશે. આ તારીખો દરમિયાન ભગવાન શિવની અભિષેક પૂજા કરવાથી ભક્તો તેમની મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. 15 સપ્ટેમ્બરે શ્રાવણ માસ પૂર્ણ થશે.”

    શિવ અને વિષ્ણુની ભક્તિ થશે એક સાથે

    નોંધનીય છે કે દર 3 વર્ષે જયારે અધિક માસ આવતો હોય છે ત્યારે તેમાં ભવન શ્રીવિષ્ણુની ભક્તિનું ખાસ મહત્વ હોય છે. બીજી બાજુ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ભક્તિનો મહિમા ગવાયો છે.

    તેવામાં 19 વર્ષ બાદ આવનારા અધિક શ્રાવણ દરમિયાન શિવ અને વિષ્ણુનો પણ અનેરો સંગમ થવા જઈ રહ્યો છે. જેમાં 17 તારીખે સોમવતી અમાસ છે અને 18 તારીખથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. આમ, ભક્તો એક જ સાથે બંને ભગવાનની ભક્તિ કરી શકશે અને મનવાંછિત ફળ પામી શકશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં