Sunday, April 20, 2025
More
    હોમપેજદેશઅબ્બા સિકંદર લોદીએ જ્વાલાદેવીની મૂર્તિના ટૂકડા કરીને તેનાથી તોળાવ્યું માંસ, બેટા ઇબ્રાહિમ...

    અબ્બા સિકંદર લોદીએ જ્વાલાદેવીની મૂર્તિના ટૂકડા કરીને તેનાથી તોળાવ્યું માંસ, બેટા ઇબ્રાહિમ લોદીએ સત્તા માટે ભાઈઓનું જ કરાવ્યું કતલ: રાણા સાંગા સામે થઈ જતા બંનેના ધોતિયા ઢીલા

    રાણા સાંગાએ ઇબ્રાહિમના શાસન હેઠળના ચંદેરીને પોતાના રાજ્યમાં ભેળવી દીધું, પરંતુ ઇબ્રાહિમ તેનો વિરોધ કરવાની હિંમત પણ એકઠી કરી શક્યો નહીં. ચંદેરીના પરાજય સાથે, ઇબ્રાહિમ લોદીની દક્ષિણની ચોકી પણ હાથમાંથી નીકળી ગઈ.

    - Advertisement -

    1526માં બાબર સાથેના પાણીપતના પ્રથમ યુદ્ધમાં (Panipat War) ઇબ્રાહિમ લોદીની (Ibrahim Lodi) હારના કારણે દિલ્હી પરના લોદી વંશનો સફાયો થઈ ગયો. લોદી શાહીવંશ દિલ્હી સલ્તનતનો છેલ્લો શાહી પરિવાર હતો. ત્યારબાદ મુઘલોએ દિલ્હી પર કબજો જમાવ્યો. ઇબ્રાહિમ લોદીની ઇચ્છાશક્તિ, હંમેશની જેમ તેના દરબારીઓના કાવતરાં અને મેવાડ જેવા શક્તિશાળી દુશ્મનના લશ્કરી અભિયાનોએ નબળા લોદી વંશનો અંત લાવ્યો.

    લોદી વંશની સ્થાપના બહલોલ લોદીએ ઇ.સ 1451માં કરી હતી. 1489માં બહલોલના મૃત્યુ પછી, તેનો પુત્ર નિઝામ ખાન સુલતાન સિકંદર લોદીના નામ પર દિલ્હીની ગાદી પર બેઠો. તે એક ક્રૂર શાસક હતો. તેણે ઘણા પ્રખ્યાત મંદિરોનો વિધ્વંસ કર્યો. આ એ જ સિકંદર લોદી હતો જેણે નાગરકોટના જ્વાલાદેવી મંદિરની મૂર્તિના ટુકડા કરાવીને તેના પથ્થરો કસાઈઓને માંસ તોલવા માટે આપી દીધા હતા.

    તેણે ગ્વાલિયર કિલ્લા પર પાંચ વાર હુમલો કર્યો હતો, પરંતુ ક્ષત્રિય શાસક રાજા માનસિંહે તેને દરેક વખતે હરાવ્યો. સિકંદર લોદી હિંદુઓ અને મૂર્તિપૂજાને સખત નફરત કરતો હતો. તેણે બોધન નામના હિંદુની હત્યા કરાવી કારણ કે તેણે કહ્યું હતું કે હિંદુ ધર્મ પણ ઇસ્લામની જેમ સાચો ધર્મ છે. સિકંદરના શાસનકાળ દરમિયાન, હિંદુઓ પર ફરીથી જઝિયા લાદવામાં આવ્યો અને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -
    સિકંદર લોદી (ફોટો: ફેસબુક)

    તેણે હિંદુઓને થાનેશ્વરના પવિત્ર તળાવ અને યમુનામાં સ્નાન કરવાની મનાઈ ફરમાવી હતી. આખરે સિકંદર લોદીનું મૃત્યુ ઇ.સ. 1517માં થયું હતું. સિકંદર લોદીના મૃત્યુ પછી, તેનો સૌથી નાનો પુત્ર ઇબ્રાહિમ લોદી દિલ્હીની ગાદી પર બેઠો હતો. જોકે, ઇબ્રાહિમ લોદી એક સારો પ્રશાસક સાબિત ન થયો અને સત્તા ન જાળવી શક્યો. તેણે સરદારો અને રાજ્યપાલો પ્રત્યે વધુ કડક વલણ દાખવવાનું શરૂ કર્યું હતું.

    સત્તામાં આવ્યા પછી ઇબ્રાહિમ લોદીએ સૌપ્રથમ પોતાના અબ્બા સિકંદર લોદીના મંત્રી મિયાં ભૂઆને જેલમાં ધકેલી દીધો. ત્યારપછી, તેને દારૂમાં ઝેર આપીને મારી નાખવામાં આવ્યો. તેણે આઝમ હુમાયુ, દરિયા ખાન અને હુસૈન ખાન ફરમૂલી જેવા નામી દરબારીઓની હત્યા કરાવી હતી. પાછળથી, દરિયા ખાનના પુત્ર બહાદુર ખાને મુહમ્મદ શાહના નામે બળવો કર્યો હતો.

    BIOGRAPHY OF IBRAHIM LODI – Endz
    ઇબ્રાહિમ લોદી (ફોટો: Endz)

    બહાદુર શાહે પૂરા ઉપલા ગંગા પ્રદેશ પર કબજો કર્યો હતો. આ વિસ્તાર બિહારથી દિલ્હીથી લગભગ 80 માઈલ દૂર સંભલ સુધી પોતાનું નિયંત્રણ મેળવી લીધું. સમય જતાં તેણે સુલતાન મુહમ્મદ શાહનું બિરુદ પોતાના નામે કરીને રાજ કર્યું. તેણે દિલ્હીના સૈન્ય સામે ઘણી લડાઈઓ લડી, જેમાં તે હંમેશા વિજયી બન્યો.

    ઇબ્રાહિમ લોદી ખુલ્લેઆમ દરબારીઓનું અપમાન કરતો હતો. જેના પર શંકા હતી તેને કાં તો કેદ કરી લેતો અથવા મારી નાખતો. જેના કારણે દરબારીઓના મનમાં વાત બેસી ગઈ કે તેમનામાંથી કોઈનું પણ જીવન સુરક્ષિત નથી. જેના કારણે તેના દરબારમાં અસંતોષ ફેલાયો. આ બધામાં તેનો ભાઈ અને કાકા પણ સામેલ હતા. ભાઈ જલાલની હત્યા પછી, તેનો જમીનદાર કાકો આલમ ખાન કાબુલ ભાગી ગયો.

    જલાલ ખાનનો બળવો

    સિકંદર લોદીના મૃત્યુ પછી, તેના દરબારના ઉમરાવોએ જૌનપુરથી ગ્વાલિયર થઈને લાહોર સુધી વિસ્તરેલા લોદી સામ્રાજ્યને બે ભાગમાં વહેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ પાછળનો હેતુ એ હતો કે સિકંદર લોદીના બે પુત્રો – જલાલ ખાન અને ઇબ્રાહિમ ખાન વચ્ચેના ખૂની યુદ્ધમાં સલ્તનતનો વિનાશ ન થાય. દરબારીઓ જલાલ ખાનને જૌનપુર લઈ ગયા અને ત્યાં તેને રાજા બનાવી દીધો.

    જોકે, રાપરીના ગવર્નર ખાન જહાન લોહાનીએ આ રણનીતિની નિંદા કરી હતી. તેમને ડર હતો કે પડોશી રાજપૂતો સાથે ચાલી રહેલી ટક્કરના કારણે લોદી રાજવંશનો નાશ થશે. ખૂબ વિચાર કર્યા પછી, દરબારીઓએ જલાલ ખાનને જૌનપુર છોડવા માટે મનાવવા માટે હૈબત ખાનને મોકલ્યો. ‘ભેડિયા-હત્યારા’ તરીકે કુખ્યાત હૈબત ખાનને જલાલ ખાને સ્પષ્ટપણે કહી દીધું કે તે જૌનપુર છોડશે નહીં.

    ત્યારબાદ ઇબ્રાહિમે એક ફરમાન બહાર પાડ્યું જેમાં તેણે અમીરોને જલાલ ખાનનું અનુસરણ ન કરવાની ચેતવણી આપી. ઇબ્રાહિમના વિરોધી આઝમ હુમાયુ ખુલ્લેઆમ જલાલ ખાનના સમર્થનમાં આવી ગયો. આખરે ઇબ્રાહિમ લોદીએ તેના બધા ભાઈઓ અને બહેનોને હાંસી કિલ્લામાં કેદ કારવી દીધા. ત્યારપછી તેણે જલાલ ખાન પર હુમલો કર્યો. કાલપીની ઘેરાબંધી કરીને કિલ્લાને નષ્ટ કરી દીધો.

    જલાલ ખાનને આ વાતની જાણ થતાં જ તે આગ્રા તરફ ભાગી ગયો. જ્યારે તેને ખબર પડી કે ઇબ્રાહિમે તેની હત્યાનો આદેશ આપ્યો છે, ત્યારે તેણે ગ્વાલિયરના રાજા પાસે પહોંચ્યો અને રક્ષણ માંગ્યું. ગ્વાલિયર કિલ્લો કબજે થતા તે માળવા પાછો જવા નીકળી ગયો. તેને ગોંડવાનામાં પકડવામાં આવ્યો અને અંતે હાંસી જતા રસ્તામાં જલાલ ખાનની હત્યા કરવામાં આવી.

    જલાલના સહયોગી વિરુદ્ધ યુદ્ધની ઘોષણા

    ઇબ્રાહિમ લોદીને શંકા હતી કે આઝમ હુમાયુ જલાલ ખાનનો સાથી છે. તેણે ગ્વાલિયરના આઝમ હુમાયુને બોલાવ્યો. આઝમ પોતાના પુત્ર ફતેહ ખાન સાથે ઇબ્રાહિમને મળવા આવ્યો. ઇબ્રાહિમ લોદીએ બંનેને કેદ કરી દીધા. આ સાથે, આઝમ હુમાયુના બીજા પુત્ર ઇસ્લામ ખાનને કાડા-માનિકપુરના ગવર્નર પદ પરથી હટાવી દેવામાં આવ્યો. આઝમ હુમાયુ સાથે જે કંઈ થયું તેનાથી દરબારીઓમાં ગુસ્સો ભડકેલો હતો.

    ત્યારબાદ બળવાખોરોએ 40,000 ઘોડેસવાર અને 500 હાથીઓ સાથે મોટી સંખ્યામાં પાયદળ સૈન્ય એકત્ર કર્યું. આ માહિતી મળતાની સાથે જ ઇસ્લામિક મૌલાના શેખ રઝા બુખારીએ બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ઇબ્રાહિમે આઝમ હુમાયુને મુક્ત કરવાની તેમની માંગણીને નકારી કાઢી હતી. આ યુદ્ધમાં ઇબ્રાહિમ ખાન જીતી ગયો હતો.

    દૌલત ખાનનો બળવો

    પરિસ્થિતિ જોઈને દૌલત ખાને પણ બળવાની તૈયારી શરૂ કરી દીધી. તેણે ઇબ્રાહિમ લોદીને કર ચૂકવવાનું બંધ કરી દીધું. દૌલત ખાન તાતાર ખાનનો પુત્ર હતો, જે સિકંદર લોદીના શાસનકાળમાં 20 વર્ષથી વધુ સમય સુધી પંજાબનો ગવર્નર રહ્યો હતો અને સલ્તનત માટે ઉત્તરપશ્ચિમ સરહદને અસરકારક રીતે સુરક્ષિત કરી હતી. અંતે, ઇબ્રાહિમ લોદીએ દૌલત ખાનને બોલાવ્યો.

    દૌલત ખાન જાણતો હતો કે ઘણા દરબારીઓની હત્યા થઈ ગઈ છે. તેથી, તેને લાગ્યું કે ઇબ્રાહિમ લોદીના ઈરાદા સારા નથી. ત્યારપછી તેણે પોતાના પુત્ર દિલાવર ખાનને પોતાના સ્થાને આગ્રા મોકલ્યો. તે સમયે દિલ્હી સલ્તનતની રાજધાની દિલ્હીથી આગ્રા ખસેડાઈ હતી. જ્યારે ઇબ્રાહિમે જોયું કે દૌલત ખાનની જગ્યાએ તેનો દીકરો આવ્યો છે ત્યારે તે ગુસ્સે થઈ ગયો.

    તેણે ધમકી આઈ કે જો તેના આદેશોનું પાલન નહીં કરવામાં આવે તો દીકરા અને અબ્બુને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તે સમય દરમિયાન, દિલાવર ખાનને બળવાખોરો પર થઈ રહેલા અત્યાચારોના ભયાનક દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. જે જોઈને દિલાવર ડરી ગયો. ઈબ્રાહિમે દિલાવરને પણ કેદ કરી લીધો હતો. જોકે, કોઈક રીતે દિલાવર ખાન ભાગી જવામાં સફળ રહ્યો અને તેણે તેના પિતા દૌલત ખાનને બધી બાબતોની જાણ કરી.

    ત્યારપછી દૌલત ખાને તેના કાકા આલમ ખાનનો સંપર્ક કર્યો, જે ઇબ્રાહિમ લોદીથી નારાજ હતા. આ લોકોએ ઇબ્રાહિમ લોદીના શાસનને પડકારવા માટે બાબરની મદદ માંગી હતી. આ પહેલાં બાબરે 1503, પછી 1504, 1518 અને 1519માં હુમલો કર્યો હતો, પરંતુ સફળ થયો ન હતો. તે પંજાબનો થોડો ભાગ લૂંટીને પાછો ફરી ગયો હતો.

    આ વખતે તેને ઇબ્રાહિમ તરફથી ખૂબ જ શક્તિશાળી ગવર્નરની ઓફર મળી અને તે ખુશ થઈ ગયો. આલમ ખાન બાબરના દરબારમાં કાબુલ પણ ગયો હતો. ત્યાં આલમ ખાને બાબરને ભારતમાં રાજકીય અસ્થિરતા વિશે જણાવ્યું. ત્યારપછી બાબરે પોતાનો દૂત પંજાબ મોકલ્યો. જેણે આલમ ખાને જે કહ્યું હતું તેની પુષ્ટિ કરી. ત્યારપછી, બાબર ઇબ્રાહિમ લોદી પર હુમલો કરવા માટે તૈયાર થઈ ગયો.

    દૌલત ખાનનો ખરો ઉદ્દેશ બાબરનો પ્યાદા તરીકે ઉપયોગ કરવાનો હતો. તેણે વિચાર્યું કે બાબર લૂંટારો છે અને લૂંટ ચલાવીને પાછો જતો રહેશે અને પોતે પંજાબ અને દિલ્હીમાં પોતાના પ્યાદા મૂકીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરશે. એવું નક્કી થયું કે પંજાબ દૌલત ખાન પાસે રહેશે અને દિલ્હી ઇબ્રાહિમ લોદીના કાકા આલમ ખાનને આપવામાં આવશે. આલમ ખાને ગાદી મેળવ્યા વિના પોતાનું નામ બદલીને સુલતાન અલાઉદ્દીન રાખી લીધું હતું.

    નિમંત્રણ મળ્યા પછી, બાબરે 1524માં ખૈબર પાસ થઈને લાહોર તરફ કૂચ કરી. તેણે પોતાના માર્ગમાં જીતેલા બધા ગામડાઓ અને કસબાઓને સળગાવી નાખ્યા. લાહોરમાં તૈનાત ઇબ્રાહિમની સેનાને બાબરે હરાવી દીધી. બાબરે ચાર દિવસ સુધી લાહોર લૂંટ્યું અને પછી તેને સળગાવી નાખ્યું. ત્યારપછી તે દેવપાલપુર ગયો. ત્યાં બાબરે આખી સેનાને મોતને ઘાટ ઉતારી દીધી.

    Babur - Wikipedia
    બાબર (ફોટો: વિકિપેડિયા)

    દૌલત ખાન બાબરને દેવપાલપુરમાં મળ્યો. બાબરે લાહોરને લૂંટીને સળગાવી નાખ્યું હતું તે જોઈને દૌલત નિરાશ થયો. જોકે, બાબરે તેની વાત સાંભળી નહીં. હવે તેને ખ્યાલ આવી રહ્યો હતો કે શું થવાનું છે. બીજી બાજુ, પંજાબ પર વિજય મેળવ્યા પછી, બાબરે તેને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. બાબરે જલંધર અને સુલતાનપુરની જમીનો દોલત ખાનને આપી.

    જોકે, પાછળથી દૌલત ખાનના ખરાબ વર્તનને કારણે આ જમીનો છીનવી લેવામાં આવી અને તેના મોટા પુત્ર દિલાવર ખાનને સોંપવામાં આવી. પંજાબ પર શાસન કરવાની તૈયારીઓ કર્યા પછી, બાબર કાબુલ પાછો ફર્યો. બાબરના જતાની સાથે જ દૌલત ખાને સુલતાનપુરમાંથી પોતાના પુત્રની જાગીર છીનવી લીધી અને આલમ ખાનને દિપાલપુરમાંથી હાંકી કાઢ્યો.

    તાજ અને સિંહાસન વિના સુલતાન અલાઉદ્દીન તરીકે ફરતો આલમ ખાન ફરીથી કાબુલમાં બાબર પાસે ગયો અને દૌલત ખાન વિશે ફરિયાદ કરી. આ પછી, બાબર ઇ.સ 1526માં ભારત આવ્યો અને આ વખતે પંજાબ થઈને સીધો દિલ્હી પર હુમલો કર્યો. પાણીપતના આ પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ માર્યો ગયો. આ રીતે મુઘલ રાજવંશની શરૂઆત થઈ.

    રાણા સાંગા સાથે યુદ્ધ

    મેવાડ તે સમયે સૌથી શક્તિશાળી પ્રદેશ હતો. મહારાણા સંગ્રામ સિંઘ ઉર્ફે રાણા સાંગા તેમની બહાદુરી, નેતૃત્વ કૌશલ્ય અને વ્યૂહાત્મક ચતુરાઈ માટે સમગ્ર ઉપખંડમાં પ્રખ્યાત હતા. તેમણે પોતાના પૂર્વજ બાપ્પા રાવલ પછી બીજી વખત બધા હિંદુ રાજાઓને એક છત્ર નીચે લાવવાનું કામ કર્યું હતું. માળવા, ગુજરાત અને દિલ્હી જેવા શક્તિશાળી મુસ્લિમ સુલ્તાનોથી ઘેરાયેલા હોવા છતાં, રાણા સાંગા મેવાડ અને અન્ય રાજપૂત પ્રદેશોને બચાવવામાં સફળ રહ્યા હતા.

    રાણા સાંગાએ ઇબ્રાહિમ લોદીના પિતા સિકંદર લોદીને પણ હરાવ્યો હતો. જ્યારે માળવામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે રાણા સાંગાએ મેદિની રાયનો પક્ષ લીધો હતો. તે જ સમયે, સિકંદર લોદીએ માળવાના સુલતાન મહમૂદ ખિલજી બીજાને ટેકો આપ્યો હતો. જ્યારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ, ત્યારે માળવાના સુલતાન ખિલજીએ ગુજરાત પાસેથી મદદ માંગી. રાણા સાંગાએ ત્રણેય સુલતાનોની સંયુક્ત સેનાને હરાવી અને મેદિની રાયને માળવાના સિંહાસન પર બેસાડ્યા હતા.

    Rana Sanga Controversy: Samajwadi Party Leader's Remarks Ignite Historical  Debate In Rajasthan
    (મહારાણા સાંગા ફોટો: NDTV)

    ત્યારપછી પછી, ઇબ્રાહિમ લોદીને મેવાડ સાથે સિકંદર લોદીની દુશ્મની વારસામાં મળી હતી. રાણા સાંગાએ દિલ્હીના ઘણા વિસ્તારોને પોતાના રાજ્યમાં જોડી દીધા હતા. ત્યારપછી ઇબ્રાહિમે મેવાડ સામે કૂચ કરી. 1517માં ગ્વાલિયર નજીક ખતૌલીના યુદ્ધમાં, રાણા સાંગાએ ઇબ્રાહિમ લોદીને ખરાબ રીતે હરાવ્યો હતો. આ યુદ્ધમાં રાણા સાંગાએ પોતાનો ડાબો હાથ અને એક પગ ગુમાવ્યો હતો.

    આ સમય દરમિયાન, રાજપૂત સેનાએ લોદી વંશના રાજકુમાર ગિયાસુદ્દીનને પકડી લીધો. ત્યારપછી, 1518-19માં, ઇબ્રાહિમે ફરીથી મેવાડ પર હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું. તેણે મેવાડ પર હુમલો કરવા માટે એક મોટી સેના મોકલી. ધૌલપુરમાં બંને સેનાઓ આમને-સામને આવી ગઈ. આમાં પણ લોદી સેનાને કારમી હારનો સામનો કરવો પડ્યો. રાણા સાંગાની સેનાએ બાયના સુધી તેનો પીછો કર્યો.

    પાછળથી, રાણા સાંગાએ ઇબ્રાહિમના શાસન હેઠળના ચંદેરીને પોતાના રાજ્યમાં ભેળવી દીધું, પરંતુ ઇબ્રાહિમ તેનો વિરોધ કરવાની હિંમત પણ એકઠી કરી શક્યો નહીં. ચંદેરીના પરાજય સાથે, ઇબ્રાહિમ લોદીની દક્ષિણની ચોકી પણ હાથમાંથી નીકળી ગઈ. ઈતિહાસકાર ટૉડ અનુસાર, રાણા સાંગાએ ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા, માલવાના સુલતાન મહમૂદ અને દિલ્હીના સુલતાન ઈબ્રાહિમ લોદી સામે 18 યુદ્ધો લડ્યા અને જીત્યા હતા.

    આમાં, બાકરોલ, ઘાટોલી અને ખતૌલીનું યુદ્ધ મુખ્ય છે. મેવાડ સાથેના આ લાંબા યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને ભારે નુકસાન થયું. મહારાણા સાંગાએ તેમના જીવનમાં 100થી વધુ યુદ્ધો લડ્યા હોવાનું કહેવાય છે અને ખાનવાના યુદ્ધ સિવાય તમામમાં વિજય મેળવ્યો હતો. રાણા સાંગાએ દિલ્હી સલ્તનત સાથે માળવાના મોટા ભાગને મેવાડ સાથે જોડી દીધો.

    મેવાડ સાથેના યુદ્ધમાં, ઇબ્રાહિમે માત્ર પ્રદેશ જ નહીં, પણ સંસાધનો અને સન્માન પણ ગુમાવ્યું. વારંવારના યુદ્ધોને કારણે ઇબ્રાહિમ લોદી નબળો પડી ગયો હતો. બીજી બાજુ, તકની રાહ જોઈ રહેલા બાબરે ઝડપથી આવીને 1526માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને તેને મારી નાખ્યો, આમ મુઘલ રાજવંશનો પાયો નાખ્યો. ઉલ્લેખનીય છે કે રાણા સાંગાએ બયાનાના યુદ્ધમાં બાબરને પણ ખરાબ રીતે હરાવ્યો હતો.

    આ લેખ મૂળ હિન્દીમાં પ્રકાશિત થયેલ છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં