ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના (SP) રાજ્યસભા સાંસદ (MP) રામજી લાલ સુમને રાણા સાંગા (Rana Sanga) તરીકે પ્રખ્યાત થયેલા મહારાણા સંગ્રામ સિંહને ‘ગદ્દાર’ કહીને વિવાદ ઊભો કરી દીધો છે. શનિવારે (22 માર્ચ) રાજ્યસભામાં બોલતા તેમણે કહ્યું હતું કે, રાણા સાંગાએ જ બાબરને (Babur) ઈબ્રાહીમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો. તેમણે હિંદુઓને ‘ગદ્દાર’ રાણા સાંગાના વંશજ ગણાવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે ઇતિહાસ આ વિશે શું કહે છે.
એક ઇકોસિસ્ટમના ચેલાઓ ઘણીવાર દાવો કરે છે કે, રાણા સાંગાએ તત્કાલીન દિલ્હી સુલ્તાન ઈબ્રાહીમ લોદીને હરાવવા માટે બાબરને ભારત બોલાવ્યો હતો. જોકે, એ વાત સાચી છે કે રાણા સાંગાએ પહેલાં જ ઈબ્રાહીમ લોદીને વારંવાર હરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે ગુજરાત અને માળવાના સુલતાનોની સેનાઓને ઘણી વખત અલગ-અલગ હરાવ્યા પછી બંનેની સંયુક્ત સેનાને પણ હરાવી હતી. તેવામાં તેમને કોઈ બહારની વ્યક્તિની મદદની શું અને શા માટે જરૂર પડે?
1508માં મેવાડના શાસક બનેલા મહારાણા સાંગાએ પોતાના જીવનમાં 100થી વધુ યુદ્ધો લડ્યા હતા, પરંતુ ખાનવા સિવાય કોઈ પણ યુદ્ધમાં તેમનો પરાજય થયો ન હતો. આ જ કારણ છે કે, તેમની બહાદુરી જોઈને તેમને ‘હિંદુપત’નું બિરુદ મળ્યું હતું. આ લડાઈઓને કારણે તેમણે એક આંખ ગુમાવી હતી, એક હાથ ગુમાવ્યો હતો અને એક પગ પણ કામ કરતો નહોતો. શરીર પર 80થી વધુ અત્યધિક ગંભીર ઘાનાં નિશાન હતાં.
મહારાણા સંગ્રામ સિંહના શાસન હેઠળ મેવાડની સીમાઓ દૂર દૂર સુધી ફેલાઈ હતી. મેવાડની સીમાઓ પૂર્વમાં આગ્રા (હાલમાં ઉત્તર પ્રદેશ) અને દક્ષિણમાં ગુજરાતની સીમાઓ સુધી પહોંચી હતી. રાજપૂતાના ઇતિહાસના વિદ્વાન કર્નલ જેમ્સ ટોડના મતે મહારાણા સંગ્રામ સિંહ પાસે 80,000 ઘોડા, 500 હાથી અને લગભગ 2 લાખ પાયદળ સૈનિકો હતા.
કર્નલ જેમ્સ ટોડે જણાવ્યું હતું કે, મહારાણા સંગ્રામ સિંહ પાસે સાત ઉચ્ચ કક્ષાના રાજાઓ હતા, 9 રાવ અને 104 રાવલ પણ હતા. મારવાડ અને આંબેર તેમનું ખૂબ સન્માન કરતા હતા. ગ્વાલિયર, અજમેર, સિક્રી, રાયસેન, કાલપી, ચંદેરી, બુંદી, ગાગરોન, રામપુરા અને આબુના રાજાઓએ તેમને પોતાના અધિપતિ તરીકે સ્વીકાર્યા હતા. આ સાથે જ હિંદુઓ તેમને પોતાના ભગવાન માનતા હતા.
માત્ર ઈબ્રાહીમ લોદી જ નહીં, પરંતુ માળવા-ગુજરાતના સુલતાનોને પણ હરાવ્યા હતા
રાણા સાંગાએ દિલ્હી, માળવા અને ગુજરાતના સુલતાનો સાથે 18 ભીષણ યુદ્ધો લડ્યાં હતાં અને તે બધાને હરાવ્યા પણ હતા. તેમના શાસનકાળ દરમિયાન તેમણે આધુનિક રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાતના ઉત્તરીય ભાગો અને પાકિસ્તાનમાં અમરાકોટ સહિત કેટલાક અન્ય ભાગો જીતી લીધા અને તેમને પોતાના રાજ્યમાં જોડી દીધા હતા. 1305માં પરમાર સામ્રાજ્યના પતન પછી તેમણે પ્રથમ વખત માળવામાં રાજપૂત શાસન પુનઃસ્થાપિત કર્યું હતું.
ખતોલીનું યુદ્ધ 1517માં દિલ્હીના સુલતાન ઈબ્રાહીમ લોદીના નેતૃત્વ હેઠળના લોદી વંશ અને રાણા સાંગાના નેતૃત્વ હેઠળના મેવાડ રાજ્ય વચ્ચે લડાયું હતું. આ યુદ્ધમાં રાણા સાંગાએ ઈબ્રાહીમ લોદીને કારમી હાર આપી હતી. લોદીએ 1518-19માં ફરીથી હુમલો કરીને રાણા સાંગાથી બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાણા સાંગાએ ફરીથી રાજસ્થાનના ધોલપુર ખાતે તેને હરાવ્યો હતો. જે બાદ ઈબ્રાહીમ લોદી ત્યાંથી ભાગી ગયો હતો.
ઈબ્રાહીમ લોદીએ રાણા સાંગા સાથે ઘણી વાર યુદ્ધ કર્યું, પરંતુ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધોને કારણે લોદીએ આધુનિક રાજસ્થાનમાં પોતાની બધી જમીન ગુમાવી દીધી હતી. જ્યારે રાણા સાંગાએ આગ્રાના પીલિયા ખાર સુધી પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. 16મી સદીની પાંડુલિપિ ‘પાર્શ્વનાથ-શ્રવણ-સત્તવીસી’ મુજબ, રાણા સાંગાએ મંદસૌરના ઘેરા પછી રણથંભોર ખાતે ઈબ્રાહીમ લોદીને ફરી હરાવ્યો હતો.
1517માં અને ફરી 1519માં તેમણે માળવાના ઇસ્લામી શાસક મહમૂદ ખિલજી બીજાને હરાવ્યો હતો. આ યુદ્ધ ઇડર અને ગાગરોન ખાતે લડાયું હતું. રાણા સાંગાએ મહમૂદને પકડીને 2 મહિના સુધી બંધક બનાવ્યો હતો. બાદમાં મહમૂદે માફી માંગી હતી અને ફરી હુમલો ન કરવાની કસમ ખાધી હતી. ત્યારપછી જઈને રાણા સાંગાએ સનાતન યુદ્ધના નિયમોનું પાલન કરીને તેને મુક્ત કર્યો હતો. જોકે, બદલામાં તેણે મહમૂદના રાજ્યનો મોટો ભાગ પોતાના રાજ્યમાં જોડી દીધો હતો.
1520માં રાણા સાંગાએ ઇડર રાજ્યના નિઝામ ખાનની મુસ્લિમ સેનાને હરાવી અને તેને અમદાવાદ તરફ ધકેલી દીધી હતી. રાણા સાંગાએ અમદાવાદની રાજધાનીથી 20 માઇલ દૂર પોતાનું આક્રમણ અટકાવી દીધું હતું. શ્રેણીબદ્ધ યુદ્ધો પછી રાણા સાંગાએ ઉત્તર ગુજરાત પર સફળતાપૂર્વક કબજો કર્યો હતો અને તેમના એક જાગીરદારને ત્યાંનો શાસક બનાવ્યો હતો. રાણા સાંગાએ હટેલી ખાતે માળવા અને ગુજરાતના સુલતાનની સંયુક્ત સેનાને પણ હરાવી હતી.
એ જ રીતે રાણા સાંગાએ માળવાના સુલતાન નસીરુદ્દીન ખિલજીને પણ કારમી હાર આપી હતી અને ગાગરોન, ભીલસા, રાયસેન, સારંગપુર, ચંદેરી અને રણથંભોરને પોતાના રાજ્યમાં ભેળવી દીધા હતા. મહારાણા સાંગાએ તેમના દ્વારા જીતાયેલા તમામ રાજ્યોના બિન-મુસ્લિમો પર ઇસ્લામી શાસકો દ્વારા લાદવામાં આવતો જઝિયા કર નાબૂદ કર્યો અને તેમના દ્વારા બાંધવામાં આવેલી મસ્જિદો અને કબરો તોડી પાડી હતી.
બયાના યુદ્ધમાં રાણા સાંગાએ બાબરને કર્યો હતો પરાજિત
બાબરે પંજાબ અને સિંધ પર વિજય મેળવ્યા પછી દિલ્હી કબજે કરવાની યોજના બનાવી હતી. તેણે દિલ્હીના સુલતાન ઈબ્રાહીમ લોદી પર હુમલો કરી દીધો હતો. 21 એપ્રિલ, 1526ના રોજ હરિયાણાના પાણીપત ખાતે બાબર અને ઈબ્રાહીમ લોદી વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. બાબર આ યુદ્ધમાં જીત્યો હતો અને તેણે ઈબ્રાહીમ લોદીની હત્યા કરી નાખી હતી. ઈબ્રાહીમની હત્યા બાદ બાબરનો પ્રભાવ ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો.
જોકે, ચિત્તોડમાં રાણા સાંગા અને પૂર્વમાં અફઘાનો તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા હતા. રાણા સાંગા બાબરની વધતી તાકાતને રોકવા માટે તૈયારીઓમાં જોતરાઈ ગયા હતા. તેમણે બાબરના અધિકારક્ષેત્ર હેઠળના આગ્રા પર હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી હતી. જ્યારે બાબરને આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાના પુત્ર હુમાયુને બોલાવ્યો હતો. તે સમયે આગ્રાની બહાર ધોલપુર, ગ્વાલિયર અને બયાનાના મજબૂત કિલ્લાઓ હતા.
બાબરે સૌપ્રથમ આ કિલ્લાઓનો કબજો મેળવવાની યોજના બનાવી હતી. બયાના કિલ્લો નિઝામ ખાનના નિયંત્રણ હેઠળ હતો. બાબરે તેની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ નિઝામ ખાન બાબરના પક્ષે જોડાઈ ગયો હતો. 21 ફેબ્રુઆરી 1527ના રોજ બાબર અને રાણા સાંગાની સેનાઓ બયાના ખાતે યુદ્ધના મેદાનમાં અથડાઈ હતી. આ યુદ્ધમાં બાબરની સેનાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને બાબર જીવ બચાવીને આગ્રા પરત ફર્યો હતો.
આ યુદ્ધમાં મહારાણા સાંગાનો સાથ મારવાડના શાસક રાવ ગાંગાના પુત્ર માલદેવ, ચંદેરીના મેદિની રાય, મેડતાના રાયમલ રાઠોડ, સિરોહીના અખેરાજ દુદા, ડુંગરપુરના રાવલ ઉદય સિંહ, સલૂમ્બરના રાવત રતનસિંહ, સાદડીના ઝાલા અજ્જા, ગોગુન્દાના ઝાલા સજ્જા, ઉત્તર પ્રદેશના ચંદાવર વિસ્તારના ચંદ્રભાન સિંહ, માણિકચંદ ચૌહાણ અને મહેંદી ખ્વાજા જેવા વીરોએ આપ્યો હતો.
સ્કોટિશ ઇતિહાસકાર વિલિયમ એસ્ક્રિન લખે છે કે, બાબર રાણા સાંગાના પરાક્રમથી પહેલાંથી જ વાકેફ હતો, પરંતુ બયાનાના યુદ્ધમાં તેનો સામનો પહેલી વાર થયો હતો. તેઓ લખે છે કે, “બયાનામાં મુઘલોને સમજાયું કે, તેમનો સામનો અફઘાનો કરતા ઘણી વધુ ભયંકર સેના સાથે થયો છે. રાજપૂતો હંમેશા યુદ્ધના મેદાનમાં લડવા માટે તૈયાર રહેતા હતા અને પોતાના જીવનનું બલિદાન આપવામાં અચકાતા નહોતા.”
આ યુદ્ધ વિશે બાબરે પોતે પોતાની આત્મકથા ‘બાબરનામા’માં લખ્યું છે કે, “કાફિરોએ એટલું ભીષણ યુદ્ધ કર્યું કે મુઘલ સેનાનું મનોબળ તૂટી ગયું. તેઓ ગભરાઈ ગયા હતા.” ઇતિહાસકાર વી.કે. કૃષ્ણરાવના મતે, રાણા સાંગા બાબરને ‘જુલમી’ અને વિદેશી આક્રમણખોર માનતા હતા. તેઓ દિલ્હી અને આગ્રા જીતીને વિદેશી આક્રાંતાઓનો અંત લાવવા માંગતા હતા.
ખાનવાનું યુદ્ધ અને એક તીરે બદલી નાખ્યું ભાગ્ય
બયાનાની ભયાનક હારથી બાબર નિરાશ થઈ ગયો હતો. તેના સૈનિકો તેની પાસે જઈને હિન્દુસ્તાન છોડવાની વાત કરવા લાગ્યા હતા. જોકે, બાબર વધુ એક તક અજમાવવા માંગતો હતો. તેણે સેનાને એક રાખવા માટે ઇસ્લામનો ઉપયોગ કર્યો હતો. તેણે રાજપૂતોને સમર્થન આપતા અફઘાનોને કાફિર અને ગદ્દાર કહીને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. ઇસ્લામના નામે તેણે પોતાના સૈનિકોમાં હવાઈ જોશ ભરી દીધો હતો.
તેણે પોતાના સૈનિકોને કહ્યું હતું કે, “સરદાર અને સિપાહીઓ, આ દુનિયામાં આવનાર દરેક વ્યક્તિએ મરવું જ પડશે. જ્યારે આપણે જતાં રહીશું, ત્યારે ફક્ત ખુદા જ રહેશે. અહીં બદનામી સાથે જીવવા કરતાં ઇજ્જત સાથે મરવું વધુ સારું છે. ખુદાએ આપણાં પર ઘણી મહેરબાની કરી છે. જો આપણે આ જંગમાં મરી જઈશું, તો આપણને ‘શહીદ’ કહેવામાં આવશે અને જો આપણે જીતીશું, તો આપણને ‘ગાઝી’ કહેવામાં આવશે. તેથી, તમારા હાથમાં કુરાન લો અને શપથ લો કે જ્યાં સુધી તમે જીવો છો, ત્યાં સુધી કોઈ જંગમાં પીઠ ફેરવશો નહીં.”
બીજી તરફ ‘માનવોનું ખંડર’ કહેવાતા રાણા સાંગા પણ બાબરને અંતિમ ફટકો આપવા માંગતા હતા. તેમણે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. આખરે 16 માર્ચ 1527ના રોજ બાબર અને રાણા સાંગાની સેના આગ્રાથી 60 કિલોમીટર પશ્ચિમમાં ખાનવા ખાતે સામસામે આવી ગઈ હતી. એવું કહેવાય છે કે, રાણા સાંગાની સેનામાં 1 લાખ સૈનિકો હતા, જ્યારે બાબર પાસે 80 હજાર હતા. બધા ઇતિહાસકારો સહમત છે કે રાણા સાંગાનું સૈન્ય બાબર કરતાં ઘણું શક્તિશાળી હતું.
તે સમયે બાબરના બારુત સામે રાજપૂતોની તલવારો લડી રહી હતી. આ પહેલી વાર હતું જ્યારે ભારતે ગનપાઉડર, તોપો અને બંદૂકો જોઈ હતી. ઇતિહાસકારો માને છે કે જો બાબર પાસે તોપો ન હોત તો રાણા સાંગાને હરાવવાનું મુશ્કેલ બન્યું હોત. પોતાના પૂર્વજ બપ્પા રાવલની જેમ રાણા સાંગાએ પણ વિદેશી આક્રમણકારો સામે લડવા માટે હિંદુ શાસકોનું ગઠબંધન બનાવ્યું હતું.
ઇતિહાસકાર પ્રદીપ બરુઆ લખે છે કે, જો બાબરે તોપોની મદદ ન લીધી હોત અને પાણીપતની રણનીતિનું પુનરાવર્તન ન કર્યું હોત, તો કદાચ મેવાડનો ભગવો ધ્વજ દિલ્હીમાં લહેરાતો હોત. આ યુદ્ધ પછી રાણા સાંગા દ્વારા રચાયેલ હિંદુઓનું ગઠબંધન હંમેશા માટે તૂટી ગયું અને મુઘલોએ આગામી 250 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું.
શું રાણા સાંગાએ બોલાવ્યો હતો બાબરને?
ઇતિહાસકારો માને છે કે, પંજાબનો ગવર્નર દૌલત ખાન દિલ્હીના સુલતાન ઈબ્રાહીમ લોદીની જગ્યા લેવા માંગતો હતો. તે જાણતો હતો કે ફરગનાનો શાસક બાબર અફઘાનિસ્તાન જીતીને ભારત તરફ આવી રહ્યો છે. તે જ સમયે ઈબ્રાહીમ લોદીનો ચાચો આલમ ખાન પણ સલ્તનત કબજે કરવા માંગતો હતો. તે બાબરને ઓળખતો હતો. આલમ ખાન અને દૌલત ખાને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
વાસ્તવમાં, 1523માં દિલ્હી સલ્તનતના અગ્રણી લોકોએ બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમાં સુલતાન સિકંદર લોદીના ભાઈ આલમ ખાન લોદી, પંજાબના ગવર્નર દૌલત ખાન લોદી અને ઈબ્રાહીમ લોદીના ચાચા અલાઉદ્દીન લોદીનો સમાવેશ થાય છે. આ લોકોએ ઈબ્રાહીમ લોદીના શાસનને પડકારવા માટે બાબરની મદદ માંગી હતી. આલમ ખાને બાબરના દરબારની મુલાકાત પણ લીધી હતી.
ત્યાં આલમ ખાન લોદીએ બાબરને ભારતમાં રાજકીય અસ્થિરતા વિશે માહિતી આપી. આ પછી બાબરે પોતાનો દૂત પંજાબ મોકલ્યો હતો. તેના દૂતના અહેવાલે આલમ ખાને જે કહ્યું હતું તેની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ બાબર ‘હિન્દુસ્તાન ફતેહ’ કરવાનું સપનું જોવા લાગ્યો હતો. તેણે 1503માં, પછી 1504માં, 1518માં અને 1519માં ભારત પર હુમલો કર્યો હતો. જોકે, તે સફળ થઈ શક્યો નહોતો.
ત્યારબાદ બાબરે 1526માં ઈબ્રાહીમ લોદી પર હુમલો કરી દીધો હતો. રાણા સાંગાએ તેને અનેક યુદ્ધોમાં હરાવીને પહેલાંથી જ નબળો પાડી દીધો હતો. આ કારણે પાણીપતના આ યુદ્ધમાં બાબરે ઈબ્રાહીમ લોદીને ખરાબ રીતે હરાવ્યો અને હિન્દુસ્તાનની ગાદી પર કબજો કરી લીધો હતો. આ પહેલાં તે ગાદી કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે રાણા સંગ્રામ સિંહ ઉર્ફે રાણા સાંગાથી ડરતો હતો.
ઇતિહાસકારો એ વાતનો ઇનકાર કરે છે કે, રાણા સાંગાએ ઈબ્રાહીમ લોદીને હરાવવા માટે બાબરને બોલાવ્યો હતો. વાસ્તવિકતા એ છે કે, રાણા સાંગા તે સમયના સૌથી શક્તિશાળી શાસક હતા. તેમણે રાજપૂતાનાના (રાજસ્થાનનું જૂનું નામ) તમામ શાસકોને એક કરીને ગઠબંધન બનાવ્યું હતું. તે આખા ગઠબંધનને હરાવવું અશક્ય હતું. તેમણે દિલ્હીના સુલતાનથી લઈને શક્તિશાળી ગુજરાત અને માળવાના મુસ્લિમ શાસકો સુધી બધાને હરાવ્યા હતા.
રાણા સાંગાએ ઈબ્રાહીમ લોદીને વારંવાર હરાવ્યો હતો. બાબરનો પણ એક વખત બયાનાના યુદ્ધમાં પરાજય થયો હતો. તેથી, એમ કહેવું કે, રાણા સાંગાએ ઈબ્રાહીમ લોદીને હરાવવા માટે બાબરને બોલાવ્યો હતો તે સંપૂર્ણપણે ખોટું છે. બયાનાના યુદ્ધમાં હાર પછી બાબરે પોતે પોતાની આત્મકથા બાબરનામામાં લખ્યું હતું કે, “હિન્દુસ્તાનમાં રાણા સાંગા અને દખ્ખણમાં કૃષ્ણદેવ રાયથી મહાન કોઈ શાસક નથી.”
‘રાષ્ટ્રીય રાજનીતિ મે મેવાડ કા પ્રભાવ’ પુસ્તક લખનારા ડૉ. મોહનલાલ ગુપ્તા પણ આ વાત સાથે સહમત નથી. તેઓ લખે છે કે, બાબર દિલ્હી કબજે કરવા માંગતો હતો અને તે ઈબ્રાહીમ લોદી અને રાણા સાંગા વચ્ચેની શત્રુતાથી વાકેફ હતો. તેને ધ્યાનમાં રાખીને બાબરે રાણા સાંગા પાસે એક દૂત મોકલ્યો હતો અને કહ્યું હતું કે, બાબર દિલ્હીના સુલતાન ઈબ્રાહીમ લોદી સાથે યુદ્ધ કરવા માંગે છે.
દૂતે રાણા સાંગાને કહ્યું હતું કે, આ જ કારણ છે કે, બાબરે તેમને સંધિનો પત્ર મોકલ્યો છે. મોહનલાલ ગુપ્તા પોતાના પુસ્તકમાં આગળ લખે છે કે, બાબરે આગળ લખ્યું હતું કે તે દિલ્હી પર હુમલો કરશે. જોકે, મોટાભાગના ઇતિહાસકારો આ ઉપજાવી કાઢેલા તૂત સાથે સહમત નથી. તેમનું માનવું છે કે તે સમયના સૌથી શક્તિશાળી રાજાને કોઈ બહારના વ્યક્તિની મદદની જરૂર નહોતી.
GN શર્મા અને ગૌરીશંકર હીરાચંદ ઓઝા જેવા ઘણા ઇતિહાસકારો માને છે કે, બાબરે પહેલાંથી જ ભારત પર હુમલો કરવાની યોજના બનાવી હતી. પાણીપતનું પહેલુ યુદ્ધ જીતતા પહેલાં તેણે ચાર વખત ભારત પર આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. તે રાણા સાંગાની બહાદુરીથી વાકેફ હતો. તે ઈચ્છતો હતો કે રાણા સાંગા ઈબ્રાહીમ સાથેના યુદ્ધમાં કોઈ હસ્તક્ષેપ ન કરે.