ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ આજે માત્ર વિકાસ માટે નહીં, પરંતુ તેના ઇતિહાસને લઈને પણ ચર્ચાના કેન્દ્રમાં છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શહેરનું મૂળ નામ ‘કર્ણાવતી’ પુનઃસ્થાપિત કરવાની માંગ ઉઠતાં શહેરનાં પ્રાચીન અસ્તિત્વ, સંસ્કૃતિ અને ઓળખ અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને અહમદ શાહના સમયમાં થયેલા પરિવર્તનો અને શહેરનાં મજહબી-સાંસ્કૃતિક રૂપાંતરને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ જ સંદર્ભમાં કર્ણાવતીનાં નગરદેવી માતા ભદ્રકાળી સાથે જોડાયેલો ઇતિહાસ ફરી ચર્ચામાં આવ્યો છે. અનેક ઐતિહાસિક તથ્યો અનુસાર અમદાવાદમાં એક સમયે નગરદેવી માતા ભદ્રકાળીનું ભવ્ય મંદિર હતું, જેને મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું.
આજે જ્યાં જામા મસ્જિદ ઊભી છે તે જ સ્થળે એક સમયે અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાનું પ્રાચીન અને ભવ્ય મંદિર હતું. અહમદ શાહે આ મંદિરને તોડીને તેના સ્થાને મસ્જિદ બનાવી અને તેને પોતાના ઇસ્લામી વિજયનું પ્રતીક બનાવી. આ માત્ર એક મંદિરનો વિનાશ નહોતો, પરંતુ સ્થાનિક હિંદુ અસ્મિતા, સંસ્કૃતિ અને નગરદેવીના ગૌરવ પર ઘા હતો. આજે પણ જામા મસ્જિદના 100થી વધુ સ્તંભો પર હિંદુ કોતરણીઓ સ્પષ્ટ દેખાય છે અને ભદ્ર કિલ્લાનું નામ પણ આ જ મંદિર પરથી પડ્યું છે. આ ઇતિહાસ માત્ર અમદાવાદનો નથી, પરંતુ હિંદુ વિરાસત પર થયેલા આક્રમણોનો છે.
ભદ્રકાળી: અમદાવાદનાં નગરદેવી અને હિંદુ વારસાનું જીવંત પ્રતીક
પ્રાચીન સમયમાં દરેક ગામ કે નગરમાં તે વિસ્તારના રક્ષક દેવતા અથવા દેવીનું મંદિર સ્થાપિત કરવાની પરંપરા હતી, જે વૈદિક યુગથી સતત ચાલતી આવી છે. વૈદિક સંસ્કૃતિમાં દેવતાઓના વિવિધ સ્તરોનો ઉલ્લેખ મળે છે. જેમ કે ઇષ્ટદેવતા, ત્યારબાદ દેવતા અને ત્યાર પછી નગરદેવી-દેવતા, ગ્રામદેવી-દેવતા અને લોકદેવી-દેવતા. આ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા નહીં, પરંતુ સમાજની સાંસ્કૃતિક અને સામૂહિક ઓળખ સાથે પણ ગાઢ રીતે જોડાયેલી હતી. જેમ કાશીના રક્ષક દેવ તરીકે આજે પણ કાળભૈરવની પૂજા થાય છે, તેમ કર્ણાવતી નગરીનાં નગરદેવી તરીકે માતા ભદ્રકાળીનું વિશેષ સ્થાન રહ્યું છે. આજના આધુનિક અમદાવાદમાં પણ માતા ભદ્રકાળીને નગરદેવી તરીકે માનવામાં આવે છે.
સોલંકી-પરમાર યુગ દરમિયાન કર્ણાવતીમાં ભદ્રકાળી માતાનું મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ સમગ્ર નગરની ઓળખ અને આસ્થાનું કેન્દ્રબિંદુ હતું. કહેવાય છે કે પરમાર રાજવંશના સમયમાં આશરે 9મીથી 14મી સદી વચ્ચે આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું. માતા ભદ્રકાળી શક્તિના સ્વરૂપ તરીકે પૂજાતાં હતાં અને સ્થાનિક હિંદુઓ માટે આ મંદિર શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક બની ગયું હતું. અહીં માત્ર પૂજા-અર્ચના જ નહીં, પરંતુ સમાજજીવનનાં અનેક સાંસ્કૃતિક પાસાંઓ પણ વિકસતાં હતાં. આ રીતે ભદ્રકાળી માતાનું મંદિર કર્ણાવતીની હિંદુ અસ્મિતા અને પરંપરાનું જીવંત પ્રતિનિધિત્વ કરતું હતું.
અહમદ શાહનું આક્રમણ અને મંદિરનો વિનાશ
અહમદ શાહ 1411માં કર્ણાવતી સુધી ઘસી આવ્યો હતો. આ દરમિયાન તેણે કર્ણાવતી પર નિયંત્રણ મેળવી લીધું હતું અને બાદમાં તેનું નામ બદલીને ‘અહમદ આબાદ- અહમદાબાદ’ કરી દીધું હતું. તે સાથે તેણે આખા નગરનું ઇસ્લામીકરણ કરવા ભાર આપ્યો હતો. તેણે અનેક મંદિરો અને હિંદુ સ્થાપત્યોને કાં તો નાબૂદ કરી નાખ્યાં અથવા તો તેને ઇસ્લામી શૈલીમાં ફેરવી દીધાં. આ જ સમયગાળામાં અહમદે માતા ભદ્રકાળીના મંદિરને નિશાન બનાવ્યું હતું. તેનું કારણ સ્પષ્ટ હતું કે વિજયના પ્રતીક તરીકે હિંદુ નગરદેવીના મંદિરને ધ્વસ્ત કરી દેવું અને તેના સ્થાને ઇસ્લામી વિજયનું નવું પ્રતીક સ્થાપવું. આ કાર્યવાહી સાથે તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે આ શહેર હવે હિંદુઓનું નથી.
1411થી 1442 સુધીના તેના શાસનકાળમાં અહમદ શાહે 1424માં ભદ્રકાળી માતાના મંદિરને તોડીને તે જ સ્થળે, તે જ મંદિરના અવશેષોનો ઉપયોગ કરીને જામા મસ્જિદનું નિર્માણ કર્યું હોવાનું કહેવામાં આવે છે. મિરાત-એ-અહમદીમાં અમદાવાદના બાંધકામ અને ભદ્ર કિલ્લાના વર્ણનમાં આસપાસના હિંદુ સ્થળોના સંકેતો છે. કહેવાયું છે કે અહમદ શાહે ભદ્રકાળી મંદિરને તોડીને તેના પથ્થરો અને સ્તંભોનો ઉપયોગ જામા મસ્જિદમાં કર્યો હતો. આ માત્ર એક મસ્જિદ બનાવવાનું કાર્ય નહોતું, પરંતુ સ્થાનિક હિંદુ અસ્મિતાને સંપૂર્ણપણે નષ્ટ કરવાનું સુનિયોજિત કાવતરું હતું. ભદ્રના કિલ્લાનું નામ પણ આ જ મંદિરના નામ પરથી પડ્યું અને આજે પણ તે વિસ્તારને ‘ભદ્ર’ કહેવામાં આવે છે, જે હિંદુ દેવીના અસ્તિત્વની સતત યાદ અપાવે છે. આ વિનાશ સાથે અહમદ શાહે હિંદુ વિરાસતને ઇસ્લામી વિજયના નામે દબાવી દીધી.
સ્થાપત્યિક અને દૃશ્ય પુરાવા
જામા મસ્જિદની સંરચનાને ધ્યાનથી જોતાં સૌથી પહેલાં જે વસ્તુ ધ્યાન ખેંચે છે, તે છે તેના સ્તંભોની સંખ્યા અને તેમની બનાવટ. આ સ્તંભો પર રહેલી કોતરણી, કમળની આકૃતિઓ અને અન્ય ચિહ્નો સ્પષ્ટપણે હિંદુ અને જૈન મંદિર સ્થાપત્ય સાથે મેળ ખાય છે. આ માત્ર સમાનતા નથી, પરંતુ તે એટલી ઊંડાણથી દેખાય છે કે એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આ સ્તંભોનો સ્રોત શું છે.

જામા મસ્જિદના હૉલમાં 100થી વધુ સ્તંભો ઊભા છે અને તેના પર હિંદુ કોતરણીઓ જગજાહેર છે. કમળ, લતાઓ, મંડલ, હાથી, કુંડલિની સાપ, નૃત્ય કરતી અપ્સરાઓ, ઘંટીઓ, ફૂલ અને હિંદુ મંદિરના લાક્ષણિક ચિહ્નો આ સ્તંભો પર કોતરેલા છે. આ કોતરણીઓ ઇસ્લામી સ્થાપત્યમાં અયોગ્ય અને હરામ ગણાય છે અને તે સ્પષ્ટપણે સાબિત કરે છે કે મસ્જિદ કોઈ નવી ઇમારત નથી, પરંતુ પ્રાચીન હિંદુ મંદિરના અવશેષો અને સ્તંભોનો પુન:ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

મસ્જિદના હૉલમાં આ સ્તંભો વચ્ચોવચ આવેલા છે, જે નમાજ માટે પણ અનુકૂળ નથી. આ તથ્ય હિંદુ મંદિરના પુન:ઉપયોગનો સૌથી મજબૂત પુરાવો છે. Reclaim Temples અને Booksfact જેવા સ્ત્રોતો પર આ સ્તંભોના વિગતવાર ફોટા અને દસ્તાવેજો ઉપલબ્ધ છે, જે આ સત્યને વધુ મજબૂત કરે છે.
બ્રિટિશ ગેઝેટિયર અને અન્ય ઐતિહાસિક સંદર્ભો
19મી સદીના બ્રિટિશ સરવેમાં પણ આ હિંદુ મૂળનો સ્પષ્ટ ઉલ્લેખ છે. Gazetteer of the Bombay Presidency: Ahmedabadમાં (1879) સ્પષ્ટ લખ્યું છે કે આ સ્થળે ભદ્રકાળી મંદિર હતું અને અહમદ શાહે તેને તોડીને જામા મસ્જિદ બનાવી. બ્રિટિશ આર્કિયોલોજિસ્ટ્સે તપાસમાં હિંદુ પ્રતીકો જોયાં હતાં અને તેને રેકોર્ડ કર્યાં હતાં. આ વિગતો બૉમ્બે ગેઝેટિયરમાં વોલ્યુમ IVમાં લખાઈ છે.

એવું કહેવાયું છે કે આ દેવી ભદ્રકાળીનું મંદિર હતું. અહમદ શાહે આ મંદિરને તોડી પાડ્યું અને તેના સ્થાન પર એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. આ ઉપરાંત મિરાત-એ-અહમદીમાં પણ જામા મસ્જિદનો ઉલ્લેખ છે અને એવું કહેવામાં આવ્યું છે કે તે મસ્જિદ અહમદ શાહ અને ઇસ્લામના વિજયનું પ્રતીક છે, એટલે કે હિંદુઓનાં રક્ષકદેવી ભદ્રકાળી માતાના મંદિરને તોડીને બનાવવામાં આવી છે. આ તમામ સ્ત્રોતો સાબિત કરે છે કે આ વિનાશ કોઈ આકસ્મિક ઘટના નહોતી, પરંતુ વ્યવસ્થિત આક્રમણ હતું.
અન્ય એક મુદ્દો એ પણ છે કે ભદ્ર કિલ્લો (Bhadra Fort) આજે પણ અમદાવાદના મધ્યમાં આવેલો છે અને તેનું નામ સીધું ભદ્રકાળી મંદિર પરથી પડ્યું છે. બ્રિટિશ ગેઝેટિયરમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ કિલ્લો પાટણના (અણહિલવાડ) પ્રાચીન ભદ્ર કિલ્લા અને ભદ્રકાળી મંદિરના નામ પરથી પ્રેરિત છે. અહમદ શાહે તે કિલ્લાનું નામ બદલવાનો પ્રયાસ ન કર્યો, પણ ઘણી જગ્યાએ એવું પણ કહેવાયું છે કે આ કિલ્લો પણ અહમદ શાહે બનાવ્યો હતો!
જોકે, ઘણા વામપંથી ઐતિહાસિક સંદર્ભોમાં સ્પષ્ટ એવું નથી લખાયું કે મંદિરને તોડીને જામા મસ્જિદ ઊભી કરવામાં આવી હતી, પણ ચાલાકીથી એવું લખવામાં આવ્યું છે કે અહમદ શાહે જામા મસ્જિદને બનાવવા માટે હિંદુ મંદિરના અવશેષોનો ઉપયોગ કર્યો હતો. પણ ફરી પ્રશ્ન એ જ આવીને ઊભો રહે છે કે આ મંદિરના અવશેષો આવ્યા ક્યાંથી? સીધો અને સ્પષ્ટ જવાબ છે- મંદિર તોડીને.
આજે પણ ભદ્ર વિસ્તારમાં ભદ્રકાળી મંદિરની હાજરી અને તે નામની અવિરતતા એ સંકેત આપે છે કે આ વિસ્તારની ઓળખ સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. ભદ્ર નામ, સ્થાનિક માન્યતાઓ અને સાંસ્કૃતિક સ્મૃતિ દર્શાવે છે કે ભલે આધિકારિક સંરચનાઓ બદલાઈ ગઈ હોય, પરંતુ જૂની ઓળખ સંપૂર્ણપણે અદ્રશ્ય થતી નથી.
ઇતિહાસમાં આ એક સામાન્ય પ્રક્રિયા હતી કે નવી ઇસ્લામી સત્તા જૂનાં હિંદુ પ્રતીકોને બદલે છે, પરંતુ સમાજની સ્મૃતિમાં તેઓ કોઈકને કોઈક રૂપમાં બની રહે છે. ભદ્રકાળીનો સંદર્ભ પણ આ જ પ્રકારની સ્મૃતિનો ભાગ છે, જે સમય સાથે બદલાતી રહી છે પરંતુ સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી.


