મે 1951માં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પછી ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, જેના માટે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને નિમંત્રણ અપાયું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પોતે હાજરી ન આપે તેના માટે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કેવા ધમપછાડા કર્યા અને છતાં રાજેન્દ્ર પ્રસાદ હાજર રહ્યા એ અગાઉના ભાગમાં જોયું. હવે નેહરુના સોમનાથ મુદ્દે અન્ય અમુક પત્રો પર નજર ફેરવીએ.
સોમનાથ મંદિરનો કાર્યક્રમ નજીક આવી રહ્યો હતો. દરમ્યાન એપ્રિલ 1951માં ટ્રસ્ટના પ્રમુખ, તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ અમુક પાડોશી દેશોમાં આવેલાં ભારતીય દૂતાવાસોને પત્ર લખીને ત્યાંની નદીઓનાં પાણી મોકલવા માટે વિનંતી કરી. જેનો ઉપયોગ પવિત્ર વિધિમાં થવાનો હતો. ‘સેક્યુલર’ જવાહરલાલને આમાં વાંધો પડ્યો. પીડા એટલી તીવ્ર હતી કે નેહરુએ એકસાથે અનેક પત્રો ઘસી નાખ્યા.
17 એપ્રિલ, 1951ના દિવસે વિદેશ મંત્રાલયના સેક્રેટરી જનરલ અને વિદેશ સચિવને મોકલેલી નોંધમાં નેહરુ લખે છે કે, ‘મેં રાષ્ટ્રપતિ અને મુનશી બંનેને જણાવી દીધું છે કે મને આ બધી પ્રવૃત્તિઓ બિલકુલ પસંદ નથી. શું વિદેશ મંત્રાલયને જાણ છે કે વિદેશમાં આપણાં દૂતાવાસોને આવા (નદીઓના પાણી બાબતે) પત્રો મોકલવામાં આવી રહ્યા છે? હું ઇચ્છું છું કે તમે (વિદેશ મંત્રાલયે) દૂતાવાસોને લેખિતમાં જાણ કરો કે તેઓ આ બધી વિનંતીઓ પર લેશમાત્ર ધ્યાન ન આપે.’

આ જ દિવસે નેહરુએ એક પત્ર ચીનમાં ભારતીય રાજદૂત કે. એમ પાણિકરને લખ્યો. આ પત્રમાં પીએમ નેહરુ લખે છે, ‘મેં રાષ્ટ્રપતિને કહ્યું હતું કે તેઓ આ કાર્યક્રમ સાથે ન સંકળાય, પણ તેમણે પહેલેથી જ નિમંત્રણ સ્વીકારી લીધું હતું અને પછીથી મારાથી વધારે હસ્તક્ષેપ ન થઈ શક્યો. એટલે હવે હું પ્રયાસ કરી રહ્યો છું કે તેમની મુલાકાત અને ત્યાં જે કંઈ ચાલે છે એને શક્ય બને એટલું ‘ટોન ડાઉન’ કરી શકાય.’
17મીએ બીજો એક પત્ર તત્કાલીન ગૃહ પ્રધાન સી. રાજગોપાલાચારીને લખાયો હતો. આ પત્રમાં નેહરુ પાણિકરનો એક પત્ર ટાંકીને કહે છે કે, ‘તેમણે (પાણિકરે) સોમનાથ મંદિર બાબતે શું લખ્યું છે એ બાબતે તમારું ધ્યાન દોરી રહ્યો છું. આ બધું જોઈને હું વ્યથિત થઈ રહ્યો છું અને ખબર પડતી નથી કે શું કરું. કોઈ પણ કાર્યક્રમ માટે આપણાં દૂતાવાસોને પત્ર લખીને તેમની નદીમાંથી પાણી મગાવવું કેટલું વિચિત્ર છે!’ આ પત્રમાં નેહરુ બર્માની કોમ્યુનિસ્ટ પાર્ટી શું કહે છે એ બાબતે પણ ચિંતિત જણાય છે. ચિંતા તો નેહરુને પાકિસ્તાન શું વિચારશે એની પણ હતી. એની ચર્ચા આગળ.
17મીએ બીજો એક પત્ર ક. મા મુનશીને લખાય છે. પત્રમાં નેહરુ કહે છે કે ચીનના ભારતીય રાજદૂતનો (પાણિકર) તેમને પત્ર મળ્યો, જેમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ તેમને પત્ર લખીને નદીનું પાણી મોકલવા માટે જણાવ્યું છે, જેનો ઉપયોગ મંદિરમાં ધાર્મિક વિધિ માટે થશે. નેહરુ લખે છે, ‘આ પત્રએ આપણા દૂતાવાસને કઠિન પરિસ્થિતિમાં મૂકી દીધું છે અને હું પણ એટલો જ વ્યથિત છું. કોઈ અન્ય વ્યક્તિએ આ વિનંતી કરી હોત તો અલગ વાત હતી, પણ સરકાર સાથે સંકળાયેલા લોકો આવા પત્ર મોકલે અને તેમાં રાષ્ટ્રપતિનું પણ નામ હોય તો એ આપણા માટે વિદેશમાં શરમજનક સ્થિતિ ઊભી કરશે.’

નેહરુ આગળ કહે છે, ‘મને એ ખબર પડતી નથી આપણને આપણાં અમુક કામો પર, અમુક પ્રવૃત્તિઓ પર અન્યો શું વિચારે છે એની ચિંતા કેમ થતી નથી.” આગળ કહે છે, ‘મને એ પણ સમજાતું નથી કે ચીનથી નદીનું પાણી ભારત લવાશે કઈ રીતે? આ બધાથી હું અત્યંત વ્યથિત છું.’ આગળ પત્રમાં નેહરુ મુનશીને પૂછે છે કે અન્ય દૂતાવાસોને પણ આવા પત્રો મોકલવામાં આવ્યા હોય તો તેની તેમને જાણ કરવામાં આવે, જેથી તેઓ તેમને પણ પત્રો લખી શકે.
આ પત્ર જુઓ તો જણાય છે કે પ્રથમ વડા પ્રધાનને એક હિંદુ મંદિરના જીર્ણોદ્ધાર કરતાં કોઈ બહારનો દેશ શું વિચારશે તેની ચિંતા વધારે હતી. ત્યાંથી વેલિડેશન લેવાની લ્હાયમાં તેઓ અહીંના લોકોને શિખામણ આપતા રહ્યા. આપણને કહેતા રહ્યા કે તમે આમ નહીં કરો, નહીંતર બીજા દેશો આપણા માટે શું વિચારશે. મોદી જેવા યુગપુરુષની નેહરુ જેવાઓ સાથે સરખામણી કરવાનો ઇરાદો ન હતો અને થાય પણ નહીં, પણ મોદી આવ્યા પછી શું બદલાવ આવ્યો? હવે વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો પણ મંદિરોની મુલાકાત લેતા થઈ ગયા છે.
સૌરાષ્ટ્ર સરકાર દ્વારા પાંચ લાખ ફંડ ખર્ચવા પર સમસ્યા
હવે પાંચ લાખ ફંડની વાત આવે છે. નેહરુને એ વાતથી તકલીફ હતી કે સૌરાષ્ટ્ર સરકાર (ત્યારે ગુજરાત અસ્તિત્વમાં ન હતું) આ કાર્યક્રમ પાછળ ખર્ચ કેમ કરી રહી છે. આ બળતરા ઠાલવવા પણ જવાહરલાલે ઘણા પત્રો લખ્યા હતા. જે આટલાં વર્ષો પછી પણ શબ્દોમાં દેખાય આવે છે.
તત્કાલીન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી યુ. એન ઢેબરને 21 એપ્રિલે લખેલા પત્રમાં નેહરુ કહે છે કે તેમને સમાચારો મારફતે જાણવા મળ્યું કે સોમનાથ મંદિરમાં ઉદ્ઘાટન કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર સરકારે 5 લાખની રકમ મંજૂર કરી છે.
નેહરુ કહે છે, ‘મને આ વાંચીને આશ્ચર્યજનક લાગ્યું અને હું જાણવા માગું છું આ સાચું છે કે કેમ. સોમનાથ મંદિરનું મહત્ત્વ જે હોય એ, આ સરકારનું કામ નથી અને મંદિર માટે પૈસા એકઠા કરવા એ બિનસરકારી વ્યક્તિઓનું કામ છે. મને નથી લાગતું કે આ લોકોના પૈસાનો યોગ્ય ઉપયોગ હોય.’
22 એપ્રિલે નેહરુએ એક પત્ર તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાને લખ્યો. પત્રમાં કોઈ પ્રકારની ઔપચારિકતાઓ વગર નેહરુ સીધી વાત શરૂ કરી દે છે.

તેઓ કહે છે, ‘સોમનાથ મંદિરે થનારા આ કાર્યક્રમ બાબતે હું ઘણો ચિંતિત છું. આ અંગત/ખાનગી મામલો હોત તો વાત ઠીક હતી અને મારે કશું લાગતું-વળગતું પણ નથી. પણ એવી વાતો ફેલાઈ રહી છે કે આમાં સરકાર પણ સંકળાઈ રહી છે. અમુક લોકોને લાગે છે કે ભારત સરકાર પણ આમાં સંકળાયેલી છે અને સૌરાષ્ટ્ર સરકાર વિશે તો સો ટકા લાગે છે. સમાચાર જણાવે છે કે સૌરાષ્ટ્ર સરકાર આ કાર્યક્રમ માટે પાંચ લાખનો ખર્ચ કરશે.’
આગળ નેહરુના જ શબ્દોમાં:
‘જ્યાં સુધી ભારત સરકારની વાત છે, હું સ્પષ્ટપણે સંસદમાં જણાવવા જઈ રહ્યો છું કે સરકારને આ બાબત સાથે કોઈ કરતાં કોઈ નિસબત નથી. પણ સૌરાષ્ટ્ર સરકાર વિશે મને શંકા છે અને મને લાગે છે કે સરકાર તરીકે તેમણે જોડાવું ન જોઈએ અને પૈસાનો ખર્ચ પણ અયોગ્ય છે. મેં મુખ્યમંત્રીને (ઢેબર) પણ આ બાબતે જાણ કરી છે.’
અહીં નેહરુ ફરીથી રાષ્ટ્રપતિવાળો મુદ્દો લઈ આવે છે. તેઓ લખે છે, ‘મારી મૂળ સમસ્યા એ છે કે રાષ્ટ્રપતિ કાર્યક્રમમાં જઈ રહ્યા છે. મેં તેમને કહ્યું પણ ખરું કે આનો ખોટો સંદેશ જશે, પણ હવે તેમની અંગત બાબત થઈ પડે એટલે હું હસ્તક્ષેપ કરવા માગતો નથી.’
આગળ નદીઓના પાણી બાબતે નેહરુ જામસાહેબને કહે છે, ‘મને એ જાણીને આશ્ચર્ય થયું કે તમે વિવિધ દૂતાવાસોને તેમની નદીનાં પાણી મોકલવા માટે કહ્યું હતું. અમુક દૂતાવાસોએ આ બાબતે વાંધો ઉઠાવ્યો છે અને તેનાથી આપણે વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છીએ. યાદ રહે કે તમે માત્ર સોમનાથ મંદિરના ટ્રસ્ટી નથી પણ સૌરાષ્ટ્રના રાજપ્રમુખ પણ છો.’
ફરી એક વખત નેહરુ કહે છે કે, ‘મને એ સમજાતું નથી કે આમાં હું શું કરી શકું. પણ જે કોઈ કાર્યક્રમ હોય એ, મારે સ્પષ્ટતા કરવી રહી કે ભારત સરકારને આ કાર્યક્રમ સાથે કશું જ લાગતું-વળગતું નથી. પાકિસ્તાન આ બાબતનો ફાયદો ઉઠાવી રહ્યું છે અને એવું સાબિત કરવા મથી રહ્યું છે કે આપણે ‘સેક્યુલર સ્ટેટ’ નથી. ‘બિચારું’ (જવાહરલાલે અહીં અંગ્રેજીમાં ‘પુઅર’ શબ્દ વાપર્યો છે) અફઘાનિસ્તાન પણ આમાં ઘસડાઈ રહ્યું છે.’
પાકિસ્તાન પાસેથી સેક્યુલરિઝમનું સર્ટિફિકેટ મેળવવાની નેહરુને કેટલી તાલાવેલી હતી એ આ પત્ર દર્શાવે છે, જે નેહરુએ સ્વયં લખ્યો હતો. અફઘાનિસ્તાનથી માંડીને બર્મા અને ચીન સુધીના તમામ દેશો શું કહેશે તેની ચિંતા પ્રથમ પીએમને હતી, એકમાત્ર ચિંતા ન હતી સોમનાથ મંદિરે થતા કાર્યક્રમની. તેનું જે થવાનું હોય તે થાય!
પાકિસ્તાનના વડા પ્રધાનને લખાયેલો પત્ર
હવે એક અગત્યનો પત્ર આવે છે. 21 એપ્રિલ, 1951એ લખાયો હતો. કોને? તત્કાલીન પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનને.
પાકિસ્તાનના વડા પ્રધાનને ‘માય ડિયર નવાબઝાદા’ તરીકે સંબોધીને નેહરુ લખે છે કે, ‘સામાન્ય રીતે હું રેડિયો પાકિસ્તાનના પ્રસારણ બાબતે તમારું ધ્યાન દોરતો નથી. પણ મેં આગળ પણ કહ્યું છે કે અમુક પ્રસારણો, ખાસ કરીને પુસ્તો ભાષામાં જે આવે છે, ઘણી વખત સદંતર ખોટા આરોપો લગાવતાં રહે છે. 17 એપ્રિલે પેશાવરથી પુશ્તોમાં જે પ્રસારણ થયું એ આનું ઉદાહરણ છે અને જો તમે આ બાબત ઉપર ધ્યાન આપો તો આભારી રહીશ.’

આગળ, ‘સોમનાથ મંદિરના દરવાજા અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવશે એ વાત સદંતર ખોટી છે અને તેમાં સત્યનો એક અંશ પણ નથી. આ સાર્વજનિક રીતે નકારવામાં આવી ચૂક્યું છે. વાસ્તવિકતા તો એ પણ છે કે આવા કોઈ દરવાજા છે કે નહીં એ પણ કોઈ જાણતું નથી અને અફઘાનિસ્તાનથી આવું કશું પણ ભારત મોકલાઈ રહ્યું નથી. છતાં પાકિસ્તાનની પ્રેસમાં આ બધું ચાલી રહ્યું છે. બ્રોડકાસ્ટ કે અહેવાલો કેટલા સાચા છે એ નક્કી કરવાનું કામ હું તમારી ઉપર છોડી રહ્યો છું.’
નેહરુને ‘ડિયર નવાબઝાદા’નો દેશ શું વિચારશે, ત્યાંની પ્રેસ શું લખશે તેની કેટલી ચિંતા હતી! આ પત્ર તેની સાબિતી છે.
22 એપ્રિલે એક તરફ નેહરુએ પત્ર જામસાહેબને મોકલ્યો અને બીજી તરફ જામસાહેબનો એક પત્ર નેહરુને આવ્યો. જામસાહેબે વડા પ્રધાનને કાર્યક્રમ માટે ઔપચારિક નિમંત્રણ પાઠવ્યું હતું. પત્રના જવાબમાં નેહરુએ જામસાહેબને વધુ એક પત્ર લખ્યો. તારીખ 24 એપ્રિલ, 1951.
પત્રમાં નેહરુ આમંત્રણ માટે આભાર વ્યક્ત કરે છે પણ કહે છે કે હાલ તેમના માટે દિલ્હી છોડી શકાય તેમ નથી. આગળ તેઓ ફરી એક વખત કાર્યક્રમ વિશે બળતરા ઠાલવવાનું શરૂ કરી દે છે.
‘પુનરુત્થાન’થી વ્યથિત હતા સેક્યુલર નેહરુ

નેહરુ લખે છે, ‘હું તમને અગાઉ પણ આ બાબતે લખી ચૂક્યો છું. આ ‘પુનરુત્થાન’થી હું અત્યંત વ્યથિત છું અને એ બાબતથી પણ કે રાષ્ટ્રપતિ, અમુક મંત્રીઓ અને તમે રાજપ્રમુખ તરીકે આ કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છો. મને લાગે છે કે આ આપણી સરકારના સિદ્ધાંતોને અનુરૂપ નથી અને તેનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિપરીત પરિણામો આવી શકે છે. અંગતપણે જેમણે જે કરવું હોય તે કરે, પણ આપણે હવે સાવ અંગત રહી શકીએ નહીં અને સાર્વજનિક જીવનમાંથી સાવ અલગ થઈ શકીએ નહીં.’
22મીએ જ બીજો એક પત્ર ક. મા મુનશીને લખાયો.
પત્રમાં નેહરુ લખે છે, ‘વિદેશમાં જે સોમનાથના કાર્યક્રમ સાથે સરકારને જોડવામાં આવી રહી છે તેનાથી હું ઘણો ચિંતિત છું. સંસદમાં આ બાબતે પ્રશ્નો થશે અને હું સ્પષ્ટ કરીશ કે સરકારને આમાં કોઈ નિસબત ન હતી. પણ હું સૌરાષ્ટ્ર સરકાર માટે તેમ કહી શકું નથી, જે આ કાર્યક્રમ માટે પાંચ લાખ ખર્ચી રહી છે. મને લાગે છે કે આ પરિસ્થિતિમાં સરકાર માટે આ ખર્ચ કરવો સદંતર અયોગ્ય છે.’
જામસાહેબ પર આડકતરી રીતે આરોપો
જામસાહેબનો ઉલ્લેખ કરીને નેહરુ લખે છે, ‘મેં આ બાબતે રાષ્ટ્રપતિ અને જામસાહેબને પણ પત્રો લખ્યા છે. જામસાહેબ માત્ર સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓના ચેરમેન નથી પણ સૌરાષ્ટ્રના રાજપ્રમુખ પણ છે.’ અહીં નેહરુ જામસાહેબ પર આરોપ લગાવતાં કહે છે કે તેમણે દૂતાવાસોને લખેલા પત્રોએ આપણને મુશ્કેલીમાં મૂકી દીધા છે! આ એ પત્રોની વાત છે, જેમાં નદીઓના પાણી વિશે વિનંતી કરાઈ હતી.
24 એપ્રિલે મૃદુલા સારાભાઈને લખેલા પત્રમાં પણ નેહરુ આ જ બધી વાતો કરે છે અને હૈયાવરાળ ઠાલવે છે. રાષ્ટ્રપતિ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હોવાનું, પોતે તેમને રોકી ન શક્યા હોવાનું લખીને સૌરાષ્ટ્ર સરકાર દ્વારા ભંડોળનો ઉપયોગથી માંડીને બીજી ઘણી બાબતોનો ઉલ્લેખ છે. આગળ કહે છે કે, મૃદુલાએ રાષ્ટ્રપતિને મળીને તેમને સમજાવવા જોઈએ અને ગુજરાતી પ્રેસમાં જે ટીકા થઈ રહી છે તેનાથી માહિતગાર કરવા જોઈએ.
કાર્યક્રમનું કવરેજ ઓછું કરવાના પ્રયાસ
આખરે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા તો 28 એપ્રિલે નેહરુએ એક પત્ર તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી આર. આર દિવાકરને લખ્યો. કારણ? એ સૂચના આપવા કે કાર્યક્રમનું કવરેજ ઓછું કરવામાં આવે અને કોઈ રીતે એ ન લાગવું જોઈએ કે આમાં સરકાર કોઈ રીતે સંકળાયેલી છે.

નેહરુ દિવાકરને લખે છે કે, ‘આ સોમનાથના કાર્યક્રમમાં સરકારને સાંકળવાથી આપણને દેશમાં અને બહાર પણ નુકસાન થશે. મને ઘણી ફરિયાદો મળી પણ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે શું ‘સેક્યુલર’ સરકાર આ રીતે વર્તી શકે? હું એટલું જ કહી શકું છું કે આ કોઈ ‘સરકારી કાર્યક્રમ’ નથી.’
આગળ નેહરુ કહે છે, ‘મને લાગે છે કે સંજોગો ઊભા થાય તો આપણા રેડિયો બ્રોડકાસ્ટે સોમનાથના કાર્યક્રમનું કવરેજ સદંતર ઓછું કરી નાખવું જોઈએ, જેથી કોઈ રીતે એવું ન લાગે કે આ સરકારનો કાર્યક્રમ છે.’
સોમનાથના કાર્યક્રમની તારીખ નજીક આવી રહી હતી. દરમ્યાન 2 મે, 1951એ નેહરુએ તમામ મુખ્યમંત્રીઓને એક પત્ર લખ્યો. પત્રમાં જુદા-જુદા 19 મુદ્દાઓ છે, જે જે-તે સમયની રાજકીય પરિસ્થિતિની ચર્ચા છે. 17મો મુદ્દો સોમનાથ મંદિર સંબંધિત છે.
નેહરુ ફરી એક વખત મુખ્યમંત્રીઓ સમક્ષ સ્પષ્ટતા કરીને કહે છે કે કોઈ રીતે આમાં સરકાર સંકળાયેલી નથી. સાથે એ વાતની ચેતવણી આપે છે કે આમાં ભલે પબ્લિક સપોર્ટ હોય પણ આપણે એ યાદ રાખવાનું છે કે સેક્યુલરિઝમને નુકસાન પહોંચે એવું કશું કરવાનું થતું નથી. આગળ ડર બતાવીને કહે છે કે દેશમાં ઘણી કોમવાદી તાકાતો સક્રિય છે અને આપણે તેમની સામે લડવાનું છે. સાથે સુફિયાણી સલાહ આપતાં નેહરુએ લખ્યું હતું કે, ‘સરકારો કાયમ સેક્યુલર અને નોન-કોમ્યુનલ વલણ અપનાવે એ જરૂરી છે.’
9મી મેએ કાર્યક્રમના બે દિવસ પહેલાં નેહરુએ એક નોંધ વિદેશ મંત્રાલયને મોકલી હતી, જેમાં આ જ બધી હૈયાવરાળ છે, એટલે અલગથી ચર્ચાની જરૂર નથી.
13 જૂન, 1951એ નેહરુએ એક પત્ર સર્વપલ્લી રાધાકૃષ્ણનને લખ્યો. ત્યાં સુધીમાં સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો હતો.
આ પત્રમાં નેહરુ લખે છે, ‘તમે સોમનાથના કાર્યક્રમમાં અમુક મંત્રીઓની હાજરી વિશે ઉલ્લેખ કર્યો હતો. હું સહમત છું. વાસ્તવિકતા એ પણ છે કે મેં તેમને રોકવાના ઘણા પ્રયાસો કર્યા, પણ તેઓ પહેલેથી આગળ વધી ચૂક્યા હતા. સોમનાથ વિશે જે કંઈ ચાલ્યું એમાં હું અત્યંત નાખુશ હતો. મેં ઘણા પ્રયાસો કર્યા, એ જણાવવાના કે સરકારને આમાં કોઈ નિસબત નથી. પણ ભૂતકાળમાં સરદાર પટેલના અમુક નિર્ણયોના કારણે સરકાર થોડીઘણી તો પહેલેથી સંકળાય ચૂકી હતી.’

અંતિમ પત્ર 1 ઑગસ્ટ, 1951ના દિવસે લખાયો, જે મુખ્યમંત્રીઓને મોકલાયેલો પત્ર હતો. અહીં પણ નેહરુ ફરી એક વખત સોમનાથના કાર્યક્રમનો ઉલ્લેખ કરીને કહે છે કે તેના કારણે ભારતની છબી ખરડાઈ અને પાકિસ્તાને પ્રોપગેન્ડા ફેલાવવા માટે તેનો સંપૂર્ણ લાભ લીધો.
કુલ જોઈએ તો સોમનાથ મુદ્દે નેહરુએ સત્તર પત્રો લખ્યા હતા. તેમને મૂળ વાંધો એ બાબતે હતો કે આમાં સરકાર પણ કોઈને કોઈ રીતે સંકળાઈ રહી છે, જ્યારે હકીકત એ હતી કે ભંડોળ તો લોકોએ જ એકઠું કર્યું હતું. નેહરુનું ફાલતુ સેક્યુલરિઝમ આડે આવી જતું હતું. વિદેશો શું કહેશે, પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાન શું કહેશે તેની નેહરુને અધિક ચિંતા હતી. આ દેશો પાસેથી વેલિડેશન મેળવવાની ખંજવાળ એટલી હતી કે હજારો વર્ષો પછી ફરીથી બેઠા થતા હિંદુ મંદિરનો ગર્વ લેવાનું તો બાજુ પર રહ્યું, પણ સતત એ રાગડા તાણતા રહ્યા કે આમાં સરકારને કશું લાગતું-વળગતું નથી. જાણે આ કાર્યક્રમથી સરકારને શરમ અનુભવાતી હોય! નેહરુના શબ્દો તો એટ લિસ્ટ એ જ ઈશારો કરે છે.
હિંદુઓના દેશમાં હિંદુઓનું મંદિર બનતું હોય તો તેમાં હિંદુઓએ ચૂંટેલી સરકાર કેમ સામેલ ન થાય? સેક્યુલરિઝમની આયાતી વ્યાખ્યાઓના જોરે બહુમતી સાથે આવો વ્યવહાર કરવામાં નેહરુ ખચકાયા નહીં. એક રીતે આ પત્રો દ્વારા તેમણે બહુમતી સમાજનું વારંવાર અપમાન કર્યું કહેવાય.
આજે સમય બદલાયો છે. આજે સરકાર ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરી રહી છે. પૂર્ણાહુતિ પણ હવે એ જ મુદ્દાથી કરીએ જેનાથી પહેલા ભાગની શરૂઆત કરી હતી. હવેની સરકારને આ બધું કરવામાં સેક્યુલરિઝમ નડતું નથી. 2014માં વૈચારિક પવન બદલાયો તેનું આ સુખદ પરિણામ છે. તેનું જ પરિણામ રામ મંદિર પણ હતું. થોડાં વર્ષો પછી કાશી-મથુરા પણ આમાં ઉમેરાય એવી શુભકામનાઓ સાથે આ બે લેખોની શ્રેણીને વિરામ આપીએ.


