કોઈપણ દેશની સુરક્ષા તેના સૈનિકોના ખભા પર હોય છે. દેશ પર સંકટના વાદળો ઘેરાય તે સમયે સેના જ આગળ આવીને કમાન સંભાળે છે અને તેથી જ દેશના કરોડો નાગરિકો સેનાને સન્માન સાથે જુએ છે. પરંતુ સેનાની સાથે તેના જેટલા જ સન્માનના લાયક છે દેશ માટે કામ કરતા ગુપ્તચર એજન્સીના એજન્ટો. તેઓ દુશ્મન દેશમાં રહીને દેશ માટે જાસૂસી કરે છે અને ક્યારેક જો પકડાય જાય તો દેશ માટે મોતને પણ વ્હાલું કરે છે, તેમ છતાં તેમને સૈન્ય સન્માન મળી શકતું નથી. કારણ કે, તેમનું જીવન અદ્રશ્ય ઈશ્વર જેવું છે. જે દેખાય તો નહીં, પરંતુ તેના હોવાનો અનુભવ ચોક્કસ થતો રહે.
ભારતીય જાસૂસોએ અનેક એવા મિશનો પાર પાડ્યા છે, જેની સામાન્ય માણસો સુધી કોઈ નોંધ પણ નથી. કારણ કે, ભારતની ગુપ્તચર એજન્સીઓ કામ સફળ થયા બાદ ક્યારેય તેનો શ્રેય નથી લેતી. દેશની સુરક્ષાથી લઈને દુશ્મનની બધી હરકતો પર નજર રાખવાનું કામ ભારતીય જાસૂસો કરે છે. દેશના પાકિસ્તાન સાથેના સંઘર્ષના લાંબા ઇતિહાસમાં એક એવા જાસૂસ પણ થયા છે, જેમણે વર્ષો સુધી પાકિસ્તાનમાં રહીને ભારત માટે કામ કર્યું હતું. તેમના કારણે સેંકડો ભારતીયોના જીવ બચી શક્યા હતા. તેમનું નામ હતું રવિન્દ્ર કૌશિક (Ravindra Kaushik).
ભારતીય ગુપ્તચર એજન્સીમાં કૌશિકને ‘બ્લેક ટાઈગર’ (Black Tiger) તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ન માત્ર પાકિસ્તાનમાં રહેવાનો નિર્ણય કર્યો, પરંતુ પોતાની આખી ઓળખને પણ ભૂંસી નાખી. તેમણે ઇસ્લામી દેશની ભાષા શીખી અને ત્યાંની યુવતી સાથે લગ્ન પણ કર્યાં. તેઓ પાકિસ્તાની સેનામાં મેજરના પદ સુધી પહોંચ્યા. તેમણે એવું જીવન જીવ્યું, જ્યાં દરેક રાત્રિ એક પરીક્ષા હતી. કારણ કે, કોઈપણ સમયે તેમનું રહસ્ય ખૂલી શકે તેમ હતું. તેમ છતાં તેઓ મિશન પર ટકી રહ્યા અને ભારતને એવી માહિતીઓ આપતા રહ્યા, જેના કારણે દુશ્મનના ઘણા ઑપરેશન પણ નિષ્ફળ ગયા.
નાટકનો શોખ અને રૉના અધિકારીઓની નજર…
શરૂઆતથી વાત કરીએ તો રવિન્દ્ર કૌશિકનો જન્મ 11 એપ્રિલ, 1952ના રોજ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયો હતો. તેમનો પરિવાર દેશભક્તો અને સૈનિકોનો પરિવાર હતો. તેમના પિતા જેએમ કૌશિક વાયુસેનાના અધિકારી હતા, જેમણે અનેક યુદ્ધોમાં પણ ભાગ લીધો હતો. બાળપણથી જ રવિન્દ્ર ખૂબ હોશિયાર હતા અને પોતાના માતા-પિતાની જેમ દેશભક્તિ માટે તત્પર હતા. તેમણે બાળપણથી દેશ માટે સેવા કરવાના સ્વપ્ન સેવ્યાં હતા. તેઓ નિર્ભીક અને બહાદુર સ્વભાવના હતા. તેમને ભણવાની સાથે થિયેટરનો સૌથી વધુ શોખ હતો.
તેમણે શ્રીગંગાનગરની SD બિહાની પીજી કોલેજમાં કોમર્સનો અભ્યાસ કર્યો હતો. જોકે, તેમનો રસ હંમેશાથી થિયેટરમાં રહ્યો હતો. એક વખત તેમની કોલેજમાં નાટકનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે એક ભારતીય અધિકારીનું પાત્ર ભજવ્યું હતું. નાટકમાં તે અધિકારી દુશ્મનો સામે હાર માનવા કરતાં બહાદુરીથી મોતને પસંદ કરે છે. નાટક ચાલી રહ્યું હતું અને દર્શકોમાં તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો. દર્શકોમાં રૉના (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ-Raw) કેટલાક અધિકારીઓ પણ સામેલ હતા, તેઓ છૂપી રીતે બહાદુર અને હોશિયાર માણસોની તલાશમાં હતા.
આ અધિકારીઓને રવિન્દ્રમાં એક અલગ તાસીર દેખાઈ આવી હતી. તેમનામાં દેશભક્તિ અને જોશ પણ જોવા મળી રહ્યો હતો. નાટક પૂરું થયા બાદ અધિકારીઓ સંતાઈને કૌશિક પાસે પહોંચ્યા અને દેશ માટે કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. કૌશિકે કોઈપણ પ્રશ્ન કર્યા વગર પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. રૉના અધિકારીઓએ તેમને એ પણ જણાવ્યું હતું કે, તેમણે પોતાની આખી ઓળખ ભૂંસી કાઢવી પડશે અને અન્ય વ્યક્તિ બનીને જીવવું પડશે. તેમ છતાં કૌશિકે ઇનકાર ન કર્યો અને દેશ માટે સેવા કરવાનું પસંદ કર્યું.
વર્ષ 1973માં તેઓ દિલ્હી આવી ગયા. તેમણે પોતાના પરિવારને એવું જણાવ્યું હતું કે, તેમને નોકરી મળી ગઈ છે. ત્યારબાદ તેઓ રૉમાં સામેલ થઈ ગયા. બે વર્ષ સુધી તેમણે સખત ટ્રેનિંગ લીધી. તેમણે ઉર્દૂ ભાષા શીખી, પાકિસ્તાનની સંસ્કૃતિ અને ભૂગોળનું પણ અધ્યયન પણ કર્યું. તે સિવાય ખાસ તેમણે ઇસ્લામ વિશે પણ ખૂબ માહિતી ભેગી કરી હતી. ત્યાં સુધી કે, તેમણે ખતના પણ કરાવી લીધા હતા. તેમની અસલી ઓળખને ધીરે-ધીરે ભૂંસી નાખવામાં આવી હતી. 1975 સુધીમાં રવિન્દ્ર કૌશિકનું નામ કાગળોમાંથી પણ ગાયબ થઈ ગયું હતું.
પાકિસ્તાનમાં તેમના માટે નવું નામ આપવામાં આવ્યું હતું. તેમણે નબી અહેમદ શાકિર (Nabi Ahmed Shakir) બનીને પાકિસ્તાન તરફ પ્રયાણ કર્યું હતું. તેઓ સંપૂર્ણપણે તૈયારી સાથે હંમેશા માટે નીકળી ગયા હતા. તેમણે જાસૂસીના ક્ષેત્રમાં જે કાર્ય કર્યું છે, તેવું તે પહેલાં ક્યારેય નહોતું થયું. તેમણે દુશ્મન દેશમાં ઘૂસીને જે પરાક્રમ બતાવ્યું છે, તેવું માત્ર ફિલ્મોમાં જ જોઈ શકાય છે. કારણ કે, વાસ્તવિક જીવનમાં વિશ્વના ઇતિહાસમાં આવી અમુક જ ઘટનાઓ છે.
કરાચી યુનિવર્સિટીથી પાકિસ્તાની સેના સુધીની સફર
વર્ષ હતું 1975. કૌશિક ઉર્ફે નબી અહેમદ શાકિર પાકિસ્તાનની ધરતી પર ડગલાં માંડે છે. બહારથી દેખાવે ચુસ્ત મુસ્લિમ અને મજહબી લાગતો તે માણસ અંદરથી વિપરીત હતો. પાકિસ્તાની પોશાકમાં તેમણે પાકિસ્તાનમાં વસવાટ કરવાનું શરૂ કર્યું. તેમનું પ્રથમ પગથિયું હતું કરાચીની યુનિવર્સિટીમાં દાખલ થવું અને તેઓ થયા પણ. ત્યારબાદ તેમણે LLBનો અભ્યાસ શરૂ કરી દીધો. તેઓ કોલેજના બધા કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યા અને પાકિસ્તાની નાગરિક તરીકે ઓળખાયા વગર સતત આગળ વધતાં રહ્યા. કોઈપણ વ્યક્તિને તેમના પર સહેજ પણ શંકા ન ગઈ. રાજસ્થાન અને પંજાબની બોર્ડર પર રહેતા હોવાથી તેમની પંજાબી ભાષા પર પકડ સારી હતી.
ભણતર પૂરું થયા બાદ કૌશિકે પાકિસ્તાની સેનામાં જવાનો નિર્ણય લીધો. રૉને શરૂઆતમાં તેમાં જોખમ દેખાયું પણ જે રીતે કૌશિક આગળ વધી રહ્યા હતા, તે જોતાં વિશ્વાસ વધ્યો અને યોજના કારગર નીવડી. કૌશિકે મિલિટરી એકાઉન્ટ્સ ડીપાર્ટમેન્ટની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસમાં જ તેઓ સફળ રહ્યા. પાકિસ્તાની સેનામાં તેઓ અધિકારી તરીકે જોડાયા અને ભારત માટે કામ કરવાનું શરૂ કરી દીધું. તેમણે ભારત માટે માહિતીઓ મોકલવાનું પણ શરૂ કરી દીધું હતું. તેમણે પાકિસ્તાની સેનાની હિલચાલ, ઓફિસરોના વલણ, હથિયારોની ડિલિવરી વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતીઓ ભારત સુધી પહોંચતી કરે હતી.
તેઓ ઇનવિઝિબલ શાહીથી પત્રો અને રિપોર્ટ્સ લખતા હતા અને કુવૈત અથવા તો દુબઈના રસ્તે ભારત મોકલતા હતા. તે સમયે માહિતી પહોંચતા ઘણા દિવસો અથવા તો અઠવાડિયા પણ લાગી જતાં હતા. તેમ છતાં તેમની દરેક ગુપ્ત માહિતી સટીક નીકળતી હતી. સમય જતાં તેઓ પાકિસ્તાની સેનાના મેજર પદ સુધી પહોંચી ગયા હતા. દરમિયાન તેમણે પાકિસ્તાની યુવતી અમાનત સાથે નિકાહ કર્યાં હતા, જેથી તેમની ઓળખ પર શંકા ન જઈ શકે.
આ નિકાહ બાદ તેમના ઘરે એક પુત્રનો જન્મ પણ થયો હતો. જેનું નામ તેમણે અરીબ રાખ્યું હતું. જોકે, લગભગ વર્ષ 2011-12ના તેનું મોત પણ થઈ ગયું હતું. પાકિસ્તાનમાં કૌશિકે પોતાનો પરિવાર ઊભો કર્યો હતો. પાકિસ્તાનમાં તેમના પરિવારને ક્યારેય શંકા નહોતી ગઈ કે, કૌશિક ભારતીય નાગરિક છે અને રૉના એજન્ટ છે. તેમણે કામ પર, ઘર પર અને સમાજમાં પણ પોતાની વાસ્તવિક ઓળખ છુપાવી રાખી હતી.
કૌશિકની ગુપ્ત માહિતીઓથી 20,000થી વધુ ભારતીય સૈનિકોનો બચ્યો હતો જીવ
વર્ષ 1979થી 1983 સુધી ભારત પાસે એક એવા જાસૂસ હતા, જેઓ દુશ્મન દેશની સેનામાં મેજર હતા. કૌશિકે આ દરમિયાન ઘણી સટીક ગુપ્ત માહિતીઓ આપી હતી. જેના કારણે ભારતે ઘણો લાભ પહોંચ્યો હતો. તેમના પત્રોના કારણે સરહદો પર પાકિસ્તાની ઘૂસણખોરી બંધ થઈ ગઈ હતી. તેમણે ઘણા ગુપ્ત પ્લાનને નિષ્ફળ બનાવ્યા હતા અને હજારો લોકોના જીવ બચાવ્યા હતા. કહેવામાં આવે છે કે, તેમની ગુપ્ત માહિતીના કારણે 20,000થી વધુ ભારતીય સેનાના જવાનોનો જીવ બચી ગયો હતો.
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ તેમના યોગદાન વિશે જાણ કરવામાં આવી હતી. તેમણે કૌશિકને ‘બ્લેક ટાઈગર’ તરીકે સંબોધિત કર્યાં હતા. આ નામ આગળ જતાં રૉમાં અમર થઈ ગયું અને વિશ્વ ઇતિહાસમાં પણ એક મહાન જાસૂસનો પર્યાય બની ગયું. તેઓ પાકિસ્તાની સેનામાં એટલા વિશ્વાસુ બની ગયા હતા કે, ISIના મોટા અધિકારીઓ પણ તેમની સાથે વાતો કરવા લાગ્યા હતા અને માહિતીઓ શેર કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક વખત તેઓ સાઉદી આરબના બહાને ભારતમાં તેમના ભાઈના લગ્નમાં પણ આવ્યા હતા, તેમ છતાં ક્યારેય પકડાયા નહોતા.
રૉની એક ભૂલ અને મહાન જાસૂસની ધરપકડ
કૌશિકની બુદ્ધિક્ષમતા એ સ્તરની હતી કે, તેઓ ક્યારેય પોતાના કારણે શંકાના દાયરામાં નહોતા આવ્યા. તેઓ પકડાયા પણ રૉની એક ભૂલના કારણે. સમય હતો 1983નો. રૉએ એક અન્ય જાસૂસ ઇનાયત મસીહને પાકિસ્તાન મોકલ્યો હતો, જેથી તે કૌશિકને ખાસ સંદેશ આપી શકે. ભારત માટે આ પગલું જોખમ સાબિત થયું હતું. કારણ કે, 8 વર્ષથી પાકિસ્તાનમાં કામ કરતા કૌશિકને કોઈ સીધા સંપર્કની જરૂર નહોતી. કારણ કે, દુશ્મન દેશમાં તેઓ સેનાના મોટા પદ પર હતા. તેમ છતાં રૉએ એજન્ટને મોકલવાની ભૂલ કરી હતી.
મસીહ સરહદ પાર કરીને પાકિસ્તાનમાં તો ઘૂસી ગયો, પરંતુ પાકિસ્તાની ISIએ તેને પકડી પાડ્યો. તેને પાકિસ્તાનમાં એટલો પ્રતાડિત કરવામાં આવ્યો કે, તેણે ભારતની તમામ યોજનાઓ દુશ્મન દેશને આપી દીધી. વધુમાં તેણે એવું પણ કહી દીધું કે, પાકિસ્તાની સેનાના મેજર નબી અહેમદ શાકિર વાસ્તવમાં ભારતના જાસૂસ રવિન્દ્ર કૌશિક છે. ત્યારબાદ ISIએ મસીહને મેજર સાથે મુલાકાત કરવાનું કહ્યું હતું. બીજી તરફ કૌશિક તમામ સ્થિતિઓ અને ઘટનાઓથી અજાણ હતા.
તેઓ એક પાર્કમાં મસીહને મળવા માટે પહોંચી ગયા હતા, પરંતુ મસીહની જગ્યાએ પાકિસ્તાની અધિકારીઓ ત્યાં તેમની રાહ જોઈને બેઠા હતા. બાદમાં પાકિસ્તાને કૌશિકની ધરપકડ કરી લીધી હતી. નોંધવા જેવું છે કે, ભારતના સૌથી મહત્વના અંડરકવર એજન્ટને દુશ્મનના કારણે નહીં, પરંતુ પોતાની જ એજન્સીની એક ભૂલના કારણે ત્રાસ સહન કરવો પડ્યો હતો. ભારતના સૌથી મૂલ્યવાન જાસૂસને એક ખોટા નિર્ણયના કારણે પકડી પાડવામાં આવ્યા હતા.
જેલમાં બંધ કરીને કર્યો અત્યાચાર, છતાં ન આપી ગુપ્ત માહિતી
પાકિસ્તાની અધિકારીઓએ કૌશિકની ધરપકડ કરી લીધી હતી અને તેમને સિયાલકોટ લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને ખૂબ પ્રતાડિત કરવામાં આવ્યા અને પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, કૌશિકે દેશ સાથે વિશ્વાસઘાત ન કરીને પોતાની ઓળખ પણ નહોતી આપી. તેમણે ક્યારેય એવું ન સ્વીકાર્યું કે, તેઓ ભારતીય જાસૂસ હતા. તે સિવાય તેમણે દેશના અન્ય ઑપરેશન અને લોકોના નામ પણ નહોતા જણાવ્યા. બે વર્ષ સુધી સિયાલકોટમાં તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.
જોકે, જેલમાં રહીને પણ તેમણે પોતાના પરિવારને ગુપ્ત રીતે પત્ર લખ્યા હતા અને ઘટના વિશેની તમામ માહિતીઓ આપી હતી. પાકિસ્તાની કોર્ટમાં તેમના વિરુદ્ધ વર્ષો સુધી કેસ ચાલ્યો હતો અને વર્ષ 1985માં તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે તેને આજીવન કારાવાસમાં બદલી કાઢી હતી, જેથી કરીને તેમને વધુ પ્રતાડિત કરીને માહિતી કઢાવી શકાય. પરંતુ કૌશિક અંતિમ શ્વાસ સુધી મૌન રહ્યા હતા.
તેમને સિયાલકોટમાંથી લખપત અને મિયાંવાલી જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ જીંદગીભર રહ્યા હતા. જેલમાંથી પણ તેઓ ભારતને ગુપ્ત પત્રો લખી શકવા સક્ષમ હતા. એક પત્રમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, તેમને પ્રસિદ્ધિ નથી જોઈતી, માત્ર એટલું જોઈએ છે કે, તેમની ગાથા અને યોગદાનને દેશ ભૂલી ન જાય. આ ઘટનાઓની જાણ થયા બાદ કૌશિકના પિતાનું હાર્ટએટેકમાં મોત થયું હતું અને માતા દિલ્હીના દરવાજા ખખડાવી રહ્યા હતા. તે સમયની સરકારે કૌશિકના માતાને માત્ર 500 રૂપિયાનું પેન્શન આપ્યું હતું અને બાદમાં તે વધારીને 2000 કરવામાં આવ્યું હતું. તેમના બલિદાનને પણ ક્યારેય આધિકારિક માન્યતા આપવામાં આવી ન હતી.
તેમ છતાં કૌશિકે ક્યારેય દુઃખ વ્યક્ત કર્યું ન હતું. આ બધી બાબતો જાણવા છતાં તેમણે પાકિસ્તાનને એક પણ ગુપ્ત માહિતી આપી ન હતી. અંતે તેમણે માત્ર એક વાક્ય કહ્યું હતું, જે આજે પણ ગુંજતું રહ્યું છે. તેમના શબ્દો હતા, “જો હું અમેરિકી હોત તો ત્રણ દિવસમાં જેલની બહાર નીકળી ગયો હોત.” આ તેમની ફરિયાદ નહોતી, પરંતુ પોતાના દેશને અરીસો બતાવવાની વાત હતી. આજે ભારત તે સ્થિતિમાં છે કે, પાકિસ્તાનની કસ્ટડીમાં રહેતા ભારતીય સૈનિકોને પણ પરત લઈ આવી શકે છે.
પાકિસ્તાનમાં ગર્જના કરતા ભારતના ‘બ્લેક ટાઈગર’ને અંતિમ વિદાય
નવેમ્બર 2001માં 18 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ કૌશિકનું મિયાંવાલી જેલમાં અવસાન થયું હતું. તેઓ ટીબી અને હૃદય રોગથી પીડાતા હતા, પરંતુ તેમને કોઈ ખાસ સારવાર મળી ન હતી. તેમના માટે કોઈ અપીલ કે ઝુંબેશ શરૂ કરવામાં આવી ન હતી. ભારતે તેમને પરત લાવવા માટે કોઈ પ્રયાસ કર્યો નહીં. તેમના મૃતદેહને તેમના વતનથી ખૂબ દૂર મુલતાનમાં દફનાવવામાં આવ્યો. તેમનું સાચું નામ પણ તેમની કબર પર લખેલું નથી. તેમના પરિવારને ભારત તરફથી કોઈ સંદેશ મળ્યો નહીં, કોઈ સ્વીકૃતિ મળી નહીં, કોઈ સંવેદના મળી નહીં. જે માણસે દેશ માટે બધું અર્પણ કરી દીધું તેને ઇતિહાસમાં શાંતિથી અદૃશ્ય થઈ જવા દેવામાં આવ્યો.
આજે તેમના નામ પર ન તો કોઈ સન્માન છે, ન તો કોઈ રોડ-રસ્તા કે શેરીનું નામ છે. ઇતિહાસમાં આજે પણ કૌશિક માટે એક શબ્દ લખાયો નથી. તેમની વીરતા, તેમની નિર્ભીક્તા અને તેમના ત્યાગને ક્યારેય યોગ્ય સન્માન મળી શક્યું નથી. આવા તો હજારો જાસૂસો હશે, જે મૌન જીવ્યા હશે અને મૌન જ મર્યા હશે. હવે એ સમય આવી ગયો છે કે, આપણે સૈનિકોની સાથે-સાથે આવા મહાન જાસૂસો વિશે પણ જાણીએ અને ભણીએ.