Saturday, March 22, 2025
More
    હોમપેજગુજરાત'કોઈ આવે કે ના આવે મારી સાથે, હું જઈશ સોમનાથની સખાતે': ઇસ્લામી...

    ‘કોઈ આવે કે ના આવે મારી સાથે, હું જઈશ સોમનાથની સખાતે’: ઇસ્લામી આક્રાંતા ઝફર ખાનની આખી સેના પર ભારી પડી હતી એક નાની પલટન, વાત સોમનાથ મહાદેવને પોતાનું મસ્તક અર્પણ કરનારા ‘કેસરી વીર’ હમીરજી ગોહિલની

    એક તરફ હિંદુ શિવાલયને તોડવાનું મઝહબી ઝનૂન છે અને બીજી તરફ સોમૈયાનું રક્ષણ કરવાની ગજબની જિજીવિષા છે. ઝફરે તોપો આગળ કરી પણ ભીલ સૈનિકોએ ગોરિલા યુદ્ધનીતિ અપનાવી અને મુસ્લિમ સેનાના હોશ ઉડાવી દીધા.

    - Advertisement -

    ભારતને ઉજ્જવળ, ઉન્નત અને મહાન બનાવવા માટે ઘણા વીર પુરુષોએ પોતાના રક્તથી તેનો અભિષેક કર્યો હતો. પોતાના ધર્મ અને ધરોહરના રક્ષણ માટે લાખો લબરમૂછિયા યુવાનોએ પોતાના બલિદાન આપ્યા છે. સમય જતાં દેશ તે વીર પુરુષોને ભૂલતો જતો હતો. દેશનું ફિલ્મ જગત પણ માત્ર એક પક્ષને ‘મહાન’ દર્શાવવાના પ્રયાસોમાં લાગી રહ્યું હતું. પરંતુ, સમય બદલાયો અને 2014માં આવ્યું વૈચારિક પરિવર્તન. તે પરિવર્તનના કારણે આજે માટી માટે મરનારા તે વીર પુરુષોના અમર બલિદાન પણ પોક મૂકીને રડ્યા અને ભારતીયોની આત્મામાં ઊંડી અસર ઊભી કરી ગયા.

    વૈચારિક પરિવર્તન બાદ તે વીર પુરુષોને મોટા પડદા પર દર્શાવવામાં આવ્યા અને દેશભરમાં તેમની કીર્તિને પહોંચાડવાના પ્રયાસ થયા. જે બૉલીવુડ માત્ર એક પક્ષની ‘મહાનતા’ દર્શાવવાના પ્રયાસો કરી રહ્યું હતું, તેને લોકોએ લાત મારીને ભાન કરાવી કે, દેશના વાસ્તવિક હીરો ઇસ્લામી આક્રાંતાઓ નહીં, પણ તાન્હાજી, સંભાજી અને સાવરકર જેવા સપૂતો છે. ત્યારબાદ જઈને બૉલીવુડને તાન્હાજી, વીર સાવરકર અને સંભાજી મહારાજ પર ફિલ્મ બનાવવાની ફરજ પડી અને આ સિલસિલો સતત ચાલતો રહ્યો.

    આવી રહી છે ઐતિહાસિક ‘કેસરી વીર: લેજેન્ડ ઑફ સોમનાથ’ ફિલ્મ

    લોકોની સુષુપ્ત પડેલી શ્રદ્ધા અને ભારતીય વીર સપૂતોના બલિદાનોને ધ્યાને રાખીને બૉલીવુડે પણ તે જ ઇતિહાસ પર ફિલ્મો બનાવવાની ફરજ પડી, જે ઇતિહાસ લોકો જાણવા માંગે છે. સંભાજી, તાન્હાજી અને સાવરકર જેવા વીર સપૂતોને તો દેશનો એક મોટો વર્ગ અમુક અંશે જાણે છે, પરંતુ કેસરી વીર ફિલ્મના નાયકને લગભગ અવગણી દેવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે, ગુજરાતના તે સપૂતને સૌરાષ્ટ્ર સિવાયના આખા ગુજરાતમાં કોઈ ઓળખતું પણ નહોતું. વાત છે, સોમનાથની રક્ષા માટે પોતાનું મસ્તક અર્પણ કરી દેનારા વીર હમીરજી ગોહિલની.

    - Advertisement -

    બૉલીવુડ એક્ટર સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલીની ઐતિહાસિક ઘટના પર આધારિત ફિલ્મ ‘કેસરી વીર: લેજેન્ડ ઑફ સોમનાથ’ આવી રહી છે. તેનું ટીઝર પણ લૉન્ચ થઈ ગયું છે. 14 માર્ચના રોજ આ ફિલ્મ મોટા પડદા પર રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એક્ટર સૂરજ પંચોલી ‘વીર યોદ્ધા હમીરજી ગોહિલ’ની ભૂમિકા ભજવી રહ્યા છે અને સુનિલ શેટ્ટી ‘વીર યોદ્ધા વેગડાજી ભીલ’ની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ વિવેક ઓબેરોયને ઇસ્લામી આક્રાંતા ‘ઝફર ખાન’નું પાત્ર મળ્યું છે.

    આ ફિલ્મમાં 14મી સદીનો તે ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે, જેમાં સોમનાથ મંદિરને ઇસ્લામી આક્રાંતાઓ દ્વારા બચાવવા માટે મુઠ્ઠીભર યુવાનોએ લડત આપી હતી. આ ઇતિહાસ આખા દેશથી અજાણ બની ગયો છે. આ ટીઝર લૉન્ચ થયા બાદ જ દેશના કરોડો લોકોએ પહેલી વખત ‘હમીરજી ગોહિલ’નું નામ સાંભળ્યું છે. આ વિશેષ અહેવાલમાં આપણે વીર હમીરજી ગોહિલની વીરતા અને તેમના અમર બલિદાન વિશે ઐતિહાસિક તથ્યો સાથે ચર્ચા કરીશું.

    કોણ હતા હમીરજી ગોહિલ?

    કાઠીયાવાડ સર્વસંગ્રહ પ્રકરણ 9મા ઉલ્લેખ આવે છે કે, ઈસ. 1391માં ઝફર ખાન બીન-વઝીર-ઉલ્લ-મુલક ગુજરાતનો સૂબો હતો. તે સિવાય ગુજરાત સર્વસંગ્રહમાં પણ ઝફર ખાનની સોમનાથ પર ચડાઈ કરીને એક પ્રકરણ આપવામાં આવ્યું છે. તે સિવાય કવિ કલાપીના પુસ્તક ‘હમીરકાવ્ય’માં પણ આ ઘટનાનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં 1921ના પુસ્તક ‘ગોહિલ વીર હમીરજી’ (ધીરસિંહ ગોહિલ) અને ‘સોમનાથ અને હમીરજી ગોહિલ્’ (જયમલ્લ પરમાર) જેવા પુસ્તકમાં પણ તટસ્થ ઇતિહાસ મળી રહે છે. આ તમામ પુસ્તકોના સંદર્ભના આધારે આપણે હમીરજી ગોહિલના ઇતિહાસને જાણવા પ્રયાસ કરીશું.

    હમીરસિંહજી ગોહિલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અમેરિલી જિલ્લામાં આવેલા અરઠીલા રાજ્યના રાજવી હતા. અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર હતા, જેમાં દુદાજી, અરજણજી અને હમીરજીનો સમાવેશ થાય છે. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા હતા, ગઢાળીના 11 ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. મહત્વની વાત એ છે કે, હમીરજી ગોહિલ ‘કવિ કલાપી’ તરીકે પ્રસિદ્ધ થયેલા સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા. ઈસ. 1398માં હમીરજી સમઢીયાળાની ગાદી સાંભળતા હતા અને તે જ દરમિયાન ઝફર ખાને સોમનાથ પર હુમલો કર્યો હતો.

    અરજણજી અને હમીરજી ગોહિલ વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. પરંતુ, એક દિવસ કૂકડાં યુદ્ધના કારણે બંને ભાઈઓ વચ્ચે ટસલ થાય છે અને અરજણજી તેમના નાના ભાઈ હમીરને ગુસ્સાના આવેશમાં આવીને હાલી નીકળવા માટેનું કહી દે છે. જેના કારણે હમીરજી ગોહિલવાડથી સીધા મારવાડ પહોંચી જાય છે. મારવાડમાં તેઓ પોતાના વીર રાજપૂત મિત્રો સાથે રહેવા લાગે છે અને આઘાતમાં જીવવા લાગે છે.

    સોમનાથ મંદિર પર ઝફર ખાનનો હુમલો

    આ ઇતિહાસ 14મી સદીમાં થયેલા ઇસ્લામી ‘ઇતિહાસકારો’એ પણ વર્ણવ્યો છે. તે સમયે દિલ્હીમાં તઘલક વંશનું શાસન હતું અને દિલ્હીની ગાદી પર મહમદ તઘલક બીજાનું રાજ હતું. જૂનાગઢમાં તે સમયે પોતાના સૂબા શમસુદ્દીનનો પરાજય થતાં તેને બદલીને ઝફર ખાનને ગુજરાતનો સૂબો નીમવામાં આવ્યો હતો. સમય જતાં તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ ગયો હતો. આથી તેણે સોમનાથમાં એક થાણું બનાવ્યું હતું. તે મૂર્તિપૂજાનો કટ્ટર વિરોધી હતો અને તે જ સમયે તેની નજર સોમનાથ પર પડી હતી, જ્યાં કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી હતી.

    ઝફરે રસુલ ખાન નામના એક મુસ્લિમને જૂનાગઢનો થાણેદાર બનાવ્યો હતો. થોડા જ સમયમાં ઝફરે આદેશ આપ્યો કે, સોમનાથમાં ‘બુતપરસ્તોને’ (હિંદુઓને) એકઠા ન થવા દે. તે સમયે સોમનાથમાં શિવરાત્રિનો મેળો હતો. બીજી તરફ રસુલ અને તેના માણસોએ નરસંહાર શરૂ કર્યો હતો અને હિંદુઓને કાપી નાખવાના આદેશ છૂટ્યા હતા. સ્થાનિક હિંદુઓએ આ ઘટનાની પ્રતિક્રિયા તરીકે રસુલ ખાનને જ મારી નાખ્યો હતો. ઝફર ખાનને જાણ થતાં તે રોષે ભરાયો હતો અને સોરઠને ધમરોળી નાખવા માટે મક્કમ થઈ ગયો હતો. ઝફર ખાને સોમનાથ પર હુમલો કરવાનું ફરમાન બહાર પાડ્યું અને સોમનાથ તરફ નીકળી પડ્યો. કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી કોમના મુસ્લિમ સૈનિકોને લઈને તે ઘમાસાણ મચાવવા માટે નીકળી પડ્યો હતો.

    બીજી તરફ આ જ અરસામાં અરજણજી ગોહિલ ખૂબ દુઃખી થવા લાગ્યા હતા અને તેમણે માણાસુરના ગઢવીને હમીરજીને શોધી લાવવા માટેનો આદેશ કર્યો હતો. હમીરજીને મારવાડમાં ગઢવીનો ભેટો થયો હતો અને અરજણજીની સ્થિતિ વિશે જાણ થઈ હતી. જેના કારણે હમીરજી પોતાના ભાઈની પરિસ્થિતિ પર ખૂબ દુઃખી થયા હતા અને પરત અરઠીલા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના મોટાભાઈ સાથે અરઠીલામાં જ રહેવા લાગ્યા હતા.

    ‘શું રાજપૂતી મરી પરવારી છે? મહાદેવ પર રાજપૂતોના દેખતા ફોજ ચડી જશે?’

    એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતળજી ભાટી, સઘદેવજી સોલંકી, શિહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા મિત્રો સાથે વગડામાં લટાર મારીને હમીરજી ઘરે આવ્યા હતા અને જમવાની ઉતાવળ કરવા લાગ્યા હતા. એટલે દુદાજીના પત્ની અને હમીરજીના ભાભીએ હમીરજીને કહ્યું કે, “દિયર સાહેબ, આટલી બધી ઉતાવળ કાં કરો? ઝટ જમીને સોમૈયાની (સોમનાથનું સ્થાનિક નામ) સખાતે (રક્ષણ માટે) ચડવું છે?” આ સાંભળીને હમીરજીએ કહ્યું કે, “કેમ ભાભીમા સાહેબ, સોમૈયા પર સંકટ છે?” વળતાં જવાબમાં ભાભીએ કહ્યું કે, “પાદશાહી દળકટક સોમૈયા મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતના સૂબાની ફોજ સોમનાથના માર્ગે છે.”

    ભાભીની વાત સાંભળીને હમીરજી જમ્યા વગર જ સફાળા ઊભા થઈ ગયા અને કહ્યું કે, “શું વાત કરો છો? કોઈ રાજપૂત જાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી? મહાદેવ પર રાજપૂતોના દેખતા મલેચ્છોની (મુસ્લિમો) ફોજ ચડશે? શું રાજપૂતી મરી પરવારી છે?” આવા કેટલાય સવાલ સાથે હમીરજી ઊભા થઈ ગયા અને દુઃખ સાથે નિસાસા નાખવા લાગ્યા. દરમિયાન તેમના ભાભીએ કહ્યું કે, “કાઠિયાવાડમાં રાજપૂતો તો પાર વગરના છે, પણ સોમૈયાની સખાતે ચડે એવો ભડવીર કોઈ દેખાતો નથી અને આ કઈ થોડો શિકાર કરવો છે? જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયર સાહેબ. તમેય ક્યાં રાજપૂત નથી?”

    હમીરજીના ભાભી માત્ર નિખાલસતામાં બોલી ગયા, પરંતુ હમીરજીનું ક્ષાત્રત્વ ઉકળી ઉઠ્યું. હમીરજીએ પોતાના ભાભીને કહ્યું કે, “મારા બંને ભાઈઓને ઝાઝેરા જુહાર કહેજો. કોઈ આવે કે ના આવે મારી સાથે, હું તો જઈશ સોમૈયાની સખાતે” દરમિયાન ભાભીએ ઘણું સમજાવ્યું પણ હમીરજી ટસના મસ ના થયા. 200 જેટલા મરજીવા સાથે હમીરજીએ સોમનાથનો માર્ગ પકડ્યો. જ્યારે સૂબાના ડરે પ્રજા દિગ્મૂઢ બની ગઈ હતી, રજવાડા આંતરિક વિખવાદમાં હતા. તેવા સમયે હમીરજી એકલા નીકળી પડ્યા હતા સોમનાથની સખાતે.”

    રસ્તામાં ચારણ આઈનો ભેટો અને દ્રોણગઢડામાં લગ્ન

    હમીરજી સોમનાથના માર્ગ પર ચાલ્યા જાય છે અને રસ્તામાં એક નેસડામાં (સ્થાનિક માલધારીઓનું રહેણાંક) આવી ચડે છે. તે દરમિયાન અડધી રાતના સમયે એક વૃદ્ધ સ્ત્રી મરશિયા (કોઈના મૃત્યુ બાદ ગવાતા લોકગીત) ગાઈ રહી હતી. હમીરજીએ નજીક જઈને તેમને પૂછ્યું કે, મા તમે કોના મરશિયા ગાઓ છો? તે વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો કે, તેમના દીકરાનું તાજેતરમાં જ મોત થયું છે, તેથી તેના મરશિયા ગાય છે. ત્યારબાદ હમીરજીએ આગ્રહ કર્યો કે, “મારા મરશિયા ગાશો? મારે સાંભળવા છે.” જવાબમાં તે ચારણ વૃદ્ધા કહે છે કે, “આ શું બોલ્યો? જીવતેજીવ તારા મરશિયા ગાઈને પાપમાંથી મારે ક્યારે છૂટવું?” હમીરજીએ કહ્યું કે, “આઈ, અમે મરણના માર્ગે છીએ. સોમૈયાની સખાતે નીકળ્યા છીએ. ત્યાંથી પરત અવાશે નહીં.” વૃદ્ધાએ હમીરજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, રસ્તામાં લગ્ન કરીને જજે, કારણ કે, રણમાં પરણ્યા વગર જવાય નહીં. એટલું કહીને ચારણ વૃદ્ધા સોમનાથના માર્ગે ચાલવા લાગ્યા અને હમીરજીને કહ્યું કે, “હું સોમનાથ જઈને તારી રાહ જોઈશ.”

    ત્યાંથી આગળ જતાં રસ્તામાં દ્રોણગઢડા આવ્યું. વેગડાજી ભીલ નામના સરદારની ગિરમાં ધાક હતી. આ બધા ભીલ લોકો પણ સોમનાથને પોતાના આરાધ્ય દેવ માનતા હતા. વેગડા ભીલની એક દીકરી પણ હતી, જેનું નામ રાજબાઈ હતું. એક વખત કોઈ જેઠવા રાજપૂત તુલસીશ્યામની યાત્રાએ જતાં હતા. તે દરમિયાન વચ્ચે ભીલ અને જેઠવાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે જેઠવા રાજપૂત મૃત્યુ પામ્યા હતા. પણ મરતા-મરતા તેમણે પોતાની નાની દીકરી વેગડાજીને સોંપીને વચન લીધું હતું કે, આ દીકરીને ઉછેરીને કોઈ યોદ્ધા રાજપૂત સાથે લગ્ન કરાવજો. તે દીકરી એટલે રાજબાઈ.

    થોડા જ સમયમાં ચારણ વૃદ્ધ વેગડા ભીલના મહેમાન થયા અને તેમણે કહ્યું કે, “હમીરજી ગોહિલ સોમનાથની સખાતે નીકળ્યો છે, તેની સાથે તારી રાજબાઈને પરણાવજે. મર્દામર્દ ગોહિલવાડનો રાજપૂત છે.” ત્યારબાદ થોડા જ સમયમાં હમીરજી તે વિસ્તારમાં આવી પહોંચ્યા અને વેગડા ભીલ સાથે અનાયાસે પરિચય પણ થયો. વેગડાના આગ્રહ પર હમીરજી બે દિવસ સુધી તેના નેસડામાં રોકાયા. ત્યારબાદ વેગડાએ હમીરજી અને રાજબાઈને પૂછીને બંનેના લગ્ન કરાવ્યા. આવી રીતે હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતાં સમયે રસ્તામાં થયા હતા.

    સોમનાથનું રક્ષણ કરવા મરણિયા થયા રાજપૂતો

    લગ્નના બીજા જ દિવસે હમીરજી સોમનાથ બાજુ નીકળી પડ્યા. તેમની સાથે વેગડાજી અને ભીલો પણ આવી પહોંચ્યા. રસ્તામાંથી રાજપૂત, કાઠી, રબારી, ભરવાડો, આહીર, મેર જેવી જ્ઞાતિઓના યુવાનોને પણ સાથે લીધા હતા. આ મુઠ્ઠીભર યોદ્ધાઓ આખરે સોમનાથ પહોંચી ગયા હતા. મંદિરના પ્રાંગણમાં મુઠ્ઠીભર રાજપૂતો સાથે હમીરજી, વેગડાજી, પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઝફર ખાનની રાહ જુએ છે. ઝફર ખાને સાંભળ્યું હતું કે, અમુક માથા ફરેલા માણસો સામનો કરશે, પણ તેને કોઈ ફિકર નહોતી. ઝફર ખાન બરાબર પ્રભાસના પાદરે આવી પહોંચ્યો. આ સાથે જ વેગડાજી ભીલના સૈનિકોએ તીર સાથે ઝફર ખાનનું સ્વાગત કર્યું અને ભીલોના તીરોથી મુસ્લિમ સેના ત્રાહિમામ પોકારી ઉઠી.

    એક તરફ હિંદુ શિવાલયને તોડવાનું મઝહબી ઝનૂન છે અને બીજી તરફ સોમૈયાનું રક્ષણ કરવાની ગજબની જિજીવિષા છે. ઝફરે તોપો આગળ કરી પણ ભીલ સૈનિકોએ ગોરિલા યુદ્ધનીતિ અપનાવી અને મુસ્લિમ સેનાના હોશ ઉડાવી દીધા. આ સાથે જ ભીલ સૈનિકોની સંખ્યા પણ ઓછી થવા લાગી હતી, દરમિયાન વેગડાજી પણ વીરગતિ પામ્યા. નવ દિવસ સુધી યુદ્ધ સતત ચાલ્યું હતું. આ સમયે હમીરજી પાસે માત્ર થોડા મરજીવાઓ બચ્યા હતા. યુદ્ધ અંત તરફ હતું અને હમીરજીએ વહેલી સવારે સોમનાથની આરતી કરી. પ્રાંગણમાં મોતને વ્હાલું કરવા આવેલા મરજીવાઓ માટે ગુલાલ ઊડ્યાં. દરમિયાન ચારણ વૃદ્ધા પણ મંદિરમાં હતા. હમીરજીએ વૃદ્ધાને મરશિયા ગાવાની વિનંતી કરી. ઘડીભર માટે પ્રાંગણમાં સૂનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, “ધન્ય છે વીરા તને, કાઠિયાવાડની મરવા પડેલી મર્દાનગીનું તે પાણી રાખ્યું.” તેમણે મરશિયા ગાવાના શરૂ કર્યા..

    ‘વે’લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી;
    હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.’

    ‘માથે મુંગીપર ખરુ, મોસાળ વસા વીસ;
    સોમૈયાને શીષ, આપ્યું અરઠીલા ધણી.’

    મરશિયા સાથે જ યુદ્ધ પણ શરૂ થયું. એક તરફ હમીરજી ગોહિલના મરજીવા અને બીજી તરફ ઝફર ખાનના ઇસ્લામી સૈનિકો. મંદિરના પ્રાંગણમાં મુઠ્ઠીભર માણસો મરણિયા થઈને શિવલિંગની રક્ષા માટે લડતા રહ્યા. હમીરજીની આખી સેના હણાઈ ગઈ, પરંતુ તે એકલો રાજપૂત કાળ બનીને ઇસ્લામી સેના પર તૂટી પડ્યો. તેમનું આખી શરીર વેતરાઈ ગયું હતું. કહેવાય છે કે, ઝફરના હુમલાના હમીરજી ગોહિલનું મસ્તક કપાઈને સોમનાથની શિવલિંગ સામે પડ્યું, તેમ છતાં ધડ લડતું રહ્યું અને ત્યાં સુધી લડયું કે, જ્યાં સુધી ઇસ્લામી સેના ભાગી ન પડી. ત્યારબાદ મેદાન ખાલી થયું અને જીત હિંદુઓની જિજીવિષાની થઈ. હમીરજી જમીન પર પડ્યા અને સોમનાથ જીત્યું. ઇસ્લામી સેના ભાગી અને અને સોમનાથના રક્ષણની પ્રતિજ્ઞા પણ પૂરી થઈ.

    ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, જ્યારે સૌરાષ્ટ્રની મર્દાનગી રોળાઈ ગઈ હતી, ત્યારે મુઠ્ઠીભર ભેરુઓ સાથે એકલો કાઠિયાવાડનો રાજપૂત સોમનાથને મસ્તક અર્પણ કરી ગયો હતો. આજે સોમનાથ મંદિરની બહાર વેગડાજીની દેરી આવેલી છે અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે હમીરજી ગોહિલની પ્રતિમા આવેલી છે. સોમનાથના ભક્તોએ કૃતજ્ઞતા વ્યક્ત કરતા એક પરંપરા બનાવી કે, સોમનાથના શિખર પર ફરકતો ભગવો ધ્વજ પહેલાં હમીરજીની પ્રતિમા પાસે જશે અને ત્યારબાદ સોમનાથના શિખર પર ચડશે. આજે પણ આ પરંપરા અકબંધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં