Friday, October 31, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિનિર્જન રણમાં આસ્થા, લોકસંસ્કૃતિ અને વેપારનો સમન્વય: વાંચો રાજસ્થાનના પુષ્કર મેળા વિશે,...

    નિર્જન રણમાં આસ્થા, લોકસંસ્કૃતિ અને વેપારનો સમન્વય: વાંચો રાજસ્થાનના પુષ્કર મેળા વિશે, ભગવાન બ્રહ્મા સાથે જોડાયેલો છે ઇતિહાસ

    મેળાનું મુખ્ય આકર્ષણ પશુ વેપાર છે, જ્યાં 30, 000થી 50, 000 ઊંટો, ઘોડા, ગાય અને બળદ ભેગા થાય છે. વેપારીઓ ઊંટોને રંગબેરંગી કપડાં, ઘંટડીઓ અને આભૂષણોથી સજાવે છે અને તેમની કિંમત 20, 000થી 5 લાખ રૂપિયા સુધીની હોય છે.

    - Advertisement -

    ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું પુષ્કર શહેર વર્ષના અગિયાર મહિના શાંત અને નિર્જન રહે છે. પરંતુ કારતક મહિનાની પૂર્ણિમા આવે કે તરત જ આ નાનકડો કસ્બો વિશ્વના સૌથી મોટા પશુ મેળા સાથે જીવંત થઈ ઉઠે છે. આ વર્ષે પણ 30 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી આ મેળો યોજાયો છે, જેને પુષ્કર મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો ધાર્મિક મહત્વ, પશુ વેપાર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસનું અનોખુ સંમિશ્રણ છે. ગુજરાતી પ્રવાસીઓ પણ આ મેળા માટે ગુજરાતથી પ્રવાસ કરીને પુષ્કર સુધી જાય છે અને પશુ મેળાનો લ્હાવો લે છે. 

    આખું વર્ષ નિર્જન રહેલો આ પ્રદેશ કારતક મહિનાની પૂર્ણિમા નજીક આવે કે તરત જ રંગબેરંગી તંબુઓ, ઘંટડીઓના નાદ, ઊંટોની હારબંધ કતારો અને હજારો સહેલાણીઓથી ગુંજી ઉઠે છે. આ મેળો વિશ્વનો સૌથી મોટો પશુ મેળો છે, જેમાં ખાસ ઊંટોની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. આ સાથે રાજસ્થાનની લોકસંસ્કૃતિમાં પણ આ મેળાનું મહત્વ ખૂબ વધુ ગણવામાં આવે છે. 

    પુષ્કર સરોવર- પવિત્ર પાંચ સરોવરો પૈકીનું એક

    હિંદુ ધર્મમાં પાંચ પવિત્ર સરોવરોનું વિશેષ સ્થાન છે- માનસરોવર (તિબેટ), બિંદુ સરોવર (સિદ્ધપુર, ગુજરાત), નારાયણ સરોવર (કચ્છ, ગુજરાત), પંપા સરોવર (કર્ણાટક) અને પુષ્કર સરોવર (રાજસ્થાન). પુષ્કરને ‘તીર્થરાજ’ કહેવામાં આવે છે, કારણ કે અહીંના ઘાટો પર કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી સહસ્ત્રો યજ્ઞોનું પુણ્ય મળે છે. મેળો મુખ્યત્વે આ સરોવરના કિનારે અને વિશાળ 85 હેક્ટરના મેદાનમાં યોજાય છે, જ્યાં રણની ઠંડી હવા, લીલા-લાલ મંદિરો અને રંગીન તંબુઓ વચ્ચે એક અલૌકિક વાતાવરણ ઊભું કરે છે.

    - Advertisement -

    મેળામાં ફરવા આવતા સહેલાણીઓ મંદિરોના દર્શન પણ કરી શકે છે. આ ઉપરાંત પુષ્કર સરોવરમાં સ્નાન કરીને તેઓ ધન્યતાથી લાગણી પણ અનુભવે છે. આ એક જ મેળામાં મંદિરોના દર્શન પણ કરી શકે છે, ઊંટોનો વિશાળ મેળો પણ માણી શકે છે અને ધાર્મિક અનુષ્ઠાન પણ કરી શકે છે.

    ભગવાન બ્રહ્મા અને વિશ્વામિત્રની પૌરાણિક કથા

    પુષ્કરનું નામ સંસ્કૃતના ‘પુષ્પ’ (કમળ) અને ‘કર’ (હાથ) શબ્દોથી આવ્યું છે. પદ્મ પુરાણ અનુસાર, રાક્ષસ વજ્રનાભે દેવતાઓના બાળકોની હત્યા કરીને અરાજકતા ફેલાવી હતી. તેનો વધ કરવા બ્રહ્માજીએ પોતાના હાથમાંથી કમળ ફેંક્યું, જેની ત્રણ પાંખડીઓ ધરતી પર પડતાં જ્યેષ્ઠ, મધ્ય અને કનિષ્ઠ પુષ્કર તળાવો બન્યાં. અહીં બ્રહ્માજીએ યજ્ઞ શરૂ કર્યો હતો, તે દરમિયાન પત્ની સાવિત્રી (સરસ્વતી) અહીં મોડા પહોંચ્યાં હતા. મુહૂર્ત ન ગુમાવવા બ્રહ્માજીએ ગાયત્રી સાથે લગ્ન કર્યા અને તેમની સાથે યજ્ઞ પૂર્ણ કર્યો હતો, જેના કારણે ક્રોધિત સાવિત્રીએ બ્રહ્માજીને શાપ આપ્યો કે બ્રહ્માની પૂજા વિશ્વમાં માત્ર પુષ્કરમાં જ થશે. તેથી જ વિશ્વમાં એકમાત્ર બ્રહ્મા મંદિર અહીં છે, જેનું પુનઃનિર્માણ 14મી સદીમાં મહારાણા મોકલજીએ કરાવ્યું હતું.

    વિશ્વામિત્રની કથા પણ પુષ્કર સાથે જોડાયેલી છે. રામાયણ અનુસાર, મહર્ષિ વિશ્વામિત્રએ અહીં હજાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી, જેથી બ્રહ્માજીએ તેમને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિનું સ્થાન આપ્યું હતું. પરંતુ અપ્સરા મેનકાએ તળાવમાં સ્નાન કરીને તેમના તપનો ભંગ કર્યો અને આખરે વિશ્વામિત્રજીએ જ આ બ્રહ્મા મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું મનાય છે. પુષ્કરની મહિમાનો ઉલ્લેખ રામાયણના સર્ગ 62ના 28મા શ્લોકમાં મળે છે, જેમાં વિશ્વામિત્રએ અહીં તપસ્યા કરી હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ અહીં વિશ્વામિત્ર આશ્રમ પણ આવેલો છે.

    મેળાનો ઇતિહાસ- 150 વર્ષ જૂની પરંપરા

    પુષ્કર મેળાનો ઇતિહાસ 18મી સદીથી શરૂ થાય છે, જ્યારે મરાઠા શાસન દરમિયાન તે વેપારી માર્ગોનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. 1869માં બ્રિટિશ શાસન દરમિયાન પ્રથમ વખત સત્તાવાર મેળાનું આયોજન થયું હતું. 1900ની શરૂઆતમાં રાજપૂત રાજવીઓએ ઘોડા અને ઊંટોની સ્પર્ધાઓ પણ શરૂ કરી હતી, જ્યારે 1950 પછી રાજસ્થાન સરકારે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉમેર્યા અને મેળાનું મહત્વ વધવા લાગ્યું. 2005માં યુનેસ્કો દ્વારા તેને ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ’ તરીકે માન્યતા મળી હતી. આજે દર વર્ષે 2 લાખથી 5 લાખ પ્રવાસીઓ અહીં આવે છે.

    જોકે, એવું પણ કહેવાય છે કે 1869માં પ્રથમ વખત સત્તાવાર મેળાનું આયોજન થયું હતું, પરંતુ તે પહેલાંથી પુષ્કરના રણમાં મેળો યોજાતો આવ્યો છે. રાજસ્થાનની લોકસંસ્કૃતિમાં દાયકાઓથી આ મેળો ભરાતો હોવાનું કહેવામાં આવ્યું છે. તે સિવાય લોકસંસ્કૃતિમાં પણ સદીઓથી આ મેળો થતો આવતો હોવાનું જાણવા મળ્યું છે. 

    વિશ્વનો સૌથી મોટો પશુ મેળો

    મેળામાં દરરોજ વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાય છે. પ્રથમ દિવસે મંડણા સ્પર્ધા, શાળા નૃત્ય અને ‘ચક દે રાજસ્થાન’ ફૂટબોલ મેચ થાય છે. બીજા દિવસે લંગડી તાંગ, ગિલ્લી ડંડા અને ઊંટ સજાવટ સ્પર્ધા થાય છે. ત્રીજા દિવસે કબડ્ડી અને ઘોડા નૃત્ય અને અંતિમ દિવસોમાં મટકા રેસ, સૌથી લાંબી મૂછ તથા પાઘડી બાંધવાની સ્પર્ધાઓ યોજાય છે. સાંજે કલબેલિયા નૃત્ય, લોકગીત અને રામાયણ મંચન જેવા કાર્યક્રમો રાત્રિઓને રંગીન બનાવે છે.

    મેળાનું મુખ્ય આકર્ષણ પશુ વેપાર છે, જ્યાં 30, 000થી 50, 000 ઊંટો, ઘોડા, ગાય અને બળદ ભેગા થાય છે. વેપારીઓ ઊંટોને રંગબેરંગી કપડાં, ઘંટડીઓ અને આભૂષણોથી સજાવે છે અને તેમની કિંમત 20, 000થી 5 લાખ રૂપિયા સુધીની હોય છે. સ્પર્ધાઓમાં ઊંટ રેસ, સૌથી સુંદર ઊંટ, ઊંટ દૂધ પીવડાવવાની હરીફાઈ અને ઘોડા નૃત્યનો સમાવેશ થાય છે. આ મેળો વિશ્વનો સૌથી મોટો ઊંટ મેળો છે, જોકે ભારતમાં નાગૌરનો રામદેવ બળદ મેળો પણ પ્રખ્યાત છે, પરંતુ પુષ્કરનું ધાર્મિક-સાંસ્કૃતિક મિશ્રણ તેને અનન્ય બનાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં