Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશજૂનાગઢના ભારતવિલયનો ઇતિહાસ: આરઝી હૂકુમત, સેના અને દેશી રાજ્યોએ દર્શાવ્યું હતું સાહસ,...

    જૂનાગઢના ભારતવિલયનો ઇતિહાસ: આરઝી હૂકુમત, સેના અને દેશી રાજ્યોએ દર્શાવ્યું હતું સાહસ, ‘ડાયરેક્ટ એક્શન ડે’ની પેટર્ન પર હિંદુઓ પર અત્યાચાર બાદ ભળ્યું હતું રજવાડું

    જૂનાગઢનું વિલીનીકરણ એ લોકશાહી, લોકઇચ્છા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. સરદાર પટેલની દૂરંદેશી, આરઝી હૂકુમત, કાઠિયાવાડના રાજ્યોનો સંઘર્ષ અને લોકોનો વિશ્વાસ - આ બધાએ સાથે મળીને એક રજવાડાને ભારતના નકશામાં સ્થાન આપ્યું છે.

    - Advertisement -

    અમુક તારીખો ઇતિહાસના માનચિત્ર પર અંકિત થઈને અમર થઈ જતી હોય છે. એવી જ એક તારીખ છે 9 નવેમ્બર. આ દિવસે જ ભૂતકાળમાં જૂનાગઢ રાજ્યને ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું. જોકે, 562 રજવાડાં જોડાયાં હતાં, પણ બધાં રજવાડાંના વિલીનીકરણની તારીખો ઇતિહાસ નથી બની શકી. ગણ્યાંગાંઠ્યાં અમુક રજવાડાં તેમાંથી બાકાત રહ્યાં, એમાં એક રજવાડું હતું જૂનાગઢ. 9 નવેમ્બર, 1947ના ઐતિહાસિક દિવસે જૂનાગઢની તળવટી ધરતી પરથી ગરવા ગઢ ગિરનારની સાક્ષીમાં એક ઐતિહાસિક ઘોષણા થઈ હતી કે જૂનાગઢ રાજ્ય હવે ભારત સંઘનો ભાગ છે. 

    ભારતમાં ભળ્યા બાદ જૂનાગઢને સૌરાષ્ટ્ર રાજ્યમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પણ તેના વિલયની પ્રક્રિયા સમસ્યાઓ અને પડકારોથી ભરેલી હતી. તેનો આખો ઇતિહાસ હિંદુઓના લોહીથી ખરડાયેલો રહ્યો હતો. જૂનાગઢનો તત્કાલીન નવાબ અને તેનો દીવાન પાકિસ્તાનના પક્ષધર હતા અને જૂનાગઢની બહુમતી હિંદુ પ્રજા ભારત વિલય તરફ હતી. હિંદુ પ્રજાની બહુમતીને અવગણીને જૂનાગઢની ઇસ્લામી સેનાએ હિંદુઓ પર ભારે બર્બરતા આચરી અને ત્યારે આરઝી હૂકુમત અને કાઠિયાવાડના અન્ય રાજ્યોની સેનાએ મોરચો સંભાળી લીધો, બાદમાં ભારત સંઘની સંયુક્ત સેનાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજના 9 નવેમ્બરના દિવસે એક નજર એ ઇતિહાસ તરફ. 

    જૂનાગઢ- ગરવા ગઢ ગિરનારની છાંયે આવેલું એક મહત્વનું રજવાડું

    જૂનાગઢ. આ નામ જ તેની ભવ્યતા દર્શાવે છે. ‘જૂનો ગઢ’ એટલે પ્રાચીન કિલ્લો. ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું આ રજવાડું 8,643 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું. તેની વસ્તીમાં 82% હિંદુઓ હતા, પરંતુ શાસક વર્ગ મુસ્લિમ બાબી વંશનો હતો. આ વંશની શરૂઆત 1654માં મુહમ્મદ શેરખાન બાબીએ કરી હતી. તેની પહેલાં મુઘલો અને ચુડાસમા રા’ વંશના રાજપૂતોનું શાસન હતું. આ રાજ્ય જમીન માર્ગે પાકિસ્તાનની નજીક નહોતું, પણ સમુદ્ર માર્ગે વેરાવળ બંદરથી કરાચી આશરે 300 માઈલ જ દૂર હતું.

    - Advertisement -

    જૂનાગઢના ઇતિહાસ તરફ ટૂંકી દ્રષ્ટિ કરીએ તો ગુજરાતના સુલતાન મુહમ્મદ બેગડાએ 1472-73માં જૂનાગઢ જીતી લીધું હતું, ત્યાં સુધી તે ચુડાસમા રાજપૂતોની સત્તા હેઠળ હતું. મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થયા બાદ 1735માં અમદાવાદના સૂબા શેરખાન બાબીએ જૂનાગઢમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. તેનો વંશજ જૂનાગઢનો છેલ્લો નવાબ મહાબતખાન રસૂલખાન હતો. 

    નવાબ મહાબતખાન રસૂલખાન

    જૂનાગઢનો છેલ્લો નવાબ મુહમ્મદ મહતાબખાન એક વિચિત્ર શાસક હતો. તેને શિકાર ખૂબ ગમતો હતો, પણ રાજ્યની સિદ્ધિઓ કરતા તે શ્વાનો માટે વધુ જાણીતો થયો હતો. તેની પાસે વિવિધ નસલના લગભગ 300થી વધુ શ્વાન હતા. જૂનાગઢનો સીમાડો સર કરીને તે આખા કાઠિયાવાડમાં માત્ર શ્વાન માટે જાણીતો થયો હતો. શ્વાન માટે તે કબ્રસ્તાન પણ બનાવતો હતો અને બે શ્વાનો વચ્ચે એક વખત નિકાહ પણ કરાવ્યાં હોવાનું કહેવાય છે.

    નિકાહ બાદ તેણે આખા જૂનાગઢ રાજ્યમાં રજા જાહેર કરવાનું ફરમાન જાહેર કર્યું હતું અને તે સમયના 25-30 લાખ રૂપિયા પણ ખર્ચી કાઢ્યા હતા. આ નવાબ આવા ઉટપટાંગ નિર્ણયો માટે જાણીતો હતો. જોકે, નવાબની ખરી શક્તિ કે સત્તા તેનો દીવાન હતો. દીવાન કહે એ પથ્થરની લકીર. હકીકતે તો નવાબ માત્ર શ્વાન સાચવતો અને જૂનાગઢની સત્તા દીવાન ભોગતો. 

    મુસ્લિમ લીગનો શાહનવાઝ ભુટ્ટો બન્યો દીવાન

    1947નો ઉનાળો કાળોકેર વર્તાવી રહ્યો હતો અને તેવા સમયે ભારત-પાકિસ્તાનના વિભાજનની ચર્ચા તેજ થઈ હતી. ઉનાળાના કારણે જૂનાગઢનો નવાબ યુરોપ ફરવા જતો રહ્યો હતો અને જૂનાગઢ દીવાન શાહનવાઝ ભુટ્ટોના (ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનો પિતા) ભરોસે છોડી ગયો હતો. સ્વતંત્રતાના પગરવ સંભળાય રહ્યા હતા. અપવાદો બાદ કરતાં મોટાભાગનાં રજવાડાં ભારત સંઘ સાથે જોડાઈ રહ્યાં હતાં. આવા સમયે નવાબ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવા માંગતો હોવાની વાત સામે આવી હતી, એટલામાં જૂનાગઢ રાજ્યે આધિકારિક રીતે સ્પષ્ટતા કરી હતી કે આ બધી વાતો પાયાવિહોણી છે. 

    શાહનવાઝ ભુટ્ટો પહેલાં જૂનાગઢનો દીવાન અબ્દુલ કાદર હતો. 25મી જુલાઈ, 1947ના રોજ માઉન્ટબેટને રાજાઓની એક બેઠક બોલાવી હતી, જેમાં જૂનાગઢ દીવાન અબ્દુલ કાદરનો ભાઈ નબી બક્ષ નવાબના બંધારણીય સલાહકાર તરીકે હાજર રહ્યો હતો. માઉન્ટબેટન સાથે કેટલીક ચર્ચા કર્યા બાદ તેણે માઉન્ટબેટન, સરદાર પટેલ અને નવાનગરના જામસાહેબને (અત્યારનું જામનગર ત્યારે નવાનગર તરીકે ઓળખાતું. નવાનગરના શાસક જામસાહેબ કહેવાતા.) ખાતરી આપી હતી કે તે પોતે નવાબને ભારતમાં ભળી જવાની સલાહ આપશે. 

    શાહનવાઝ ભુટ્ટો

    નવાબના સલાહકાર નબી બક્ષે નવાબને સ્પષ્ટ સલાહ પણ આપી હતી કે જો ભારતમાં વિલય ન થયો તો ભારતીય સંઘ ધિંગાણું માંડી દેશે અને રાતાપાણીએ રડાવશે. આવી સલાહ આપવા બદલ શાહનવાઝ ભુટ્ટોએ નબી બક્ષની સંપત્તિ સીલ કરી દીધી. એ વખતે દીવાન અબ્દુલ કાદરે પણ કહ્યું હતું કે જૂનાગઢને હિન્દી સંઘમાં જોડાવું જ જીવ બચાવી શકે એમ છે, પરંતુ ત્યારબાદ તે અમેરિકા સારવાર માટે જતો રહ્યો અને શાહનવાઝ જૂનાગઢનો દીવાન બન્યો. 

    શાહનવાઝ ભુટ્ટોનું વલણ સ્પષ્ટ હતું. તે પાકિસ્તાનને પોતાની ‘સરજમીં’ ગણતો હતો. તેનું કારણ એ હતું કે તે કરાચી મુસ્લિમ લીગનો નેતા હતો અને પાકિસ્તાનની માંગણી જ મુસ્લિમ લીગે કરી હતી. જૂનાગઢને મુસ્લિમ લીગનો દીવાન મળ્યા બાદ હવે નવાબ પણ મુસ્લિમ લીગના પ્રભાવ હેઠળ આવવા લાગ્યો અને અહીંથી પાકિસ્તાનમાં ભળવાનાં બીજ વવાયાં. 

    15 ઑગસ્ટ, 1947- જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં ભળવાની જાહેરાત કરી

    લગભગ છેક સુધી નક્કી હતું કે જૂનાગઢ ભારત સંઘમાં જોડાઈ રહ્યું છે. તે સંદર્ભે જોડાણનો કરાર સહી કરવા માટે નવાબને મોકલવામાં પણ આવ્યો હતો. પરંતુ 12 ઑગસ્ટ, 1947 સુધી તેનો કોઈ જવાબ આવ્યો ન હતો. તાર કરીને નવાબ અને તેના દિવાનને ફરી યાદ કરાવવામાં આવ્યું કે જલ્દી જવાબ મોકલો. જોડાણના કરાર પર સહી કરીને મોકલવાની અંતિમ તારીખ 14 ઑગસ્ટ, 1947 હતી. દીવાને હજુ આ વિષય પર વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢની બહુમતી હિંદુ પ્રજા ઇચ્છતી હતી કે તેમનું રાજ્ય ભારતમાં ભળે. આ મામલે જૂનાગઢના હિંદુઓએ દીવાનને આવેદન પણ આપ્યું હતું. 

    પરંતુ શાહનવાઝ ભુટ્ટોએ લોકમાંગને લાત મારીને ફગાવી દીધી હતી અને 15 ઑગસ્ટના રોજ સીધી જાહેરાત કરી દીધી હતી કે ‘લોકહિત’ માટે જૂનાગઢ રાજ્યે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. કાઠિયાવાડના અન્ય રાજાઓએ જૂનાગઢના આ વલણની ભારે ટીકા કરી હતી. જૂનાગઢ રાજ્યની કાઉન્સિલમાં પાકિસ્તાન સાથે જોડાવાને લઈને કાઉન્સિલના એકમાત્ર હિંદુ સભ્ય રાયબહાદુર ધરમદાસ હીરાનંદાણીએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, ત્યારબાદ નવાબ અને દીવાનના દબાણને લઈને રાયબહાદુરે રાજીનામું આપીને જૂનાગઢ છોડવાની ફરજ પડી હતી. નવાબના અનુભવી રાજપુરુષ કેપ્ટન ડૉક્ટર પ્રેમરાય મજમુદારને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેમણે આવીને ભારતમાં જોડાવાની સલાહ આપી તો તેમને પણ જૂનાગઢની બહાર કાઢી દેવાયા. 

    જૂનાગઢની હિંદુ પ્રજા પર અમાનુષી અત્યાચાર: ઓર્ડર ઑફ ધ ડે

    ઑગસ્ટ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો હતો, તેમ તેમ મુસ્લિમ લીગ આતંક મચાવી રહી હતી. દેશના લગભગ મોટાભાગના વિસ્તારોમાં મુસ્લિમ લીગે હિંદુઓ પર અત્યાચાર આચરવાના શરૂ કરી દીધા હતા. સિંધ અને પંજાબમાં હિંદુ સ્ત્રીઓનાં શિયળ લૂંટાઈ રહ્યાં હતાં અને લાશો ઢળી રહી હતી. આ બધા સમાચારો જૂનાગઢની બહુમતી હિંદુ પ્રજાને મળવા લાગ્યા અને તેઓ પણ ભયભીત થઈ ઊઠ્યા. કારણ કે જૂનાગઢનો દીવાન પણ મુસ્લિમ લીગનો નેતા હતો. ભયભીત થઈને હિંદુઓએ જૂનાગઢ છોડવાનું શરૂ કર્યું. 

    પરંતુ જૂનાગઢના ઇસ્લામી શાસનને આ પણ ન ગમ્યું. તેણે જૂનાગઢથી સ્થળાંતરિત થતી હિંદુ પ્રજા પર પણ અત્યાચાર ગુજારવાનો શરૂ કરી દીધો. રેલવે સ્ટેશન પર રાજ્યની પોલીસના અને જમીયુતલ મુસલમીનના કાર્યકરોના પહેરા લાગી ગયા. આ સમયે જૂનાગઢમાં ‘એક્શન કાઉન્સિલ’ નામના એક ગુપ્ત સમૂહની પણ રચના થઈ હતી, આ આખી પેટર્ન ‘ડાયરેક્ટ એક્શન ડે’ જેવી હતી. ‘એક્શન કાઉન્સિલ’માં રોજ એક ‘ઓર્ડર ઑફ ધ ડે’ બહાર પડતો. તેમાં કઈ રીતે હિંદુઓને મારવાના છે અને તેમના પર દમન ગુજારવાનો છે તેની સૂચનાઓ આપવામાં આવતી હતી. 

    માંગરોળ અને બાબરિયાવાડે ભારતમાં વિલીનીકરણ જાહેર કર્યું

    જૂનાગઢનો મુદ્દો હવે ધીમે-ધીમે ખૂબ વિવાદમાં આવી રહ્યો હતો. નવાબે પાકિસ્તાન સાથેના જોડાણના કરાર પર સહી કરી નાખી હતી અને પાકિસ્તાને પણ તે કરારનો સ્વીકાર કરી લીધો હતો. એક તરફ બહુમતી હિંદુ પ્રજા ત્રાહિમામ હતી અને બીજી તરફ ભારત સંઘની સરકાર અસમંજસમાં. આ આખો વિવાદ સરદાર પટેલ સંભાળી રહ્યા હતા. તેમણે નવાબને સમજાવવા માટે સચિવ વીપી મેનનને મોકલ્યા હતા, પરંતુ શાહનવાઝ ભુટ્ટોએ તેમની નવાબ સાથે મુલાકાત જ ન થવા દીધી. 

    જૂનાગઢથી પાછા ફરીને મેનન માણાવદર ગયા. માણાવદરમાં હિંદુઓની વિશાળ બહુમતી હતી. તે સિવાય બાબરિયાવાડ અને માંગરોળમાં પણ હિંદુઓની વસ્તી વધુ હતી. મેનને માણાવદરના ખાનને મળવા બોલાવ્યો હતો અને તેને પાકિસ્તાનમાં ભળ્યા બાદ શું ભય ઊભો થશે તેનાથી અવગત કરાવ્યો. પણ માણાવદરનો ખાન માનવા તૈયાર નહોતો. આ જ સમયગાળામાં મેનને રાજકોટમાં માંગરોળના શેખ સાથે મુલાકાત કરી અને તેને ભારતમાં ભળી જવાની વાત કરી. જૂનાગઢનો નવાબ માંગરોળના શેખને પોતાનો સામંત માનતો હતો. પરંતુ માંગરોળને જૂનાગઢથી સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા બાદ ત્યાંનાં શેખે ભારતમાં જોડાણના કરાર પર સહી કરી દીધી. 

    આ દરમિયાન કાઠિયાવાડના અન્ય રાજ્યોમાં પણ ઉગ્ર લાગણી પ્રવર્તી રહી હતી. બાબરિયાવાડ નામના 51 ગામોનું જુથ મૂળ ગરાસિયા રાજપૂતોનું હતું. પોલિટિકલ ડિપાર્ટમેન્ટે તેને જૂનાગઢ રાજ્યના તાબા હેઠળ મૂક્યાં હતાં, પરંતુ તેઓ પોતાને સ્વતંત્ર માનતાં હતાં. બ્રિટિશ સર્વોપરિતા નષ્ટ થયા બાદ આ 51 ગામોના સમૂહ બાબરિયાવાડે પણ ભારત સંઘમાં જોડાવાના કરાર પર સહી કરી નાખી હતી. આમ જૂનાગઢના તાબા હેઠળનાં બે પેટારાજ્યો જૂનાગઢથી અલગ થઈ ગયાં હતાં. જૂનાગઢ આ વિસ્તારને પોતાનો માનતું હોવાથી ત્યાં લશ્કરી ટુકડી મોકલી દીધી હતી. 

    જોકે, ભારત સંઘની સરકારે જૂનાગઢને સંદેશો પહોંચાડ્યો હતો કે તે માંગરોળ અને બાબરિયાવાડમાંથી પોતાની લશ્કરી ટુકડી હટાવી લે, પણ શાહનવાઝ ભુટ્ટો માની રહ્યો નહોતો. સરદાર પટેલનો અભિપ્રાય સ્પષ્ટ હતો કે બાબરિયાવાડમાં લશ્કર મોકલવું. કારણ કે જૂનાગઢનું પગલું આક્રમક હતું અને તેનો જવાબ તાકાતથી જ આપી શકાય એમ હતો. ત્યારબાદ સરદાર પટેલે આ વિશે નેહરુને જાણ કરી હતી, પણ નેહરુ તે સમયે પાકિસ્તાન સાથે વાતચીતના આધારે મુદ્દો હલ કરવાના સમાધાન શોધી રહ્યા હતા. તેમણે જૂનાગઢમાં સેના મોકલવાનો પણ ઇનકાર કરી દીધો હતો. 

    આ તરફ જૂનાગઢમાં સ્થિતિ બગડી રહી હતી. એક લાખ કરતાં વધારે હિંદુઓએ રાજ્યમાંથી સ્થળાંતર કરી લીધું હતું અને સમગ્ર કાઠિયાવાડની શાંતિ અને વ્યવસ્થા જોખમમાં આવી ગઈ હતી. નેહરુ સેના મોકલવા માટે નનૈયો ભણી રહ્યા હતા અને અહીં હિંદુઓ ઇસ્લામી સેનાનો ભોગ બની રહ્યા હતા. ભારત સંઘની સેનાએ કોઈ પગલાં ન લીધાં અને ત્યારબાદ આરઝી હૂકુમતની સ્થાપના થઈ. 

    મુંબઈમાં આરઝી હૂકુમતની સ્થાપના અને આરઝી સેનાની જૂનાગઢ પર ચડાઈ

    આ દરમિયાન પ્રધાનમંડળના નિર્ણય અનુસાર, કાઠિયાવાડ ડિફેન્સ ફોર્સ તથા નવાનગર, ભાવનગર અને પોરબંદરની સેના સમગ્ર કાઠિયાવાડમાં ગોઠવી દેવામાં આવી હતી. કાઠિયાવાડ રાજ્ય પરિષદે 25-8-1947ના દિવસે રાજકોટમાં જૂનાગઢના મુદ્દે એક સભા બોલાવી હતી. જેમાં સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ 25-9-1947ના રોજ મુંબઈના માધવબાગમાં મળેલી સભામાં જૂનાગઢ રાજ્યના પ્રજાજનોએ જૂનાગઢની સરકાર ઉથલાવી નાખવાનો નિર્ણય લીધો હતો. શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ આ સભાએ જૂનાગઢની આરઝી હૂકુમતની સ્થાપના કરી હતી. 

    જૂનાગઢ પાસે તાલીમ પામેલી સેના હતી અને પાકિસ્તાનનો હાથ પણ તેના પર હતો. શાહનવાઝ ભુટ્ટોને આરઝી હૂકુમત વિશે વાત મળી કે તરત જ તેણે પાકિસ્તાનથી સેનાની માંગણી કરી, પણ પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં. કારણ કે મોહમ્મદ અલી ઝીણા જાણતો હતો કે પાકિસ્તાની સેના નબળી છે અને તેની પાસે બજેટ પણ ઓછું છે. તે સિવાય પાકિસ્તાન કાશ્મીરમાં ઉથલપાથલ કરવાનું કાવતરું પણ ઘડી રહ્યું હતું અને તેમાં પણ સેનાની જરૂર પડે એમ હતી. 

    આરઝી સરકાર પણ મિજાજમાં હતી. આરઝી સેનાના સરસેનાપતિ રતુભાઈ અદાણીએ આરઝીના લડવૈયા યુવાનોને તાલીમ આપી જૂનાગઢ રાજ્યની સરહદ પર ચડાઈ કરી હતી. 30-9-1947ના રોજ આરઝી સેનાએ જૂનાગઢ રાજ્યનો રાજકોટ સ્થિત આલીશાન ઉતારો ‘જૂનાગઢ હાઉસ’ કબજે કર્યો અને દશેરાના દિવસે ભેસાણ મહાલ તાબાના અમરાપર વગેરે ગામો લઈ ત્યાંથી ગાધકડા કબજે કર્યું. 

    ભારત સંઘની સેના પણ જોડાઈ, માંગરોળ અને બાબરિયાવાડનો વહીવટ સંભાળ્યો

    બાદમાં સરદાર પટેલના આદેશ પર ભારત સંઘની સેના પણ મિશન જૂનાગઢ માટે નીકળી પડી હતી. 22 ઑક્ટોબરના રોજ પોલીસ મોકલીને માણાવદર રાજ્યનો કબજો લઈ લેવાયો હતો. 1 નવેમ્બરના રોજ બાબરિયાવાડ અને માંગરોળનો વહીવટ પણ ભારત સંઘે સંભાળી લીધો હતો. આ દરમિયાન કાઠિયાવાડના અન્ય રાજ્યોએ જૂનાગઢનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું અને પાકિસ્તાનમાંથી સહાય મળતી હોવા છતાં જૂનાગઢમાં આર્થિક સંકટ ઊભું થયું. અનાજની તંગી પેદા થઈ અને રાજ્યની આવક પણ બંધ થઈ ગઈ. 

    આરઝી સેના, ભારત સંઘની સેના અને ભાવનગર, નવાનગર, પોરબંદર જેવા દેશી રાજ્યોની સંયુક્ત સેનાએ જૂનાગઢમાં ઘેરો ઘાલ્યો અને એક પછી એક રાજ્યો કબજે કરવાના શરૂ કર્યાં. જૂનાગઢનો નવાબ પણ આ સ્થિતિ જોઈને ભયમાં આવી ગયો અને પીછેહઠ કરવા આગળ આવ્યો. પરંતુ શાહનવાઝ ભુટ્ટો આવું થવા દે તેમ નહોતો. 

    શ્વાનો સાથે પાકિસ્તાન ભાગી ગયો નવાબ

    જૂનાગઢનો નવાબ 24 ઑક્ટોબર, 1947ના રોજ તેના પરિવાર, કેટલાક શ્વાનો, કેટલીક બેગમો (મોટાભાગની બેગમો જૂનાગઢ છોડીને ભાગ્યો હતો), ઝવેરાત સહિત અનેક વસ્તુઓ લઈને પાકિસ્તાન ભાગી ગયો. તે રાજ્યનો બધો પૈસો અને દસ્તાવેજો પણ લઈ ગયો. નવાબ નાસી ગયો હોવાથી આરઝી હૂકુમત વધુ પ્રોત્સાહિત થઈ અને તેણે રાજ્યના વિવિધ પ્રદેશો કબજે કરવા માંડ્યા. 2 નવેમ્બરના રોજ નવાગઢ પણ કબજે થઈ ગયું. નવાગઢ તો કિલ્લેબંધ વિસ્તાર હોવા છતાં આરઝી હૂકુમતે પોતાનો સિંહનાદ કરતો ઝંડો ત્યાં ઊભો કરી દીધો હતો. જેના કારણે શાહનવાઝ ભુટ્ટો પણ ઉકળી ઉઠ્યો. 

    ભુટ્ટોએ પોતાના અંગત માણસોને આરઝી હૂકુમતની શક્તિ પારખવા માટે કામે લગાડ્યા હતા અને તેના દ્વારા જે માહિતી મળી, તેનાથી ભુટ્ટો પણ ડરી ગયો હતો. નવાગઢ બાદ કુતિયાણા પર આરઝી સેનાએ ચડાઈ કરી. કુતિયાણા પંથકના મેર જવાનો, પોરબંદર અને જામનગરના ગરાસિયા દરબારોની પલટન પણ આરઝી સેના સાથે આવી મળી હતી. આરઝીના સૈનિકો કિલ્લાની દીવાલ પર ચડી ગયા અને કુતિયાણા પણ સર કર્યું. આ દરમિયાન ગુમાનસિંહ નામનો એક સૈનિક વીરગતિ પણ પામ્યો હતો. 

    જૂનાગઢનો ભારતમાં વિલય

    ભારતીય સૈન્ય, આરઝી હૂકુમત અને કાઠિયાવાડના દેશી રાજ્યોની આક્રમકતા શાહનવાઝ ભુટ્ટો પારખી ગયો હતો. નવાબ તો પાકિસ્તાન જતો રહ્યો પણ ભુટ્ટોએ જૂનાગઢની સત્તા સંભાળ્યા બાદ હવે ભયનું વાતાવરણ ઊભું થવા લાગ્યું. ભુટ્ટોએ પાકિસ્તાન સાથે જોડાવાથી ઊભા થયેલા ભયાનક પરિમાણો સાથેનો એક પત્ર ઝીણાને મોકલ્યો હતો. આ દરમિયાન નવાબે તાર દ્વારા ભુટ્ટોને જાણ કરી હતી કે જીવ બચાવવા માટે ભારત સંઘમાં જૂનાગઢને જોડવું જ એકમાત્ર વિકલ્પ છે. આ વખતે ભુટ્ટો પણ નવાબની વાતમાં સહમત થયો અને જૂનાગઢ રાજ્યને ભારત સંઘમાં જોડવા માટે આગળ આવ્યો. 

    ભુટ્ટોએ જૂનાગઢ રાજ્યની કાઉન્સિલના સિનિયર સભ્ય કેપ્ટન હાર્વે જોન્સ મારફતે શામળદાસ ગાંધી સાથે મંત્રણા શરૂ કરી અને તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવા વિનંતી કરી. શાહનવાઝે 9 નવેમ્બર, 1947ના ગેઝેટમાં એક પ્રેસ કોમ્યુનિક પ્રસિદ્ધ કરીને નવાબનો સંદેશો પ્રસારિત કર્યો અને પોતે કેશોદ એરપોર્ટ પરથી પાકિસ્તાન ભાગી ગયો. હવે જૂનાગઢમાં કોઈનું શાસન નહોતું, માત્ર આરઝી સરકાર તેનો વહીવટ સંભાળી રહી હતી. 

    એ જ દિવસે સાંજે 5 કલાકે ભારતની સંયુક્ત સેના બ્રિગેડિયર ગુરદયાલ સિંઘની આગેવાનીમાં મજેવડી ગેટ પાસે પ્રવેશી અને ઉપરકોટના ઐતિહાસિક કિલ્લા પર તિરંગો લહેરાયો. એ દિવસે રિજિયોનલ કમિશનર નીલમ બુચે જૂનાગઢના ગેઝેટમાં એક ઢંઢેરો પ્રસિદ્ધ કરી 9 નવેમ્બરની સાંજે 7 વાગ્યાથી ભારતીય સંઘ જૂનાગઢનો કબજો લે છે તેવી જાહેરાત કરી. ભારતની સરકારે જૂનાગઢનો કબજો મેળવ્યા બાદ આરઝી હૂકુમતનું પણ વિસર્જન થયું. 

    13 નવેમ્બરના રોજ સરદાર પટેલે જૂનાગઢની મુલાકાત લીધી અને ત્યારબાદ 28 ફેબ્રુઆરી, 1948ના (ઘણી જગ્યાએ 20 ફેબ્રુઆરી કહેવાયું છે.) રોજ લોકમત લેવામાં આવ્યો. જેમાં 1,90,870 લોકોએ ભારત સંઘમાં જોડાવવાનો મત આપ્યો અને માત્ર 91 લોકોએ પાકિસ્તાન તરફ મત આપ્યો. બહુમતી થયા બાદ આધિકારિક રીતે જૂનાગઢને ભારતમાં જોડવામાં આવ્યું. 

    જૂનાગઢમાં સરદાર પટેલ

    20 જાન્યુઆરી, 1949ના રોજ જૂનાગઢને સૌરાષ્ટ્ર રાજ્યમાં જોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યને પણ ગુજરાત રાજ્યમાં જોડવામાં આવ્યું. આજે જૂનાગઢ ગુજરાત રાજ્ય અને ભારતનું અભિન્ન અંગ છે. જોકે, આજે પણ અવળચંડુ પાકિસ્તાન જૂનાગઢ પર પોતાનો દાવો રજૂ કરે છે અને નકશા પર પણ જૂનાગઢને દર્શાવે છે, પરંતુ જમીની હકીકત તદ્દન અલગ છે. 

    જૂનાગઢનું વિલીનીકરણ એ લોકશાહી, લોકઇચ્છા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. સરદાર પટેલની દૂરંદેશી, આરઝી હૂકુમત, કાઠિયાવાડના રાજ્યોનો સંઘર્ષ અને લોકોનો વિશ્વાસ – આ બધાએ સાથે મળીને એક રજવાડાને ભારતના નકશામાં સ્થાન આપ્યું છે.

    સંદર્ભસૂચિ

    • દેશી રાજ્યોનું વિલીનીકરણ- ડૉ. જયકુમાર શુક્લ
    • જૂનાગઢમાં નવાબી શાસનનો અંત- પ્રોફેસર ડૉ. એસવી જાની
    • સૌરાષ્ટ્રનો ઇતિહાસ- ભરતસિંહ ગોહિલ
    • The Accession of Junagadh- રાકેશ અંકિત, જર્નલ ઑફ એશિયન સ્ટડીઝ
    • જૂનાગઢમાં બાબી રાજવંશનો ઇતિહાસ- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં