Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા, પૂર અને રાજવી પરંપરા: 1927માં મહારાણીએ વિશ્વામિત્રીની પૂજા કર્યા બાદ ઓસરવા...

    વડોદરા, પૂર અને રાજવી પરંપરા: 1927માં મહારાણીએ વિશ્વામિત્રીની પૂજા કર્યા બાદ ઓસરવા માંડ્યાં હતાં પૂરનાં પાણી, 97 વર્ષ બાદ પુનરાવર્તિત થયો ઇતિહાસ

    કાળાઘોડા સ્થિત મહારાજા સાહેબની પ્રતિમાના ઘોડા સુધી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે જ 'ઘોડાપૂર' નામ અસ્તિત્વમાં આવ્યું હતું. પશુ-પ્રાણીઓ સાથે સ્થળાંતર કરવું પણ શક્ય નહોતું. પ્રજા ત્રાહિમામ હતી અને રાજ્ય પણ ચિંતામાં ગરકાવ હતું. તે સમયે દ્રઢ શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રત્યેનો વિશ્વાસ જ પરિવર્તન લાવી શકે તેમ હતો.

    - Advertisement -

    હમણાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદના કારણે ગુજરાતનાં અનેક શહેરો પાણી-પાણી થઈ ગયાં હતાં. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત 4 દિવસ મુશળધાર વરસાદ પડ્યો. પરંતુ સૌથી વધુ હાલાકી ભોગવવાની વડોદરાવાસીઓના શિરે આવી હતી. ઉપરવાસનાં પાણી વિશ્વામિત્રી નદીમાં આવવાથી નદી શહેરમાં પ્રવેશી ગઈ અને આખું વડોદરા પાણી-પાણી થઈ ગયું. જોકે, વિશ્વામિત્રી નદી દર થોડાં વર્ષોમાં પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરતી રહે છે અને વડોદરાને સંપૂર્ણપણે ધમરોળતી રહે છે. આ વર્ષે પણ એવું જ થયું. શહેરમાં પાણી ભરાયા બાદ નગરજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. પરિસ્થિતિને જોતાં બરોડા સ્ટેટનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે શુક્રવારે (30 ઑગસ્ટ) 97 વર્ષ પ્રાચીન રાજવી પરંપરાને અનુસરતાં લોકમાતા વિશ્વામિત્રીની પૂજા-અર્ચના કરી નદીને શાંત થવા માટેની પ્રાર્થના કરી હતી.

    મહારાણી રાધિકારાજે ગાયકવાડે વડસર ગામ ખાતે લોકમાતા વિશ્વામિત્રીની પૂજા-અર્ચના કરી હતી અને તેમના જળપ્રવાહમાં શ્રીફળ તરતું મૂક્યું હતું. આ પૂજાવિધિમાં રાજવી પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. મહારાણી દ્વારા કરવામાં આવેલી આ પૂજા વડોદરાવાસીઓની સુખાકારી અને કલ્યાણને સમર્પિત હતી. વિશ્વામિત્રી નદીને શાંત કરવા માટે રાજવી પરિવાર દ્વારા આ પરંપરા પાળવામાં આવતી હતી. માન્યતા એવી પણ છે કે, રાજવી પરિવારના મહારાણી દ્વારા નદીની પૂજા કરાયા બાદ નગરનાં પાણી ઓસરવા લાગે છે અને લોકમાતા શાંત થાય છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડ પહેલાં વર્ષ 1927માં વડોદરા સ્ટેટના તત્કાલીન મહારાણીએ પણ આ જ પરંપરાનું પાલન કર્યું હતું.

    1927નું વિનાશક પૂર અને મહારાણીની પરંપરા

    રાજાશાહી સમયે અનેક લોકપરંપરાઓ અસ્તિત્વ ધરાવતી હતી. સૌરાષ્ટ્રમાં પણ આ જ પરંપરા જોવા મળતી હતી. સૌરાષ્ટ્રના રાજાઓ સારા વરસાદ માટે ઇન્દ્ર સહિતના દેવોની પૂજા-અર્ચના કરતા હતા. સ્થાનિક નદીઓની પણ પૂજા કરવામાં આવતી હતી, જેથી કરીને તે શાંત રહે અને નગરમાં તેના પાણી ફરી ન વળે. સમયાંતરે રાજાશાહીની સાથે-સાથે તે ભવ્ય ધરોહર અને લોકસંસ્કૃતિ પણ વિસરાઈ ગઈ હતી. હવે ભાગ્યે જ કોઈ જગ્યાએ લોકપરંપરાનું પાલન થતું જોવા મળે છે. તેમાં વડોદરા એકમાત્ર અપવાદ રહ્યું છે. કારણ કે, આ વર્ષે વડોદરાના મહારાણીએ પોતાની લોકપરંપરાને ફરી જીવંત કરીને લોકમાતા વિશ્વામિત્રીની પૂજા કરી છે. આ પહેલાં 1927માં પણ તત્કાલીન મહારાણીએ નદીની પૂજા કરી હતી અને પાણી ઓસર્યાં હતાં.

    - Advertisement -

    વાત છે, આજથી 97 વર્ષ પહેલાંની. દેશમાં અંગ્રેજોનું શાસન હતું, પરંતુ સ્થાનિક રાજવીઓ પોતાનું સ્વતંત્ર શાસન ચલાવતા હતા. દેશના અન્ય વિસ્તારોની જેમ વડોદરામાં પણ રાજાઓનું શાસન હતું. મરાઠા રાજવી ગાયકવાડોનું વિસ્તારમાં રાજ ચાલતું હતું. તે સમયે પણ વડોદરાની કીર્તિ દેશભરમાં યશ અપાવી રહી હતી. મહારાજાનાં પ્રજાલક્ષી કાર્યો અને પ્રજાની સુખાકારી સાથે વડોદરા ખૂબ આગળ વધી રહ્યું હતું. પરંતુ 1927માં વડોદરા અચાનક થંભી ગયું હતું. ભયાનક મેઘતાંડવના કારણે આખા શહેરમાં પાણી ફરી વળ્યાં હતાં. કહેવાય છે કે, તે સમયે 90 ઇંચ વરસાદ વરસ્યો હતો અને વિશ્વામિત્રીએ પણ માઝા મૂકી હતી. હજારો લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.

    ઉપરવાસમાં સતત વરસાદ હોવાથી વિશ્વામિત્રી નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી હતી. પાણી ઓસરવાની જગ્યાએ વધી રહ્યું હતું અને લોકોને પણ ભવિષ્યના ભયાનક દ્રશ્યો આંખ સામે દેખાવા લાગ્યાં હતાં. વિશ્વામિત્રીનાં પાણી છેક કાલાઘોડા સુધી આવી ગયાં હતાં. કાલાઘોડા સર્કલ સ્થિત મહારાજા સાહેબની પ્રતિમાના ઘોડાના પગ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. એટલે જ પછી તેને ‘ઘોડાપૂર’ કહેવાયું.

    પશુ-પ્રાણીઓ સાથે સ્થળાંતર કરવું પણ શક્ય નહોતું. પ્રજા ત્રાહિમામ હતી અને રાજ્ય પણ ચિંતામાં ગરકાવ હતું. આવા કપરા સમયમાં રાજવી પરિવારે પૂરપીડિતો માટે ₹1 લાખ રાહત ભંડોળ આપ્યું હતું. તે સમયના 1 લાખ આજના કરોડો થાય. આવા કપરા કાળમાં દ્રઢ શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રત્યેનો વિશ્વાસ જ પરિવર્તન લાવી શકે તેમ હતો. આવા સમયે નગરજનોની સ્થિતિ જોઈને બરોડા સ્ટેટનાં તત્કાલીન મહારાણી ચીમણાબાઈ (શાંતાદેવી) હાથીની અંબાડી પર બેસીને લોકમાતા વિશ્વામિત્રીની પૂજા કરવા માટે નીકળ્યાં હતાં.

    મહારાણી હાથી પર બેસીને પૂરના પાણી સુધી ગયાં હતાં અને નીચે ઉતરીને શ્રદ્ધાપૂર્વક તેમણે લોકમાતા વિશ્વામિત્રીના જળની પૂજા કરી હતી. તેમણે વડોદરાવાસીઓની રક્ષા માટે શ્રદ્ધાપૂર્વક લોકમાતા વિશ્વામિત્રીને પરત ફરવા પ્રાર્થના કરી હતી. કહેવાય છે કે, મહારાણીની પૂજા અને પ્રાર્થના બાદ વડોદરામાંથી પાણી ઓસરવા લાગ્યાં હતાં અને જોતજોતાંમાં બધુ પાણી ફરી વિશ્વામિત્રી નદીમાં સ્થાપિત થઈ ગયું હતું. પાણી ઓસરવાના કારણે પ્રજા પણ નિશ્ચિંત બની હતી. તે જ લોકપરંપરાનું આ વર્ષે પણ પાલન કરવામાં આવ્યું છે. કારણે કે, આ વર્ષે પણ વિશ્વામિત્રીના પાણીએ આખા શહેરને બાનમાં લીધું હતું. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા વડોદરાના હાલના મહારાણી રાધિકારાજે ગાયકવાડે નગરજનોની રક્ષા માટે લોકમાતા વિશ્વામિત્રીને શાંત થવાની પ્રાર્થના કરી છે. વધુમાં, અહેવાલો જણાવે છે કે, હવે વડોદરામાં પાણી ઓસરવા લાગ્યાં છે અને સફાઇ કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં