Saturday, May 4, 2024
More
    હોમપેજદેશતેલંગાણાના ફણીગીરીમાં બૌદ્ધ સ્થળેથી મળ્યો 2000 વર્ષ જૂનો ખજાનો, મળી આવ્યા ઈક્ષ્વાકુ...

    તેલંગાણાના ફણીગીરીમાં બૌદ્ધ સ્થળેથી મળ્યો 2000 વર્ષ જૂનો ખજાનો, મળી આવ્યા ઈક્ષ્વાકુ કાળના હજારો સિક્કા

    પુરાતત્વ તેમજ સંગ્રહાલય વિભાગના આધિકારીઓ દ્વારા ગત 29 માર્ચ 2023ના રોજ બૌદ્ધ મંદિરનું ઉત્ખનન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એન સાગર અને બી મલ્લુના નેતૃત્વમાં કામ કરી રહેલી ટીમને જમીનથી 2 ફૂટ ઊંડે એક ચરૂ મળી આવ્યો હતો. આ ચરૂ 15 સેન્ટીમીટર ઉંચો અને 16.7 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવે છે અને તે માટીનો બનેલો છે.

    - Advertisement -

    તેલંગાણાના સૂર્યાપેટ ખાતે ફણીગીરી બૌદ્ધ સ્થળ પાસેથી 2000 વર્ષ જૂનો ખજાનો મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક ઘડામાંથી હજારોની સંખ્યામાં પૌરાણિક સિક્કા મળી આવ્યા છે. સિક્કા મળી આવ્યા બાદ પુરાતત્વ ખાતા દ્વારા તેના પર સંશોધન કરવા આવ્યું હતું. પ્રાથમિક શોધમાં સામે આવ્યું છે કે આ સિક્કા ઈક્ષ્વાકુ કાળના છે.

    મળતી માહિતી અનુસાર, પુરાતત્વ તેમજ સંગ્રહાલય વિભાગના આધિકારીઓ દ્વારા ગત 29 માર્ચ, 2023ના રોજ બૌદ્ધ મંદિરનું ઉત્ખનન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એન સાગર અને બી મલ્લુના નેતૃત્વમાં કામ કરી રહેલી ટીમને જમીનથી 2 ફૂટ ઊંડે એક ચરૂ મળી આવ્યો હતો. આ ચરૂ 15 સેન્ટીમીટર ઉંચો અને 16.7 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવે છે અને તે માટીનો બનેલો છે.

    ચરૂની તપાસ કરતાં પુરાતત્વ ખાતાની ટીમને તેમાંથી હજારોની સંખ્યામાં સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કા સીસાના બનેલા છે અને તેના પર એક તરફ હાથી તેમજ બીજી તરફ ઉજ્જૈનનું પ્રતીક બનેલું છે. પુરાતત્વ ખાતે સિક્કાની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ સિક્કા ત્રીજી-ચોથી શતાબ્દી વચ્ચેના એટલે કે તે ઈક્ષ્વાકુ કાળના છે. ટીમને મળી આવેલા સિક્કાઓની કુલ સંખ્યા 3,730 છે અને તે તમામ સિક્કાઓ સીસામાંથી બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    માત્ર સિક્કા જ નહીં, પુરાતત્વ ખાતાને અહીં ખોદકામ દરમિયાન અન્ય કેટલીક વસ્તુઓ પણ મળી આવી. ટીમને ત્યાંથી પથ્થરના મોતી, કાંચના મોતી, શંખમાંથી બનેલી બંગડીઓ, પ્લાસ્ટરમાંથી બનેલી આકૃતિઓ, ચુના-પથ્થરમાંથી બનેલી તૂટેલી મૂર્તિઓ, રમકડાની ગાડીનું એક પૈડું અને માટીના કેટલાક વાસણ પણ મળી આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે તેલંગાણાનું ફણીગીરી એક મહત્વનું બૌદ્ધ સ્થળ છે. થોડા સમય પહેલાં જ ત્યાંથી ખોદકામ દરમિયાન કેટલીક પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.

    ફણીગીરી ગામનું નામ તેના ટેકરાના આકાર પરથી પડ્યું છે, જે સાપની ફેણ જેવો છે. સંસ્કૃતમાં ‘ફણી’નો અર્થ થાય છે સાપ અને ગિરિ એટલે ટેકરી. અભ્યાસ અનુસાર, ગામમાં ઇસ પૂર્વે 1000થી 18મી સદી સુધી વસ્તી રહી હતી. ફણીગીરીમાં અગત્યનાં બૌદ્ધસ્થળો પૈકીનું એક સ્થળ આવેલું હતું. જે ડક્કનના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં