Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશઆરજી કરથી દુર્ગાપુર સુધી, બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ ભયાનક ગુનાઓનો સિલસિલો યથાવત: મમતા-TMCના...

    આરજી કરથી દુર્ગાપુર સુધી, બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ ભયાનક ગુનાઓનો સિલસિલો યથાવત: મમતા-TMCના ‘સબ સલામત’ના દાવાની પોલ ખોલે છે NCRB રિપોર્ટ

    હજુ સુધી RG કર કેસ લોકો ભૂલી શક્યા નથી, વળી દુર્ગાપુર કેસ પણ બન્યો. છતાં TMC સ્વપ્રશંસામાં વ્યસ્ત છે. સંભવતઃ તેમના માટે મહિલા સુરક્ષા એ માત્ર ભાજપને પ્રશ્ન કરવા માટેનો જ મુદ્દો છે, પણ જ્યાં સત્તા છે ત્યાં આ જવાબદારી નક્કી કરવાની વાત આવે ત્યાં એ ‘માઇનર ઇસ્યુ’ બની જાય છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં એક મહિલા મુખ્યમંત્રીનું શાસન છે તેને જોતાં આમ તો આ રાજ્ય મહિલા સુરક્ષા અને સશક્તિકરણ મામલે અન્ય રાજ્યોને ઉદાહરણ પૂરું પાડનારું બની રહેવું જોઈતું હતું, પણ વાસ્તવિકતા બિલકુલ વિપરીત છે. તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજ્ય મહિલાઓ માટે દેશના સૌથી અસુરક્ષિત પ્રદેશો પૈકીનું એક બની ગયું છે. સતત વધતા યૌન શોષણના મામલા અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના (NCRB) તાજેતરના આંકડા રાજ્ય સરકારની આ બેદરકારીને ઉજાગર કરી રહ્યા છે.

    તાજેતરમાં જ દુર્ગાપુરમાં એક ભયાનક ઘટના ઘટી. ઓડિશાની એક બીજા વર્ષની એમબીબીએસ વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયાનો આરોપ લગાવવામાં આવ્યો. પીડિતાના પિતાએ કહ્યું કે હવે અમને આ રાજ્ય પર વિશ્વાસ રહ્યો નથી. અમે નથી ઈચ્છતા કે અમારી દીકરી અહીં રહે. આગળનું ભણતર તે ઓડિશામાં કરશે.”

    આવું પ્રથમ વખત નથી બન્યું. એક વર્ષ પહેલાં કોલકાતાની આર. જી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી મૂક્યો હતો. આવી ઘટનાઓએ હવે એ પ્રશ્ન લાવીને મૂકી દીધો છે કે શું પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરો અને વિદ્યાર્થિનીઓ સુરક્ષિત છે?

    - Advertisement -

    આ ઘટનાઓ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટિપ્પણીઓ પણ ચિંતાજનક રહી. જવાબદારી નક્કી કરવા અને ન્યાય સુનિશ્ચિત કરવાના સ્થાને તેમણે પીડિતા પર જ દોષ નાખતાં કહ્યું કે, “રાત્રે 12:30 વાગ્યે યુવતીને કૉલેજમાંથી બહાર જવાની અનુમતિ કોણે આપી? સંસ્થાએ એવું નહતું કરવું જોઈતું. યુવતીઓએ પણ પોતાનું ધ્યાન રાખવું જોઈએ.”

    અસંવેદનશીલ નિવેદનોનો લાંબો ઇતિહાસ

    ભૂતકાળમાં જઈએ તો અગાઉ પણ મમતા બેનર્જીએ યૌન હિંસાની ઘટનાઓને સામાન્યમાં ખપાવી દઈને પીડિતાઓને દોષી ઠેરવી હતી અને સૌથી કુખ્યાત ઉદાહરણ 2012ના ગેંગરેપ કેસનું છે. એક એંગ્લો ઇન્ડિયન મહિલા સાથે ચાલતી કારમાં પાંચ લોકોએ બળાત્કાર કર્યો હતો, પણ મમતાએ ઘટનાને ‘ઉપજાવી કાઢેલી’ ગણાવી દીધી હતી અને કહ્યું કે તેમની સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

    મમતાની જ પાર્ટીનાં સાંસદ કાકોલી ઘોષે તો એમ પણ કહી દીધું હતું કે એક મહિલા અને તેના ‘ગ્રાહકો’ વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ થઈ હતી. ત્રણ વર્ષ બાદ કોર્ટે ત્રણ આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા અને સાબિત થયું હતું કે ઘટના વાસ્તવિક હતી.

    2013માં જ્યારે વિધાનસભામાં રાજ્યમાં વધતા બળાત્કારના મામલા વિશે ચર્ચા થઈ તો મમતા બેનર્જીએ તેનું કારણ વસતિવૃદ્ધિ અને મૉલ અને મલ્ટિપ્લેક્સમાં થતા વધારા વગેરે ગણાવ્યાં હતાં. 2024ના સંદેશખાલી કેસમાં પણ તેમણે ટીએમસી નેતાઓ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો પર બહુ ધ્યાન આપ્યું ન હતું અને એમ કહીને મામલો ટાળી દીધો હતો કે મીડિયામાં હવા આપવામાં આવી રહી છે.

    NCRB ડેટા દર્શાવે છે બંગાળની કડવી વાસ્તવિકતા

    NCRBનો ‘ક્રાઈમ ઇન ઇન્ડિયા 2023’ રિપોર્ટ જણવે છે કે પશ્ચિમ બંગાળમાં વર્ષમાં 34,961 મહિલાઓ વિરુદ્ધના ગુના નોંધાયા હતા, જે દેશમાં સૌથી વધુ કેસ ધરાવતાં રાજ્યો પૈકી એક છે. એવરેજ 71.3 કેસ પ્રતિ એક લાખ મહિલા વસ્તીનો દર દર્શાવે છે, જે રાષ્ટ્રીય સરેરાશ 65.3થી ઘણો વધુ છે.

    ભયાનક વાત એ છે કે 27.5% એસિડ અટેક માત્ર બંગાળમાં જ બન્યા. 2018થી રાજ્યમાં ગુના સતત બનતા રહ્યા છે.

    2023ના રિપોર્ટમાં જે મુખ્ય આંકડા આપવામાં આવ્યા છે તે અનુસાર– 

    –1,110 બળાત્કારના કેસ, જેમાં 917 કેસમાં આરોપી પીડિતાના પરિચિત હાટ

    –7 બળાત્કાર સાથે હત્યા

    –350 દહેજના કારણે હત્યાના કેસ

    –419 મહિલાઓને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના કેસ

    ઘરેલુ હિંસા પણ એક ગંભીર સમસ્યા છે. ધારા 498A હેઠળ 19,698 કેસ નોંધવામાં આવ્યા, જે UP બાદ બીજા ક્રમે છે. રાજ્યમાં મહિલાઓનાં અપહરણનાં 6,544 કેસ નોંધાયા. પૉક્સો હેઠળ 2,721 અને બળાત્કારના પ્રયાસના 825 કેસ નોંધવામાં આવ્યા. મહિલાની ગરિમાના અપમાનના 412 કેસ નોંધવામાં આવ્યા. વિદેશીઓ દ્વારા અપરાધમાં પણ પશ્ચિમ બંગાળ આગળ રહ્યું અને 1,021 કેસ નોંધવામાં આવ્યા હતા.

    આટલા કેસ છતાં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં સજાનો દર માત્ર 3.7% જેટલો છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 21.3% છે. 3.68 લાખથી વધુ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવાનો દર સારો છે, પરંતુ સજાનો દર ઓછો રહેવાના કારણે પેન્ડિંગ કેસ વધતા જાય છે.

    આવા આંકડાઓ નજર સામે હોવા છતાં પશ્ચિમ બંગાળ સરકારે પોતાની જ પીઠ થાબડીને કોલકાતાને ‘મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર’ ઘોષિત કરી દીધું હતું. પરંતુ રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ અર્ચના મજમુદારે આ દાવાને સંપૂર્ણપણે નકારી દીધો અને કહ્યું કે તે ભ્રામક છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ચાર લાખથી વધુ લંબિત મામલાઓ છે, જેમાં સજા થઈ નથી. તેમણે પોલીસ પર પણ દોષ ના કહ્યું કે પોલીસ અને પ્રશાસન તરફથી પૂરતો સહયોગ ન મળવાના કારણે ન્યાયતંત્ર પણ બરાબર કામ કરી શકતું નથી. બંગાળમાં તથ્યો દબાવવામાં આવી રહ્યાં છે અને આ જે કંઈ દેખાય છે એ હિમશિલાની ટોચ માત્ર છે.

    હજુ સુધી RG કર કેસ લોકો ભૂલી શક્યા નથી, વળી દુર્ગાપુર કેસ પણ બન્યો. છતાં TMC સ્વપ્રશંસામાં વ્યસ્ત છે. સંભવતઃ તેમના માટે મહિલા સુરક્ષા એ માત્ર ભાજપને પ્રશ્ન કરવા માટેનો જ મુદ્દો છે, પણ જ્યાં સત્તા છે ત્યાં આ જવાબદારી નક્કી કરવાની વાત આવે ત્યાં એ ‘માઇનર ઇસ્યુ’ બની જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં