Saturday, April 4, 2026
More
    હોમપેજગુજરાતઈરાન યુદ્ધના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર કેમ પડી અસર?– વાંચો શું...

    ઈરાન યુદ્ધના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર કેમ પડી અસર?– વાંચો શું છે વાસ્તવિક સ્થિતિ અને કેમ ઠપ થઈ ગયો ગેસ સપ્લાય

    મોરબી સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે અને અહીં સેંકડો નાનાં-મોટાં એકમો છે જેઓ ઉત્પાદન માટે આધાર પ્રોપેન અને નેચરલ ગેસ પર રાખે છે. આ ગેસનો પુરવઠો ખોરવાઈ જવાના કારણે હવે એક પછી એક એકમો બંધ કરવાની ફરજ પડી રહી છે.

    - Advertisement -

    ઇઝરાયેલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાન પર કરી દીધેલા હુમલા બાદ આઠ દિવસથી મધ્ય-પૂર્વમાં યુદ્ધ (Iran War) ચાલી રહ્યું છે અને ઈરાનના પાડોશી દેશો પણ તેમાં ઘસડાઈ રહ્યા છે. ઈરાન આ દેશોમાં આવેલાં અમેરિકન સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવી રહ્યું છે અને ઇઝરાયેલ પર પણ હુમલા થઈ રહ્યા છે. આ યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે થતા વ્યાપારને પણ અસર પડી છે. વધુમાં ઓમાન અને અન્ય મધ્ય-પૂર્વીય દેશોમાંથી થતા ગેસ અને ઓઇલ સપ્લાય ઠપ થવાના કારણે હવે જેમ-જેમ યુદ્ધ આગળ વધી રહ્યું છે તેમ ભારત સહિતના દેશોમાં પણ અસર જોવા મળવાની શરૂ થઈ છે.

    આ યુદ્ધની ગુજરાતમાં સૌથી મોટી અસર મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીને (Morbi Ceramic Industry) પડી છે. મોરબી સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે અને અહીં સેંકડો નાનાં-મોટાં એકમો છે જેઓ ઉત્પાદન માટે આધાર પ્રોપેન અને નેચરલ ગેસ પર રાખે છે. આ ગેસનો પુરવઠો ખોરવાઈ જવાના કારણે હવે એક પછી એક એકમો બંધ કરવાની ફરજ પડી રહી છે. અહેવાલો અનુસાર લગભગ 100 જેટલાં એકમો બંધ કરવામાં આવ્યાં છે. એક તરફ ગેસની અછત છે અને બીજી તરફ ગલ્ફ દેશોમાં થતી નિકાસ પર પણ અસર પડી છે.

    સિરામિક ઉદ્યોગ માટે ગેસ બહુ અગત્યનો છે કારણ કે ઉત્પાદન દરમ્યાન બહુ ઊંચા તાપમાને અને નિયંત્રિત ગરમીની જરૂર પડે છે. નેચરલ ગેસ અહીં કામ આવે છે. ટાઇલ્સ વગેરે માટે ભઠ્ઠીનું તાપમાન 1000-1200 ડિગ્રી સેલ્સિયસ અને તેથી વધુ હોવું જરૂરી છે. નેચરલ ગેસ આ તાપમાને બળે છે. ઉપરાંત ભઠ્ઠીમાં તાપમાન નિયંત્રિત કરવું પણ જરૂરી હોય છે. ઉપરાંત ગેસ કોલસા કે ફર્નેસ ઓઇલ કરતાં વધુ ક્લીન ફ્યુલ કહેવાય છે. જેથી ધુમાડો, રાખ, સલ્ફર વગેરે પણ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ પ્રમાણમાં ઓછો હોય છે અને પ્રોડક્શન પણ ઝડપી થાય છે.

    - Advertisement -

    સિરામિક ઉદ્યોગો માટે ગેસનો ખર્ચ જ બહુ મોટો હોય છે, એટલે ગેસના ભાવમાં આમતેમ થાય કે પુરવઠો ખોરવાય તો સીધી અસર પડે છે. આમ તો ભારતમાંથી પણ ગેસ મળી રહે છે, પણ એટલો પૂરતો હોતો નથી અને અન્ય દેશોમાંથી પણ પુરવઠો મગાવવો પડે છે. ભારત માટે કતારથી ગેસનો મોટો હિસ્સો આવે છે. ઉપરાંત UAE, ઓમાન વગેરે દેશો પણ ખરા. જોકે એક જ વિસ્તાર પરની નિર્ભરતા ઘટાડવા માટે ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાંથી પણ ગેસ આવે છે પણ મોટો હિસ્સો હજુ ઓમાનથી જ મેળવાય છે. અમેરિકા-રશિયાથી પણ થોડો હિસ્સો આવે છે પણ હાલ પશ્ચિમ એશિયામાં સમુદ્રી વ્યાપાર ખોરવાઈ ગયો છે એ જ સમસ્યા છે.

    ખાડી દેશોમાંથી આવતો પ્રોપેન ગેસ કેમ અગત્યનો?

    સિરામિક ઉદ્યોગો બે પ્રકારના ફ્યુલનો ઉપયોગ કરે છે: નેચરલ ગેસ (PNG) અને પ્રોપેન ગેસ (LPG). પાઇપલાઇન નેચરલ ગેસ ગુજરાત ગેસ લિમિટેડ જેવી કંપનીઓ થકી આવે છે પણ તે માત્ર ઉદ્યોગો માટે જ હોતો નથી. જ્યારે માંગ વધે કે પુરવઠો ઘટે ત્યારે સૌથી પહેલી અસર આ કંપનીઓને જ પડે છે કારણ કે પ્રાથમિકતા ઘરો અને CNG ટ્રાન્સપોર્ટને આપવામાં આવે છે. આ ગેસ LNG સ્વરૂપે ટર્મિનલમાં આવે છે, ત્યાંથી ફરી ગેસમાં રૂપાંતરિત કરીને પાઇપલાઇન થકી મોકલવામાં આવે છે.

    અત્યારે પણ આ જ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એવું નથી કે ગેસ સદંતર ઘટી ગયો છે અને દેશમાં અછત સર્જાઈ છે, પરંતુ અન્ય ક્ષેત્રોને પ્રાથમિકતા આપવા માટે ઉદ્યોગોને આપવામાં આવતો પુરવઠો અડધો કરી નાખવામાં આવ્યો છે. પરંતુ ઘણા ઉદ્યોગો માટે આ પુરવઠો પૂરતો નથી એટલે તેમણે એકમો બંધ કરી દીધાં છે. સરકારે ક્યાંય એવું કહ્યું નથી કે તેમની પાસે પુરવઠો ઘટી પડ્યો છે. પરંતુ યુદ્ધ લાંબુ ખેંચાય એ સ્થિતિમાં જે વધુ અગત્યનાં અને જીવનજરૂરિયાતનાં ક્ષેત્રો છે તેમને તકલીફ ન પડે એ માટે નિયમન કરવામાં આવી રહ્યું છે.

    મોરબીના સિરામિક ઉદ્યોગોએ નેચરલ ગેસવાળી સમસ્યા સોલ્વ કરવા માટે પ્રોપેન ગેસનો પણ વિકલ્પ રાખ્યો છે. જે મુન્દ્રા અને કંડલા બંદરો પર મુખ્યત્વે આયાત થાય છે. ત્યાંથી ટેન્કર ટ્રકો મારફતે મોરબી મોકલવામાં આવે છે. ફેક્ટરીઓ પ્રોપેનને મોટાં ટેન્કરોમાં ભરી રાખે છે અને ભઠ્ઠીમાં તેનો ઉપયોગ કરે છે. હવે આ પ્રોપેનનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી આવે છે અને યુદ્ધના કારણે તેનો પુરવઠો ખોરવાઈ ગયો છે. બંદરોએથી ટેન્કરો મોકલવાનાં બંધ થઈ રહ્યાં છે. આ જ કારણ છે કે સિરામિક એકમો બંધ કરવાં પડી રહ્યાં છે. જે યુનિટ ગુજરાત ગેસનો ઉપયોગ કરે છે અને ઓછા પુરવઠામાં કામ થઈ શકે તેમ છે તેઓ હજુ ચાલી રહ્યાં છે. પરંતુ તેમણે પણ એક્સપોર્ટ અને નવા ઓર્ડર બાબતે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

    વિષય ગુજરાત સરકારના ધ્યાનમાં પણ આવ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ડસ્ટ્રીના આગેવાનો સાથે એક બેઠક પણ કરી શકે છે. કહેવાય રહ્યું છે કે સ્થિતિ આવી જ રહી તો 20 માર્ચ સુધીમાં અન્ય યુનિટ પણ બંધ થઈ શકે છે.

    ફરી શરૂ થવામાં કેમ સમય લાગે છે?

    મોરબીના સિરામિક ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે પ્રાથમિકતા અન્ય ક્ષેત્રોને આપવામાં આવી રહી હોવાના કારણે સૌથી પહેલી અસર સિરામિક ઉદ્યોગ પર પડી છે. આનો અર્થ એ નથી કે દેશમાં ગેસનો પુરવઠો સાવ ઘટી ગયો છે. સ્ટોક પૂરતા પ્રમાણમાં છે પણ યુદ્ધની અનિશ્ચિતતાઓ અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય રહ્યા છે.

    એવું પણ નથી કે આ પરમેનન્ટ ક્રાઈસિસ છે. પ્રોપેન પુરવઠો વ્યવસ્થિત થશે અને સાયકલ ફરી ફરવા માંડશે તેમ ફરીથી એકમો શરૂ થઈ જશે. જોકે તેમાં પણ એક સમસ્યા એ છે કે ભઠ્ઠી આમ જ બંધ પણ થતી નથી અને એટલી સરળતાથી શરૂ પણ થતી નથી.

    જાણકારો અનુસાર ભઠ્ઠી બંધ કરતાં દોઢ દિવસનો સમય લાગે છે અને શરૂ કરતાં પણ એટલો જ સમય લાગી શકે. ભઠ્ઠીનું તાપમાન ધીમે-ધીમે ઉપર કરવાનું હોવાના કારણે ખૂબ ગેસ વપરાય છે. તેને ડાઉન પણ ધીમી ઝડપે કરવું પડે છે. લગભગ 1200 ડિગ્રી તાપમાન ધીમે-ધીમે નીચે આવે છે. જેથી ઉદ્યોગો ફરી શરૂ કરવા પણ આ પ્રક્રિયા ફરી કરવી પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં