Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાત‘મુખ્યમંત્રી-ગૃહમંત્રી સહિત શીર્ષ નેતૃત્વ ક્ષત્રિય નેતાઓના સંપર્કમાં’: રૂપાલા સામે ચાલતા આંદોલન પર...

    ‘મુખ્યમંત્રી-ગૃહમંત્રી સહિત શીર્ષ નેતૃત્વ ક્ષત્રિય નેતાઓના સંપર્કમાં’: રૂપાલા સામે ચાલતા આંદોલન પર બોલ્યા સી. આર પાટીલ- સુખદ નિવેડો આવે તે માટે પ્રયાસો ચાલુ

    સીઆર પાટીલે કહ્યું કે, "ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંપર્કમાં છે. હું, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છીએ."

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટથી નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. જોકે, તેમના દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં હજુ પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે. 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ યોજાયું હતું. તેવામાં હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલે તેઓ ક્ષત્રિય આગેવાનો સાથેના સંપર્કમાં છે અને સુખદ નિવેડો આવે તે માટેના પ્રયાસો ચાલુ છે. સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય નેતાઓ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર હતા. તે દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું હતું.

    સોમવારે (15 એપ્રિલ, 2024) સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલા સંકલ્પ પત્રને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ એક પત્રકારે તેમને ક્ષત્રિય સમાજના વિવાદ અને રાજકોટમાં મળેલા મહાસંમેલનને લઈને પ્રશ્ન કર્યો હતો. જેના ઉત્તરમાં સીઆર પાટીલે કહ્યું કે, “ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંપર્કમાં છે. હું, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છીએ. સમાજના આગેવાનો સાથે વાત ચાલી રહી છે.” સાથે તેમણે કહ્યું કે, “આ વિવાદનો સુખદ નિવેડો આવે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ મામલે અમે ગંભીર છીએ.”

    રાજકોટમાં મળ્યું હતું ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

    નોંધવું જોઈએ કે, ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ગુજરાતનો ક્ષત્રિય સમાજ અલગ-અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. તે જ અનુક્રમે રવિવારે (14 એપ્રિલ, 2024) રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું. જેમાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને માંગ કરવામાં આવી હતી. આ સાથે જ સંમેલનમાં 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું હતું કે, જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે.

    - Advertisement -

    ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી ક્ષત્રિય સમાજ એક નિવેદનના કારણે પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને તેમની ટીકીટ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી આ બાબતે કોઇ નિર્ણય લીધો નથી. ભાજપ પ્રદેશ પ્રમુખથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ પ્રવક્તાએ પણ આ મામલે કહ્યું છે કે, રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવશે નહીં. જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માટે વિરોધ કરી રહ્યો છે.

    આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે ક્ષત્રિય સમાજમાંથી વિવાદને પૂર્ણ કરવા માટેની પહેલ પણ કરવામાં આવી છે. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં વસતા કાઠી ક્ષત્રિયોએ આ મામલે પરષોત્તમ રૂપાલાને માફી પણ આપી દીધી છે. સમાજના અગ્રણીઓએ રાજકોટ ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં પરષોત્તમ રૂપાલાને ચાલુ વિવાદમાં માફી આપીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલાં જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને રાજકોટના રાજવી માંધાતાસિંહે પણ સુખદ સમાધાનની અપીલ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં