Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાત‘રામ મંદિર નિર્માણમાં નરેન્દ્રભાઈની મોટી ભૂમિકા, હવે ઋણ ચૂકવવાનો સમય’: રૂપાલા સામે...

    ‘રામ મંદિર નિર્માણમાં નરેન્દ્રભાઈની મોટી ભૂમિકા, હવે ઋણ ચૂકવવાનો સમય’: રૂપાલા સામે ચાલતા આંદોલન વચ્ચે કાઠી ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું

    અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, આજે અમારી કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

    - Advertisement -

    ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતા પરષોત્તમ રૂપાલા સામે ચાલતા આંદોલન વચ્ચે હવે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે ભાજપને અને રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. શુક્રવારે (12 એપ્રિલ) એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને આ બાબતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. 

    સમાજના અગ્રણીઓએ રાજકોટ ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં પરષોત્તમ રૂપાલાને ચાલુ વિવાદમાં માફી આપીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. અગ્રણીઓએ કહ્યું કે, જે ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યા છે, તેને અમારું સમર્થન છે. સમાજના અગ્રણીઓએ સાથે મળીને આ નિર્ણય લીધો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

    અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, આજે અમારી કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, “સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવા માટે એક અવાજે તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે ખભેખભો મિલાવીને ઉભો છે.”

    - Advertisement -

    નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા છે, અમારું પૂરેપૂરું સમર્થન

    આગળ કહ્યું કે, “કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં વિશેષ વસતો આ સમાજ હિંદુત્વને સંપૂર્ણપણે વરેલો સમુદાય છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ રાજકીય દ્રષ્ટિએ અરાજકતા અને અસ્થિરતા જોઈ રહ્યું છે. આવા સમયે દેશને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશને નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિંદુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો આ સમાજ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપે છે અને ભાજપ અને વડાપ્રધાન મોદીએ જે કોઇ નિર્ણય લીધો હોય તેને પણ સંપૂર્ણ સમર્થન જાહેર કરે છે.”

    સમાજના અન્ય એક અગ્રણીએ જણાવ્યું કે, “દરેક તાલુકાના કાઠી સમાજના અગ્રણીઓએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 400 પાર કરવાની હાકલ કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ ટેકો આપવો.” તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “અમારો સમાજ સૂર્યવંશી કહેવાય છે. રામ અમારા ઈષ્ટદેવ છે. અમારા ઇષ્ટદેવના અયોધ્યા સ્થિત મંદિરના નિર્માણ અને પુનઃપ્રાણપ્રતિષ્ઠા માટે નરેન્દ્રભાઈએ જે ભૂમિકા ભજવી છે, તેનાથી સમગ્ર કાઠી સમાજને અંતરાત્માથી સંતોષ મળ્યો છે. હવે આ ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે.”

    “માફી માંગવી કે મંગાવવી- એ બાબતોમાં પડવાનો અત્યારે સમય નથી”

    પરષોત્તમ રૂપાલા વિવાદને લઈને તેમણે કહ્યું કે, “અમે સામાજિક રીતે ક્યાંય જુદા નથી. પરંતુ માફી માંગે કે મંગાવે એ અમારી પ્રકૃતિ નથી અને અમારે એમાં પડવાની જરૂર પણ નથી.” તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમણે કોઇ પણના દબાણમાં નિર્ણય લીધો નથી અને સમાજના સૌ અગ્રણીઓએ મળીને લીધેલો નિર્ણય છે. તેમણે કહ્યું કે, જ્યારે વાત નરેન્દ્ર મોદીની આવે ત્યારે બાકીના બધા પ્રશ્ન ગૌણ બની જાય છે. અમે હંમેશા હિંદુત્વ અને સનાતનનું સમર્થન કર્યું છે અને અત્યારે પણ હિંદુત્વની ધરોહર સમાન નરેન્દ્રભાઈની સાથે રહેવા માંગીએ છીએ. તેમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય તેને અમારો ટેકો રહેશે. 

    14 તારીખે ક્ષત્રિય સંકલન સમિતિએ રાજકોટમાં બોલાવેલા સંમેલનમાં સામેલ થવાના પ્રશ્ન પર અગ્રણીઓએ કહ્યું હતું કે, એ અમારો વિષય નથી. 

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી ક્ષત્રિય સમાજ એક નિવેદનના કારણે પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને તેમની ટીકીટ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી આ બાબતે કોઇ નિર્ણય લીધો નથી. પરંતુ હવે ક્ષત્રિય સમાજમાંથી જ વિવાદ પૂર્ણ કરવા માટે પહેલ કરવામાં આવી રહી છે. આ પહેલાં જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને રાજકોટના રાજવી માંધાતાસિંહે પણ સુખદ સમાધાનની અપીલ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં