Tuesday, September 10, 2024
More
    હોમપેજગુજરાત‘રૂપાલા ફરી માફી માંગે, સમાજ ધર્મને યાદ કરીને માફ કરી દે’: જામસાહેબે...

    ‘રૂપાલા ફરી માફી માંગે, સમાજ ધર્મને યાદ કરીને માફ કરી દે’: જામસાહેબે વધુ એક નિવેદન આપ્યું, કહ્યું- આ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી

    જામસાહેબે પત્રમાં કહ્યું, “મારા ધ્યાન પર આવ્યું છે કે રૂપાલાએ પહેલાં 2 વખત માફી માંગી લીધી છે, પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ."

    - Advertisement -

    ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાના થઈ રહેલા વિરોધ વચ્ચે જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાનો વધુ એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેમણે રૂપાલા જો ત્રીજી વખત માફી માંગે તો ધર્મને યાદ કરીને માફ કરી દેવા માટે સમાજને અપીલ કરી છે. સાથે તેમણે કહ્યું કે, આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે અને આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. 

    જામનગરના મહારાજાએ પત્રમાં લખ્યું છે કે, ‘ગઈકાલનો મારો પત્ર સાર્વજનિક થયા બાદ સમાજના ઘણા આગેવાનો અને ધર્મગુરુઓ સાથે વાત થઈ.’ નોંધવું જોઈએ કે, 9 એપ્રિલે પણ જામસાહેબનો એક પત્ર સામે આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, સૌ રાજપૂતોએ ભેગા મળીને જે કોઇ અપમાનજનક કૃત્ય કરે તેને ચૂંટણીમાં હરાવવા જોઈએ. 

    જોકે, તાજેતરના પત્રમાં તેમણે કહ્યું કે, “મારા ધ્યાન પર આવ્યું છે કે રૂપાલાએ પહેલાં 2 વખત માફી માંગી લીધી છે, પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ. ફરી એક વખત રૂપાલા આ રીતે માફી માંગે તો ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ના આપણા ધર્મને યાદ કરીને માફી આપવી જોઈએ.” 

    - Advertisement -
    જામસાહેબનો પત્ર, 10 એપ્રિલ

    તેમણે આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે લખ્યું કે, “આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે અને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણાં ધર્મ અને સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજકોટના રાજવી માંધાતાસિંહે પણ સંવાદથી આ વિવાદનું સુખદ સમાધાન શોધવા માટે અપીલ કરી હતી. મહેલ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને તેમણે કહ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાના નિવેદનથી તેમને પણ આઘાત લાગ્યો હતો અને પોતે ફોન કરીને પોતાની ભૂલ સુધારવા માટે પણ કહ્યું હતું. ત્યારબાદ ભાજપ નેતાએ વિડીયો મારફતે અને એક સંમેલનમાં માફી માંગી લીધી હતી. તેમણે ભાજપ અને ક્ષત્રિય સમાજને કોઇ સમાધાનકારી રસ્તો કાઢવા માટે અને વિવાદનો અંત લાવવા માટે આહવાન કર્યું હતું. 

    આ બધા વિવાદોની વચ્ચે માનવામાં આવી રહ્યું છે કે આગામી 16 એપ્રિલના રોજ પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરશે. તે પહેલાં વિવાદ શમી જાય તે માટેના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં