નવસારીમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબા કાર્યકર્મની બહાર હિંદુ સંગઠનના પદાધિકારીઓ સાથે DySP સંજય રાયે કરેલા અભદ્ર વર્તનને લઈને હવે સંન્યાસીઓ પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. સંજય રાયે હિંદુ કાર્યકર્તાઓને જાહેરમાં માર મારીને તેમના તિલક ભૂંસીને ભગવા ધ્વજને ગાળો આપી હતી. આ મામલે અગાઉ હિંદુઓએ રેલી કાઢીને કલેકટરને આવેદન આપ્યું હતું. ત્યારબાદ હવે શનિવારે (11 ઑક્ટોબર) નવસારી ખાતે સાધુ-સંતો એકઠા થયા હતા અને નવસારી જિલ્લા પોલીસ વડાને કાર્યવાહી કરવા માટે આવેદન આપ્યું હતું. સાથે પાંચ દિવસમાં કાર્યવાહી ન થવા પર પરિણામો ભોગવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
તિલક અને ભગવા ધ્વજના અપમાનને લઈને નવસારીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના હૉલમાં સંત સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ઘણા સંન્યાસીઓ આવી પહોંચ્યા હતા. આ સાથે જ જે હિંદુ કાર્યકર્તાઓનું તિલક ભૂંસવામાં આવ્યું હતું તેના કપાળે ફરી તિલક કરીને સંન્યાસીઓએ હિંદુ એકતાનો સંદેશ આપ્યો હતો.
સંન્યાસીઓએ નવસારીના પોલીસ અધિક્ષકને એક આવેદન પણ આપ્યું છે. આવેદનની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં સાધુઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે કે કાશ્મીરમાં પંડિતો સાથે આચરવામાં આવેલ ધર્મ વિરુદ્ધનું આચરણ હવે ગુજરાત પોલીસ આચરી રહી છે?
આવેદનમાં તપાસની માંગણી સાથે કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારી સંજય રાય દ્વારા કોના ઇશારે આવું કામ કરવામાં આવ્યું છે તે વિશે પણ તપાસ કરવામાં આવવી જોઈએ. ઉપરાંત આવેદનમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે જવાબદાર પોલીસ અધિકારીને તાત્કાલિક ફરજમુક્ત કરવામાં આવે.
શું કહ્યું સંન્યાસીઓએ?
RSSના પદાધિકારી અંકિત પારેખે સંત સંમેલન વિશે ઑપઇન્ડિયાને માહિતી આપતાં કહ્યું કે હિંદુ ધર્મના લગભગ તમામ સંપ્રદાયોના સંન્યાસીઓ સંમેલનમાં હાજર રહ્યા હતા. સંન્યાસી રવિદાસજી મહારાજે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે હિંદુ હિત રક્ષક સમિતિ, સંઘના કાર્યકર્તાઓ અને અન્ય હિંદુ સંગઠનો સાથે થયેલી બેઠકમાં 23 સપ્ટેમ્બરના રોજ હિંદુ કાર્યકર્તાઓ-પદાધિકારીઓ સાથે બનવા પામેલ ઘટનાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે આગળ જણાવ્યું હતું કે તે ઘટનાના વિડીયો જોતાં તેમને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે પશ્ચિમ બંગાળ અથવા તો કેરળનો વિડીયો હશે, પરંતુ પછીથી જાણવા મળ્યું કે તે વિડીયો ગુજરાતના નવસારીનો છે, ત્યારે સંત સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો. તેમણે સંજય રાય દ્વારા કરવામાં આવેલા કૃત્યને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તેમણે માંગણી કરી છે કે જવાબદાર પોલીસ અધિકારી સામે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવવાં જોઈએ.
તેમણે ચેતવણી પણ આપી છે કે માત્ર ટ્રાન્સફર કરવાથી હિંદુ સમાજ નહીં ચલાવી લે, જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. તેમણે કહ્યું કે તિલક ભૂંસવું એ સનાતનની ઓળખને ભૂંસવા બરાબર છે. તેમણે ઉગ્રતાથી ચેતવણી આપતાં કહ્યું કે, “સનાતનની ઓળખ ભૂંસવાનું કામ જે પણ કરે અથવા તો જે પણ કક્ષાએથી થશે તેનો સખત પ્રતિકાર કરવામાં આવશે. ઘટનાને 18 દિવસ કરતાં વધુ થયા છે અને આટલા દિવસોમાં મહાભારતનું યુદ્ધ પણ પૂર્ણ થઈ ગયું હતું. તેમ છતાં સરકાર હજુ સુધી કોઈ કાર્યવાહી કરી શકી નથી.”
‘તિલકનું અપમાન કોઈ કાળે ચલાવી નહીં લેવાય’
સંન્યાસીએ સંમેલનને સંબોધતાં એવું પણ કહ્યું હતું કે તિલક સનાતનની ઓળખ અને શાન છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે તિલકના સન્માન માટે તેઓ જીવ આપવા પણ તૈયાર છે. તેમણે કહ્યું કે, “જે પણ વ્યક્તિએ તિલક ભૂંસવાના પ્રયાસો કર્યા છે, તેમણે બંધારણની કલમ 19નું અને કલમ 25નું ઉલ્લંઘન કર્યું છે.” તેમણે ફરી ચેતવણી આપી કે જો 5 દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવી તો વાતાવરણ વધુ ઉગ્ર બનશે અને સંન્યાસીઓ મેદાનમાં આવીને ન્યાય કરશે.
અન્ય એક સંન્યાસીએ મીડિયાને જણાવ્યું હતું કે પોલીસ અધિકારી રાયના એક કૃત્યથી કરોડો હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે. તેમણે ચીમકી ઉચ્ચારતાં કહ્યું છે કે જો પાંચ દિવસમાં કોઈ પરિણામ નહીં આવે તો સંન્યાસીઓ પોતાની રીતે ન્યાય કરીને બતાવશે.
RSSના સ્થાનિક સૂત્રએ જણાવ્યું છે કે નવસારીની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર હિંદુ સમાજ પર પડ્યા છે અને આ વખતે હિંદુ સમાજ જતું કરવા કે માફ કરવાના મૂડમાં નથી. અગાઉ પણ આવી નાની-મોટી ઘટનાઓ બની ચૂકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ હવે આ ઘટનાને લઈને સક્રિય થયો છે અને સ્થાનિક ભાજપ નેતૃત્વ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું છે કે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તરત જ રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી, પરંતુ નવસારીથી એક ફોન કૉલ ગયો અને કાર્યવાહી થઈ શકી ન હતી. જોકે દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
સંઘના એક પદાધિકારીએ ત્યાં સુધી કહી દીધું છે કે ભગવા ધ્વજ અને તિલકનું અપમાન કરનાર વ્યક્તિ ભલે ગમે તે હોય અથવા કોઈપણ પાર્ટી સાથે જોડાયેલી હોય, તેને છોડવામાં નહીં આવે. તેમણે અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે જો પાંચ દિવસમાં કોઈ નક્કર કાર્યવાહી ન થઈ અથવા તો પરિણામ ન આવ્યું તો હિંદુ સમુદાય, સંગઠનો (RSS સહિત) આગળ પોતાની રીતે ચળવળ ચલાવશે.


