Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મફત વીજળી જ નહીં પરંતુ ઉપરથી પૈસા પણ મળશે’: પીએમ મોદીએ મોઢેરાને...

    ‘મફત વીજળી જ નહીં પરંતુ ઉપરથી પૈસા પણ મળશે’: પીએમ મોદીએ મોઢેરાને જાહેર કર્યું દેશનું પ્રથમ સૌરઉર્જાથી સંચાલિત ગામ

    સૂર્યમંદિરમાંથી મોઢેરા સૂર્યગ્રામ પણ બની શકે એ કરી બતાવ્યું છે. હવે બંને સાથે દુનિયામાં ઓળખાશે અને મોઢેરા દુનિયાના નકશા ઉપર અનોખું સ્થાન બનાવી લેશે: વડાપ્રધાન મોદી

    - Advertisement -

    પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહેસાણાના મોઢેરાને દેશનું સૌપ્રથમ સૌરઉર્જાથી સંચાલિત ગામ જાહેર કર્યું હતું. તેમજ સાથે રૂ. 3092 કરોડથી વધુનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યાં હતાં. પીએમ મોદીએ હાજર જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. 

    પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા ચાલી રહી છે. પહેલાં દુનિયા મોઢેરાને સૂર્યમંદિરથી ઓળખતી હતી, હવે સૂર્યમંદિરમાંથી મોઢેરા સૂર્યગ્રામ પણ બની શકે એ કરી બતાવ્યું છે. હવે બંને સાથે દુનિયામાં ઓળખાશે અને મોઢેરા દુનિયાના નકશા ઉપર અનોખું સ્થાન બનાવી લેશે. 

    તેમણે કહ્યું કે, આક્રાંતાઓએ મોઢેરાને ધ્વસ્ત કરવાના અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં આજે પણ નગર પૌરાણિકતા અને હવે આધુનિકતા માટે આખા વિશ્વમાં એક ઉદાહરણ બન્ની રહ્યું છે. હવે દુનિયામાં જ્યારે-જ્યારે સૌર ઉર્જાની વાત થશે ત્યારે મોઢેરાનું નામ સર્વપ્રથમ લેવામાં આવશે. 

    - Advertisement -

    હવે ઘરમાં જ વીજળી ઉત્પન્ન થશે, વીજળી મફત જ નહીં પરંતુ પૈસા પણ મળશે: પીએમ 

    પીએમ મોદીએ સૂર્યગ્રામનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે મોઢેરામાં ઘરની ઉપર જ વીજળી પેદા થશે અને સરકારમાંથી પૈસા પણ મળશે. વીજળી મફત જ નહીં, ઉપરાંત પૈસા પણ મળે. હવે વીજળી પેદા કરનાર પણ એ જ વ્યક્તિ અને વાપરનાર પણ એ જ. જરૂરી પૂરતી વીજળી વાપરો અને બાકીની સરકારને વેચી દો. આ રીતે બિલમાંથી પણ છૂટકારો મળશે અને વીજળી વેચીને કમાણી કરીશું. 

    તેમણે કહ્યું કે, હમણાં સુધી એવું થતું હતું કે સરકાર વીજળી પેદા કરતી હતી અને જનતા ખરીદતી હતી. પરંતુ કેન્દ્ર સરકાર એવા પ્રયત્નો કરી રહી છે કે લોકો ઘરે જ વીજળી ઉત્પન્ન થશે. આપણે આખું ચક્ર બદલી નાંખ્યું છે. આ માટે સરકાર આર્થિક મદદ પણ કરી રહી છે. 

    વડાપ્રધાને જૂના દિવસો યાદ કરતાં કહ્યું કે, પહેલાં સામર્થ્ય હોવા છતાં સંજોગો એવા હતા કે અભાવમાં જીવવું પડતું હતું. સિંચાઈ, અભ્યાસ, સ્વાસ્થ્ય વગેરે મુસીબતોનો સામનો કરવો પડતો. પાણી માટે પણ બેન-દીકરીઓએ ખૂબ પરિશ્રમ કરવો પડતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 

    તમારા પુરુષાર્થના કારણે આજે આપણે ઇતિહાસ સર્જી રહ્યા છીએ: પીએમ 

    વડાપ્રધાને સંબોધનમાં ગુજરાતની કાયદો-વ્યવસ્થાની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પહેલાં શહેરોમાં કર્ફ્યુની સ્થિતિ રહેતી, અમદાવાદ જેવાં શહેરોમાં જતાં પહેલાં લોકોએ ફોન કરીને પૂછવું પડતું, પરંતુ આજના યુવાનોએ કર્ફ્યુ શબ્દ સાંભળ્યો નથી. તેમણે ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું કે, તમારા પુરુષાર્થના કારણે આજે આપણે એક નવો ઇતિહાસ સર્જી રહ્યા છીએ. 

    તેમણે કહ્યું કે, ગુજરાતમાં પહેલાં સાયકલ બનાવવાનાં પણ ફાંફાં હતાં, પરંતુ આજે ગાડીઓ અને મેટ્રોના કોચ બની રહ્યા છે અને જલ્દીથી વિમાનો પણ ગુજરાતની ધરતી પર બનતાં થઇ જશે. પાવાગઢ, સ્ટેચ્યુ ઑફ યુનિટી વગેરે તીર્થક્ષેત્રોનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, તમામ તીર્થક્ષેત્રો પર ભવ્ય કામ થઇ રહ્યું છે અને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ પણ થઇ રહ્યો છે. 

    તમે મારું કામ જોઈને આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યા છે: વડાપ્રધાન 

    વડાપ્રધાને ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું હતું કે, તમે મારી જાત નથી જોઈ, મારું રાજનીતિક જીવન નથી જોયું પરંતુ મારા કામને જોઈને આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યા છે અને તેના પ્રતાપે આ બધું કરી શક્યો છું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં