Thursday, April 18, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે PM મોદીની ફરી 5 વર્ષ માટે વરણી: રામ...

  સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે PM મોદીની ફરી 5 વર્ષ માટે વરણી: રામ મંદિરના લાઈવ દર્શનની સુવિધા જેવા અનેક વિકાસલક્ષી કાર્યોને આપી લીલીઝંડી

  વડાપ્રધાનના વડપણ હેઠળ મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે હવે ભાવિકભક્તો સોમનાથ મહાદેવની સાથે પ્રભુ શ્રીરામચંદ્રજીના દર્શન પણ કરી શકશે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં તેમણે પ્રથમ દિવસે (30 ઓક્ટોબરે) સવારે પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જે બાદ તેઓ મહેસાણા ગયા હતા અને અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જ્યારે તે જ દિવસે સાંજે ગાંધીનગરમાં રાજભવન ખાતે PM મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરીથી PM મોદીની વરણી કરવામાં આવી હતી. આગામી 5 વર્ષ સુધી ફરી PM મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવા આપશે. આ સિવાય બેઠકમાં સોમનાથ મંદિરને લગતા વિકાસકાર્યોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

  સોમવાર (30 ઓક્ટોબર, 2023)ના રોજ સાંજે ગાંધીનગરના રાજભવન ખાતે PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની 122મી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં PM મોદીને જ આગામી 5 વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પદ પર રાખવા નિર્ણય થયો હતો. એ ઉપરાંત મંદિરના ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઈને ડિજિટલ સેવાઓ વિશેની ચર્ચા પણ કરવામાં આવી હતી અને મંદિરના વિવિધ વિકાસકાર્યોને લીલીઝંડી પણ આપવામાં આવી હતી.

  PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી પણ આપી હતી. તેમણે લખ્યું હતું કે, “ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમે ટ્રસ્ટની કામગીરીને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરી. અમે મંદિર સંકૂલ માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ કેવી રીતે લઈ શકીએ તેની સમીક્ષા કરી જેથી તીર્થયાત્રાનો અનુભવ વધુ યાદગાર બની રહે. તેમજ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતા વિવિધ પર્યાવરણને અનુકૂળ પગલાંની પણ સમીક્ષા કરી હતી.”

  - Advertisement -

  ભગવાન સોમનાથની સાથે-સાથે રામ મંદિરના થઈ શકશે દર્શન

  આ બેઠકમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ડિજિટલ ક્ષેત્રે ખૂબ આગળ પડતું સ્થાન ધરાવે છે, જ્યારે હવે વધુ આધુનિક ટેકનોલોજી પણ વિકસાવવામાં આવશે. સોમનાથ મંદિરની સાથે ભાલકા તીર્થ મંદિર અને કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતિક શ્રીરામ મંદિર આયોધ્યાના લાઈવ દર્શન પણ કરી શકાશે. વડાપ્રધાનના વડપણ હેઠળ મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે હવે ભાવિકભક્તો સોમનાથ મહાદેવની સાથે પ્રભુ શ્રીરામચંદ્રજીના દર્શન પણ કરી શકશે.

  અદ્યતન ટેકનોલોજી સેવાઓને લીલીઝંડી

  શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં અન્ય પણ ઘણા વિકાસકાર્યોને લીલીઝંડી આપવામાં આવી હતી. PM મોદીના આહ્વાન પર સોમનાથ ટ્રસ્ટએ ‘મેરી મિટ્ટી મેરા દેશ’નો વિડીયો લોકો સમક્ષ મૂક્યો છે. આ વિડીયોમાં સોમનાથ મંદિરનો ઇતિહાસ, વીરરસ અને મંદિરની ધરોહરને ઉજાગર કરવામાં આવી છે. તેમજ ટેકનોલોજીના માધ્યમથી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા, ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ, પ્રસાદી વિતરણ જેવી જાણકારી માટે ડેશબોર્ડનો શુભારંભ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM મોદી દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમર્પિત કરવાં માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકા તૈયાર કરાઈ છે. આ પ્રસંગે આ અભિયાનનો શુભારંભ PM મોદીએ સૌપ્રથમ રામ નામ મંત્ર લખી કર્યો હતો.

  PM મોદીના વડપણ અને માર્ગદર્શન હેઠળ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સોમનાથ ટ્રસ્ટે હરણફાળ ભરી છે. તેમજ યાત્રી સુવિધા, વૃદ્ધો, દિવ્યાંગો માટેની સુવિધા, અન્નક્ષેત્ર, રોજગારી તેમજ પર્યાવરણલક્ષી અનેક પ્રોજેટક શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઘણા બધા કાર્યોને આવરી લેવાયા છે.

  અત્યાધુનિક કેમેરા સાથેની ઈનહાઉસ સીસ્ટમ ઉભી કરી સોશ્યલ મીડિયામાં ફોટો, લાઈવ આરતી, રીલ, કથા જેવા પ્રસંગોનું ટ્રસ્ટની ઓફિશિયલ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. જેને કારણે મીડિયાની રીચમાં છેલ્લા 14 માસમાં 124 કરોડ જેવી રીચ નોંધાઈ છે. આ ઉપરાંત ટ્રસ્ટની વેબસાઈટને પણ યાત્રી ફ્રેન્ડલી બનાવવામાં આવી છે.

  ટ્રસ્ટની વેબસાઈટ પરથી યાત્રિકો ઓનલાઈન રુમ બુકિંગ, પૂજાવિધિ રજીસ્ટ્રેશન, ડોનેશન પણ ઓનલાઈન કરી શકે તેની સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. વેબસાઈટ મારફત ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી પણ લોકો મેળવી શકે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફત ભગવાન સોમનાથજી તથા માતા પાર્વતીજીને ચડાવેલ વસ્ત્ર પ્રસાદીનું ઓનલાઈન વેચાણ પણ શરુ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ પોતાના સ્વજનોને જન્મદિન તેમજ લગ્નદિન જેવા શુભપ્રસંગોએ ઓનલાઈન વસ્ત્રપ્રસાદી તેમજ તેની સાથે શુભેચ્છા સંદેશ પણ પાઠવી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.

  આ સિવાય વસુધૈવ કુટુંબકમ સોમેશ્વર પૂજન અભિષેક કાર્યક્રમ દ્વારા વર્ચુઅલ માધ્યમથી 21 દેશના ભક્તોને એક પ્લેટફોર્મ પર લાવી પુજાના માધ્યમથી જોડવામાં આવ્યા હતા.

  નોંધનીય છે કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં ભગવાન મહાદેવ પર જે અભિષેક કરવામાં આવે છે તે પવિત્ર જળને ત્રણ સ્તરો પર ટ્રીટમેન્ટ કરીને સોમ ગંગાના રૂપમાં કાચની બોટલમાં પેક કરીને તેને પ્રસાદી તરીકે આપવામાં આવે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં