Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાત‘નરેન્દ્રભાઈ સંકલ્પ કરે એટલે પૂરો કરીને રહે, તમે જાણો જ છો’: મહેસાણામાં...

    ‘નરેન્દ્રભાઈ સંકલ્પ કરે એટલે પૂરો કરીને રહે, તમે જાણો જ છો’: મહેસાણામાં PM મોદીએ ₹5800 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં, કહ્યું- તમારા માટે પૂરેપૂરી શક્તિથી કામ કરતો રહીશ

    એક સમયે અહીં બહુ મુસીબતો હતી. પાણીની સમસ્યા હતી, ખેડૂતોને પાક માંડ મળતા હતા. સિંચાઈની સુવિધાઓ ન હતી. પરંતુ આટલાં વર્ષોમાં આપણે વિસ્તારનો એટલો વિકાસ કર્યો કે તમામ મુસીબતોમાંથી બહાર આવી શક્યા છીએ અને હવેની પેઢીઓ તો એ તકલીફો વિશે જાણતી પણ નથી: PM

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે પહેલાં અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ તેઓ મહેસાણા પહોંચ્યા હતા, જ્યાં તેમણે લગભગ ₹5800 કરોડનાં વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. અહીં વડાપ્રધાને સંબોધન પણ કર્યું. 

    PM મોદીએ કહ્યું, આપ સૌની નિકટ આવીને આપ સૌના દર્શન કરવા એ મારા માટે સૌભાગ્યની ક્ષણો હતી. તેમણે કહ્યું કે, “જે ધરતીએ મને ઘડ્યો છે તેનું ઋણ સ્વીકાર કરવાનો જ્યારે પણ મોકો મળે ત્યારે મનને સંતોષ થાય છે. એટલે એક પ્રકારે આ વતનની મુલાકાત ઋણ સ્વીકાર કરવાનો અવસર છે.” 

    વડાપ્રધાને સંબોધનમાં અંબાજી મંદિરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેની રોનક જોઈને ખૂબ આનંદ થયો. મા અંબાના આપણી ઉપર આશીર્વાદ છે અને એ આશીર્વાદથી જ આજે ગબ્બર પર્વતનો વિકાસ થઈ રહ્યો છે. તેમણે અંબાજી મંદિરે ચાલેલા સફાઈ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને અભિનંદન આપ્યાં હતાં. 

    - Advertisement -

    પહેલાં બીજા જિલ્લાઓમાં જવું પડતું, હવે ઘરઆંગણે રોજગાર: વડાપ્રધાન 

    વિકાસકામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આ બધા પ્રકલ્પો મહેસાણા ઉપરાંત આસપાસના જિલ્લાઓ મળીને સમગ્ર ઉત્તર ગુજરાતના વિકાસને વેગ આપવામાં મદદરૂપ થશે તેમજ ખેડૂતના ભાગ્યને કાયમી મજબૂતી આપશે. તેમણે કહ્યું કે, પહેલાં ઉત્તર ગુજરાતના લોકોએ રોજગાર માટે અન્ય જિલ્લાઓમાં જવું પડતું, પરંતુ આજે ઘરઆંગણે રોજગાર મળી રહ્યો છે. એટલું જ નહીં, ઔદ્યોગિક વિકાસ થવાના કારણે હવે બહારથી પણ લોકો રોજગાર મેળવવા માટે ઉત્તર ગુજરાત આવતા થયા છે.

    વડાપ્રધાને કહ્યું કે, એક સમયે અહીં બહુ મુસીબતો હતી. પાણીની સમસ્યા હતી, ખેડૂતોને પાક માંડ મળતા હતા. સિંચાઈની સુવિધાઓ ન હતી. પરંતુ આટલાં વર્ષોમાં આપણે વિસ્તારનો એટલો વિકાસ કર્યો કે તમામ મુસીબતોમાંથી બહાર આવી શક્યા છીએ અને હવેની પેઢીઓ તો એ તકલીફો વિશે જાણતી પણ નથી. તેમણે મહેસાણાના લોકોને સંબોધીને કહ્યું કે, તમે તો નરેન્દ્રભાઈને ઓળખો છો. એક વખત સંકલ્પ કરે એટલે તેને પૂરો કરીને જ રહે. 

    આજે દુનિયામાં ભારતની ચર્ચા: PM 

    પીએમ મોદીએ કહ્યું, “આજે ભારતના વિકાસની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ચંદ્રના જે સ્થળ પર કોઇ દેશ પહોંચી શક્યો ન હતો ત્યાં ભારત પહોંચ્યું છે. G-20ની આટલી ચર્ચા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ થઈ હશે, જેટલી ભારતમાં થઈ છે.” વડાપ્રધાને એમ પણ કહ્યું કે, G-20નો માહોલ એવો હતો કે કદાચ કોઇને T-20ની ખબર નહીં હોય પણ G-20ની ખબર ચોક્કસ હશે. સાથે કહ્યું કે, દુનિયાના નેતાઓ જ્યારે ભારત આવ્યા અને ભારતની સંકલ્પશક્તિ, ક્ષમતા અને સામર્થ્ય જોયાં ત્યારે ચકિત થઈ ગયા અને તેમણે પણ તે સ્વીકાર્યું છે.

    વડાપ્રધાને કહ્યું કે, “આજે દુનિયામાં જે વાહવાહી થઈ રહી છે, ભારતનો જે તેજ વિકાસ થઈ રહ્યો છે, જયજયકાર થઈ રહ્યો છે તેના મૂળમાં સ્થિર સરકાર બનાવનારા કરોડો ભારતીયોને તાકાત છે.” તેમણે ગુજરાતનું ઉદાહરણ આપીને કહ્યું કે, અહીં લોકોએ સ્થિર સરકાર બનાવી હતી તો વિકાસ તેજ ગતિએ થઈ શક્યો અને સરકાર પણ એવા નિર્ણયો લઇ શકી. 

    આપણે મુસીબતોમાંથી બહાર આવ્યા છીએ, કોઈને તકલીફ ન પડે તેવું ગુજરાત બનાવ્યું છે 

    ગુજરાત મુસીબતોમાંથી કઈ રીતે બહાર આવ્યું તે જણાવતાં પીએમ મોદીએ કહ્યું કે, આપણે આ તમામ મુસીબતોમાંથી બહાર આવ્યા છીએ અને હવે ગુજરાત ઔદ્યોગિક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પાણી, ઉદ્યોગ, સિંચાઈ, ખેતી સહિતનાં તમામ ક્ષેત્રો પર આપણે ભાર આપ્યો અને હવે તમામ ક્ષેત્રોમાં તેજ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. 

    વડાપ્રધાને કહ્યું કે, આપણે કોઈને મુસીબત જોવા ન મળે તેવું ગુજરાત બનાવ્યું છે. આજે રાજ્યમાં આધુનિક ઈન્ફરાસ્ટ્રચરનું નિર્માણ થઈ રહ્યું છે. આજે દેશમાં જેટલું મૂડી રોકાણ થઈ રહ્યું છે તેટલું પહેલાં ક્યારેય થયું ન હતું. હર ઘર જળ અભિયાનથી લોકોના ઘરમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તેમજ ઈન્ફરાસ્ટ્રચર પણ મજબૂત બની રહ્યું છે. તેમણે ગુજરાતના ડેરી ઉદ્યોગનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમાં પણ અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે અને વિદેશોમાં લોકો આપણું મોડેલ જોવા માટે આવી રહ્યા છે. સાથે કોરોના રસીકરણને ટાંકીને કહ્યું કે, આપણે માત્ર માણસો જ નહીં પરંતુ પશુઓની પણ ચિંતા કરીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે, 15 હજાર કરોડના ખર્ચે પશુઓનું નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને પશુપાલકોને અપીલ કરી કે તેઓ તેનો લાભ અવશ્ય લે. 

    તમારાં પ્રેમ અને આશીર્વાદ જ મારી તાકાત, પહેલાં કરતાં પણ વધુ શક્તિથી મહેનત કરતો રહીશ: પીએમ મોદી 

    અંતે પીએમ મોદીએ કહ્યું કે, “દેશ અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે, આ મારી માટી, જે માટીએ મને મોટો કર્યો છે, તેના આશીર્વાદ લઈને નીકળીશ, તેની એક નવી શક્તિ પ્રાપ્ત કરીને નીકળીશ અને પહેલાં જેટલી મહેનત કરતો હતો તેનાથી વધુ મહેનત કરીશ, પહેલાં કરતાં અનેકગણી વધુ ગતિથી વિકાસનાં કામો કરીશ. કારણ કે તમારો આ પ્રેમ અને આશીર્વાદ એ જ મારી તાકાત છે. કારણ કે આપણું સપનું છે 2047માં દેશની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે દેશ વિકસિત દેશ બની જવો જોઈએ.” તેમણે વડીલો પાસે આશીર્વાદ માંગીને કહ્યું કે, એવા આશીર્વાદ આપો કે હું પૂરેપૂરી શક્તિથી, વધુમાં વધુ, સમર્પણ ભાવથી તમારા માટે કામ કરતો રહું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં