હોમપેજગુજરાતજે ઉમર ખાલિદ દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો મામલે જેલમાં બંધ, તેના સમર્થનમાં મેવાણીએ...

જે ઉમર ખાલિદ દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો મામલે જેલમાં બંધ, તેના સમર્થનમાં મેવાણીએ ગજવ્યું હતું સોશિયલ મીડિયા: વિવાદ વચ્ચે જૂની અનેક પોસ્ટ વાયરલ

14 સપ્ટેમ્બર, 2020ના રોજ મેવાણીએ એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું– ‘મરતે દમ તક ફાસીવાદીઓં કે ખિલાફ લડેંગે. ઝિંદાબાદ ઉમર.’ આ પોસ્ટ ઉમર ખાલિદ માટે હતી, જે 2020 દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ છે.

- Advertisement -

ગુજરાત પોલીસ પર આપત્તિજનક ટિપ્પણીઓ કર્યા બાદ કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાલ વિવાદોમાં છે. ઠેરઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી તરફ કોંગ્રેસ ઇકોસિસ્ટમ મેવાણીના સમર્થનમાં વાતાવરણ બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ ધારેલી સફળતા મળી નથી. બીજી તરફ જીગ્નેશ મેવાણીની અમુક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ અને ગતિવિધિઓ વાયરલ થઈ રહી છે, જેમાં મેવાણીએ દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને અન્યોના સમર્થનમાં પોસ્ટો કરી હતી.

એક તરફ મેવાણી ફાંકા ફોજદારી અને પોલીસ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર એલફેલ બોલવાના કારણે ચર્ચામાં છે ત્યાં બીજી તરફ તેમની આ જૂની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે.

લોકો આ પોસ્ટ્સ ફેરવીને, ઉમર ખાલિદ સાથેના જૂના ફોટા ફેરવીને મેવાણીને પ્રશ્નો કરી રહ્યા છે કે આખરે તેમની વિચારધારા શું છે અને સુનિયોજિત રીતે હિંદુઓને પાઠ ભણાવવા માટે આયોજિત કરવામાં આવેલાં રમખાણોના આરોપી માટે તેઓ કેમ બેટિંગ કરી રહ્યા હતા.

- Advertisement -

14 સપ્ટેમ્બર, 2020ના રોજ મેવાણીએ એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું– ‘મરતે દમ તક ફાસીવાદીઓં કે ખિલાફ લડેંગે. ઝિંદાબાદ ઉમર.’ આ પોસ્ટ ઉમર ખાલિદ માટે હતી, જે 2020 દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ છે.

આ જ દિવસે મેવાણીએ બીજી એક પોસ્ટ કરી, જેમાં લખ્યું, ‘ઉમર ઇઝ અ ફાઇટર.’ સાથે ગૃહ મંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું કે તમે ગમે તેટલા પ્રયાસો કરો, પરંતુ તેને હરાવી શકો તેમ નથી.

બીજા દિવસે મેવાણીએ ‘ધ પ્રિન્ટ’માં એક લેખ લખ્યો હતો, જેને શૅર કરીને ઉમર ખાલિદનાં ભારોભાર વખાણ કર્યાં હતાં. મેવાણીએ ખાલિદને ભગત સિંઘ અને બાબાસાહેબના ‘બેટર ઇન્ડિયા’નો આર્ટિકેક ગણાવી દીધો અને કહ્યું કે તેનું નામ ઇતિહાસનાં પુસ્તકોમાં લખાશે. સાથે ‘રિલીઝ ઉમર ખાલિદ’નો હૅશટેગ વાપરવામાં આવ્યો હતો.

અન્ય એક પોસ્ટ 21 જાન્યુઆરી, 2020ની સામે આવી છે, જેમાં મેવાણીએ શાહીનબાગ ખાતે ઉમર ખાલિદ સાથે હાજરી આપવાની વાત કહી હતી. આ એ જ સમય હતો જ્યારે દેશમાં CAA અને NRCનાં નામે વિરોધપ્રદર્શનો શરૂ કરવામાં આવ્યાં હતાં અને ફેબ્રુઆરી 2020માં પછીથી તેની આડમાં હિંદુવિરોધી હિંસા આચરવામાં આવી.

13 સપ્ટેમ્બર, 2023ના રોજ મેવાણીએ અન્ય એક પોસ્ટ કરીને ઉમર ખાલિદ માટે સહાનુભૂતિ ઉઘરાવી હતી. ત્રણ વર્ષથી ઉમરને જેલમાં રાખી મૂકવામાં આવ્યો હોવાનાં અને અવાજ દબાવવામાં આવી રહ્યો હોવાનાં રોદણાં રડીને મેવાણીએ ખાલિદને મુક્ત કરવાની માગ કરી હતી, જે હિંદુવિરોધી રમખાણો મામલે જેલમાં બંધ છે.

આ સિવાય ઉમર ખાલિદ સાથેના અમુક મેવાણીના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

અન્ય એક પોસ્ટમાં મેવાણીએ દિલ્હી રમખાણોના કેસના આરોપીઓ માટે ટ્વિટર પર એક કેમ્પેઈન ચલાવ્યું હતું, એ પણ હવે વાયરલ થઈ રહી છે.

ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓ હાલ હિંદુવિરોધી રમખાણોના કેસમાં જેલમાં બંધ છે. દિલ્હી હાઇકોર્ટ આ તમામની જામીન અરજી નકારી ચૂકી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી ગઈ હતી, જેની ઉપર હાલ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસે એક એફિડેવિટ દાખલ કર્યું હતું, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ રમખાણો પૂર્વનિયોજિત રીતે કરાવવામાં આવ્યાં હતાં અને તેનો મૂળ ઉદ્દેશ્ય રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરીને અરાજકતાના જોરે સરકાર ઉથલાવી પાડવાનો અને દેશની સાર્વભૌમિકતાને અસર કરવાનો હતો.

આવા કેસના આરોપીઓ સાથે મેવાણીના ફોટા, તેમનું સમર્થન કરતી પોસ્ટો હવે વાયરલ થઈ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે આખરે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.

અહીં ઉલ્લેખનીય છે કે મેવાણીએ આ જે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી એ એક સુનિયોજિત પ્રોપગેન્ડા કેમ્પેઇનનો ભાગ હતી, આ બાબત દિલ્હીની કોર્ટને જણાવવામાં આવી ચૂકી છે. એપ્રિલ 2024માં ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરતી કોર્ટને પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે ખાલિદે પોતાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ફૉલ્સ નરેટિવ ચલાવવા માટે અનેક લોકોનો સંપર્ક કર્યો હતો અને તેમાં જીગ્નેશ મેવાણીનું પણ નામ સામે આવ્યું હતું.

ખાલિદે ‘ધ વાયર’ના એક રિપોર્ટની લિન્ક મોકલીને મેવાણીને લખ્યું હતું, ‘ભાઈ, જો શક્ય હોય તો આને ટ્વિટર પર શેર કરો. આપણે આને આગળ વધારવું જોઈએ.’ આ વિગતો કોર્ટ સમક્ષ ખુલી ચૂકી છે અને સ્વયં સ્પેશિયલ પ્રોસિક્યુટરે ચેટ બતાવીને રજૂ કરી હતી.

આમ તો મેવાણી કે અન્યો એમ કહી શકે કે તેઓ ખાલિદને સમર્થન આપવા માટે સ્વતંત્ર છે અને તેમાં ખોટું પણ કશું નથી. પણ એ વાત ધ્યાને લેવી જોઈએ કે આરોપીની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હોય ત્યારે આ પ્રકારના આયોજન સાથે નરેટિવ આગળ ધપાવવામાં આવે તો તેનાથી ન્યાયિક પ્રક્રિયાને અસર થઈ શકે છે. સપ્ટેમ્બર, 2023માં પણ સરકારી વકીલે જણાવ્યું હતું કે, દિલ્હી રમખાણોના કેસમાં એક ષડ્યંત્ર એવું પણ રચવામાં આવ્યું હતું કે જેનાથી ટ્રાયલને અસર કરવામાં આવે, જેથી જેઓ જામીન પર બહાર નથી તેમને આ પ્રકારના વિલંબનો લાભ મળી શકે. ઉમર ખાલિદ અને અન્યો વચ્ચે થયેલી ચેટ્સને આ સંદર્ભમાં જોવી જોઈએ. 

જેઓ જામીન પર બહાર છે તેઓ સત્તત ન્યાયિક પ્રક્રિયાને અસર કરવાના પ્રયાસ કરી રહ્યા હતા, જેથી જેઓ જેલમાં છે તેઓ ‘ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો’ હોવાનું કારણ આપીને જામીન માંગી શકે. બીજી તરફ, તેમના મિત્રો બહાર રહીને એવો નરેટિવ ચલાવી રહ્યા હતા કે ટ્રાયલમાં વિલંબ થવાના કારણે ન્યાય મળી રહ્યો નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં