Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત વિધાનસભા ચૂંટણીનું એલાન, બે તબક્કામાં થશે મતદાન: પરિણામ 8 ડિસેમ્બરના રોજ...

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું એલાન, બે તબક્કામાં થશે મતદાન: પરિણામ 8 ડિસેમ્બરના રોજ થશે જાહેર

    વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ હવે ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોનાં નામો જાહેર કરશે, એક-બે દિવસમાં થવાની શક્યતા.

    - Advertisement -

    આખરે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે અનુસાર રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આ તારીખો જાહેર કરી હતી. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જે અનુસાર, પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

    નોટિફિકેશન જારી થવાની તારીખ: પહેલા તબક્કા માટે 5 નવેમ્બર, બીજા તબક્કા માટે-10 નવેમ્બર

    - Advertisement -

    ઉમેદવારી પત્ર ભરવાની તારીખ: પહેલા તબક્કા માટે 14 નવેમ્બર, બીજા તબક્કા માટે- 17 નવેમ્બર

    ઉમેદવારીપત્રની ચકાસણીની તારીખ: પહેલા તબક્કાની તારીખ 15 નવેમ્બર, બીજા તબક્કાની તારીખ- 18 નવેમ્બર

    ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ: પહેલા તબક્કા માટે 17 નવેમ્બર, બીજા તબક્કા માટે 21 નવેમ્બર

    મતદાન: પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર

    પરિણામ: 8 ડિસેમ્બર (ગુરુવાર)

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે હિમાચલ પ્રદેશની પણ ચૂંટણી યોજાનાર છે. જે માટે ચૂંટણી પંચે પહેલેથી જ તારીખ જાહેર કરી દીધી છે. હિમાચલમાં 12 નવેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, જેનું પરિણામ 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણી સાથે જ જાહેર થશે.

    ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો માટે મતદાન થનાર છે. જે માટે આ વખતે ત્રણ પાર્ટીઓ મેદાને છે. પ્રચાર માટે ત્રણેય પાર્ટીઓએ કમર કસી છે તો બીજી તરફ ઉમેદવારોનાં નામો પણ હવે જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરવા માંડ્યાં છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ હવે પછી એક-બે દિવસમાં યાદીઓ જાહેર કરી શકે છે.

    તારીખો જાહેર થયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ઉમેદવારોનાં નામો પર મહોર મારવા માટે ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી છે. આજે ગાંધીનગર કમલમ્ ખાતે ભાજપની મહત્વની બેઠક પણ મળવા જઈ રહી છે. બીજી તરફ, કોંગ્રેસે પણ જે ધારાસભ્યોને રિપીટ કરવાના છે, તેમની યાદી તૈયાર કરી દીધી હોવાનું માનવામાં આવે છે. 

    નામો જાહેર કરવામાં આવે તે પહેલાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી અને જે માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. દરેક વિધાનસભા બેઠક પર અનેક નેતાઓએ દાવેદારી નોંધાવી છે. સેન્સ પ્રક્રિયામાં પાર્ટીને કુલ 4340 બાયોડેટા મળ્યા હોવાનું કહેવાય છે. જેની ઉપર ભાજપની સંકલન બેઠક પર ચર્ચા કરવામાં આવશે અને તેમાં પસંદ કરવામાં આવેલ નામો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડમાં જ ભાજપ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારવામાં આવે છે. 

    ગત વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કુલ 182 વિધાનસભા બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જયારે કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી. એક બેઠક NCP, 2 બેઠકો બીટીપી અને ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા હતા. જોકે, આજની સ્થિતિ અનુસાર, ભાજપ પાસે 111 બેઠકો છે. કોંગ્રેસ પાસે 63, બીટીપી પાસે 2, એનસીપી પાસે એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. જ્યારે 4 બેઠકો ખાલી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં