Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટચૂંટણી પંચનું એલાન: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, એક જ તબક્કામાં...

  ચૂંટણી પંચનું એલાન: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, એક જ તબક્કામાં યોજાશે મતદાન

  કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી હિમાચલ પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી.

  - Advertisement -

  કેન્દ્રીય ચૂંટણી પંચે આવનાર સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. આજે ત્રણ વાગ્યે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર કરી હતી. જેની સાથે જ રાજ્યમાં આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે. 

  હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. આ માટે અધિસૂચના 17 ઓક્ટોબરના રોજ જાહેર  થશે. 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર ભરવાનાં રહેશે. 27 ઓક્ટોબરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 29 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ચૂંટણી 12 નવેમ્બરના રોજ જ્યારે પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

  અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીની પણ તારીખ જાહેર થશે તેવું અનુમાન હતું, પરંતુ ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી. જોકે, બંને રાજ્યોમાં પરિણામ એક જ દિવસે જાહેર થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

  - Advertisement -

  ઉમેદવારી પત્ર દાખલ કરવાની તારીખ: 25 ઓક્ટોબર

  ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ: 29 ઓક્ટોબર

  ઉમેદવારી પત્રની ચકાસણી:  27 ઓક્ટોબર

  મતદાન: 12 નવેમ્બર

  પરિણામ: 8 ડિસેમ્બર

  ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોરોનાનું જોખમ ઓછું હોવા છતાં રાજ્યોને પૂરતી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, અમુક મતદાન મથકો ઉપર માત્ર મહિલાઓને જ નિયુક્ત કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. ઉપરાંત, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

  ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ઉમેદવારનું સમગ્ર સોગંદનામું વેબસાઈટના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કોઈની અપરાધિક પૃષ્ઠભૂમિ હશે તો તે વિશેની તમામ વિગતો મતદારોને જાણવા મળશે, તેમજ ઉમેદવારોએ ત્રણ વખત છાપાંમાં જાહેરાત આપવી પડશે.

  હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દાયકામાં એકેય પાર્ટી સત્તા ટકાવી શકી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ ટ્રેન્ડ તોડવા માટે કમર કસી છે. બીજી તરફ, આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડાનું ગૃહરાજ્ય પણ છે. જેના કારણે તેમણે જ પાર્ટીના પ્રચાર માટે કમાન સંભાળી છે.  ઉપરાંત, પીએમ મોદી પણ તાજેતરમાં જ હિમાચલના પ્રવાસે ગયા હતા, જ્યાં વંદે ભારત ટ્રેનના લોકાર્પણ સહિતનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં હતાં. 

  હિમાચલ પ્રદેશમાં ગત ચૂંટણીમાં કુલ 68 બેઠકોમાંથી 44 બેઠકો ભાજપને ફાળે ગઈ હતી, જ્યારે કોંગ્રેસને 21 અને એક બેઠક CPI(M)ને મળી હતી. હાલ ભાજપના જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં