તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાં મુઘલ આક્રાંતા ઔરંગઝેબની કબર હટાવવાની માંગ સાથે હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા શાંતિપૂર્ણ દેખાવો વચ્ચે કટ્ટરપંથી મુસ્લિમોનાં ટોળાંએ હુમલો કરી દીધો અને હથિયારો લઈને રસ્તા પર ઉતરીને ઉત્પાત મચાવ્યો અને હિંસા આચરી હતી. દરમ્યાન પોલીસકર્મીઓ પર પથ્થરમારો, સામાન્ય નાગરિકો પર હુમલા, વાહનોમાં તોડફોડ સહિતની ઘટનાઓ બની હતી. આ ઘટના બાદ એક તરફ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને બીજી તરફ વિધાનસભા સત્ર ચાલુ હોઈ 18 માર્ચના રોજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) વિધાનસભામાં એક નિવેદન આપ્યું હતું.
આ દરમિયાન CM ફડણવીસે એક નિવેદન આપ્યું જેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું. આખા નિવેદનનો એક ટૂકડો ઉઠાવીને એક તૂત ચલાવવામાં આવ્યું, જેને લઈને રાજકારણ શરૂ થઈ ગયું. એક તરફ કટ્ટરપંથી ઇસ્લામી ટોળાએ કરેલી હિંસા માટે હિંદુઓને જવાબદાર ગણાવવાનું કાવતરું ચાલી જ રહ્યું છે ત્યારે બીજી તરફ એવું પણ ચલાવવામાં આવી રહ્યું છે કે CM ફડણવીસે આ હિંસા માટે તાજેતરમાં જ આવેલી છત્રપતિ સંભાજી મહારાજના બલિદાનને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ ‘છાવા’ને જવાબદાર ઠેરવી છે.
મુખ્યધારાનાં ઘણાં મીડિયા સંસ્થાનોએ CM ફડણવીસના આખા નિવેદનનો એક ટુકડો લઈને મોટા અહેવાલો છાપી નાખ્યા. જેમાં એવા દાવા કરવામાં આવ્યા કે CM ફડણવીસે વિધાનસભાના સત્રમાં સ્વીકાર કર્યો કે હિંસા વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ને કારણે થઈ છે.
ઇન્ડિયા ટુડેએ એક પોસ્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રમખાણો માટે ફિલ્મ છાવાને દોષ આપ્યો હોવાનો દાવો કરી દીધો.

આવા જ અહેવાલોના આધારે શિવસેના UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, “મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હિંસા માટે ફિલ્મ ‘છાવા’ને જવાબદાર ઠેરવી છે. છત્રપતિ સંભાજી મહારાજની બહાદૂરી પર આધારિત ફિલ્મને હવે હિંસા માટે ઉશ્કેરણીજનક કહેવામાં આવી રહી છે તે આશ્ચર્યજનક છે. શરમજનક દોષારોપણનો ખેલ!”
CM & HM Devendra Fadnavis blames Chaava the movie for the violence. Amazing that a movie on the valour of Chattrapati Sambhaji Maharaj is now being called the instigator.
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) March 18, 2025
Shameful blame game!
હિન્દુસ્તાન ટાઈમ્સે પણ એક ભ્રામક પોસ્ટ કરી. જેમાં ફડણવીસે છાવાને દોષ આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું.

આ જ રીતે ડેક્કન હેરાલ્ડના રિપોર્ટની હેડલાઇન છે- દેવેન્દ્ર ફડણવીસે લોકોના ઔરંગઝેબ વિરુદ્ધના ગુસ્સા માટે છાવાને દોષ આપ્યો.

વાસ્તવિકતા દાવાઓથી વિપરીત
વાસ્તવિકતા થઈ રહેલા દાવાઓથી સાવ વિપરીત છે. વાસ્તવમાં જે ફિલ્મના આધારે CM ફડણવીસ પર આરોપ લગાવવામાં આવ્યા છે તે ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં ઔરંગઝેબે હિંદુઓ પર અને છત્રપતિ સંભાજી મહારાજ પર ગુજારેલા અત્યાચારોનું વાસ્તવિક ચિત્રણ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ જોઈને સામાન્ય લોકો સમક્ષ એ ઔરંગઝેબની વાસ્તવિકતા ઉજાગર થઈ જેનું ચરિત્ર અત્યાર સુધી શુગર કોટિંગ કરીને અને તોડી-મરોડીને સકારાત્મક રીતે દર્શાવવામાં આવતું હતું. આ ફિલ્મ જોયા પછી ઔરંગઝેબે કરેલ ક્રૂરતા અને અત્યાચારો લોકો સમક્ષ ઉજાગર થયા. જેના પગલે લોકોમાં આક્રોશ ભડક્યો. સામાન્ય જનતાએ માંગ કરી કે જેણે સંભાજી મહારાજ જેવા વીર યોદ્ધાઓ અને હિંદુઓ પર આટલો અત્યાચાર ગુજાર્યો તેની કબર હટાવવામાં આવે.
બીજી તરફ વાસ્તવિકતા પર પડદો ઢાંકવાનો પ્રયાસ કરતા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબના વખાણ કર્યાં…જેના કારણે હિંદુઓનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. હિંદુઓની ઔરંગઝેબની કબર હટાવવાની માંગ વધુ પ્રબળ બની. જેના કારણે 17 માર્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું.
શું કહ્યું હતું CM ફડણવીસે
આ પ્રદર્શન બાદ ઇસ્લામી ટોળાંએ હિંસા કરી, જાણીજોઈને હિંદુઓનાં વાહનો, દુકાનો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં. આ સમગ્ર ઘટનાની માહિતી CM ફડણવીસે વિધાનસભામાં આપી. જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આ હિંસા સુનિયોજિત હતી. શહેરમાં સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા માટે આ હિંસા કરવામાં આવી હતી.
તેમણે ‘છાવા’ ફિલ્મને જવાબદાર ઠેરવી નહોતી. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે, “હું કોઈ સિનેમા કે ફિલ્મને દોષ નથી આપી રહ્યો, પરંતુ ‘છાવા’ ફિલ્મે છત્રપતિ સંભાજી મહારાજનો સાચો ઇતિહાસ આપણી સમક્ષ રજૂ કર્યો છે. આ ફિલ્મે નિઃશંકપણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને તેમના પ્રત્યે પ્રેમ અને પ્રશંસા રાખનારાઓ વિરુદ્ધ લોકોમાં એક આક્રોશ પેદા કર્યો છે.”
Nowhere @Dev_Fadnavis blamed the Movie. He mentioned that trolley full of stones were found at that site, did Chhava Movie viewers brought that trolley?
— Facts (@BefittingFacts) March 18, 2025
He mentioned that Chhava movie has shown truth of Chhatrapati Sambhaji Maharaj and people of Maharashtra has anger against… https://t.co/sO2Tq0ly80 pic.twitter.com/Lao2dhqRLn
વાસ્તવમાં CM ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ ફિલ્મમાં વાસ્તવિકતા અને સાચો ઇતિહાસ ઉજાગર થયા બાદ લોકોને સાચા-ખોટાની જાણ થઈ અને તેમનો ઔરંગઝેબ પ્રત્યે જે આક્રોશ હતો એ વધ્યો છે. તેમણે ક્યાંય એવું નથી કહ્યું કે આ ફિલ્મના કારણે રમખાણો થયાં છે અને તોફાનો અને અશાંતિ સર્જવામાં ફિલ્મનો ફાળો છે. પરંતુ તેમના નિવેદનને જુદી જ રીતે રજૂ કરવામાં આવ્યું.
વાસ્તવમાં સેક્યુલર-લિબરલ ઇકોસિસ્ટમ જ્યારથી હિંસા થઈ ત્યારથી કટ્ટરપંથી ઇસ્લામીઓની આ કરતૂતોને ઢાંકવા માટે સતત બલિના બકરા શોધી રહી છે. અમુક ફિલ્મ છાવાને જવાબદાર ઠેરવી રહ્યા છે તો અમુક હિંદુ સંગઠનોને. બાકીના અમુક પોલીસ અને સરકાર પર દોષ નાખી રહ્યા છે. આશય સ્પષ્ટ છે કે કોઈ પણ રીતે જે મુસ્લિમોએ હિંસા આચરી તેમને રક્ષણ આપવામાં આવે અને દોષ તેમની ઉપર નાખવામાં ન આવે. આ જ નરેટિવને બળ આપવા માટે દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનો સહારો લેવામાં આવ્યો, જેઓ કહેવા બીજું કાંઈ માંગતા હતા અને તેમના નિવેદનને રજૂ ખોટી રીતે કરવામાં આવ્યું.