સત્તામાં આવતાંની સાથે જ અમેરિકન ડીપ સ્ટેટ પર લગામ લગાવવા માટે કામ કરવા મંડી પડેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે USની એક જાણીતી એજન્સી USAID પર નિયંત્રણો મૂકવાનાં શરૂ કરી દીધાં છે. ‘યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ’ નામથી ઓળખાતી આ એજન્સીને મળતું ફન્ડિંગ અટકાવી દેવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટરોને ઘરભેગા કરી દેવાયા છે, અમુક ઉચ્ચ અધિકારીઓને કાયમી રજા આપી દેવાઈ છે, તો અમુકને લાંબી રજા પર મોકલી દેવામાં આવ્યા છે. દુનિયાભરમાં કામ કરતા લગભગ મોટાભાગના કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે.
ટ્રમ્પ પ્રશાસને એજન્સી દ્વારા યુક્રેન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અન્ય દેશોમાં ચલાવવામાં આવતા અનેક પ્રોજેક્ટ્સ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. બાંગ્લાદેશમાં પણ આ એજન્સી મોટાપાયે કામ કરતી હતી, પરંતુ તેને મળતું ફન્ડિંગ અને પ્રોજેક્ટ બંને અટકાવી દેવામાં આવ્યાં છે. આવું જ બીજા દેશોમાં ચાલતા પ્રોજેક્ટ્સ સાથે પણ થયું છે.
USAID is a criminal organization.
— Elon Musk (@elonmusk) February 2, 2025
Time for it to die. https://t.co/sWYy6fyt1k
ટેસ્લા ચીફ અને ટ્રમ્પ સરકારના વિભાગ DOGEના (ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિએન્સી) ડાયરેક્ટર ઈલોન મસ્કે પણ USAID વિશે તાજેતરમાં ટિપ્પણી કરતાં તેને ‘ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશન’ ગણાવ્યું હતું અને સાથે કહ્યું કે, હવે તેના અંતનો સમય આવી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરમાં આ એજન્સી અમુક ચક્રમો દ્વારા ચલાવવામાં આવતી હોવાનું કહીને ઉમેર્યું કે તેમની સરકાર આવાઓને બહાર કરી રહી છે.
ટૂંકમાં, ટ્રમ્પ અને મસ્ક બંને થઈને એજન્સીની પાછળ પડી ગયા છે. ટ્રમ્પનો ઇરાદો સ્પષ્ટ છે કે USAIDને અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ (આપણા વિદેશ મંત્રાલય સમકક્ષ) હેઠળ લાવી દેવામાં આવે, જેથી તે જે કોઈ પણ કાર્ય કરે તેની પ્રશાસનને પૂરતી જાણકારી હોય અને તેના દોરીસંચાર હેઠળ જ કામ કરે, જેથી બંનેના ઉદ્દેશ્યો અને હિતો વચ્ચે ટકરાવ ન થાય.
કેનેડીએ કરી હતી સ્થાપના
USAIDની સ્થાપના ઠંડા યુદ્ધ દરમિયાન વર્ષ 1961માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્હોન એફ કેનેડીએ કરી હતી. આ એ સમય હતો જ્યારે અમેરિકન અને સોવિયેત યુનિયન વચ્ચે શીત યુદ્ધ ચાલતું હતું. તેમનો ઉદ્દેશ્ય એ હતો કે કોઈ પણ રીતે વિદેશોમાં સોવિયેત યુનિયનનો પ્રભાવ ઓછો કરવામાં આવે. આ કામ આમ તો સ્ટેટ ડિપાર્ટમેન્ટ પણ કરી શકે એમ હતો, પણ કેનેડીને લાગ્યું કે સરકારી વિભાગ ‘સરકારી’ હોવાના કારણે આ કામ અસરકારકતાથી કરી શકે એમ નથી, એટલે તેમણે આ એક નવી એજન્સી સ્થાપી.
હવે આ એજન્સી કામ શું કરે છે? સરળ ભાષામાં કહીએ તો વિશ્વભરના દેશોમાં જઈને અમેરિકન સરકારનાં હિતોને સાધવાનું અને તેના માટે જરૂર પડે તો જે-તે દેશના આંતરિક મામલામાં ચંચૂપાત કરવાનું. પણ સ્વાભાવિક રીતે કોઈ એજન્સી સીધી રીતે આવો ઢંઢેરો પીટે નહીં, એટલે એજન્સી કાયમ પોતાનાં કામો વિશે ડાહી-ડાહી વાતો કરતી રહે છે.
USAIDની વેબસાઈટ પોતાના કામ વિશે જણાવે છે કે, “અમેરિકાના લોકો વતી અમે વિદેશોમાં લોકતાંત્રિક મૂલ્યોને આગળ ધપાવીએ છીએ અને એક સ્વતંત્ર, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વિશ્વનું નિર્માણ થાય તેવા પ્રયાસો કરીએ છીએ. USAID અમેરિકાની વિદેશ નીતિ સાથે સુમેળ સાધીને અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય વિકાસ અને ડિઝાસ્ટર આસિસ્ટન્ટને ભાગીદારી અને રોકાણની મદદથી વિશ્વભરમાં ફેલાવવામાં મદદરૂપ થાય છે, જેનાથી લોકોનાં જીવન બચે છે, ગરીબી ઘટે છે, લોકતાંત્રિક શાસન મજબૂત બને છે અને લોકોને માનવીય સંકટોમાંથી બહાર આવીને સહાયતાની મદદથી આગળ વધવામાં મદદ મળી રહે છે.”
હવે અહીં અલંકારો અને વિશેષણોથી સજાવવામાં આવેલાં વાક્યોને સાદી ભાષામાં સમજીએ તો એનો અર્થ એ જ થાય કે આ એજન્સી વિદેશોમાં જઈને અમેરિકન વિદેશ વિભાગનો એજન્ડા આગળ ચલાવે છે અને અમેરિકન સરકારનાં હિતોને સાધવાનું કામ કરે છે. અહીં ‘લોકતાંત્રિક શાસન મજબૂત’ કરવાની જે વાત કહેવામાં આવી છે, તેમાં જ ઘણી બાબતો સ્પષ્ટ થઈ જાય છે.
વેબસાઈટ પર એમ પણ લખવામાં આવ્યું છે કે, “USAID વિશ્વના સૌથી કમજોર લોકોના આર્થિક, રાજનીતિક, સામાજિક અને પર્યાવરણીય વિકાસ માટે આંતરરાષ્ટ્રીય અને અમેરિકન સરકારના પ્રયાસોનું નેતૃત્વ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે.” આને સરળ ભાષામાં કહીએ તો જગત-જમાદાર બનવાનો આ એજન્સીને અભરખો છે.
થોડું ઊંડાણપૂર્વક જોઈએ તો USAIDએ અનેક દેશમાં આ કામ કર્યાં જ છે, જેમાંથી ભારત પણ બાકાત નથી. ભારતની વાત લેખના બીજા ભાગમાં જોઈશું, પણ અહીં એવા અમુક દેશોની વાત કરીએ, જ્યાં USAIDએ માનવીય સહાય અને વિકાસના નામે રીતસર આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કર્યા હતા અને સરકારોને ઉથલાવીને અમેરિકન સરકારનાં રણનીતિક હિતો સચવાય એવી સરકાર લાવવાના પ્રયાસ કર્યા હતા. જેમાં એક નામ પાડોશી દેશ બાંગ્લાદેશનું પણ છે.
સુવ્યવસ્થિત રીતે આ એજન્સી જે-તે દેશમાં પગપેસારો કરે છે, ત્યાં શાસન વિરુદ્ધ કે સરકાર વિરુદ્ધ લોકોમાં નારાજગી ઉદભવે, અરાજકતા સર્જાય તે માટે વ્યવસ્થિત એજન્ડાના ભાગરૂપે કામ થાય છે, સમાન વિચારો ધરાવતા સમૂહો અને સંગઠનોને સાથે લેવામાં આવે છે, તેમને ભરપૂર નાણાકીય સહાય અપાય છે અને આખરે લક્ષ્ય પાર પાડવામાં આવે છે.
નિકારાગુઆના આંતરિક રાજકારણમાં USAIDનો હસ્તક્ષેપ
નિકારાગુઆ મધ્ય અમેરિકનો એક દેશ છે. માંડ 7૦ લાખની વસ્તી હશે. વર્ષ 2014માં અહીં તત્કાલીન રાષ્ટ્રપતિ ડેનિયલ ઓર્ટેગા સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં. પછી એક યા બીજાં કારણોસર વિરોધ અને પ્રદર્શનોની આ શ્રેણી ડિસેમ્બર, 2020 સુધી લંબાઈ. 2021માં અહીં ચૂંટણી થઈ. આ પ્રદર્શનો અને ત્યારબાદ થયેલી ચૂંટણીમાં અમેરિકાનો હસ્તક્ષેપ કેટલો અને કઈ હદ સુધીનો હતો તેની જાણકારી પછીથી સમયાંતરે સામે આવતી રહી છે. ઈન્ટરનેટ પર તમને આવાં ઘણાં રિસર્ચ પેપર અને આર્ટિકલો મળશે.
‘કાઉન્સિલ ઑફ હેમિસ્ફેરિક અફેર્સ’ પર ઑગસ્ટ, 2020માં એક રિસર્ચ પેપર પ્રકાશિત થયું હતું. જ્હોન પેરી નામના નિકારાગુઆના પત્રકારે અમુક સ્ફોટક વિગતો મેળવીને જે અહેવાલ તૈયાર કર્યો હતો, તેનું શીર્ષક છે- ‘ધ યુએસ કોન્ટ્રાક્ટ્સ આઉટ ઇટ્સ રિજિમ ચેન્જ ઑપરેશન ઇન નિકારાગુઆ.’ આ માહિતી માટે તેમણે અમુક લીક થઈ ગયેલા દસ્તાવેજોનો આધાર લીધો છે.

માર્ચ-એપ્રિલ 2020ના એક દસ્તાવેજમાં USAID દ્વારા આપવામાં આવેલા એક કોન્ટ્રાક્ટનો ઉલ્લેખ છે. જેમાં સીધેસીધી રીતે સરકારને ઉથલાવીને અન્ય સરકાર સ્થાપવાની વાત લખવામાં આવી હતી. દસ્તાવેજમાં નિકારાગુઆમાં ‘લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે’ એક પર્યાવરણ બનાવવા માટે શું કરવું અને વર્તમાન સરકાર પાસેથી સત્તા લઈને કાયદા આધારિત, નાગરિકોની સ્વતંત્રતા માટે કામ કરતી અને ફ્રી સિવિલ સોસાયટી તૈયાર કરતી સરકાર કઈ રીતે બનાવવી તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું.
કોન્ટ્રાક્ટમાં લખવામાં આવ્યું હતું કે, “કોન્ટ્રાક્ટર ‘લોકશાહી, માનવાધિકારો અને ગવર્નન્સ સબસેક્ટરો’ સાથે મળીને કામ કરશે.” અહીં પત્રકાર પેરી એ વાત ઉપર ધ્યાન દોરે છે કે આનો સીધો અર્થ એ થાય કે નવી સરકાર અમુક NGO, થિંક ટેન્ક, મીડિયા સંસ્થાઓ અને તથાકથિત માનવાધિકાર સંગઠનો સાથે મળીને કામ કરશે, જેઓ વાસ્તવમાં અમેરિકાના ફંડ પર નભે છે, પણ પોતાને સ્વતંત્ર એકમો ગણાવે છે અને જેઓ દેશના વિપક્ષ સાથે મળીને પહેલેથી જ કામ કરી રહ્યાં છે.
પેરી કહે છે કે, આ પ્રકારનો સીધો હસ્તક્ષેપ કરવો હોય તો તમારે ઇતિહાસને ફરીથી લખવો પડે અને અમુક એવી બાબતો તેમાં નાખવી પડે, જેથી સરકારવિરોધી નરેટિવ તૈયાર થાય. આ કામ પણ અમેરિકન એજન્સીઓએ કર્યું હતું અને તેના પુરાવાઓ પણ ઉપલબ્ધ છે.
આ ડોક્યુમેન્ટમાં દાવો એવો કરવામાં આવ્યો કે, સત્તાધારી પાર્ટી પાછલી અમુક ચૂંટણીઓ ગેરરીતિ આચરીને જીતી હતી અને અહીં સુધી કે બહુમતી વગર જ સત્તામાં બેસી ગઈ હતી. અહીં એ વાત સાચી કે 2016માં ઇન્ટર-ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન ‘ઓર્ગેનાઈઝેશન ઑફ અમેરિકન સ્ટેટ્સ’ (OAS) દ્વારા અમુક ટેકનિકલ સુધારા સૂચવવામાં આવ્યા હતા, જેથી ચૂંટણી અસરકારક રીતે થઈ શકે, પણ પછીથી OASએ એ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાઓમાં અમુક ખામી જોવા મળી છે, પરંતુ તેનાથી મતદાનના માધ્યમથી લોકોએ જે ચુકાદો આપ્યો છે, તેની ઉપર કોઈ અસર પડી નથી. અર્થાત્, સરકાર 72% પોપ્યુલર વૉટ સાથે જીતી હતી અને આ માર્જિન એટલું મોટું છે કે આ નાની-મોટી અનિયમિતતાઓની પરિણામો પર અસર પડી નથી. પરંતુ અમેરિકન દસ્તાવેજોમાં જાણીજોઈને આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
અહીં પોરો ખાઈને ભારતના સંદર્ભમાં વિચારીએ તો અહીં પણ ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવવાનું કામ 2014થી શરૂ થયું હતું અને 2024 આવતાં સુધીમાં તેમાં સતતને સતત વધારો જ થતો જાય છે. તેમાં EVM વિરુદ્ધ હેકિંગવાળો તદ્દન ફાલતુ નરેટિવ ચલાવવું કે પછી ચૂંટણી પંચને સરકારના ઇશારે કામ કરતી સંસ્થા ગણાવી દેવી વગેરે સામેલ છે. જો 2024ની ચૂંટણીમાં પરિણામ થોડું એકતરફી ગયું હોત તો આ નરેટિવને હજુ વધુ બળ આપવામાં આવ્યું હોત અને એવું સાબિત કરી દેવામાં આવ્યું હોત કે સરકાર ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરીને ગેરરીતિ આચરીને સત્તામાં બેઠી છે.
નિકારાગુઆ પર આવીએ તો અહીં ઓબામા સરકાર વખતે જ અમેરિકન એજન્સીઓએ હસ્તક્ષેપ કરવાનો શરૂ કરી દીધો હતો, જેનાં પરિણામો પછીથી એપ્રિલ, 2018માં દેખાવા માંડ્યાં.
એપ્રિલમાં અહીં જંગલોમાં આગ લાગી ગઈ હતી. આગથી લગભગ 13,500 એકર જમીનમાં વિનાશ વેરાયો. હવે અમેરિકાના લોસ એન્જલસમાં અત્યારે જ આવી સ્થિતિ ઉદ્ભવી હતી અને જગત-જમાદારને પણ આ આપત્તિ સામે લડવામાં કેટલી તકલીફ પડી એ જગજાહેર છે. તે સમયે પણ નિકારાગુઆની સરકાર જલ્દી કાબૂ ન મેળવી શકી, કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી અને આગ બહુ ઝડપથી ફેલાતી હતી. આ ઘટનાનો કઈ રીતે સરકાર વિરુદ્ધ માહોલ ઊભો કરવામાં આવ્યો હતો એ પેરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. વાંચો તેમના જ શબ્દોમાં.
“વ્યૂહરચના બહુ સ્પષ્ટ હતી: આ ઘટનાનો યુવાનોને રસ્તા પર લાવવા માટે ઉપયોગ કરો, સરકારને તેની નિષ્ક્રિયતા માટે દોષ આપો (એ હકીકત છતાં કે આગ પર નિયંત્રણ મેળવવું અશક્ય હતું), સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના આક્રોશને ઉશ્કેરણી કરી આપો, પ્રદર્શનો આયોજિત કરો, સ્થાનિક મીડિયામાં અમુક ટીકાત્મક અહેવાલો છપાવો, પાડોશીઓ પાસેથી જરૂર પડે તો મદદ લો અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ એકતરફી કવરેજ કરાવો.”
જોકે, આ પ્રયાસો એક વધુ તબક્કો આગળ જાય અને સરકાર વિરુદ્ધ મોટાપાયે પ્રદર્શનો થાય તે પહેલાં જ વરસાદના કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પણ પછીથી બીજા જ અઠવાડિયે બીજું કોઈ કારણ શોધી કાઢવામાં આવ્યું અને ફરીથી પ્રદર્શનો શરૂ થયાં, એ જ ટેક્ટિક્સ સાથે, જે અગાઉ ઉપયોગમાં લેવામાં આવી ચૂક્યાં હતાં.
વાસ્તવમાં બીજા અઠવાડિયે સરકારે સોશિયલ સિક્યુરિટી રિફોર્મ માટે પેકેજ જાહેર કર્યું હતું. તેના વિરોધમાં પ્રદર્શનો થયાં. એપ્રિલમાં પછીથી હિંસા થઈ, જેમાં એક પોલીસ અધિકારી, એક સરકાર સમર્થક અને એક નાગરિકનાં મોત થયાં હતાં. પોલીસે પછીથી કાર્યવાહી કરી તો પોલીસને જ દોષી ચીતરવામાં આવી, મીડિયામાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હોવાની બોગસ સ્ટોરીઓ ચલાવવામાં આવી અને તેના કારણે સરકારે રિફોર્મ પરત લઈ લેવાં પડ્યાં, પણ પછી પણ સરકારનું રાજીનામું માંગનારાઓ અડગ જ રહ્યા.
આ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં અમેરિકાનું બીજું એક સંગઠન ‘નેશનલ એન્ડોવમેન્ટ ફોર ડેમોક્રેસી’ (NED) પણ એટલું જ જવાબદાર છે. તેની કાર્યપ્રણાલી અને મનસૂબાઓ વિશે તેના જ ફંડથી ચાલતા એક ઓનલાઇન મેગેઝિન ‘ગ્લોબલ અમેરિકન્સ’માં 2018માં ઘટસ્ફોટ થયા હતા.
વર્ષ 2014થી 2017 દરમિયાન NED દ્વારા નિકારાગુઆમાં કુલ 54 પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યા હતા. જેની પાછળ કુલ 4.1 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ‘એકાઉન્ટેબિલિટી એન્ડ ગવર્નન્સ’ ક્ષેત્રમાં 18 પ્રોજેક્ટ, હ્યુમન રાઈટ્સમાં 9, ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશનમાં 8, ડેમોક્રેટિક આઈડિયાઝ એન્ડ વેલ્યુઝમાં 8, રૂલ ઑફ લૉમાં 5, સિવિક એજ્યુકેશનમાં 6 એમ કુલ 54 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તમામ પ્રોજેક્ટમાં લાખો ડોલર નાખવામાં આવ્યા હતા. આ બધા પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય શું હતો? સરકાર વિરુદ્ધ, શાસન વિરુદ્ધ એક ચોક્કસ માહોલ ઉભો કરવાનો. તેમાં વધુને વધુ યુવાનોને જોડવાનો.
NED ઉપરાંત, વર્ષ 2018માં આવેલા એક રિપોર્ટ અનુસાર, USAIDએ પણ અમેરિકામાં વિવિધ જૂથોને 30 મિલિયન ડોલરની લ્હાણી કરી હતી. આ એવાં સમૂહો અને જૂથો હતા, જેઓ સરકારવિરોધી હતાં અને અમુક તો 2018ની હિંસામાં પ્રગટપણે સામેલ હતાં. આ જૂથોએ ખાસ કરીને યુવાનોને ટાર્ગેટ કરીને તેમની રાજકીય વિચારધારા પ્રભાવિત કરવાનું કામ ઉપાડ્યું હતું, જેના માટે મદદ લેવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને મીડિયા સંસ્થાઓની. યુવાનોને વધુ આકર્ષવા માટે પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામને ‘ડેમોક્રેટિક વેલ્યૂઝ, સોશિયલ એક્ટિવિઝમ અને હ્યુમન રાઇટ્સ’ જેવાં નામો આપવામાં આવતાં હતાં.
પેરીના રિસર્ચ પેપરમાં એ પણ ઉલ્લેખ છે કે કઈ રીતે કોરોના મહામારી સમયે નિકારાગુઆની સરકાર વિરુદ્ધ માહોલ તૈયાર કરવા માટે વિરોધી સમૂહોને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. કોરોના સમયે US વિદેશ વિભાગે સાડા સાત લાખ ડોલર નિકારાગુઆની બિનસરકારી સંસ્થાઓને ફાળવ્યા હતા. જેઓ બેસીને માત્ર એ જ નરેટિવ બનાવવાનું કામ કરતા હતા કે મહામારી સમયે કઈ રીતે સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે અને લોકોને મોતના મુખમાં ધકેલી રહી છે. પરંતુ પછીથી જોકે આંકડાઓ પાડોશી દેશો સાથે સરખાવવામાં આવ્યા તો આ એજન્ડા પડી ભાંગ્યો, એટલે તેઓ બહુ સફળ થયા ન હતા.
2021ની ચૂંટણી માટે શું તૈયારીઓ કરવી, તે હારવાની સ્થિતિમાં નરેટિવ કઈ રીતે ચલાવવો અને કઈ રીતે જો સત્તાધારી પક્ષની જીત થાય તો ચૂંટણી પ્રક્રિયા પર જ સવાલો ઊભા કરી દેવા, તેની પણ તૈયારીઓ આ યુએસની એજન્સીઓ અગાઉથી જ કરી રહી હતી. ઉપરાંત, નવી સરકાર બને તો કઈ રીતે પ્રશાસન, ન્યાયતંત્ર અને સેનામાં નવેસરથી સુધારા કરવા અને આ સુધારા અમેરિકાની ગાઈડલાઈન અને પોલિસીને અનુરૂપ કરવા તેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી હતી.
આવું બધું ઝેલનારો નિકારાગુઆ એક જ દેશ નથી. આ યાદીમાં વેનેઝુએલા પણ આવે છે, જ્યાં પણ USAIDએ આંતરિક રાજકારણમાં મોટો ભાગ ભજવ્યો હતો.
વેનેઝુએલામાં માનવીય સહાયની આડમાં રિજિમ ચેન્જ ઑપરેશન

દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા પણ વર્ષો સુધી આર્થિક-રાજકીય સંકટો વેઠી ચૂકેલો દેશ છે. અહીં પણ અમેરિકન એજન્સી USAID અને તેના જેવી અમુક બીજી સંસ્થાઓ (NED વગેરે) ઘણીખરી સક્રિય છે. આ વાત તો જગજાહેર છે અને USAID પણ પોતાની વેબસાઈટ પર વેનેઝુએલામાં પોતે શું કામ કરે છે અને કેવા પ્રોજેક્ટ્સ ચલાવે છે તેની જાણકારી આપતી રહી છે, પણ આ જાણકારી સિવાય પણ USAID ઘણું બધું કરે છે, જેના વિશે માર્ચ, 2019ના ‘પીપલ્સ વર્લ્ડ’ના એક રિપોર્ટમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
‘યુએસ યુઝીઝ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ ટૂ હાઇડ રિજિમ ચેન્જ એફર્ટ્સ ઇન વેનેઝુએલા’ શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં લેખક કેની કોલે વિગતવાર જણાવ્યું છે કે કઈ રીતે અમેરિકન એજન્સીઓ માનવતાવાદી સહાયના નામે વેનેઝુએલામાં સરકારને અસ્થિર કરવા માટે, અરાજકતા સર્જવા માટે અમુક પ્રોજેક્ટ્સ ચલાવી રહી હતી અને તેના માટે કરોડો ડોલર ખર્ચવામાં આવી રહ્યા હતા.
એજન્સીની વેબસાઈટ વેનેઝુએલા વિશે જણાવે છે કે તે વેનેઝુએલામાં સિવિલ સોસાયટીને સપોર્ટ કરવા, માનવાધિકારોને પ્રોત્સાહન આપવા, લોકતાંત્રિક શાસનને મજબૂત કરવા તેમજ નાગરિકોની ભાગીદારી વધારીને સંવાદને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવે છે. સાથે લખવામાં આવ્યું છે, “સ્વતંત્ર અને નિષ્પક્ષ મીડિયાની મદદથી અમે નાગરિકોના અધિકારો સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થઈએ છીએ તેમજ પ્રશિક્ષણ, અન્ય લેટિન અમેરિકન દેશો સાથે આદાનપ્રદાન, સંશોધનમાં મદદ અને લોકોને વિચારો વહેંચવા માટેની સ્વતંત્રતા મળે તે માટે પણ કામ કરવામાં આવતું રહ્યું છે.” પરંતુ આ સિવાય પણ તેઓ ઘણું કરે છે, જે બહાર કહેવામાં આવતું નથી.
નવેમ્બર 2006માં વિકિલીક્સ દ્વારા અમુક જાણકારી બહાર પાડવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, વેનેઝુએલા સ્થિત અમેરિકન દૂતાવાસે તત્કાલીન રાષ્ટ્રપતિ ચેવેઝ વિરુદ્ધ સુવ્યવસ્થિત પ્રોપગેન્ડા ચલાવવા માટે પાંચ મુદ્દાઓની રણનીતિ તૈયાર કરી હતી. આ પાંચ મુદ્દાઓ કયા?
- લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવી
- ચેવેઝના રાજકીય બેઝમાં ઘૂસવું
- તેમની વિચારધારામાં ભાગલા પડાવવા
- અમેરિકાનાં વ્યવસાયિક હિતો સાધવાં
- આંતરરાષ્ટ્રીય સ્તરે ચેવેઝને અલગ પાડવા
રિપોર્ટ અનુસાર, વર્ષ 2010 સુધીમાં વેનેઝુએલામાં વિપક્ષી જૂથોને કુલ 57 મિલિયન ડોલર જેટલું ફન્ડિંગ મળ્યું હતું અને તેમાંથી મોટાભાગનું ભંડોળ USAID અને NED જેવી એજન્સીઓ તરફથી આવ્યું હતું. ઑપરેશનનાં પહેલા 2 વર્ષમાં USAIDએ 10 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા, જેમાંથી મોટાભાગનો ખર્ચ વેનેઝુએલામાં 64 વિપક્ષી જૂથો અને પ્રોગ્રામ પાછળ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, મીડિયામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રોપગેન્ડા ચલાવવા માટે પણ ઘણો પૈસો નાખવામાં આવ્યો.
કોઈ રીતે રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સફળ ન થયા તો USAIDએ ફન્ડિંગ વધાર્યું અને આ વખતે નિકારાગુઆની તર્જ પર જ ભાર યુવાનો પર આપવામાં આવ્યો. કોઈને કોઈ રીતે યુવાનોને સરકારવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા અને ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમો પર રાષ્ટ્રપતિ સામે એક આંતરરાષ્ટ્રીય કેમ્પેઇન ચલાવવા માટેના પ્રયાસો શરૂ થઈ ગયા. કહેવાય છે કે 2006થી 2010 સુધીમાં USAIDના બજેટના લગભગ 34% પૈસા વેનેઝુએલામાં એન્ટી-ચેવેઝ આંદોલનો ભડકાવવા માટે, યુનિવર્સિટીઓમાં પ્રોગ્રામો ચલાવવા માટે, તેમ યુવાનોની ભાગીદારી વધારવા માટે જ ખર્ચાયા હતા.
રિપોર્ટમાં આ સમગ્ર મોડસ ઓપરેન્ડીને ખુલ્લી પાડતાં લેખક કહે છે કે, “NEDની તો રાજકીય મનશાઓ પારદર્શી છે અને જણાય આવે છે, પણ USAID એવી એજન્સી છે જેના કાર્યક્ષેત્રમાં આમ તો માનવીય સહાય જ આવે છે પણ તે રાજકીય હસ્તક્ષેપ પણ એટલો જ કરે છે. પહેલાં આ એજન્સી માનવીય ધોરણે હસ્તક્ષેપ કરવા માટે એક વાતાવરણ તૈયાર કરે છે અને ત્યારબાદ લિબરલ એજન્ડા ચલાવવાના પ્રયાસો કરવામાં આવે છે.”
હવે આ તમામ વિગતોને જો ભારતના સંદર્ભમાં જોવામાં આવે તો ઘણીખરી બાબતો સ્પષ્ટ થઈ જાય એમ છે. કેમ છાશવારે કોઈને કોઈ મુદ્દે આંદોલનો ભડકાવવાના પ્રયાસ થાય છે કે કેમ વિપક્ષી નેતાઓ વિદેશ પ્રવાસેથી આવીને ભારતમાં અરાજકતા સર્જાય તેવી વાતો કરવા માંડે છે એ બધું સમજવા માટે આટલી વિગતો પૂરતી છે. ન હોય તો આગળના લેખોમાં USAIDએ કઈ રીતે બાંગ્લાદેશમાં સીધી રીતે હસ્તક્ષેપ કર્યો હતો એ અને ત્યારબાદ ભારતના સંદર્ભમાં તેનાં શું કારસ્તાનો છે એ વિગતે જોઈશું. હમણાં આટલેથી અટકાવીએ.