Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશશું છે ‘તલાક-એ-હસન’, જેની બંધારણીય યોગ્યતા પર વિચાર કરશે સુપ્રીમ કોર્ટ: કહ્યું– સભ્ય...

    શું છે ‘તલાક-એ-હસન’, જેની બંધારણીય યોગ્યતા પર વિચાર કરશે સુપ્રીમ કોર્ટ: કહ્યું– સભ્ય સમાજમાં આવી બાબતોનું સ્થાન કઈ રીતે હોય શકે?

    ન્યાયાધીશો સૂર્યકાંત, ઉજ્જલ ભૂયાં અને એન કોટિશ્વર સિંઘની બેન્ચે મામલાને પાંચ જજોની બેન્ચ સમક્ષ મોકલવાની ભલામણ કરવાના પણ સંકેત આપ્યા છે. કોર્ટે તમામ પાર્ટીઓને આ મામલે કેવા અને કયા પ્રશ્નો ઉદ્ભવી શકે તે કોર્ટને જણાવવામાં માટે કહ્યું છે. શક્યતા છે કે મજહબને લગતા આ મામલાને હવે પાંચ જજોની બંધારણીય બેન્ચ જ સાંભળશે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લૉ હેઠળની તલાક-એ-હસન પ્રથાની બંધારણીય માન્યતા પર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને આ પ્રથા વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તલાક-એ-હસન એટલે એવું કે મુસ્લિમ પુરુષ ત્રણ મહિના દરમિયાન દર મહિને એક વખત ‘તલાક’ બોલીને તેની પત્નીને છોડી શકે છે. આ પ્રથાને એકતરફી અને પુરુષ-કેન્દ્રિત ગણાવીને કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. કોર્ટે બુધવારે (19 નવેમ્બર) સુનાવણી કરીને આ મામલે વિચાર કરવા માટે તૈયારી દર્શાવી છે. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, ‘સભ્ય સમાજ આવી પ્રથા કેવી રીતે માન્ય રાખી શકે?’

    ન્યાયાધીશો સૂર્યકાંત, ઉજ્જલ ભૂયાં અને એન કોટિશ્વર સિંઘની બેન્ચે મામલાને પાંચ જજોની બેન્ચ સમક્ષ મોકલવાની ભલામણ કરવાના પણ સંકેત આપ્યા છે. કોર્ટે તમામ પાર્ટીઓને આ મામલે કેવા અને કયા પ્રશ્નો ઉદ્ભવી શકે તે કોર્ટને જણાવવામાં માટે કહ્યું છે. શક્યતા છે કે મજહબને લગતા આ મામલાને હવે પાંચ જજોની બંધારણીય બેન્ચ જ સાંભળશે.

    શું છે આખો મામલો

    આ કેસની શરૂઆત 2022માં થઈ હતી, જ્યારે એક મહિલા પત્રકાર બેનાઝીર હીનાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. હીનાના પતિએ દહેજની માંગણીઓ પૂરી ન થઈ એવા બહાને વકીલ દ્વારા તલાક-એ-હસનની નોટિસ મોકલી દીધી હતી. આ ઉપરાંત તેના સાસરિયાં પર હીનાએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    હીનાએ દિલ્હી મહિલા આયોગમાં ફરિયાદ કરી અને FIR નોંધાવી, પરંતુ પોલીસે કહ્યું કે આ પ્રથા શરિયા કાયદા હેઠળ માન્ય છે. આનાથી હીનાને પોતાની વૈવાહિક પરિસ્થિતિ સાબિત કરવામાં મુશ્કેલી પડતી હતી. તેના પતિએ બીજા નિકાહ કરી લીધા હોવા છતાં હીનાના બાળકના સ્કૂલ પ્રવેશમાં અડચણો આવવા માંડી. તેનું કહેવું હતું કે તે જ્યાં કહે કે તેના તલાક થઈ ગયા છે ત્યાં પેપર્સ સ્વીકારવામાં આવતા નથી. બાળકનો પિતા આગળ વધી ગયો હતો અને બીજા નિકાહ કરી લીધા હતા પણ તકનીકી બાબતોમાં સમસ્યા આવતી હતી.

    આવી વ્યવહારિક મુશ્કેલીઓને કારણે તેણે અરજી દાખલ કરી, જેમાં તલાક-એ-હસનને બંધારણ વિરોધી જાહેર કરવા અને જાતિ-મજહબનાના બંધનો વિના છૂટાછેડાના માપદંડો બનાવવાની માંગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રથા અનિચ્છનીય, કઠોર અને એકતરફી છે, જે બંધારણના અનુચ્છેદ 14 (સમાનતા), 15 (ભેદભાવનો પ્રતિબંધ), 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા) અને 25નું (ધર્મની સ્વતંત્રતા) ઉલ્લંઘન કરે છે.

    તલાક-એ-હસનને ‘એકતરફી’ ગણાવીને કહેવામાં આવ્યું છે કે આ પ્રથા માનવ અધિકારો અને સમાનતાની વિરુદ્ધ છે અને તે ઇસ્લામના આવશ્યક ભાગમાં તેનો સમાવેશ થતો નથી. અરજદારના વકીલો સૈયદ રિઝવાન અહમદ, પુલ્કિત અગ્રવાલ, સિદ્ધાર્થ જૈન અને અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી કે નિકાહ અને વારસાના કાયદાઓ પર્સનલ લૉનો ભાગ નથી અને સમય સાથે બદલાવા જોઈએ. પીડિતાએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે આખરે તેને અન્ય ધર્મની મહિલાઓ જેવા અધિકારો શા માટે ન મળવા જોઈએ?

    જવાબમાં હીનાના પતિ તરફથી વકીલ સીનિયર વકીલ એમઆર શમશાદે દલીલ કરી કે તલાક-એ-હસનની નોટિસ વકીલ અથવા કોઈ વ્યક્તિ દ્વારા મોકલવી એ ઇસ્લામમાં સુનીશ્ચિત પ્રથા છે. તેમણે કહ્યું કે આને નકારવું મજહબી સ્વતંત્રતા પર હુમલો છે. જોકે, કોર્ટે આ દલીલને ગંભીરતાથી ન લીધી અને પતિને રૂબરૂ હાજર થવા આદેશ આપ્યો, કારણ કે તેમણે ડાયરેક્ટ પત્નીને જાણ કરવાને બદલે વકીલ દ્વારા 11 પાનાંની નોટિસ મોકલી હતી.

    સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ

    આ મામલે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે સુનાવણી દરમિયાન આજના જમાનામાં પણ આવી પ્રથાઓને પ્રોત્સાહન આપવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, “આ કેવી પ્રથા છે? 2025માં તમે આને કેવી રીતે પ્રોત્સાહન આપી શકો? આપણે જે ધાર્મિક રીતરિવાજો અપનાવતા હોઈએ, પણ આને પણ ચલાવવાનું? આમ કઈ રીતે મહિલાની ગરિમા જળવાશે? શું સભ્ય સમાજે આવી પ્રથાને પરવાનગી આપવી જોઈએ?”

    તેમણે વધુ કહ્યું, “જો મજહબી પ્રથા મુજબ જ તલાક થવાનો હોય તો તેની પૂરેપૂરી પ્રક્રિયાનું પાલન કરવું પડશે.” આમ કહીને કોર્ટે લિંગ-આધારિત ભેદભાવ પર ભાર મૂક્યો છે કારણ કે આ પ્રથા અંતર્ગત માત્ર મુસ્લિમ પતિ જ તેની પત્નીને તલાક આપી શકે છે, કોઈ મહિલા ઈચ્છે તો તે તેના પતિને તલાક આપી શકતી નથી. કોર્ટે આગળ કહ્યું, “સમાજના એક મોટા વર્ગને આની અસર થાય છે. જો પ્રથાઓ વ્યાપકપણે ભેદભાવપૂર્ણ હોય તો કોર્ટે હસ્તક્ષેપ કરવો જરૂરી બને છે.”

    જસ્ટિસ કાંતે એક અન્ય મહત્વના મુદ્દા પર ધ્યાન આપતાં કહ્યું કે, “આજે આપણી સામે એક પત્રકાર છે, જે પોતાનો અવાજ ઉઠાવવા સક્ષમ છે. પણ દૂર-અંતરિયાળ ગામડાંઓમાં રહેતી અસંખ્ય મહિલાઓના દુ:ખનું શું? તેમને કોણ ન્યાય અપાવશે?” તેમણે વકીલ દ્વારા નોટિસ મોકલવા અંગે પતિને સંબોધીને કહ્યું કે, “શું તેમનો અહંકાર એટલો બધો મોટો છે કે તલાક માટે તેઓ તેમની પત્ની સાથે સીધી રીતે વાત પણ કરી શકતા નથી?”

    કોર્ટે ચેતવણી આપી કે જો વ્યવસ્થિત રીતે તલાક ન થયા હોય, તો મહિલાઓ પછીથી પોલીએન્ડ્રીના (એક વખતે બે પુરુષો સાથે સંબંધ) આરોપોનો ભોગ બની શકે છે. કોર્ટે કહ્યું કે આ મુદ્દાઓ પર અર્થપૂર્ણ ન્યાયિક વિચારણા જરૂરી છે. આ ઉપરાંત હીનાના શોહરને તલાકની વ્યવસ્થિત પ્રક્રિયા પાળવા અને આગામી 3 ડિસેમ્બરની સુનાવણીમાં રૂબરૂ હાજર થવા આદેશ આપ્યો છે.

    પાંચ જજોની બેન્ચની શક્યતા

    કોર્ટે તમામ પક્ષકારોને આગામી સુનાવણી સુધી મુખ્ય કાયદાકીય પ્રશ્નોની ટૂંકી નોંધ સોંપવા જણાવ્યું છે. તેના આધારે નક્કી થશે કે આ મામલો ત્રણ જજોની બેન્ચમાં જ ચાલશે કે પાંચ જજોની બંધારણીય બેન્ચને સોંપવો પડશે. કોર્ટે કહ્યું, ‘એકવાર તમે અમને સંક્ષિપ્ત નોંધ આપશો તો અમે પાંચ જજોની બેન્ચને સોંપવાની યોગ્યતા વિચારીશું. આ પ્રશ્નો કેવી રીતે મુખ્યત્વે કાયદાકીય છે તે જોઈશું.’ કોર્ટે હીનાના વકીલને વિગતવાર અરજી દાખલ કરવાનું કહ્યું છે.

    નોંધનીય છે કે આ મામલો 2017માં સામે આવેલ શાયરા બાનોના કેસ જેવો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જેમાં સુપ્રીમ કોર્ટે તેને બંધારણ વિરોધી જાહેર કર્યો હતો અને બાદમાં 2019માં સરકારે ટ્રિપલ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો એવું થયું તો લાખો મુસ્લિમ મહિલાઓ માટે સમાનતાના દ્વાર ખૂલી જશે.

    તલાક-એ-હસન એટલે શું?

    ઇસ્લામમાં નિકાહ તોડવા માટે ત્રણ અલગ-અલગ રીતે તલાક આપી શકાય છે. આ ત્રણેય રીતોમાં માત્ર પતિ જ તેની પત્નીને તલાક આપી શકે છે. આ ત્રણ પ્રકાર છે, તલાક-એ-બિદ્દત (ટ્રિપલ તલાક), તલાક-એ-હસન અને તલાક-એ-અહસન. તલાક એ બિદ્દતમાં શોહર એક જ વખતમાં ત્રણ વાર ‘તલાક-તલાક-તલાક’ બોલી દે તો નિકાહ તરત જ તૂટી જતા હતા. ગુસ્સામાં પણ ત્રણ વાર બોલી દે તો નિકાહ ખતમ. ઘણી વાર ફોન પર, વૉટ્સએપ પર કે પત્ર દ્વારા પણ તલાક આપી દેવાતો હતો. સુપ્રીમ કોર્ટે 2017માં આ પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી અને સરકારે 2019માં કાયદો બનાવીને તેને ગુનો જાહેર કર્યો હતો. હવે ટ્રિપલ તલાક એ સજાપાત્ર ગુનો છે.

    તલાક-એ-હસન હાલ સુપ્રીમ કોર્ટમાં પડકારાયેલી પ્રથા છે. આ પ્રથામાં ત્રણ મહિનાનો સમય લાગે છે. શોહર પહેલા મહિને એક વાર ‘તલાક’ બોલે કે લખીને જણાવે. બીજા મહિને ફરી એક વાર ‘તલાક’ કહે. ત્રીજા મહિને ત્રીજી વાર ‘તલાક’ કહે, ત્યારે નિકાહ ખતમ થઈ જાય. આ ત્રણ મહિનામાં પતિ-પત્ની એકસાથે રહે છે.

    જો આ વચ્ચે બન્ને સુલેહ કરી લે તો પતિ તલાક રદ કરી શકે છે અને નિકાહ ચાલુ રહે છે. જો સુલેહ ન થાય તો ત્રીજા મહિનાના અંતે નિકાહ તૂટી જાય છે. આ તલાક પછી જો બન્ને ફરી નિકાહ કરવા માંગે તો પત્નીએ બીજા કોઈ પુરુષ સાથે નિકાહ કરીને તેની પાસેથી તલાક લેવા પડે, ત્યારબાદ જ પહેલા પતિ સાથે ફરી નિકાહ થઈ શકે છે. 

    આ સિવાય ત્રીજી પ્રક્રિયા છે તલાક-એ-અહસન. આ પણ ત્રણ મહિનાની પ્રક્રિયા છે. શોહર માત્ર એક જ વાર ‘તલાક’ બોલે કે લખીને જણાવે. ત્યારબાદ પતિ-પત્ની ત્રણ મહિના સુધી એક જ છત નીચે રહે. આ ત્રણ મહિનામાં જો બન્ને સુલેહ કરી લે તો તલાક આપોઆપ રદ થઈ જાય અને નિકાહ ચાલુ રહે. જો સુલેહ ન થાય તો ત્રણ મહિના પૂરા થતાંની સાથે જ નિકાહ તૂટી જાય. આ પ્રકારના તલાક પછી પતિ-પત્ની સીધા જ ફરી નિકાહ કરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં