હોમપેજદેશS-400 ડિફેન્સ સિસ્ટમ સામે ન ટકી શક્યાં આતંકી ડ્રોન, સ્વદેશી આકાશતીરે પણ...

S-400 ડિફેન્સ સિસ્ટમ સામે ન ટકી શક્યાં આતંકી ડ્રોન, સ્વદેશી આકાશતીરે પણ પાર ન પડવા દીધા દુશ્મનના મનસૂબા: વાંચો ભારતનાં એ અભેદ્ય શસ્ત્રો વિશે, જે પાકિસ્તાની હુમલા સામે બની રહ્યાં ઢાલ

ભારતની S-400 ટ્રાયમ્ફ, આકાશ એર ડિફેન્સ સિસ્ટમ અને હારોપ ડ્રોન્સ એક સંયુક્ત રક્ષણ વ્યૂહરચનાના મહત્વના ઘટકો છે, જે રક્ષણાત્મક અને આક્રમક બંને ક્ષમતાઓ પ્રદાન કરે છે. S-400 અને આકાશ ભારતની હવાઈ સીમાઓને સુરક્ષિત રાખે છે, જ્યારે હારોપ ડ્રોન્સ શત્રુની રક્ષા પ્રણાલીઓને નબળી પાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

- Advertisement -

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં (India-Pakistan conflict) ભારત સતત પાકિસ્તાનને ધૂળ ચડાડી રહ્યું છે. ઑપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ 100થી વધુ આતંકીઓને ઘરમાં ઘૂસીને ઠાર કરવામાં આવ્યા છે અને હાલ પણ કાર્યવાહી ચાલી રહી છે. જોકે, ઉકળી ઉઠેલા પાકિસ્તાને પણ ભારત પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા, પરંતુ ભારતના રક્ષા કવચ ગણાતા સુદર્શન ચક્ર એટલે કે S-400 અને સ્વદેશી આકાશતીર એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને નિષ્ફળ કર્યા હતા. આ સાથે ઇઝરાયેલના ડ્રોને પણ પાકિસ્તાનમાં ઘૂસીને તેના ઘણા મુખ્ય શહેરોને ભારતની શક્તિનો પરચો બતાવ્યો હતો અને લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ ઉખાડી ફેંકી હતી.

ઝડપથી બદલાતા આ વિશ્વમાં રાષ્ટ્રીય સુરક્ષા એ કોઈપણ દેશની પ્રાથમિકતાઓમાં સૌથી ઉપર છે. ભારત, જે એક ઊભરતી મહાસત્તા છે, તેની સુરક્ષા વ્યૂહરચનામાં અદ્યતન રક્ષા પ્રણાલીઓની ભૂમિકા નિર્ણાયક માનવામાં આવે છે. ખાસ કરીને, ભારતની S-400 ડ્રાયમ્ફ ‘સુદર્શન’ એર ડિફેન્સ સિસ્ટમ, સ્વદેશી આકાશતીર એર ડિફેન્સ સિસ્ટમ અને ઇઝરાયેલી હારોપ ડ્રોન જેવી ટેકનોલોજીઓએ તાજેતરના સમયમાં અને વિશેષ તો હાલની સ્થિતિમાં ખૂબ ચર્ચા મેળવી છે.

આ લેખમાં આપણે ભારતની આ ત્રણેય અદ્યતન પ્રણાલીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અઢળક મિસાઈલ હુમલાને આકાશમાં જ ધ્વસ્ત કરીને નાગરિકોને સુરક્ષા સાથે નિર્ભીક ઊંઘ આપવાથી લઈને પાકિસ્તાનીઓના ઘરમાં ઘૂસીને ઊંઘ હરામ કરવા સુધીની કાર્યવાહી આ ત્રણેય ટેકનોલોજીના કારણે શક્ય બની છે. આપણે વિગતે તમામ પ્રણાલીઓ વિશે માહિતી મેળવીશું.

- Advertisement -

S-400 એર ડિફેન્સ સિસ્ટમ: ભારતનું અભેદ્ય સુદર્શન ચક્ર

S-400 ટ્રાયમ્ફ (S-400 Triumph) એ રશિયાએ વિકસાવેલી એક અદ્યતન લાંબા-અંતરની સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ છે. આ સિસ્ટમને ભારતમાં ‘સુદર્શન ચક્ર’ તરીકે ઓળખવામાં આવે છે. સુદર્શન ચક્ર ભગવાન શ્રીકૃષ્ણના શસ્ત્રનું નામ છે. જે ચોકસાઈ, ઝડપ અને વિનાશક શક્તિનું પ્રતિક છે. S-400 એ વિશ્વની સૌથી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ પૈકીની એક છે. જે વિમાનો, ડ્રોન, ક્રુઝ મિસાઈલ્સ અને બેલેસ્ટિક મિસાઈલ્સ જેવા હવાઈ જોખમનોને નિષ્ફળ કરવા માટે કારગર સાબિત થઈ છે.

ટેકનિકલ વિશેષતાઓ:

S-400 સિસ્ટમ 400 કિલોમીટર સુધીના હવાઈ લક્ષ્યોને નિશાન બની શકે છે અને 600 કિલોમીટર દૂરના જોખમોને પણ પારખી શકે છે. આ સિસ્ટમ એક સાથે 300 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે અને 36 ટાર્ગેટ પર તાબડતોડ હુમલા કરી શકે છે, જેમાં 72-160 મિસાઈલ્સ એકસાથે ગાઈડ કરી શકાય છે. ફેઝ્ડ-એરે અને પેનોરેમિક રડાર સાથે 360 ડિગ્રી કવરેજ, જે સ્ટેલ્થ એર્ક્રાફ્ટને પણ શોધી શકે છે અને હવામાં જ ધ્વસ્ત કરી શકે છે.

S-400 ચાર અલગ-અલગ પ્રકારની મિસાઈલોનો ઉપયોગ કરે છે. જેમાં 4ON6E, જે 400 કિલોમીટર રેન્જ, 30-35 કિલોમીટરની ઊંચાઈ સુધીના ટાર્ગેટને નિષ્ફળ કરે છે. ત્યારબાદ 48N6DM/48N6E3, જે 250 કિલોમીટર રેન્જ, 27 કિલોમીટરની ઊંચાઈના લક્ષ્યોને ટાર્ગેટ કરી શકે છે. ચોથા પ્રકારમાં ટૂંકા અંતરની મિસાઈલોને નજીકના જોખમ માટે છોડવામાં આવે છે.

2018માં રશિયા પાસેથી ખરીદી હતી આ સિસ્ટમ:

ભારતે 2018માં રશિયા સાથે $5.43 બિલિયનની ડીલ હેઠળ પાંચ S-400 યુનિટ ખરીદવાનો કરાર કર્યો હતો. પ્રથમ યુનિટ 2021માં પંજાબમાં તહેનાત કરવામાં આવ્યું હતું, જે ખાસ કરીને પાકિસ્તાન અને ચીનથી ઉદ્ભવતા જોખમોને રોકવા માટે તહેનાત કરાયેલ છે. હાલમાં ચાર સ્ક્વાડ્રન તહેનાત કરવામાં આવી છે, જે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના વ્યૂહાત્મક વિસ્તારોને આવરી લે છે.

7-8 મે, 2025ની રાત્રે પાકિસ્તાને ભારતના 15 શહેરોમાં સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો પ્રયાસ કર્યો હતો. S-400 ‘સુદર્શન ચક્ર’ સિસ્ટમે આ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ કર્યા હતા, જેમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ અને ગુજરાતના લશ્કરી ઠેકાણાઓ ટાર્ગેટ પર હતા. આ સિસ્ટમે આવનારા જોખમોને શોધીને તેમને હવામાં જ નાશ કર્યા, જેના પુરાવા તરીકે ડ્રોન અને મિસાઈલનો કાટમાળ ઘણી જગ્યાએથી મળી આવ્યો હતો.

આકાશતીર એર ડિફેન્સ સિસ્ટમ- ભારતનું સ્વદેશી ગૌરવ

આકાશતીર એ (Akashteer) ભારતની રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા વિકસિત એક મધ્યમ-અંતરની સરફેસ-ટુ-એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમની મિસાઈલનું નિર્માણ ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા કરવામાં આવે છે. આકાશ સિસ્ટમ ભારતના સ્વદેશી રક્ષણ વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે 1980ના દાયકામાં શરૂ થયેલા ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો (IGMDP) ભાગ છે. આ સિસ્ટમે પણ પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ટેકનિકલ વિશેષતાઓ:

આકાશ સિસ્ટમ 45 કિલોમીટરની રેન્જમાં અને 18,000 મીટરની (18 કિલોમીટર) ઊંચાઈએ ટાર્ગેટને નિષ્ફળ કરી શકે છે. આ સિસ્ટમ ફાઇટર જેટ, ક્રૂઝ મિસાઈલ, એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઈલ અને બેલિસ્ટિક મિસાઇલ્સ જેવા હવાઈ ટાર્ગેટનો નાશ કરવા માટે સક્ષમ છે. દરેક આકાશ બેટરીમાં રાજેન્દ્ર 3D પેસિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર હોય છે, જે 64 ટાર્ગેટને એકસાથે ટ્રેક કરી શકે છે અને 12 ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.

દરેક બેટરીમાં ચાર લૉન્ચર્સ હોય છે, જેમાં દરેકમાં ત્રણ મિસાઈલ હોય છે, જે બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય છે. આકાશના બે મુખ્ય વેરિઅન્ટ્સ છે- આકાશ-1 અને આકાશ-NG (નેક્સ્ટ જનરેશન), જેની રેન્જ 70-80 કિલોમીટર સુધી વધારવામાં આવી છે.

S-400 સિસ્ટમ સાથે મળીને કરે છે કામ:

આકાશ સિસ્ટમ ભારતીય વાયુસેના અને ભારતીય સેના દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિસ્ટમ ખાસ કરીને શોર્ટ-રેન્જ ઇન્ટરસેપ્શન માટે રચાયેલ છે, જે S-400 જેવી લાંબા-અંતરની સિસ્ટમ્સ સાથે મળીને ભારતની બહુ-સ્તરીય એર ડિફેન્સ વ્યૂહરચનાને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવે છે.

7-8 મે, 2025ના પાકિસ્તાનના હુમલાઓ દરમિયાન આકાશ સિસ્ટમે S-400 સાથે મળીને કામ કર્યું હતું. આકાશે શોર્ટ-રેન્જના ડ્રોન અને લોઇટરિંગ મ્યુનિશન્સને નિષ્ફળ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેનાથી ભારતના સૈન્ય ઠેકાણાઓને કોઈ નુકસાન થયું નહોતું. આ ઉપરાંત તે સ્વદેશી હોવાથી તેનો ખર્ચ પણ ઓછો આવે છે અને વિવિધ સ્થળો પર મોટાપાયે તેની તહેનાતી પણ થઈ શકે છે.

ઇઝરાયેલી હારોપ ડ્રોન- પાકિસ્તાનમાં કહેર વરસાવનારા શસ્ત્ર

હારોપ એ (Harop Drones) ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા વિકસિત એક લોઇટરિંગ મ્યુનિશન (કામિકાઝે ડ્રોન) છે. તે ડ્રોન અને મિસાઇલની સંયુક્ત ક્ષમતાઓને એકીકૃત કરે છે. આ ડ્રોનને ‘સુસાઇડ ડ્રોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે ટાર્ગેટ પર ક્રેશ થઈને ભયાનક વિસ્ફોટ કરે છે. હારોપ ખાસ કરીને શત્રુની એર ડિફેન્સ સિસ્ટમ્સ, રડાર સ્ટેશન્સ, કમાન્ડ પોસ્ટ્સ, ટેન્ક અને સપ્લાય ડિપો જેવા સ્થળોના ટાર્ગેટનો નાશ કરવા માટે રચાયેલ છે.

ટેકનિકલ વિશેષતાઓ:

હારોપ 9 કલાક સુધી હવામાં રહી શકે છે, જે તેને ટાર્ગેટની શોધ, ઓળખ અને હુમલાની યોજના બનાવવા માટે પૂરતો સમય આપે છે. તેની રેન્જ વિશે વાત કરવામાં આવે તો 200-1000 કિલોમીટરની ઑપરેશનલ રેન્જ છે. જે ડીપ-સ્ટ્રાઇક ઑપરેશન માટે ખૂબ કારગર નીવડે છે. આ ઉપરાંત તેમાં 50-પાઉન્ડનું વિસ્ફોટક વોરહેડ પણ છે. જે ચોક્કસ અને વિનાશક હુમલાઓ માટે રચાયેલ છે.

તે સિવાય તેમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ (EO), ઇન્ફ્રારેડ (IR), ફોરવર્ડ-લૂકિંગ ઇન્ફ્રારેડ (FLIR) અને રડાર-હોમિંગ ક્ષમતાઓ છે. જે ટાર્ગેટની ચોક્કસ ઓળખ અને ટ્રેકિંગને સક્ષમ બનાવે છે. હારોપ GNSS (ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) જામિંગ સામે પ્રતિરોધક છે, જે તેને જટિલ યુદ્ધના વાતાવરણમાં અસરકારક બનાવે છે.

હારોપને ગ્રાઉન્ડ-બેઝ્ડ કેનિસ્ટર લૉન્ચર્સ અથવા નેવલ પ્લેટફોર્મ્સથી લૉન્ચ કરી શકાય છે. નીચા રડાર સિગ્નેચર સાથે હારોપ શત્રુની રડાર ડિટેક્શન સિસ્ટમ્સને ટાળવા માટે રચાયેલ છે. એટલે કે રડારના ધ્યાને આવ્યા વગર આ ડ્રોન દુશ્મન દેશ કે આતંકી ઠેકાણાંમાં ઘૂસીને હુમલા કરી શકે છે.

પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને કરી હતી ધ્વસ્ત:

8 મે, 2025ના રોજ ભારતે ‘ઑપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ્સ, ખાસ કરીને લાહોરમાં ચીન-નિર્મિત HQ-9 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર હારોપ ડ્રોન્સનો ઉપયોગ કર્યો હતો. આ હુમલાએ પાકિસ્તાનની હવાઈ રક્ષા ક્ષમતાઓને નોંધપાત્ર રીતે નબળી પાડી હતી. આ ડ્રોને પળભરમાં જ લાહોરની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી હતી. આ ડ્રોન પોતાની આક્રમકતા માટે પણ જાણીતા છે.

ભારતની S-400 ટ્રાયમ્ફ, આકાશતીર એર ડિફેન્સ સિસ્ટમ અને હારોપ ડ્રોન્સ એક સંયુક્ત રક્ષણ વ્યૂહરચનાના મહત્વના ઘટકો છે, જે રક્ષણાત્મક અને આક્રમક બંને ક્ષમતાઓ પ્રદાન કરે છે. S-400 અને આકાશ ભારતની હવાઈ સીમાઓને સુરક્ષિત રાખે છે, જ્યારે હારોપ ડ્રોન્સ શત્રુની રક્ષા પ્રણાલીઓને નબળી પાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવમાં આ પ્રણાલીઓની સફળતાએ ભારતની અદ્યતન રક્ષણ ટેકનોલોજી અને આતંકવાદ સામે ઝીરો-ટોલરન્સ નીતિને વિશ્વ સમક્ષ રજૂ કરી છે.

ભવિષ્યમાં સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા ભારતની રક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત થશે. આ પ્રણાલીઓ માત્ર ભારતની સુરક્ષાને સુનિશ્ચિત કરતી નથી, પરંતુ દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં પણ મહત્વનું યોગદાન આપે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં