ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરાર (FTA) થયો છે. વડા પ્રધાન મોદીએ પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે. પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે સોમવારે (22 ડિસેમ્બર) એક ટેલિફોનિક વાતચીત થઈ, જેમાં આ વ્યાપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. બંને દેશોનું કહેવું છે કે આ કરાર ઐતિહાસિક છે અને બંને દેશોની આર્થિક ક્ષમતામાં વધારો કરનારો છે. જોકે, ભારત છેલ્લા ઘણા સમયથી બીજા ઘણા દેશો અને આંતરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે આ રીતનો કરાર કરી ચૂક્યું છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાર પર સહમતી બની હોવાની જાહેરાત થયા બાદ ફરી મુક્ત વ્યાપાર કરાર વિશેની ચર્ચાએ વેગ પકડ્યો છે. સવાલ થઈ રહ્યો છે કે આ આખરે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે શું? દેશો આવા કરારો શા માટે કરે છે અને તેનાથી વાસ્તવમાં લાભ કોને અને કેવો થાય છે. ઘણી વખત FTAને લઈને ‘ટેક્સ ઓછા થવા’ કે ‘આયાત સસ્તી થવી’ જેવી વાતો થતી હોય છે, પણ હકીકત એ છે કે આધુનિક FTA કોઈ એક સેક્ટર સુધી સીમિત નથી રહેતા, તે વેપાર, રોકાણ, સેવાઓ, બૌદ્ધિક સંપદા, સપ્લાઈ-ચેઇન અને રણનીતિક ભાગીદારી સુધી ફેલાયેલા હોય છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આ ઐતિહાસિક કરારને યોગ્ય સંદર્ભ સાથે સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે મુક્ત વ્યાપાર કરાર શું છે અને તે કેવી રીતે કામ કરે છે.
શું હોય છે મુક્ત વ્યાપાર કરાર (FTA)?
મુક્ત વ્યાપાર કરાર બે કે તેથી વધુ દેશો વચ્ચે કરવામાં આવેલો ઔપચારિક કરાર હોય છે, જેના હેઠળ તેઓ પરસ્પર વેપારને સરળ બનાવવા માટે આયાત-નિકાસ પર લાગતા શુલ્ક (ટેરિફ), ક્વોટા, લાઇસન્સિંગ અને અન્ય નોન-ટેરિફ બેરિયર્સને ઘટાડવા કે સંપૂર્ણપણે દૂર કરવા પર સહમત થાય છે. તેનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે વેપાર પર સરકારી રોકટોક ઓછી થશે, ત્યારે વસ્તુઓ અને સેવાઓ સસ્તી થશે, પ્રતિસ્પર્ધા વધશે અને આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી આવશે.
FTA સંપૂર્ણ ‘ફ્રી ફોર ઑલ’ વ્યવસ્થા નથી હોતો. દરેક કરારમાં કેટલાક સંવેદનશીલ ક્ષેત્રો હોય છે, જેને દેશો સંપૂર્ણપણે ખોલતા નથી. તેથી મોટાભાગના FTA ચરણબદ્ધ રીતે લાગુ કરવામાં આવે છે, જેમાં કેટલાંક ઉત્પાદનો પર તરત ટેરિફ ઘટે છે, કેટલાંક પર અનેક વર્ષોમાં અને કેટલાંકને સંપૂર્ણ છૂટ આપવામાં આવે છે. આવા કરારો વિશ્વ વેપાર સંગઠનના (WTO) નિયમો હેઠળ આવે છે. WTO દેશોને તે અનુમતિ આપે છે કે તેઓ પરસ્પર વિશેષ વેપાર કરારો કરી શકે છે, એ શરતે કે તેઓ વૈશ્વિક વેપાર નિયમોનું ઉલ્લંઘન ન કરે.
કઈ રીતે કામ કરે છે FTA?
FTAનું સૌથી પહેલું અને દેખાતું પાસું ટેરિફમાં કાપ છે. ઉદાહરણ તરીકે, જો ભારત કોઈ દેશમાંથી આવતા કોઈ ઉત્પાદન પર 20 ટકા આયાત શુલ્ક લગાવે છે અને FTA હેઠળ તેને 5 ટકા કરી દે છે તો તે દેશનું ઉત્પાદન ભારતીય બજારમાં સસ્તું થઈ જાય છે. તેનાથી ગ્રાહકોને ઓછી કિંમતે સામાન મળે છે અને આયાત કરનારા દેશના નિકાસકારોને મોટું બજાર મળી જાય છે.
પરંતુ FTA માત્ર ટેરિફ સુધી મર્યાદિત રહેતો નથી. તેમાં એ પણ નક્કી કરવામાં આવે છે કે ‘રૂલ્સ ઑફ ઓરિજિન’ શું હશે, એટલે કે કોઈ ઉત્પાદનને એ સાબિત કરવા માટે કેટલી સ્થાનિક મૂલ્ય વૃદ્ધિ (વેલ્યુ એડિશન) કરવી પડશે કે તે વાસ્તવમાં FTA પાર્ટનર દેશનું છે. તેનો હેતુ એ છે કે કોઈ ત્રીજો દેશ FTAનો ખોટો લાભ ન ઉઠાવી શકે.
આ ઉપરાંત, આધુનિક FTAમાં કસ્ટમ્સ પ્રક્રિયાને સરળ બનાવવી, તકનીકી ધોરણોને પારદર્શી બનાવવા, વિવાદ નિવારણ તંત્ર બનાવવું અને વેપાર સાથે જોડાયેલા ડેટાના આદાન-પ્રદાન જેવી જોગવાઈઓ પણ સામેલ હોય છે.
મુક્ત વેપાર કરારના કેટલા પ્રકારો છે?
સામાન્ય રીતે તમામ વેપાર કરારોને એક જ નામથી બોલાવી દેવામાં આવે છે, પરંતુ હકીકતમાં તેના અનેક પ્રકારો હોય છે. દ્વિપક્ષીય FTA બે દેશો વચ્ચે હોય છે, જેમ કે ભારત–ન્યૂઝીલેન્ડ કરાર. ક્ષેત્રીય કે બહુપક્ષીય કરારો અનેક દેશોના સમૂહ વચ્ચે હોય છે, જેમ કે આસિયાન સાથે ભારતનો કરાર.
FTAથી એક પગલું આગળ વધીને Comprehensive Economic Partnership Agreement (CEPA) અને Comprehensive Economic Cooperation Agreement (CECA) હોય છે, જેમાં વસ્તુઓની સાથે સેવાઓ, રોકાણ, બૌદ્ધિક સંપદા અને સરકારી ખરીદી જેવા વિષયો પણ વિસ્તારથી સામેલ હોય છે. કેટલાક કરારો Preferential Trade Agreement (PTA) પણ હોય છે, જેમાં માત્ર મર્યાદિત ઉત્પાદનો પર છૂટછાટ આપવામાં આવે છે.
ભારત–ન્યૂઝીલેન્ડ કરારને વ્યાપક આર્થિક ભાગીદારી તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં પરંપરાગત વેપારની સાથે નવી પેઢીના મુદ્દાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
ટેરિફ કાપથી વધે બંને દેશોનો વેપાર
FTAનો સૌથી પ્રત્યક્ષ લાભ ટેરિફ કાપથી મળે છે. જ્યારે આયાત શુલ્ક ઘટે ત્યારે નિકાસ કરનારા દેશનું ઉત્પાદન બીજા દેશમાં સસ્તું પડે છે, જેનાથી તેની માંગ વધે છે. ભારત–ન્યૂઝીલેન્ડના સંદર્ભમાં આ ભારતીય દવાઓ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, ઑટો-કમ્પોનન્ટ્સ અને આઈટી સેવાઓને ન્યૂઝીલેન્ડની માર્કેટમાં લાભ આપી શકે છે. તે જ રીતે ન્યૂઝીલેન્ડના ડેરી અને કૃષિ ઉત્પાદનો ભારતમાં વધુ સારી કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે, જોકે ભારત પોતાના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને ચરણબદ્ધ અને મર્યાદિત છૂટછાટોની નીતિ અપનાવે છે.
સેવાઓ અને રોકાણો માટે નવી તક
આધુનિક FTA માત્ર વસ્તુઓ સુધી મર્યાદિત રહેતા નથી, પરંતુ સેવાઓ અને રોકાણને પણ આવરી લે છે. ભારતની આઈટી, ફિનટેક, વ્યાવસાયિક સેવાઓ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ન્યૂઝીલેન્ડ જેવા વિકસિત બજારમાં સ્થિર નિયમો અને રોકાણ-સુરક્ષાનો લાભ મળે છે. તેના બદલે ન્યૂઝીલેન્ડની કંપનીઓને ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને ફૂડ-પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણની તકો મળે છે. આ પ્રકારનું રોકાણ રોજગાર સૃજન અને તકનીકી સહયોગને ગતિ આપે છે.
સપ્લાઈ-ચેઇન અને રણનીતિક લાભ
કોવિડ પછી વિશ્વએ સપ્લાય-ચેન વિવિધીકરણનું મહત્વ સમજી લીધું છે. તેના કારણે FTA કરનારા બંને દેશોને વિશ્વસનીય સપ્લાય પાર્ટનર બનવાની તક મળે છે. તેનાથી માત્ર ખર્ચ જ ઘટતો નથી, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વેપારની નિરંતરતા પણ સુનિશ્ચિત થાય છે. આ ઉપરાંત, ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં નિયમ આધારિત વેપાર વ્યવસ્થાને મજબૂત કરવામાં પણ આવા કરારો મહત્વની ભૂમિકા ભજવે છે.
FTAનો લાભ અંતે ગ્રાહકો સુધી પહોંચે છે. પ્રતિસ્પર્ધા વધવાથી કિંમતો સંતુલિત રહે છે અને ગુણવત્તા સુધરે છે. ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) જો વૈશ્વિક ધોરણોનું પાલન કરે તો તેમને પણ નવા બજારો મળે છે.
ભારતની FTA નીતિ અને થયેલા મહત્વપૂર્ણ કરારો
ભારતની FTA નીતિ સમય સાથે ઘણી બદલાઈ છે. શરૂઆતના વર્ષોમાં ભારત અપેક્ષાકૃત ખુલ્લો અભિગમ અપનાવતું હતું, પરંતુ પછી ઘરેલું ઉદ્યોગો પર પડતી અસરને જોતાં વધુ સંતુલિત દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો.
આજે ભારત પાસે અનેક સક્રિય FTA અને વ્યાપક આર્થિક કરારો છે. ભારતનો શ્રીલંકા સાથે FTA છે, દક્ષિણ એશિયાઈ દેશો સાથે SAFTA છે, દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના સમૂહ ASEAN સાથે વ્યાપક કરાર છે. આ ઉપરાંત ભારતે જાપાન અને દક્ષિણ કોરિયા સાથે CEPA કર્યા છે.
હાલના વર્ષોમાં ભારતે ઑસ્ટ્રેલિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે પણ મોટા વેપાર કરારો કર્યા છે, જેને રણનીતિક અને આર્થિક દૃષ્ટિએ ઘણા મહત્વના ગણવામાં આવે છે. યુરોપિયન યુનિયન, બ્રિટન અને કેનેડા જેવા દેશો સાથે પણ વાટાઘાટો ચાલુ છે.
મુક્ત વેપાર કરારો માત્ર આયાત-નિકાસના આંકડાઓ સુધી મર્યાદિત નથી હોતા. તે કોઈ દેશની દીર્ઘકાલીન આર્થિક દિશા, વૈશ્વિક ભૂમિકા અને રણનીતિક ભાગીદારીને પણ વ્યાખ્યાયિત કરે છે. ભારત-ન્યૂઝીલેન્ડ FTA આ જ વ્યાપક વિચારસરણીનો ભાગ છે, જ્યાં ભારત વૈશ્વિક વેપાર નેટવર્કમાં પોતાની સ્થિતિ મજબૂત કરતા સંતુલિત અને આત્મવિશ્વાસપૂર્ણ રીતે આગળ વધી રહ્યો છે.
સાચી શરતો, મજબૂત નિરીક્ષણ અને રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપીને લાગુ કરવામાં આવેલા FTA ભારત માટે તકો પણ છે અને વૈશ્વિક મંચ પર પોતાની આર્થિક શક્તિ દર્શાવવાનું માધ્યમ પણ.


