કેરળની એક નર્સને (Nurse) યમનમાં (Yemen) મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો છે. તેની ઉપર વર્ષ 2017માં એક યમનના નાગરિકની હત્યાનો આરોપ છે. વર્ષ 2018માં કોર્ટે આપેલા નિર્ણયને તાજેતરમાં જ ત્યાંના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી અને આ તબક્કે નર્સ પાસે એક મહિના કરતાં પણ ઓછો સમય છે. રાષ્ટ્રપતિ સજા માટે ‘આગળ વધો’નું સિગ્નલ આપે ત્યારબાદ એક મહિનાની અંદર મૃત્યુદંડ આપી દેવામાં આવે છે. ભારતમાં નર્સનો પરિવાર ચિંતિત છે અને સહાયની માંગ થઈ રહી છે તો ભારત સરકાર પણ પોતાની રીતે વિકલ્પો તપાસી રહી છે. આ સંજોગોમાં નિમિષા પાસે બચવા માટેનો હવે એક જ રસ્તો છે- ‘બ્લડ મની.’
ઇસ્લામિક કાયદા શરિયા હેઠળ ચાલતા દેશ યમનમાં મૃત્યુદંડની જોગવાઈ છે, પણ સાથોસાથ કુરાનમાં માફી અને વળતરને પણ સજાના વિકલ્પો ગણાવવામાં આવ્યા છે. જેને ‘બ્લડ મની’ કે ‘દિયા’ કહેવાય છે.
અહેવાલો અનુસાર, ઈરાને નિમિષા પ્રિયાની મુક્તિ માટે મધ્યસ્થી કરવાની ઈચ્છા દર્શાવી છે, પરંતુ માફી મળશે કે કેમ તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. નિમિષા પ્રિયાના વકીલ સુભાષ ચંદ્રને કહ્યું કે, યમનના નેતાઓએ અગાઉ વાતચીત શરૂ કરવા માટે $40,000ની (લગભગ ₹34 લાખ) માંગણી કરી હતી. $20,000ની પ્રથમ રકમ થોડા મહિના પહેલાં આપી દેવામાં આવી હતી, પરંતુ સકારાત્મક પ્રતિભાવના અભાવે બાકીની ચૂકવણીમાં વિલંબ થયો હતો.
ડિસેમ્બરના અંતમાં ભારતીય રાજદ્વારી મિશન દ્વારા સાઉદી અરેબિયાને $20,000નો બીજો હપ્તો આપવામાં આવ્યો હતો. જોકે, ત્રણ દિવસ પછી જ સમાચાર આવ્યા કે યમનના રાષ્ટ્રપતિએ નિમિષા પ્રિયાની ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે.
#Kerala nurse #NimishaPriya faces execution in #Yemen; family seeks pardon via "blood money," with Indian government aiding efforts.https://t.co/kEtOVODSpD pic.twitter.com/7Z0GjHNqGS
— Hindustan Times (@htTweets) January 2, 2025
નિમિષા પ્રિયાને બચાવવાના પ્રયાસમાં ક્રાઉડફન્ડિંગ
નિમિષા પ્રિયાના કેસમાં બ્લડ મની એકત્ર કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘સેવ નિમિષા પ્રિયા એક્શન કાઉન્સિલ’ સક્રિય છે. તેમના વકીલે જણાવ્યું કે નિમિષાને બચાવવા માટે વાતચીત શરૂ કરવા માટે $20-20 હજારની રકમ બે વખત મોકલવામાં આવી હતી, પરંતુ પીડિતના પરિવારને હજુ સુધી આ પૈસા મળ્યા નથી. તેથી બ્લડ મની પર હજુ સુધી વાતચીત શરૂ થઈ શકી નથી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બ્લડ મનીની કુલ રકમ $300,000–$400,000 (₹2.57 કરોડથી ₹3.40 કરોડ) હોઈ શકે છે, જેના માટે પરિવાર અને સમર્થકો ક્રાઉડફન્ડિંગ કરી રહ્યા છે. માનવાધિકાર કાર્યકર્તા સેમ્યુઅલ જેરોમના જણાવ્યા અનુસાર, બીજી ચૂકવણી સમયસર ન થવાને કારણે વાટાઘાટોની તક હાથમાંથી નીકળી ગઈ. હવે માત્ર ઈરાનની મધ્યસ્થી અને ભારતના રાજદ્વારી પ્રયાસો જ નિમિષા પ્રિયાની જિંદગી બચાવી શકે છે.
બ્લડ મની શું છે અને કેવી રીતે નક્કી થાય છે?
ઇસ્લામિક કાયદા અનુસાર, હત્યાના કેસમાં સજા માટે બે વિકલ્પો છે: કિસાસ અને દિયા. કિસાસનો અર્થ થાય છે ‘જીવના બદલે જીવ’ અને દિયા એટલે બ્લડ મની. બ્લડ મની એ ઇસ્લામિક કાયદામાં એક જોગવાઈ છે જે સમાધાનની તક પૂરી પાડે છે. શરિયા કાનૂન અનુસાર, હત્યાના કેસોમાં પીડિતાના પરિવારને તે નક્કી કરવાનો અધિકાર છે કે તેઓ હત્યારાને માફ કરશે કે સજા કરશે. કુરાન અનુસાર, માફી અને બ્લડ મનીને ન્યાય અને દયાનાં માધ્યમ કહેવામાં આવ્યાં છે.
કુરાનની સુરાહ અલ-બકરા, આયાત 178માં ઉલ્લેખ છે: “પરંતુ જો પીડિતના સંરક્ષક દ્વારા હત્યારાને માફ કરવામાં આવે, તો પછી બ્લડ મની ન્યાયપૂર્ણ રીતે નક્કી કરવામાં આવે અને સન્માનપૂર્વક ચૂકવવામાં આવે. આ તમારા પાલનહાર તરફથી એક દયા અને સુવિધા છે.”
યમન અને અન્ય ઘણા ઇસ્લામિક દેશોમાં, બ્લડ મનીની ચૂકવણી પરિવારો વચ્ચે પરસ્પર સંમતિથી નક્કી કરવામાં આવે છે. જોકે, યમન જેવા દેશમાં જ્યાં ગૃહયુદ્ધ અને આર્થિક કટોકટી ચરમસીમાએ છે ત્યાં આટલી મોટી રકમ એકઠી કરવી એ પણ એક પડકાર છે.
શું હતી સમગ્ર ઘટના
નિમિષા પ્રિયા પર વર્ષ 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીને ડ્રગનો ઓવરડોઝ આપવાનો આરોપ હતો, જેના કારણે તેનું મોત થયું હતું. બીજી તરફ, નિમિષાએ તેના બચાવમાં કહ્યું હતું કે મૃતકે તેનો પાસપોર્ટ છીનવી લીધો હતો, જે તે પાછો મેળવવા માંગતી હતી. નિમિષાએ દાવો કર્યો હતો કે તેણે મહદીને એનેસ્થેટિક આપ્યું હતું. તેનો ઇરાદો હત્યા કરવાનો ન હતો.
નિમિષા પ્રિયા પરિણીત છે. કેરળના પલક્કડની રહેવાસી નિમિષા છેલ્લા એક દાયકાથી તેના પતિ અને પુત્રી સાથે યમનમાં કામ કરતી હતી. આ દરમિયાન યમનમાં ગૃહયુદ્ધ શરૂ થતાં તેનો પરિવાર ભારત આવ્યો હતો. જોકે, યમનના નાગરિક દ્વારા નિમિષાનો પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યો હતો જેના કારણે તે પરત આવી શકી ન હતી અને આ ઘટના બની હતી. આ કેસમાં તેને 2020માં મોતની સજા સંભળાવવામાં આવી હતી. હવે બ્લડ મની દ્વારા નિમિષા મૃત્યુની સજાથી બચી શકે છે, પરંતુ આ પ્રયાસ કેટલી હદે સફળ થશે તે જોવું રહ્યું.