Wednesday, April 1, 2026
More
    હોમપેજસ્પેશ્યલ‘દિલ્હી NCRમાંથી તમામ રખડતા શ્વાનોને હટાવીને શેલ્ટર હૉમમાં મોકલવામાં આવે’: સુપ્રીમ કોર્ટનો...

    ‘દિલ્હી NCRમાંથી તમામ રખડતા શ્વાનોને હટાવીને શેલ્ટર હૉમમાં મોકલવામાં આવે’: સુપ્રીમ કોર્ટનો આદેશ, અડચણ ઊભી કરવા પર કાર્યવાહીની ચેતવણી– વાંચો શું છે સમગ્ર મામલો

    સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દિલ્હી-NCRમાં રેબીઝના જોખમને જોતાં આવ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટે સ્વયંભૂ રીતે લીધેલા કેસનો ભાગ છે, જે રખડતા શ્વાનોના હુમલાથી રેબીઝ અને મૃત્યુની અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે (11 ઑગસ્ટ) દિલ્હી સરકાર, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને (NDMC) દિલ્હીના (Delhi) તમામ વિસ્તારોમાંથી રખડતા શ્વાનોને (Stray Dogs) દૂર કરવાનું કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સખત શબ્દોમાં કહ્યું છે કે, જે પણ આ કામમાં અડચણ ઊભી કરશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સુપ્રીમ કોર્ટે એનિમલ NGOs અને એનિમલ રાઇટ એક્ટિવિસ્ટોની પણ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટનો આ આદેશ હાલ ચર્ચામાં છે, ઘણા લોકો તેના સમર્થનમાં છે તો ઘણાએ વિરોધ પણ કર્યો છે.

    જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું કે, તમામ વિસ્તારોને રખડતા શ્વાનોની મુક્ત કરવામાં આવે અને આ બાબતમાં કોઈ સમાધાન ન કરવામાં આવે. બેન્ચે કહ્યું કે, “દિલ્હી NCT, MCD અને NDMCએ તાત્કાલિક રખડતા શ્વાનોને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર કરવાનું કામ શરૂ કરવું જોઈએ.” કોર્ટે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં રખડતા શ્વાનોને પકડીને દૂરના વિસ્તારોમાં ખસેડી દેવાનો આદેશ આપ્યો છે. 

    જસ્ટિસ પારડીવાલાએ એવું પણ કહ્યું છે કે, આ નિર્ણય જનતાના હિતમાં છે અને ભાવનાઓમાં વહી જઈને આ આદેશ નથી અપાયો. એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, દિલ્હીના ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. ખાસ કરીને, બાળકો અને વૃદ્ધો રેબીઝનો (હડકવા) ભોગ બની રહ્યાં છે. તેમણે એવું પણ કહ્યું છે કે, ઘણા માતા-પિતા કોર્ટની આ પહેલથી ખુશ છે, કારણ કે બાળકોનો જીવ બચાવવો સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

    - Advertisement -

    ‘શું આ એક્ટિવિસ્ટો રેબીઝનો ભોગ બનેલાઓને પરત લાવી શકશે?’- કોર્ટ

    મહેતાએ એવું પણ જણાવ્યું હતું કે, પહેલાં આ શ્વાનોને હટાવવા માટેની ક્વાયતો હાથ ધરવામાં આવી હતી, પરંતુ એક ડોગ રાઇટ્સ એક્ટિવિસ્ટે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી લીધો હતો અને તેના કારણે કામ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ જસ્ટિસ પારડીવાલાએ સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, “શું આ એક્ટિવિસ્ટો રેબીઝથી મૃત્યુ પામેલા લોકોને પરત લાવી શકશે?” 

    NGOs અને એનિમલ રાઇટ એક્ટિવિસ્ટોની બાબતમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ અથવા સંગઠન આ કામગીરીમાં અડચણ ઊભી કરશે તો તેમની સામે કોર્ટની અવમાનના સહિત કડક કાર્યવાહી કરવામાં આવશે. બેન્ચે કહ્યું કે, “જો કોઈ વ્યક્તિ કે સંગઠન રખડતા શ્વાનોને દૂર કરવાની અથવા એકઠા કરવાની પ્રક્રિયામાં અડચણ ઊભી કરશે તો અમે તેમની સામે કડક કાર્યવાહી કરીશું.”

    ‘શ્વાનો માટે શેલ્ટર હોમ અને કડક નિરીક્ષણની કરો વ્યવસ્થા’- કોર્ટ

    સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર, MCD અને NDMCને આદેશ આપ્યો છે કે, તેઓ રખડતા શ્વાનો માટે શેલ્ટર હોમ બનાવે. કોર્ટે આઠ અઠવાડિયામાં ડોગ શેલ્ટર હોમ બનાવવા અને તેમાં પૂરતા સ્ટાફ સાથે નસબંધી અને રસીકરણની સુવિધા ઉભી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, આ શેલ્ટર્સમાં સીસીટીવી દ્વારા કડક નિરીક્ષણ રાખવામાં આવશે, જેથી ફરીથી તે શ્વાનોને રસ્તાઓ પર ન છોડી શકાય. આ ઉપરાંત, ડોગ બાઈટની ઘટનાઓની જાણ કરવા માટે એક અઠવાડિયામાં હેલ્પલાઈન શરૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, આ માટે જરૂર પડે તો અલગ ફોર્સ બનાવવામાં આવવી જોઈએ.

    કોર્ટે આદેશ આપ્યો છે કે, MCD, NDMC, નોઈડા અને ગુરુગ્રામના અધિકારીઓએ દરરોજ ઝડપાયેલા અને અટકાયતમાં લેવાયેલા રખડતા શ્વાનોનો રેકોર્ડ રાખવો જોઈએ. કોર્ટે ચેતવણી આપી કે, એક પણ રખડતો શ્વાન રસ્તા પર છોડવામાં ન આવવો જોઈએ, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

    કઈ રીતે સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન? 

    સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દિલ્હી-NCRમાં રેબીઝના જોખમને જોતાં આવ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટે સ્વયંભૂ રીતે લીધેલા કેસનો ભાગ છે, જે રખડતા શ્વાનોના હુમલાથી રેબીઝ અને મૃત્યુની અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે એમિકસ ક્યુરી ગૌરવ અગ્રવાલના સૂચનો પણ સાંભળ્યાં હતાં. કોર્ટે નોંધ્યું કે, પરિસ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. બેન્ચે જણાવ્યું હતું કે, “અમને જે માહિતી મળી છે, તે મુજબ પરિસ્થિતિ ગંભીર છે. તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.”

    આ ઉપરાંત અંતે પણ કોર્ટે NGOs અને એનિમલ રાઇટ એક્ટિવિસ્ટોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આ આદેશોનું કડક પાલન થવું જોઈએ અને તેના અમલમાં કોઈ અડચણ આવશે તો કોર્ટની અવમાનના તરીકે ગણીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જોકે, સુપ્રીમ કોર્ટનો આ આદેશ હાલ ખૂબ ચર્ચાય રહ્યો છે. ઘણા રહેવાસીઓએ આ આદેશનું સ્વાગત કર્યું છે તો ઘણા એનિમલ રાઇટ એક્ટિવિસ્ટોએ તેનો વિરોધ પણ કર્યો છે. 

    એનિમલ NGOsએ નિર્ણયને ગણાવ્યો ‘અવૈજ્ઞાનિક’

    સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરવામાં સૌથી આગળ એનિમલ રાઇટ એક્ટિવિસ્ટો અને NGOs છે. સોમવારે જ આ સંગઠનોએ સુપ્રીમ કોર્ટના આ આદેશને ‘અવૈજ્ઞાનિક’ અને ‘અવ્યવહારુ’ ગણાવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ મેનકા ગાંધીએ પણ આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આડકતરી રીતે દિલ્હી સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, દિલ્હી સરકારને હજારો શ્વાનોને સંભાળવા માટે 2000 હોમ ખોલવાની જરૂર પડશે. આ ઉપરાંત તેમણે નિરીક્ષણ કરતા સ્ટાફનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

    એક તરફ, રેસિડેન્ટ વેલફેર એસોસિયેશન્સ (RWAs) અને અન્ય નાગરિકો આ આદેશનું સ્વાગત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, રખડતા શ્વાનોથી થતી હુમલાની ઘટનાઓ અને રેબીઝના જોખમને ઘટાડવા માટે આ પગલું જરૂરી છે. દિલ્હીમાં લગભગ 10 લાખ રખડતા શ્વાનો હોવાનો અંદાજ છે અને 2025ના પ્રથમ છ મહિનામાં 35,000થી વધુ શ્વાનોના કરડવાના કેસ નોંધાયા છે, જે જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે.

    બીજી તરફ, એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ અને NGOs, જેમ કે PETA અને FIAPO, આ આદેશને ‘અવૈજ્ઞાનિક’ અને ‘અમાનવીય’ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, શ્વાનોને તેમના કુદરતી વસવાટમાંથી દૂર કરવાથી તેમના પર તણાવ વધશે અને નવા વિસ્તારોમાં સંઘર્ષની સ્થિતિ સર્જાશે. PETAના ડૉ. મિની અરવિંદનના જણાવ્યા અનુસાર, આવું વિસ્થાપન ન તો શ્વાનોની વસ્તી ઘટાડશે, ન રેબીઝ ઘટાડશે, કે ન કરડવાની ઘટનાઓ રોકશે.

    દિલ્હી માટે કેમ પડકારજનક છે આ નિર્ણય? 

    સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ તેનું અમલીકરણ દિલ્હી માટે અત્યંત પડકારજનક છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, દિલ્હીમાં અંદાજે 10 લાખ રખડતા શ્વાન છે, પરંતુ શહેરમાં કોઈ સ્થાયી આશ્રયસ્થાન નથી. હાલના 20 એનિમલ બર્થ કંટ્રોલ (ABC) સેન્ટર ફક્ત 3,500-4,000 શ્વાનોને અસ્થાયી રીતે સમાવી શકે છે, જે કુલ વસ્તીનો નજીવો હિસ્સો છે. નવા આશ્રયસ્થાનો બનાવવા માટે સેંકડો એકર જમીન, હજારો બંધિયાર જગ્યાઓ અને ₹10,000 કરોડથી વધુના ખર્ચની જરૂર છે, જે દિલ્હી સરકાર અને MCD પાસે હાલ નથી.

    નાણાકીય અડચણો પણ ગંભીર છે. એક શ્વાન દીઠ દરરોજ ₹40ના નજીવા ખોરાકના ખર્ચે, વાર્ષિક ₹1,000 કરોડથી વધુની જરૂર પડશે. જેમાં નસબંધી, રસીકરણ, પરિવહન અને બાંધકામનો ખર્ચ તો સામેલ પણ નથી. MCDની હાલ NGOsને નસબંધી માટેની ₹1,000 પ્રતિ શ્વાનની ચૂકવણી પણ બાકી છે. ઉપરાંત, શ્વાનોને પકડવા માટે પૂરતાં વાહનો, તાલીમબદ્ધ કર્મચારીઓ અને ક્વૉરન્ટાઈન યુનિટ્સનો પણ અભાવ છે. હાલ દરેક ઝોનમાં માત્ર બે ડોગ-કેચિંગ વેન છે, જે 10 લાખ શ્વાનને પકડવા માટે પૂરતી નથી છે.

    કાનૂની અને વ્યવહારુ પડકારો પણ ઓછા નથી. એનિમલ બર્થ કંટ્રોલ (ABC) નિયમો, 2023 અનુસાર, નસબંધી અને રસીકરણ પછી શ્વાનોને તેમના મૂળ સ્થળે પરત છોડવા જોઈએ, પરંતુ આ આદેશ તેની વિરુદ્ધ છે. અહેવાલ અનુસાર, નિષ્ણાતોનું કહેવું છે કે, દરેક શ્વાન માટે 40-45 ચોરસ ફૂટ જગ્યા જરૂરી છે, નહીં તો ઓવરક્રાઉડિંગથી રોગચાળો અને મૃત્યુદર વધશે. MCDના ABC કાર્યક્રમની નિષ્ફળતા પણ એક અલગ પડકાર છે.

    દિલ્હીના અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે, છેલ્લે 2009 પછી શ્વાનોની ગણતરી ન થઈ હોવાથી ચોક્કસ આયોજન અશક્ય છે. આઠ અઠવાડિયાની સમયમર્યાદા, અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માનવબળની કમી અને નાણાકીય અભાવને કારણે આ આદેશનું પાલન દિલ્હી માટે લગભગ અશક્ય લાગે છે. જોકે, દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ આ મામલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવા માટે નવી નીતિ લાવશે. આ સાથે તેમણે આ મામલે મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં