Tuesday, July 15, 2025
More
    હોમપેજદેશયુદ્ધ હોય કે મહામારી, સંકટ સમયે દુનિયાના કોઈ પણ ખૂણેથી નાગરિકોને સુરક્ષિત...

    યુદ્ધ હોય કે મહામારી, સંકટ સમયે દુનિયાના કોઈ પણ ખૂણેથી નાગરિકોને સુરક્ષિત લઈ આવી મોદી સરકાર: યમનથી લઈને ઈરાન સુધી…અહીં વાંચો 11 વર્ષના શાસનકાળનાં 11 સફળ અભિયાનો વિશે

    યમનથી લઈને ઈરાન સુધી, મોદી સરકારે વિશ્વના કોઈપણ સંકટમાંથી સુરક્ષિત રીતે પોતાના નાગરિકોને પરત લાવવાની ભગીરથ સિદ્ધિ મેળવી છે. મોદી સરકારના 11 વર્ષના શાસનમાં 11 એવા ઑપરેશનો હાથ ધરવામાં આવ્યા છે, જે સાબિત કરે છે કે, ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા છે.

    - Advertisement -

    છેલ્લા એક દાયકામાં ભારતે પોતાની નીતિઓમાં અનેક પરિવર્તનો કર્યાં છે. તે પૈકીનું એક પરિવર્તન છે નાગરિકોની સુરક્ષા. ભારતનો (India) કોઈપણ નાગરિક વિશ્વના કોઈપણ ખૂણે વસતો હોય, પણ સંકટ સમયે ભારતની મોદી સરકાર (Modi Government) તેની સાથે આવીને ઊભી રહેશે અને તેને સુરક્ષિત વતન પરત લઈ આવશે. આ માત્ર કહેવાતી વાતો કે કલ્પના નથી, પરંતુ મોદી સરકારના 11 વર્ષમાં જોવા મળેલી સિદ્ધિઓ છે. તાજેતરમાં પણ ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષને લઈને 1000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી પરત પોતાના દેશમાં લાવવામાં આવી રહ્યા છે.

    હાલ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને લઈને મોદી સરકારે ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ લાવવા માટે ‘ઑપરેશન સિંધુ’ (Operation Sindhu) લૉન્ચ કર્યું છે. શુક્રવારે (20 જૂન 2025) મોડી રાત્રે 290 ભારતીયોને લઈને પહેલુ વિમાન દિલ્હીમાં ઉતર્યું હતું. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીરના હતા. તે સિવાય શનિવારે સવારે પણ બીજું વિમાન લેન્ડ થયું છે. ભારત સરકાર સતત ઈરાન સ્થિત દૂતાવાસના સંપર્કમાં છે અને ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે પ્રતિબદ્ધ છે. 

    ઈરાને વિશેષરૂપે 1,000 ભારતીયોને સુરક્ષિત દેશમાં લાવવા માટે પોતાની એરસ્પેસ ખોલી છે. ત્યારબાદ સતત ભારત સરકાર ઈરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પરત સ્વદેશ લાવવા માટેના કામમાં જોતરાઈ ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ યાત્રિકોએ ‘ભારત માતા કી જય’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. તે સિવાય તેમણે મોદી સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

    - Advertisement -

    11 વર્ષનો શાસનકાળ અને 11 સફળ ઑપરેશનો

    મોદી સરકારના સત્તામાં આવ્યા બાદથી હમણાં સુધી ભારતે ઑપરેશન સિંધુ સિવાયના 10 ઑપરેશન્સ હાથ ધર્યાં અને પોતાના નાગરિકોને હેમખેમ સ્વદેશ લાવવામાં આવ્યા હતા. ભારતે વિદેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોની સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપી છે. છેલ્લા એક દાયકામાં આ પરિવર્તન આખી દુનિયાએ જોયું છે. મોદી સરકારની ‘નાગરિક સુરક્ષા’ની નીતિના આ સ્પષ્ટ પ્રમાણ છે. મુદ્દાસર તમામ રેસ્ક્યુ ઑપરેશન્સ વિશેની માહિતી મેળવીએ.

    યમનમાં ઑપરેશન રાહત (2015) 

    મોદી સરકાર સત્તામાં આવી તેના બીજા જ વર્ષે યમનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો હતો. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ યમનની સત્તા મેળવવા માટે હુમલો કરી દીધો હતો. સ્થિતિ એટલી ભયાનક હતી કે, યમનના રાષ્ટ્રપતિ અબ્દ-રબ્બુ મંસૂર હાદીએ રાજીનામું આપીને દેશ છોડી દેવો પડ્યો હતો. ઈરાનના વધતા પ્રભાવને લઈને 26 માર્ચ, 2015ના રોજ સાઉદી આરબના નેતૃત્વમાં એક સૈન્ય ગઠબંધને ‘ઑપરેશન ડિસાઇસિવ સ્ટોર્મ’ શરૂ કર્યું હતું. જે હેઠળ હવાઈ હુમલા, બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. આ રાજકીય અસ્થિરતા અને વિદ્રોહની જ્વાળા વચ્ચે યમન સંપૂર્ણપણે ગૃહયુદ્ધમાં હોમાઈ ગયું હતું. 

    ભારત સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી હતી અને 1 એપ્રિલ, 2015ના રોજ મોદી સરકારના નેતૃત્વમાં ભારતીય સેનાએ ‘ઑપરેશન રાહત’ શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ કુલ 5,600 નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. તેમાંથી 4,640 ભારતીય નાગરિક હતા અને 960 જેટલા અન્ય 41 દેશોના નાગરિક હતા. આ ઑપરેશન 11 દિવસ સુધી સતત ચાલ્યું હતું. આ અભિયાન હેઠળ એર ઇન્ડિયા અને ભારતીય વાયુસેનાના વિમાન C-14 ગ્લોબમાસ્ટર દ્વારા નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

    નેપાળમાં ‘ઑપરેશન મૈત્રી’ (2015) 

    તે સિવાય ભારત સરકારે નેપાળમાં રેસ્ક્યુ ઑપરેશન ચલાવ્યું હતું. તારીખ હતી 25 એપ્રિલ, 2015. પાડોશી દેશ નેપાળમાં 7.8 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેની અસર ભારતમાં પણ થઈ. નેપાળના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી હતી. ભારતે સંકટગ્રસ્ત નેપાળની મદદ માટે ‘ઑપરેશન મૈત્રી’ તરત જ લૉન્ચ કરી દીધું હતું. લગભગ 40 દિવસ સુધી ચાલેલા આ ઑપરેશનમાં ભારતીય વાયુસેના અને નાગરિક વિમાનો દ્વારા 5,000થી વધુ ભારતીય નાગરિકોને નેપાળથી પરત લાવવામાં આવ્યા હતા. 

    તે સિવાય ભારતે અમેરિકા, બ્રિટન, રશિયા અને જર્મનીના 170 વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત રેસ્ક્યુ કર્યાં હતા. ભારતે ભૂકંપથી પીડત નેપાળ માટે 1348.995 ટન રાહતસામગ્રી પણ મોકલી હતી. વધુમાં મેડિકલ ટીમો, ખાણીપીણીની વસ્તુઓ, દવાઓ, ટેંટ્સ અને એન્જિનિયરિંગ ઉપકરણો પણ નેપાળ સુધી પહોંચતા કર્યાં હતા. 

    દક્ષિણ સુદાનમાં ‘ઑપરેશન સંકટ મોચન’ (2016)

    જુલાઈ 2016માં દક્ષિણ સુદાનની રાજધાની જુબામાં રાષ્ટ્રપતિ સલ્વા કીર અને ઉપરાષ્ટ્રપતિ રિએક માચારના સમર્થકો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. આ સંઘર્ષ 2013માં શરૂ થયેલા ગૃહયુદ્ધનો એક ભાગ હતો, પણ 2016માં તે વધુ ભયાનક બની ગયો હતો. બંને નેતાઓના સમર્થકો વચ્ચેના સંઘર્ષમાં 300થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો નાગરિકો રસ્તા પર આવી ગયા હતા. આ સમગ્ર પરિસ્થિતિને જોતાં 13 જુલાઈ, 2016ના રોજ મોદી સરકારે ‘ઑપરેશન સંકટ મોચન’ લૉન્ચ કર્યું હતું. 

    આ ઑપરેશન હેઠળ ભારતીય વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટર વિમાન મોકલવામાં આવ્યા હતા અને 156 ભારતીય નાગરિકોને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. ભારતે પોતાના તમામ નાગરિકોને યુગાંડાના રસ્તેથી રેસ્ક્યુ કર્યાં હતા. 

    માલદીવ, ઈરાન અને શ્રીલંકામાં ‘ઑપરેશન સમુદ્ર સેતુ’ (2020) 

    ‘ઑપરેશન સમુદ્ર સેતુ’ ત્રણ દેશોમાં ચલાવવામાં આવ્યું હતું. 5 મે, 2020ના રોજથી 25 જૂન, 2020 સુધી આ ઑપરેશન ચાલ્યું હતું. Covid-19 મહામારી સમયે ભારત સરકારે ત્રણ દેશોમાંથી (માલદીવ, ઈરાન અને શ્રીલંકા) 3,992 ભારતીય નાગરિકોને રેસ્ક્યુ કર્યાં હતા અને તેમને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. 55 દિવસો સુધી ચાલેલા આ ઑપરેશનમાં ભારતીય નેવીના જહાજોને કામે લગાડવામાં આવ્યા હતા અને તમામ નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા હતા. 

    સમગ્ર વિશ્વમાં ચાલ્યું હતું ‘ઑપરેશન વંદે ભારત’ (2020) 

    વર્ષ 2020 વિશ્વ માટે એક મોટો પડકાર બન્યું હતું. કોરોના મહામારીના કારણે લાખો લોકો ફસાઈ ગયા હતા. આ દરમિયાન 7 મે, 2020માં ભારત સરકારે ‘ઑપરેશન વંદે ભારત’ લૉન્ચ કર્યું હતું, જે 30 એપ્રિલ 2021 સુધી ચાલ્યું હતું. હમણાં સુધીનું આ સૌથી મોટું ઑપરેશન હતું. આ ઑપરેશન હેઠળ આખા વિશ્વમાં ફસાયેલા 67.5 લાખથી વધુ લોકોને પરત લાવવામાં આવ્યા હતા. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનો દ્વારા 18 લાખથી વધુ ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. 

    તે સિવાય 36 લાખથી વધુ નાગરિકોએ ચાર્ટર્ડ પ્લેન દ્વારા વતનવાપસી કરી હતી. આ મિશનમાં ભારતીય નૌકાદળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નેવીના જહાજો દ્વારા 3,987 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. તે સિવાય 5 લાખથી વધુ લોકોને જમીનની સરહદો પરથી ભારતમાં લાવવામાં આવ્યા હતા. 

    અફઘાનિસ્તાનમાં ‘ઑપરેશન દેવી શક્તિ’ (2021) 

    વર્ષ 2021માં તાલિબાને પોતાના સહયોગી આતંકી સંગઠનો સાથે મળીને અફઘાનિસ્તાન પર મોટો હુમલો કર્યો હતો. ત્યારબાદ ધીમેધીમે તાલિબાનના આતંકીઓએ અફઘાનિસ્તાન પર પોતાનું નિયંત્રણ સ્થાપી દીધું હતું. આખરે, રાજધાની કાબુલ પણ તાલિબાનના હાથમાં જતી રહી હતી, જેના કારણે અફઘાનિસ્તાનની સરકાર સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તાલિબાનના અફઘાનિસ્તાન પર હુમલા દરમિયાન 16 ઑગસ્ટ, 2021ના રોજ ભારત સરકારે ‘ઑપરેશન દેવી શક્તિ’ લૉન્ચ કર્યું હતું. 

    આ ઑપરેશન હેઠળ 800થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ અભિયાનમાં એરફોર્સના IAF C-17 ગ્લોબમાસ્ટર અને એર ઇન્ડિયાના બોઇંગ વિમાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આતંકગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી સફળતાપૂર્વક પોતાના તમામ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 

    યુક્રેનમાં ‘ઑપરેશન ગંગા’ (2022) 

    રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાત કરીને 26 ફેબ્રુઆરીથી 11 માર્ચ, 2022 સુધી ઑપરેશન ગંગા ચલાવ્યું હતું. જેમાં યુદ્ધના મેદાનમાંથી ભારતે પોતાના 22 હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. યુદ્ધના કારણે યુક્રેનની એરસ્પેસ બંધ થઈ ગઈ હતી, જેથી ભારતે પોતાના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પૉલેન્ડ, રોમાનિયા, હંગરી અને સ્લોવાકિયાથી વિમાનો ચલાવ્યા હતા. 

    આ ઑપરેશનમાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પોતાના વાહનો પર ભારતનો તિરંગો લગાવીને નીકળતા હતા, જેના કારણે તેમને કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડતો નહોતો. આતંકી દેશ પાકિસ્તાનના ઘણા વિદ્યાર્થીઓ પણ તિરંગા સાથે નીકળી રહ્યા હતા. 

    સુદાનના ‘ઑપરેશન કાવેરી’ (2023) 

    સુદાનમાં ચાલતા ગૃહયુદ્ધને ધ્યાને રાખીને 24 એપ્રિલ, 2023ના રોજ ભારત સરકારે ‘ઑપરેશન કાવેરી’ લૉન્ચ કર્યું હતું. આ અભિયાન ભારતીય નાગરિકોની સાથે ઘણા વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત બહાર કાઢવા માટે ચલાવવામાં આવ્યું હતું. આ ઑપરેશન હેઠળ કુલ 4,097 (136 વિદેશી લોકો) નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઑપરેશનમાં ભારતીય વાયુસેનાના વિમાનો અને નૌકાદળના જહાજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

    ઇઝરાયેલમાં ‘ઑપરેશન અજય’ (2023) 

    હમાસના આતંકી હુમલા બાદ ઇઝરાયેલે સંપૂર્ણ શક્તિ સાથે હમાસ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. જેના કારણે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. યુદ્ધ દરમિયાન ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે 11 ઑક્ટોબરના રોજ ‘ઑપરેશન અજય’ લૉન્ચ કર્યું હતું. આ અભિયાન હેઠળ 5 વિશેષ વિમાનો દ્વારા 18 નેપાળી સહિત લગભગ 1200 ભારતીય નાગરિકોને ઇઝરાયેલથી પરત લાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલ-હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધ દરમિયાન આ ઑપરેશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. 

    સિરીયામાં ચલાવ્યું ઑપરેશન (2024) 

    2024માં સિરીયામાં હયાત તહરીર અલ-શામની (HTS) આગેવાની હેઠળ ઇસ્લામી કટ્ટરપંથી દળો અને તૂર્કી સમર્થિત સીરિયન નેશનલ આર્મીએ 27 નવેમ્બરથી હુમલાઓ શરૂ કરી દીધા હતા. આખા દેશમાં અરાજકતા વ્યાપી ગઈ હતી અને 8 ડિસેમ્બરના રોજ બશર અલ-અસદની સરકાર પણ તૂટી પડી હતી. આ હુમલાઓના કારણે સિરીયામાં હિંસા અને અરાજકતા વધી ગઈ હતી અને કટ્ટરપંથી ઇસ્લામી સમૂહોએ સિરીયા પર પોતાનું શાસન સ્થાપિત કરી દીધું હતું. સિરીયાની આ સ્થિતિ પર ભારત સરકારની સતત નજર હતી. 

    જે બાદ ભારત સરકારે સિરીયામાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરી દીધું હતું. ઑપરેશન હેઠળ 75 ભારતીય નાગરિકોને સિરીયામાંથી સુરક્ષિતપણે સ્વદેશ લાવવામાં આવ્યા હતા. તે સિવાય પણ ભારત સરકારે અનેક રાહત ઑપરેશનો પણ કર્યાં હતા અને જેમાં મ્યાનમારમાં ‘ઑપરેશન બ્રહ્મા’ અને સિરીયા-તૂર્કીમાં ઑપરેશન દોસ્ત’નો સમાવેશ થાય છે. 

    ‘મંગળ ગ્રહ પરથી પણ બચાવી લાવશે મોદી સરકાર’

    મોદી સરકારના 11 વર્ષના શાસનકાળમાં તેમની નીતિઓ ખૂબ સ્પષ્ટ થઈ ચૂકી છે. અનેક વખત સરકારે અને વડાપ્રધાન મોદીએ પણ જાહેરમાં કહ્યું છે કે, નાગરિકોની સુરક્ષા મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મોદી સરકાર તેમની આ પ્રાથમિકતા માટે કેટલી પ્રતિબદ્ધ છે, તે ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના એક નિવેદનથી જાણી શકાય છે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના કાર્યકાળમાં એક નિવેદન આપ્યું હતું. 

    તેમણે કહ્યું હતું કે, ભારતીય દૂતાવાસ દુનિયાના કોઈપણ ખૂણામાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે હંમેશા તૈયાર હશે, ભલે પછી તેઓ ઘણા દૂર પણ કેમ ન હોય. તેમણે મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા ત્યાં સુધી કહી દીધું હતું કે, મંગળ ગ્રહ પરથી પણ મોદી સરકાર સુરક્ષિત રીતે પોતાના નાગરિકોને લઈને આવશે. સુષ્મા સ્વરાજનું આ નિવેદન માત્ર કલ્પના નહીં, પણ મોદી સરકારની પોતાના નાગરિકોને પ્રાથમિકતા આપવાની નીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. 

    યમનથી લઈને ઈરાન સુધી, મોદી સરકારે વિશ્વના કોઈપણ સંકટમાંથી સુરક્ષિત રીતે પોતાના નાગરિકોને પરત લાવવાની ભગીરથ સિદ્ધિ મેળવી છે. મોદી સરકારના 11 વર્ષના શાસનમાં 11 એવા ઑપરેશનો હાથ ધરવામાં આવ્યાં છે, જે સાબિત કરે છે કે, ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા છે. પછી તે નાગરિકો દેશમાં હોય કે વિદેશમાં, મોદી સરકાર તેમની સુરક્ષા માટે બનતા તમામ પ્રયાસો કરવા પ્રતિબદ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં