Monday, May 6, 2024
More
    હોમપેજદેશઓનલાઈન માધ્યમથી નવા ગ્રાહકો જોડવા પર રોક, ક્રેડિટ કાર્ડ ઈસ્યુ નહીં કરી...

    ઓનલાઈન માધ્યમથી નવા ગ્રાહકો જોડવા પર રોક, ક્રેડિટ કાર્ડ ઈસ્યુ નહીં કરી શકે: RBIએ કોટક મહિન્દ્રા બૅન્ક પર લાદ્યાં નિયંત્રણો, પણ વર્તમાન ગ્રાહકોને નહીં થાય અસર- સરળ શબ્દોમાં સમજો  

    કોટક મહિન્દ્રા બૅન્ક હવેથી નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરી શકશે નહીં, પણ આ નિયંત્રણની અસર જે હાલ ક્રેડિટ કાર્ડ ગ્રાહકો છે તેને નહીં થાય અને તેઓ તેમના કાર્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે. 

    - Advertisement -

    બુધવારે (24 એપ્રિલ) રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના અધિકારનો ઉપયોગ કરીને કોટક મહિન્દ્રા બૅન્કને તાત્કાલિક અસરથી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ મારફતે નવા ગ્રાહકો જોડવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો. આ સિવાય બૅન્ક પર નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવા પર પણ રોક લગાવવામાં આવી છે. આ મામલે RBIએ એક અખબારી યાદી જાહેર કરીને સંપૂર્ણ જાણકારી આપી છે. 

    મહત્વની વાત એ છે કે RBIએ કોટક મહિન્દ્રા બૅન્કને હાલના જે ગ્રાહકો છે તેમને સેવા આપવાની ચાલુ રાખવા માટે જણાવ્યું છે, એટલે બૅન્કની જે બાકીની પ્રક્રિયાઓ ચાલે છે તે આમ જ ચાલતી રહેશે. 

    RBIની પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2022 અને 2023નાં રિઝર્વ બૅન્કનાં IT એક્ઝામિનેશન કર્યા બાદ અમુક ખામીઓ ધ્યાને આવી હતી અને તેમાં સમયસર અને અસરકારક નિરાકરણ ન કરવામાં આવતાં હવે આ કાર્યવાહી કારવાની ફરજ પડી છે. RBIએ આગળ જણાવ્યું કે, કોટક મહિન્દ્રા બૅન્કના IT ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પેચ એન્ડ ચેન્જ મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી એન્ડ ડેટા લીક પ્રિવેન્શન સ્ટ્રેટેજી, બિઝનેસ કન્ટિન્યુટી એન્ડ ડિઝાસ્ટર રિકવરી વગેરે બાબતોમાં અનિયમિતતા સામે આવી હતી. 

    - Advertisement -

    RBIએ જણાવ્યું કે, એસેસમેન્ટ દરમિયાન RBI દ્વારા 2022-23 દરમિયાન જે એક્શન પ્લાન સૂચવવામાં આવ્યા હતા તેનું અનુપાલન કરવામાં બૅન્ક નિષ્ફળ ગઈ. આગળ જણાવવામાં આવ્યું કે, એક મજબૂત IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને IT રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવના કારણે બૅન્કની કોર બેન્કિંગ સિસ્ટમ અને તેની ઓલનાઈન બેન્કિંગ અને ડિજિટલ બેન્કિંગ ચેનલોએ છેલ્લાં 2 વર્ષમાં અનેક વખત અડચણોનો સામનો કરવો પડ્યો છે અને તાજેતરમાં પણ 15 એપ્રિલ, 2024ના રોજ ખામી સર્જાવાના કારણે ગ્રાહકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રીય બૅન્કે કહ્યું કે, કોટક મહિન્દ્રા બૅન્ક તેના વિકાસને અનુરૂપ IT સિસ્ટમ અને કન્ટ્રોલ બનાવવામાં નિષ્ફળ જવાના કારણે બૅન્કને જરૂરી પરિચાલનમાં સ્થિતિસ્થાપકતા લાવવામાં સમસ્યા આવી રહી છે. 

    આગળ જણાવવામાં આવ્યું કે, છેલ્લાં 2 વર્ષમાં રિઝર્વ બૅન્કે IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે બૅન્ક સાથે સંપર્કમાં રહીને પ્રયાસો કર્યા છે, પરંતુ પરિણામો સંતોષકારક રહ્યાં નથી. એવું પણ જોવા મળ્યું છે કે તાજેતરમાં બેન્કનાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યાં છે, જેમાં ક્રેડિટ કાર્ડ સંબંધિત લેવડદેવડ પણ સામેલ છે, જેના કારણે IT સિસ્ટમ પર ભાર વધી રહ્યો છે. 

    પ્રેસ રીલિઝ આગળ જણાવે છે કે, હવે ભવિષ્યમાં આ પ્રકારે કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે, જેનાથી બૅન્કના ગ્રાહકોને પણ અસર થાય અને સેવાઓને પણ અસર પડે, તે માટે રિઝર્વ બૅન્કે અમુક વ્યવસાયિક નિયંત્રણો લાગુ કર્યાં છે. આગળ કહ્યું કે, આ નિયંત્રણો લગાવવામાં આવ્યા બાદ હવે તેની સમીક્ષા માટે એક્સટર્નલ ઓડિટ કરવામાં આવશે અને તેમાં દર્શાવવામાં આવેલી ખામીઓને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવશે. આગળ એમ પણ જણાવવમાં આવ્યું કે આ કાર્યવાહી કોઇ પણ પ્રકારના પૂર્વગ્રહથી દૂર રહીને એક સુવ્યવસ્થિત તંત્ર ચાલી શકે તે માટે કરવામાં આવી રહી છે. 

    શું છે આનો અર્થ?

    હવે આ નિયંત્રણોને સરળ શબ્દોમાં સમજીએ તો કોટક મહિન્દ્રા બૅન્ક હવેથી નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરી શકશે નહીં, પણ આ નિયંત્રણની અસર જે હાલ ક્રેડિટ કાર્ડ ગ્રાહકો છે તેને નહીં થાય અને તેઓ તેમના કાર્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે. 

    વાત જ્યાં સુધી નવા ગ્રાહકો જોડવાની છે, તો આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બૅન્ક ઓનલાઈન પ્લેટફોર્મ કે પછી મોબાઈલ બેન્કિંગના માધ્યમથી નવાં ખાતાં નહીં ખોલી શકે. નોંધવું જોઈએ કે આ એક નવી સેવા છે, જે કેટલીક બૅન્કોએ આપવાની શરૂ કરી છે. જેના માધ્યમથી ગ્રાહકો શાખા પર ગયા વગર ઓનલાઈન માધ્યમથી જ નવું અકાઉન્ટ ઓપન કરી શકે છે. આધાર-બેસ્ડ ઓથેન્ટિકેશનના માધ્યમથી ઓનલાઈન પોર્ટલ કે મોબાઈલ બેન્કિંગ થકી આમ થઈ શકે છે. 

    આ આદેશનો અર્થ એવો થાય કે લોકો હવે આગામી આદેશ સુધી પોર્ટલ કે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કોટક મહિન્દ્રા બૅન્કમાં નવું ખાતું નહીં ખોલી શકે. પણ જો શાખા પર જાય તો તેઓ ખાતું ખોલવાની પ્રક્રિયા કરી શકે છે. બીજી તરફ, જેઓ હાલ બૅન્કના ગ્રાહકો છે તેમને પણ આદેશની કોઇ અસર થશે નહીં. 

    જેથી RBIનો તાજો આદેશ બૅન્કના વર્તમાન ગ્રાહકોને કોઇ રીતે લાગુ પડશે નહીં. માત્ર હવે પછી ઓનલાઈન માધ્યમથી ખાતાં નહીં ખોલી શકાય, પણ શાખા પરથી આ પ્રક્રિયા થઈ શકશે. જ્યારે આગામી આદેશ સુધી ક્રેડિટ કાર્ડ ઈસ્યુ ન થઈ શકે. પરંતુ જેઓ હાલ ક્રેડિટ કાર્ડ ધરાવે છે તેઓ પોતાના વ્યવહારો કરી શકશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં