હોમપેજદુનિયાભારતના બૌદ્ધ ભિક્ષુ બોધિધર્મ સાથે વણાયેલો ઇતિહાસ, જાપાનમાં ગણાય છે સૌભાગ્યનું પ્રતિક:...

ભારતના બૌદ્ધ ભિક્ષુ બોધિધર્મ સાથે વણાયેલો ઇતિહાસ, જાપાનમાં ગણાય છે સૌભાગ્યનું પ્રતિક: વાંચો પીએમ મોદીને ભેટમાં મળેલી ‘દારૂમા ડૉલ’ વિશે

દારૂમા ડૉલનો ઉપયોગ જાપાનમાં નવા વર્ષે, પરીક્ષાઓ, વ્યવસાયિક સફળતા, આરોગ્ય અને વ્યક્તિગત વિકાસ માટે શુભ માનવામાં આવે છે. ઘરો, દુકાનો, મંદિરો અને ઓફિસોમાં આ ડૉલને સન્માનની સાથે રાખવામાં આવે છે.

- Advertisement -

વર્તમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય મુલાકાત પર છે. આ દરમિયાન નવી દિલ્હી અને ટોક્યો વચ્ચે ઘણા MoUs પણ થયા છે, જે ભારત અને જાપાનના આર્થિક સંબંધોનું મહત્વ દર્શાવે છે. હવે આ સંબંધોના મહત્વને ધ્યાનમાં રાખીને જાપાનના એક મંદિરમાં PM મોદીને દારૂમા ડૉલ ભેટમાં આપવામાં આવી છે. આ ડૉલ જાપાનની સંસ્કૃતિમાં એક પ્રતીકાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જે ધીરજ, સ્થિતિસ્થાપકતા અને સારા ભાગ્યના પ્રતિબિંબ સમાન છે.

29 ઑગસ્ટના રોજ નરેન્દ્ર મોદીને શોરિનઝાન દારૂમા-જી મંદિરના મુખ્ય પૂજારી રેવ. સેઇશી હિરોસે દ્વારા દારૂમા ડૉલ ભેટમાં આપવામાં આવી હતી. આ ડૉલ જાપાનની સંસ્કૃતિમાં એક વિશિષ્ટ મહત્વ અને ઇતિહાસ ધરાવે છે. આ ડૉલ ભારત અને જાપાનના સંબંધોનું પણ પ્રતિક છે. કારણ કે તેનો સંબંધ જેટલો જાપાન સાથે છે, તેના કરતાં પણ વિશેષ સંબંધ ભારત સાથે છે. જાપાનના મંદિરમાં PM મોદીને આ ડૉલ ભેટ મળવીએ એ બંને દેશો વચ્ચેના સહસ્ત્રાબ્દીઓ જૂના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરે છે.

દારૂમા ડૉલનો ઇતિહાસ

દારૂમા ડૉલનું નામ ઝેન બૌદ્ધ ધર્મના સ્થાપક બોધિધર્મ (જાપાનમાં દારૂમા દૈશી તરીકે ઓળખાય છે) પરથી પડ્યું છે. આ ડૉલની ઉત્પત્તિ 17મી સદીમાં જાપાનના ગુન્મા પ્રીફેક્ચરના તાકાસાકી શહેરમાં આવેલા શોરિનઝાન દારૂમા-જી મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિરના સ્થાપક ઝેન સાધુ શોરિનઝાન શિનેત્સુએ 1697માં બોધિધર્મની છબી સાથે નવા વર્ષના તાવીજ બનાવવાનું શરૂ કર્યું, જે ખેડૂતો માટે સારા પાક અને દુર્ભાગ્યથી રક્ષણના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાતા હતા. આ તાવીજની લોકપ્રિયતા વધતાં મંદિરના નવમા મુખ્ય પૂજારી તોગાકુએ આ તાવીજને પેપર-મેશેની (કાગળ અને ગુંદર) ગોળ ડૉલનું સ્વરૂપ આપ્યું. જે આજે દારૂમા ડૉલ તરીકે ઓળખાય છે.

- Advertisement -
Japan Travel Reports: Shorin-zan Daruma-ji Temple
શોરિનઝાન દારૂમા-જી (Photo: Japan Guide)

આ ડૉલની ડિઝાઇન બોધિધર્મની એક દંતકથા પર આધારિત છે. કહેવાય છે કે તેમણે ચીનના શાઓલિન મંદિરમાં નવ વર્ષ સુધી દિવાલ સામે ધ્યાન કર્યું, જેના કારણે તેમના હાથ અને પગ નિષ્ક્રિય થઈ ગયા હતા. આ ડૉલનું ગોળ લિમ્બલેસ (હાથ-પગ વગરનું) શરીર અને ભારે તળિયું આ દંતકથાને પ્રતિબિંબિત કરે છે. ડૉલની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે તેને ધક્કો મારીને કે કોઈપણ રીતે પાડવામાં આવે તો તે પોતે જ સીધી થઈ જાય છે. આ ડૉલ જાપાની કહેવત ‘નાનાકોરોબી યાઓકી’ને (સાત વાર પડો, આઠમી વાર ઊભા થાઓ) રજૂ કરે છે. આ ડૉલની ડિઝાઇન તેને ધીરજ અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બનાવે છે.

દારૂમા ડૉલનો ભારત સાથે સંબંધ

દારૂમા ડૉલનું ભારત સાથેનું જોડાણ બોધિધર્મના મૂળ સાથે શરૂ થાય છે. બોધિધર્મ એક ભારતીય બૌદ્ધ સાધુ હતા. એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ ઈ.સ. 440 આસપાસ પલ્લવોની કાંચીપુરમમાં (તમિલનાડુ) થયો હતો. તેઓ 5મી-6ઠી સદીમાં ચીન ગયા અને ત્યાં તેમણે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો ફેલાવો કર્યો. ત્યારપછી બૌદ્ધ ધર્મ જાપાનમાં ફેલાયો. બોધિધર્મની ધ્યાન પદ્ધતિઓ અને આધ્યાત્મિક શિક્ષણોએ જાપાનની સંસ્કૃતિ પર ઊંડી અસર કરી.

Bodhidharma - Wikipedia
બોધિધર્મ (Photo: Wikipedia)

દારૂમા ડૉલનું નામ ‘ધર્મ’ શબ્દ પરથી આવ્યું છે, જે સંસ્કૃત શબ્દ છે અને બૌદ્ધ ધર્મના મૂળ સિદ્ધાંતોને દર્શાવે છે. શોરિનઝાન દારૂમા-જી મંદિર, જે બોધિધર્મને સમર્પિત છે, દારૂમા ડૉલનું જન્મસ્થળ માનવામાં આવે છે અને આ મંદિર ભારત-જાપાનના ઐતિહાસિક જોડાણનું પ્રતીક છે. દારૂમા ડૉલ ભારતના બૌદ્ધ ધર્મના વૈશ્વિક પ્રસાર અને તેની જાપાનની સંસ્કૃતિ પરની અસરનું જીવંત ઉદાહરણ છે.

દારૂમા ડૉલનો ઉપયોગ

દારૂમા ડૉલનો ઉપયોગ જાપાનમાં લક્ષ્ય નિર્ધારણ અને સફળતાના પ્રતીક તરીકે થાય છે. આ ડૉલની ખાસ વિશેષતા એ છે કે તેની આંખો શરૂઆતમાં ખાલી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ લક્ષ્ય નક્કી કરે છે, ત્યારે તે ડૉલની એક આંખ રંગે છે, જે લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. જ્યારે લક્ષ્ય પૂર્ણ થાય છે, ત્યારે બીજી આંખ રંગવામાં આવે છે, જે સફળતાની ઉજવણી દર્શાવે છે.

What is daruma doll?: How to use, History, FAQs
દારૂમા ડૉલની આંખ રંગવાની પ્રક્રિયા (ફોટો: DARUMA JP)

દારૂમા ડૉલનો ઉપયોગ જાપાનમાં નવા વર્ષે, પરીક્ષાઓ, વ્યવસાયિક સફળતા, આરોગ્ય અને વ્યક્તિગત વિકાસ માટે શુભ માનવામાં આવે છે. ઘરો, દુકાનો, મંદિરો અને ઓફિસોમાં આ ડૉલને સન્માનની સાથે રાખવામાં આવે છે. દર વર્ષે, જૂની ડૉલને શોરિનઝાન મંદિરમાં દારૂમા કુયો સમારોહમાં બાળવામાં આવે છે.

દારૂમા ડૉલ વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં દરેક રંગનું પોતાનું મહત્વ છે.

  • લાલ: સારા ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક
  • સફેદ: પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક
  • સોનેરી: ધન અને સફળતાનું પ્રતિક
  • લીલો: આરોગ્ય અને તંદુરસ્તીનું પ્રતિક

આ ડૉલનો ઉપયોગ માત્ર ધાર્મિક હેતુઓ માટે જ થાય છે એવું નથી, પરંતુ તે જાપાનના પૉપ કલ્ચર, રમતો અને એનિમેમાં પણ જોવા મળે છે, જે તેની વ્યાપક લોકપ્રિયતા દર્શાવે છે.

દારૂમા ડૉલ ક્યાં બનાવવામાં આવે છે?

80% દારૂમા ડૉલ જાપાનના ગુન્મા પ્રીફેક્ચરનું તાકાસાકી શહેરમાં આવેલ શોરિનઝાન દારૂમા-જી મંદિર ખાતે બનાવવામાં આવે છે. આ મંદિરને દારૂમા ડૉલનું જન્મસ્થળ માનવામાં આવે છે. 17મી સદીમાં, સદીમાં ડૉલ બનાવવાની શરૂઆત થઈ હતી અને આજે પણ તાકાસાકીમાં દર વર્ષે દારૂમા-ઇચી (દારૂમા ડૉલ ફેસ્ટિવલ) નામનો તહેવાર ઉજવાય છે, જ્યાં હજારો લોકો નવી ડૉલ ખરીદવા અને જૂની ડૉલને વિદાય આપવા આવે છે.

વડા પ્રધાન મોદીને દારૂમા ડૉલ કેમ આપવામાં આવી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 29 ઑગસ્ટના રોજ દારૂમા ડૉલ ભેટમાં આપવામાં આવી હતી. જાપાની સંસ્કૃતિમાં, દારૂમા ડૉલ ભેટ આપવી એ વ્યક્તિની નિશ્ચયશક્તિ અને લક્ષ્ય પ્રાપ્તિની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કરવાની એક રીત છે. આ ભેટ ભારત અને જાપાન વચ્ચેની ગાઢ મિત્રતા, પરસ્પર આદર અને સહિયારા લક્ષ્યોની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની પ્રગતિ અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાને સન્માન આપવા માટે આ ભેટ આપવામાં આવી હતી.

PM મોદીએ આ ભેટ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “તાકાસાકી-ગુન્મામાં શોરિંઝાન દારુમા-જી મંદિરના મુખ્ય પૂજારી રેવરન્ડ સેઇશી હિરોઝને મળીને મને ખૂબ આનંદ થયો. મને દારુમા ડૉલ ભેટ આપવા બદલ હું તેમનો આભાર માનું છું. જાપાનમાં દારુમાને એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક પ્રતીક માનવામાં આવે છે અને ભારત સાથે પણ તેનો ઊંડો સંબંધ છે. તે પ્રખ્યાત સાધુ બોધિધર્મથી પ્રભાવિત છે.”

દારૂમા ડૉલનું ભારતીય મૂળ, બોધિધર્મ સાથેનું તેનું જોડાણ આ ભેટને વધુ અર્થપૂર્ણ બનાવે છે. આ ભેટ ભારત-જાપાનના ઐતિહાસિક અને આધ્યાત્મિક જોડાણને ઉજાગર કરે છે, જે બૌદ્ધ ધર્મની ભારતથી ચીન અને જાપાન સુધીની યાત્રાની યાદ અપાવે છે. આ ઉપરાંત, આ ભેટ ભારત-જાપાનના વેપાર, રોકાણ, ટેકનોલોજી, ઊર્જા, નવીનીકરણ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા જેવા ક્ષેત્રોમાં સહયોગને વધારવાના સંયુક્ત લક્ષ્યોનું પણ પ્રતીક છે.

બોધિધર્મ સાથેનું તેનું ભારતીય જોડાણ આ ડૉલને બંને દેશો વચ્ચેના સહસ્ત્રાબ્દીઓ જૂના સંબંધોનું પ્રતીક બનાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ડૉલ ભેટ આપવી એ જાપાનની સંસ્કૃતિની ઝલક બતાવે છે અને ભારતના આધ્યાત્મિક વારસાને ઉજાગર કરે છે, જે આજે પણ વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી છે. આ ભેટ ભારત-જાપાનની મિત્રતા અને સહયોગની નવી ઊંચાઈઓની આશાનું પ્રતીક છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં