Monday, December 23, 2024
More
    હોમપેજદેશPM મોદીએ આપી LIC બીમા સખી યોજનાને લીલી ઝંડી: ₹100 કરોડનું ભંડોળ...

    PM મોદીએ આપી LIC બીમા સખી યોજનાને લીલી ઝંડી: ₹100 કરોડનું ભંડોળ ફાળવ્યું, 1 લાખથી વધુ મહિલાઓને મળશે લાભ, 3 વર્ષ સુધી મળશે વીમા એજન્ટ બનવાની તાલીમ અને સ્ટાઇપેન્ડ

    જો કોઈ વ્યક્તિ પહેલેથી જ LICમાં એજન્ટ અથવા કર્મચારી છે, તો તેના નજીકના પરિવારના સભ્યો આ યોજના હેઠળ અરજી કરી શકશે નહીં. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ LICમાંથી સેવા નિવૃત્ત થઈ ચૂક્યો છે અથવા ભૂતપૂર્વ એજન્ટ છે, તો તે પણ આ યોજના માટે આવેદન ભરી શકશે નહીં.

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર મહિલાઓને સશક્ત (Women Empowerment) બનાવવાના દરેક શક્ય પ્રયાસો કરી રહી છે. ત્યારે 9 ડિસેમ્બરે હરિયાણાના પાનીપત ખાતે PM નરેન્દ્ર મોદીએ બીમા સખી યોજના (Bima Sakhi Yojana) લોન્ચ કરી હતી. આ યોજના ભારતીય જીવન વીમા નિગમની એક પહેલ છે. આ યોજનાનો ઉદ્દેશ દેશની અડધી વસ્તીને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે.

    હરિયાણાના પાનીપત ખાતે PM મોદીએ બીમા સખી યોજનાનો શુભારંભ કર્યો હતો. આ યોજના દેશભરમાં 18-70 વર્ષની વય જૂથની 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. સરકારે બીમા સખી યોજના માટે ₹100 કરોડનું પ્રારંભિક ભંડોળ આપ્યું છે. બીમા સખી યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને નોકરીની તકો અને નિશ્ચિત આવક સુનિશ્ચિત કરવાનો છે.

    ઉલ્લેખનીય છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મોદી સરકારે આ અગાઉ પણ ઘણી યોજના લોન્ચ કરેલી છે. ત્યારે બીમા સખી યોજનાનો લાભ લેનાર મહિલાઓને ‘બીમા સખી’ તરીકે ઓળખવામાં આવશે. આ મહિલાઓ તે પોતાના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવામાં મદદ કરશે. જેના કારણે તેમને સ્વરોજગારીની તક મળશે.

    - Advertisement -

    શું છે બીમા સખી યોજના?

    ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC દ્વારા કરવામાં આવેલ આ પહેલ 18થી 70 વર્ષની વયની ધોરણ 10 પાસ કરેલી મહિલાઓને સશક્ત બનાવવા માટે કરવામાં આવી છે. આ યોજના હેઠળ, શિક્ષિત મહિલાઓને તાલીમ આપવામાં આવશે. જે દરમિયાન તેમને સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે. તાલીમ પછી, મહિલાઓ એલઆઈસીમાં વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે. આ સિવાય બેચલર પાસ બીમા સખીઓને LICમાં ડેવલપમેન્ટ ઓફિસર બનવાની તક મળશે.

    કોને મળશે લાભ અને શું છે યોજનાના ઉદ્દેશ?

    આ યોજનાનો લાભ એવી મહિલાઓને મળશે જેમની પાસે ધોરણ 10 પાસ, મેટ્રિક કે હાઈસ્કૂલનું સર્ટિફિકેટ હશે. આ યોજનામાં 18થી 70 વર્ષની ઉંમર સુધીની મહિલાઓ આવેદન ભરી શકશે. આ યોજના અંતર્ગત મહિલાઓને 3 વર્ષની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન મહિલાઓને વીમાનું મહત્વ સમજાય અને નાણાકીય સમજ ઉભી થાય એવા પ્રયાસ કરવામાં આવશે. આ

    3 વર્ષની તાલીમ દરમિયાન મહિલાઓને દર મહિને સ્ટાઇપેન્ડ સ્વરૂપે વેતન ચૂકવવામાં આવશે. યોજના હેઠળ અપાતી તાલીમમાં મહિલાઓને વીમા પોલિસી વેચવાની સમજ આપવામાં આવશે, જેથી તેઓ તેમની આવકમાં વધારો કરી શકે. આ યોજનાનો હેતુ મહિલાઓને વીમા એજન્ટ તરીકે આત્મનિર્ભર બનાવવાનો અને તેમને નાણાકીય સાક્ષરતા માટે તાલીમ આપવાનો છે.

    આ યોજના હેઠળ મહિલાઓ કેવી રીતે કરશે કામ?

    તાલીમ દરમિયાન મહિલાઓને જે રકમ અથવા સ્ટાઇપેન્ડ મળવાનું છે તેનું વિવરણ નીચે અનુસાર છે.

    LIC ની સત્તાવાર વેબસાઇટ અનુસાર, યોજના હેઠળ, બીમા સખીઓએ પ્રથમ વર્ષમાં 24 પોલિસી વેચવી પડશે. એટલે કે બીમા સખીઓએ દર મહિને 2 પ્લાન વેચવા પડશે. આ માટે, બોનસ સિવાય, તેને પ્રથમ વર્ષમાં કમિશન તરીકે ₹48,000 મળશે. એટલે કે દર મહિને 2 LIC પ્લાન વેચવા પર તમને ₹4000નું કમિશન મળશે.

    ત્યારપછી પ્રથમ વર્ષે વેચેલી 24 પોલિસીમાંથી 65 ટકા બીજા અને ત્રીજા વર્ષમાં પણ એક્ટિવ રખાવવી પડશે. અહેવાલ મુજબ બીમા સખી તેમના વિસ્તારની મહિલાઓને વીમો કરાવવામાં મદદ કરશે. આ માટે તેમને વિશેષ તાલીમ આપવામાં આવશે અને આ દરમિયાન, તેમને પ્રથમ વર્ષે ₹7000, બીજા વર્ષે ₹6000 અને ત્રીજા વર્ષે ₹5000નું માસિક સ્ટાઇપેન્ડ મળશે.

    બીજા વર્ષે દર મહિને ₹6,000 આપવામાં આવશે. જે મહિલાઓ વીમા એજન્ટ તરીકે કામ કરી રહી હોય તેમણે તેમના પ્રથમ વર્ષમાં વેચાયેલી પોલિસીમાંથી ઓછામાં ઓછી 65% પોલિસી બીજા વર્ષના સુધી એક્ટિવ રાખવી પડશે. આ સિવાય ત્રીજા વર્ષે મહિલાઓને માસિક ₹5,000 ચૂકવવામાં આવશે. ત્રીજા વર્ષમાં તેમણે બીજા વર્ષે વેચેલી પોલીસીમાંથી 65% પોલીસી ત્રીજા વર્ષના અંત સુધી એક્ટિવ રાખવી પડશે.

    કેવી રીતે ભરી શકાશે આવેદન?

    આ યોજના માટે LICની સત્તાવાર વેબસાઇટ પર જઈને આવેદન ભરી શકાશે. ફોર્મમાં મહિલાઓએ નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામું વગેરે વિગતો ભરવી પડશે. જો કોઈ આવેદનકર્તા એલઆઈસી ઈન્ડિયાના કોઈપણ એજન્ટ/વિકાસ અધિકારી/કર્મચારી/તબીબી પરીક્ષક સાથે સબંધિત હોય તો તેની પણ માહિતી ભરવી પડશે. આ સિવાય મહિલાઓએ તેમની ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો અને 10પાસ કે મેટ્રિકનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.

    આ લોકો નહીં ભરી શકે આવેદન…

    જો કોઈ વ્યક્તિ પહેલેથી જ LICમાં એજન્ટ અથવા કર્મચારી છે, તો તેના નજીકના પરિવારના સભ્યો આ યોજના હેઠળ અરજી કરી શકશે નહીં. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ LICમાંથી સેવા નિવૃત્ત થઈ ચૂક્યો છે અથવા ભૂતપૂર્વ એજન્ટ છે, તો તે પણ આ યોજના માટે આવેદન ભરી શકશે નહીં. વર્તમાન એજન્ટ પણ આવેદન ભરી શકશે નહીં.

    આ યોજના હેઠળ કામ કરતી મહિલાઓ સત્તાવાર પગારદાર કહેવાશે નહીં..

    બીમા સખી યોજના અંતર્ગત જે મહિલાઓની નિમણુક કરવામાં આવશે તે LICના કર્મચારી તરીકે પગારદાર કહેવાશે નહીં કે કોર્પોરેશનના નિયમિત કર્મચારી ગણાશે નહીં. આ મહિલાઓ LICમાં તાલીમાર્થી અથવા તો મદદનીશ તરીકે કાર્ય કરશે. જોકે, તેમને નિશ્ચિત સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. મોદી સરકાર દ્વારા આ યોજના મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે લોન્ચ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે અહેવાલ PM મોદીના કાર્યકાળ દરમિયાન મહિલા શ્રમ દળમાં આવેલ વધારો સૂચવે છે. આ અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સ્તરે ગ્રામીણ મહિલા LFPR 2017-2018 અને 2022-2023 વચ્ચે 24.6%થી વધીને 41.5% થવા પામ્યો છે. જે 5 વર્ષના સમયગાળામાં એકંદરે 69%ની વૃદ્ધિ દર્શાવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં