હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમાતા શૈલપુત્રી: સતીથી પાર્વતી સુધીની યાત્રા અને ઉપનિષદોમાં પ્રગટ થતું દેવીતત્વ

માતા શૈલપુત્રી: સતીથી પાર્વતી સુધીની યાત્રા અને ઉપનિષદોમાં પ્રગટ થતું દેવીતત્વ

જીવનની દરેક નવી શરૂઆત માટે આ સમજ ઉપયોગી છે. માતા શૈલપુત્રી નવદુર્ગાની યાત્રાનું પ્રથમ સ્વરૂપ છે, પરંતુ તેમની કથા માત્ર શરૂઆતની વાત નથી. તે આપણને એ સમજવાની દિશા આપે છે કે જીવનમાં આગળ વધવા માટે પરિવર્તન જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી છે પોતાના મૂળ આધારને ઓળખવો.

- Advertisement -

એક યજ્ઞમાં આમંત્રિત ન કરાયેલા શિવ, પોતાના પતિનું અપમાન સહન ન કરી શકનારાં સતી અને એ જ દેવીનું હિમાલયના ઘરે પાર્વતીરૂપે પુનઃપ્રાગટ્ય. સતીની કથા જ્યાં પૂરી થાય છે ત્યાંથી પાર્વતીની કથા શરૂ થાય છે. પરંતુ આ બે કથાઓને જોડતી કડી માત્ર પુનર્જન્મ નથી. સતી ફરી પાર્વતીરૂપે પ્રગટ થાય છે ત્યારે તેમની સામે ફરી એક યાત્રા છે, ફરી એક સાધના છે અને ફરી એ જ શિવણે પ્રાપ્ત કરવાનો સંકલ્પ છે, જેમની સાથે તેમનું સનાતન જોડાણ છે. એક દેહનો અંત આવ્યો, જન્મનું સ્થળ બદલાયું, માતા-પિતા બદલાયાં, નામ બદલાયું, છતાં દેવીનું શિવ સાથેનું જોડાણ અખંડ રહ્યું. સતી અને પાર્વતીની કથા આપણી સામે એક એવો વિચાર મૂકે છે, જેનો સંબંધ માત્ર દેવીઓના પ્રાગટ્ય સાથે નથી, પરંતુ જીવનમાં આવતા પરિવર્તનોને આપણે કઈ દૃષ્ટિએ જોઈએ છીએ તેની સાથે પણ છે. શું કોઈ એક ઘટના, કોઈ એક વિયોગ કે કોઈ એક અંત આપણા સમગ્ર અસ્તિત્વનો અંત બની શકે? કે પછી જેનો અંત દેખાય છે, તેનાથી આગળ પણ કોઈ યાત્રા શેષ રહેતી હોય છે?

સનાતન ધર્મની પરંપરામાં દેવીની કથાઓ માત્ર ઘટનાઓનું વર્ણન કરતી નથી. તે સૃષ્ટિ, શક્તિ, ચેતના અને અસ્તિત્વ વિશેના એવા વિચારોને પણ પ્રગટ કરે છે, જેની ઊંડાઈ સમજવા માટે કથાથી આગળ જવું પડે. નવરાત્રિના પ્રથમ દિવસે પૂજાતાં માતા શૈલપુત્રીનું સ્વરૂપ આવી જ એક યાત્રાનો આરંભ છે. તેમનું નામ જ તેમની ઓળખનો આધાર આપે છે. ‘શૈલ’ એટલે પર્વત અને ‘પુત્રી’ એટલે પુત્રી. પર્વતરાજ હિમાલયને ત્યાં પ્રગટ થયેલાં દેવી પાર્વતી શૈલપુત્રી તરીકે ઓળખાય છે. પરંતુ નવદુર્ગાના પ્રથમ સ્વરૂપને સમજવાની શરૂઆત માત્ર નામના અર્થથી થતી નથી. તેની પાછળ સતીથી પાર્વતી સુધી વિસ્તરતી પૌરાણિક કથા છે અને એ કથાની પાછળ દેવીતત્વના સાતત્યનો વિચાર છે. આ સાતત્યને સમજીએ ત્યારે માતા શૈલપુત્રીનું સ્વરૂપ માત્ર નવરાત્રિના પ્રથમ દિવસની આરાધના પૂરતું સીમિત રહેતું નથી. તે પરિવર્તન વચ્ચે અખંડ રહેતા મૂળ તત્વ તરફ આપણું ધ્યાન ખેંચે છે.

સતીનો દેહત્યાગ અને પાર્વતીનું પ્રાગટ્ય

પ્રજાપતિ દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. દેવતાઓ અને ઋષિઓને આમંત્રણ આપવામાં આવ્યાં, યજ્ઞની તૈયારીઓ થઈ અને યજ્ઞસ્થળે વૈભવ તથા અધિકારનું પ્રદર્શન પણ હતું. પરંતુ દક્ષે પોતાની પુત્રી સતીના પતિ ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહીં. સતીને જ્યારે પિતાના યજ્ઞની જાણ થઈ ત્યારે તેઓ ત્યાં જવા ઇચ્છતાં હતાં. ભગવાન શિવે તેમને સમજાવ્યાં કે જ્યાં આમંત્રણ નથી અને જ્યાં અપમાનની સંભાવના છે ત્યાં જવું યોગ્ય નથી. છતાં સતી પિતાના ઘરે પહોંચ્યાં. તેમને આશા હતી કે પિતાના સ્નેહ અને પુત્રી તરીકેના સંબંધને કારણે ત્યાં તેમનું સ્વાગત થશે, પરંતુ યજ્ઞમાં ભગવાન શિવ પ્રત્યે અપમાનજનક વલણ જોઈને તેમનું હૃદય વ્યથિત થયું. પતિનું અપમાન તેમની સામે થઈ રહ્યું હતું અને એ અપમાન કરનાર કોઈ અજાણી વ્યક્તિ નહીં, તેમના પોતાના પિતા હતા.

- Advertisement -

સતી માટે આ માત્ર પારિવારિક વિવાદ નહોતો. ભગવાન શિવ તેમના પતિ જ નહીં, તેમના આરાધ્ય પણ હતા. દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન થતું જોઈને તેઓ પોતાના પિતાના અધિકાર કે યજ્ઞના વૈભવને મહાદેવના ગૌરવથી ઉપર સ્થાન આપી શક્યાં નહીં. શિવપુરાણની પરંપરામાં વર્ણવાતી આ કથા સતીના દેહત્યાગ સાથે એક કરુણ વળાંક લે છે. તેઓ યોગબળથી દેહત્યાગ કરે છે. દક્ષના યજ્ઞમાં જે અપમાન થયું હતું, તે માત્ર એક સંબંધમાં સર્જાયેલો વિખવાદ નહોતો. તે અહંકાર અને શ્રદ્ધા, બાહ્ય વૈભવ અને આંતરિક નિષ્ઠા વચ્ચેનો સંઘર્ષ પણ હતો. યજ્ઞની ભવ્યતા હોવા છતાં ત્યાં સંબંધોની પવિત્રતા અને શિવ પ્રત્યેના સન્માનનો અભાવ હતો.

સતીના દેહત્યાગ પછીની કથા પણ એટલી જ મહત્ત્વની છે. જો આ પ્રસંગનો અંત સતીના દેહત્યાગ સાથે જ થઈ ગયો હોત તો તે એક કરુણ પૌરાણિક કથા બનીને રહી જાત. પરંતુ દેવીનું પ્રાગટ્ય ત્યાં અટકતું નથી. શિવપુરાણના રુદ્રસંહિતાના સતી ખંડમાં પાર્વતીના પ્રાગટ્યનો ઉલ્લેખ કરતા શ્લોક આવે છે.

‘તતશ્ચ સા સતી દેવી હિમાલયસુતાભવત્।

તસ્યાશ્ચ પાર્વતી નામ પ્રસિદ્ધમભવત્તદા॥’

અર્થાત્, ત્યાર પછી એ જ દેવી સતી હિમાલયની પુત્રી બન્યાં અને તે સમયે તેમનું નામ પાર્વતી તરીકે પ્રસિદ્ધ થયું.

આ શ્લોકમાં ‘સા સતી દેવી’ એટલે એ જ દેવી સતી, એવો ભાવ છે. અહીં પાર્વતી કોઈ અલગ દેવી તરીકે સતીના સ્થાને આવતાં નથી. સતીનું જ પાર્વતીરૂપે પ્રાગટ્ય થાય છે. આથી કથાનો અર્થ માત્ર એટલો નથી કે એક દેહનો અંત આવ્યો અને બીજા દેહમાં જન્મ થયો. અહીં દેવીના સ્વરૂપનું સાતત્ય સ્પષ્ટ થાય છે. સતી અને પાર્વતીનાં નામ જુદાં છે, તેમના જન્મસંજોગો જુદા છે, પરંતુ તેમના મૂળ સ્વરૂપમાં વિચ્છેદ નથી.

આ જ બાબત આ કથાને વિશેષ અર્થ આપે છે. મનુષ્ય પોતાના જીવનને સામાન્ય રીતે જુદા જુદા તબક્કાઓમાં વહેંચીને જુએ છે. બાળપણ, યુવાની, પરિવારજીવન, વ્યવસાય, સંબંધો અને જીવનના અંતિમ પડાવ સુધીની યાત્રામાં ઘણું બદલાય છે. કોઈ સમયે જે ઓળખ સૌથી મહત્ત્વની લાગતી હોય, તે જ ઓળખ થોડાં વર્ષો પછી પાછળ રહી જાય છે. જે સંબંધ કાયમી લાગતો હતો, તે તૂટી શકે છે. જે કામને જીવનનું ધ્યેય માન્યું હોય, તેમાં નિષ્ફળતા મળી શકે છે. આવી ઘટનાઓ માત્ર બહારની પરિસ્થિતિને જ બદલતી નથી, ઘણી વાર માણસ પોતાની જાતને જે રીતે જુએ છે તે પણ બદલી નાખે છે. કોઈ વ્યક્તિને વ્યવસાયમાં નિષ્ફળતા મળે તો તે પોતાની જાતને જ નિષ્ફળ માનવા લાગે છે. કોઈ સંબંધ તૂટી જાય તો તેને લાગે છે કે જીવનનો સૌથી મહત્વનો આધાર જ ખસી ગયો. કોઈ એક ભૂલ માટે મળેલી સજાને તે પોતાની આખી ઓળખ બનાવી લે છે.

સતીથી પાર્વતી સુધીની કથા આ પ્રકારના માનવીય અનુભવને સમજવા માટે એક વિચારદૃષ્ટિ આપે છે. અહીં એક અવસ્થાનો અંત બીજી અવસ્થાના પ્રાગટ્યને અટકાવતો નથી. જોકે દેવીના દિવ્ય પ્રાગટ્યને માનવજીવનના સામાન્ય અનુભવોની સમકક્ષ મૂકી શકાય નહીં, તેમ છતાં કથામાંથી મળતી પ્રેરણા સ્પષ્ટ છે. જીવનનો કોઈ તબક્કો પૂરો થાય ત્યારે આખું જીવન પણ પૂરું થઈ ગયું છે એવું માની લેવું જરૂરી નથી. અંતની પીડા વાસ્તવિક હોય છે, વિયોગનું દુઃખ પણ વાસ્તવિક હોય છે, પરંતુ એ પીડા જ સમગ્ર ભવિષ્યનું અંતિમ સત્ય બની જાય એવું નથી. કેટલીક વાર જીવનને ફરી ગોઠવવા માટે જૂની પરિસ્થિતિમાં પાછા જવું શક્ય હોતું નથી. નવી પરિસ્થિતિમાં આગળ વધવું પડે છે, પોતાની ઓળખને નવેસરથી સમજવી પડે છે અને જે મૂલ્યો ખરેખર પોતાના છે તેમને ફરી ઓળખવા પડે છે.

આવી નવી શરૂઆતનો અર્થ ભૂતકાળને ભૂંસી નાખવાનો નથી. સતીની કથા પાર્વતીની કથામાંથી ગાયબ થઈ જતી નથી. તે પાર્વતીના પ્રાગટ્યને સમજવા માટેનો પાયો બની રહે છે. આ રીતે જોઈએ તો નવી શરૂઆત હંમેશાં જૂની યાત્રાને નકારવાથી થતી નથી. ક્યારેક ભૂતકાળમાં બનેલી ઘટના જ આપણને પોતાની નિષ્ઠા, પોતાની મર્યાદા અને પોતાના જીવનના સાચા આધાર વિશે વધુ સ્પષ્ટ બનાવે છે. પ્રશ્ન એ નથી કે જીવનમાં પરિવર્તન આવે છે કે નહીં. પરિવર્તન તો આવે જ છે. પ્રશ્ન એ છે કે પરિવર્તન વચ્ચે આપણે શું ગુમાવીએ છીએ, શું જાળવી રાખીએ છીએ અને શું નવેસરથી પ્રાપ્ત કરીએ છીએ.

પર્વતની પુત્રી હોવાનો અર્થ

હિમાલયની પુત્રી તરીકે પ્રગટ થયેલાં દેવી પાર્વતીને શૈલપુત્રી કહેવામાં આવે છે. હિમાલય માત્ર એક પર્વતમાળા નથી, ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતનામાં તેનું સ્થાન વિશેષ છે. તે દેવભૂમિ છે, ઋષિઓની તપોભૂમિ છે અને અનેક પવિત્ર નદીઓના ઉદ્ગમનું સ્થાન છે. પર્વતની વિશાળતા, ઊંચાઈ અને સ્થિરતા મનુષ્યને હંમેશા આકર્ષતી રહી છે. પર્વત પર ઋતુઓ બદલાય છે, બરફ પીગળે છે, નદીઓ વહે છે, વનસ્પતિ ઊગે છે અને સમયના પ્રવાહમાં તેની રચનામાં પણ ફેરફાર થાય છે. છતાં પર્વતની ઓળખ માત્ર તેની સપાટી પર થતા ફેરફારોથી નક્કી થતી નથી. તેની વિશાળતા અને સ્થિરતા તેને સમજવા માટે વધુ ઊંડો દૃષ્ટિકોણ માગે છે.

માતા શૈલપુત્રીના નામનો આ પર્વતીય સંદર્ભ આપણને સ્થિરતાનો અર્થ સમજવાની તક આપે છે. સ્થિરતા એટલે પરિવર્તનનો સંપૂર્ણ અભાવ નહીં. જો કોઈ વ્યક્તિ જીવનમાં ક્યારેય બદલાતી જ ન હોય, પોતાના વિચારોની સમીક્ષા ન કરતી હોય, ભૂલમાંથી શીખતી ન હોય અને નવી પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળતી ન હોય તો એ સ્થિરતા કરતાં જડતા વધારે કહેવાય. સાચી સ્થિરતા એ છે કે માણસ બદલાતી પરિસ્થિતિઓમાં પણ પોતાના જીવનની દિશા ગુમાવે નહીં. તે જરૂર પડે ત્યારે નિર્ણય બદલી શકે, પોતાની ભૂલ સ્વીકારી શકે, જૂની રીત છોડીને નવી રીત અપનાવી શકે, છતાં પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા અને વિવેક જેવા મૂલ્યોને જાળવી રાખે.

આ ભેદ સમજવો મહત્ત્વનો છે, કારણ કે મનુષ્ય ઘણી વાર પોતાની ઓળખને એવી બાબતો સાથે બાંધી દે છે, જે કાયમી નથી. પદ, સંપત્તિ, પ્રતિષ્ઠા અને લોકોની પ્રશંસા જીવનમાં મહત્ત્વ ધરાવે છે, પરંતુ એ બધું બદલાઈ શકે છે. જે વ્યક્તિની આખી ઓળખ તેના પદ પર આધારિત હોય, તેને પદ ગુમાવતાં પોતાનું અસ્તિત્વ જ ખોવાઈ ગયું હોય એવું લાગે છે. જે વ્યક્તિ પોતાની કિંમત માત્ર બીજાની સ્વીકૃતિથી માપે છે, તેને ટીકા મળતાં પોતાની જાત પ્રત્યે જ શંકા થવા લાગે છે. જે વ્યક્તિએ જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો કર્યો ન હોય, તે પહેલી નિષ્ફળતાને જ પોતાના સામર્થ્યનો અંતિમ નિર્ણય માની બેસે છે.

પરંતુ માણસનું જીવન કોઈ એક પદ, એક સંબંધ કે એક પરિણામ કરતાં મોટું છે. પોતાની ભૂલ સ્વીકારવી એ પોતાની આખી ઓળખનો ઇનકાર કરવો નથી. કોઈ સંબંધનો અંત આવે તો જીવનમાં પ્રેમ કરવાની ક્ષમતા સમાપ્ત થઈ જતી નથી. વ્યવસાયમાં નિષ્ફળતા મળે તો શીખવાની અને ફરી પ્રયત્ન કરવાની ક્ષમતા નષ્ટ થઈ જતી નથી. કોઈ વ્યક્તિ આપણું મૂલ્ય ન સમજે, એટલે આપણું મૂલ્ય જ નથી એવું પણ નથી. આ સમજ કોઈ સરળ આશ્વાસન નથી. તે પોતાની પરિસ્થિતિને વાસ્તવિક રીતે જોવાની અને એક જ અનુભવને સમગ્ર જીવનનું માપદંડ ન બનાવી દેવાની ક્ષમતા છે.

માતા શૈલપુત્રીનું સ્વરૂપ આ વિચાર સાથે એક અર્થસભર સંવાદ સ્થાપિત કરે છે. સતીથી પાર્વતી સુધીની યાત્રામાં પ્રાગટ્યના સંજોગો બદલાય છે, પરંતુ દેવીનું મૂળ સ્વરૂપ અખંડ રહે છે. આ કથામાંથી મળતી પ્રેરણા સમજવી જરૂરી છે. મનુષ્ય દેવીની જેમ દિવ્ય સ્વરૂપનું સાતત્ય ધરાવતો હોવાનો દાવો કરી શકે નહીં, પરંતુ પોતાના જીવનમાં પરિવર્તન આવે ત્યારે પોતાની અંદર રહેલા મૂલ્યો, વિવેક અને કર્તવ્યની ઓળખ જાળવી રાખવાનો પ્રયાસ કરી શકે છે. ક્યારેક જૂની પરિસ્થિતિમાં પાછા ફરવું શક્ય નથી હોતું. ત્યારે પોતાની અંદરના આધારને ઓળખીને આગળ વધવું પડે છે. નવી શરૂઆતની સૌથી મોટી કસોટી એ જ છે કે માણસ બદલાય, પરંતુ બદલાવની પ્રક્રિયામાં પોતાનું શ્રેષ્ઠ સ્વરૂપ ગુમાવી ન બેસે.

દેવતાઓનો વિજય અને ઉમા હૈમવતીનું પ્રાગટ્ય

માતા શૈલપુત્રીના સ્વરૂપને સમજવા માટે પૌરાણિક કથામાંથી ઉપનિષદોના તાત્વિક વિશ્વ તરફ પણ નજર કરવી જરૂરી છે. કેનોપનિષદમાં એક એવો પ્રસંગ આવે છે, જેમાં દેવતાઓ અસુરો પર વિજય મેળવે છે. વિજય પછી દેવતાઓને પોતાના સામર્થ્યનો ગર્વ થાય છે. તેઓ માને છે કે આ વિજય તેમની પોતાની શક્તિનું પરિણામ છે. એ સમયે બ્રહ્મ યક્ષરૂપે પ્રગટ થાય છે. દેવતાઓ એ યક્ષ કોણ છે તે જાણી શકતા નથી. પહેલાં અગ્નિને મોકલવામાં આવે છે. અગ્નિ પોતાની દહનશક્તિનો પરિચય આપે છે, પરંતુ યક્ષ તેની સામે એક તૃણ મૂકે છે અને અગ્નિ તેને બાળી શકતો નથી. ત્યાર પછી વાયુ આવે છે. વાયુ પોતાની શક્તિનો દાવો કરે છે, પરંતુ તે પણ યક્ષ દ્વારા મૂકવામાં આવેલા તૃણને હલાવી શકતો નથી. બંને દેવતાઓ પોતાની શક્તિની મર્યાદાનો અનુભવ કરીને પાછા ફરે છે.

અંતે ઇન્દ્ર યક્ષને જાણવા આગળ વધે છે. પરંતુ ઇન્દ્ર તેની પાસે પહોંચે તે પહેલાં જ યક્ષ અદૃશ્ય થઈ જાય છે. એ જ સ્થળે ઇન્દ્રને ઉમા હૈમવતીનાં દર્શન થાય છે. તેઓ ઇન્દ્રને જણાવે છે કે જે યક્ષ પ્રગટ થયો હતો તે બ્રહ્મ હતું અને દેવતાઓને જે વિજય પ્રાપ્ત થયો હતો, તે બ્રહ્મને કારણે શક્ય બન્યો હતો. કેનોપનિષદના ત્રીજા ખંડના બારમા મંત્રમાં ઉમા હૈમવતીના પ્રાગટ્યનું વર્ણન આ રીતે છે:

‘સ તસ્મિન્નેવાકાશે સ્ત્રિયમાજગામ બહુશોભમાનામુમાꣳ હૈમવતીમ્।’

અર્થાત્, એ જ આકાશમાં ઇન્દ્રે અત્યંત શોભાયમાન ઉમા હૈમવતી નામની સ્ત્રીને જોઈ. ત્યાર પછીના સંવાદમાં ઉમા ઇન્દ્રને બ્રહ્મનું જ્ઞાન આપે છે. આ પ્રસંગનો મુખ્ય વિષય બ્રહ્મની મહત્તા અને દેવતાઓના અહંકારનું નિવારણ છે. તેમ છતાં ઉમા હૈમવતીનું સ્વરૂપ અને પાર્વતી-ઉમાની વ્યાપક શૈવ-શાક્ત પરંપરા વચ્ચેનો સંબંધ દેવીતત્વના તાત્વિક પરિમાણને સમજવા માટે એક અગત્યનો સંદર્ભ પૂરો પાડે છે.

આ પ્રસંગમાં અગ્નિ અને વાયુની નિષ્ફળતા ખાસ ધ્યાન ખેંચે છે. બંને દેવતાઓ પાસે શક્તિ છે. અગ્નિ દહન કરી શકે છે, વાયુ ગતિ આપી શકે છે, પરંતુ પોતાની શક્તિનો પરિચય આપવાનો સમય આવે છે ત્યારે તેઓ એક સામાન્ય તૃણ સામે પણ નિષ્ફળ જાય છે. આનો અર્થ એવો નથી કે અગ્નિ અને વાયુની શક્તિ અસ્તિત્વમાં જ નથી. ઉપનિષદનો મુદ્દો એ છે કે દેવતાઓ પોતાની શક્તિને સ્વતંત્ર અને સંપૂર્ણ માની બેઠા છે. તેઓ વિજયમાં પોતાના યોગદાનને જ સર્વસ્વ માને છે અને એ વિજય પાછળ રહેલા બ્રહ્મના આધારને ઓળખતા નથી. યક્ષનો પ્રસંગ તેમની આ મર્યાદાને પ્રગટ કરે છે.

ઉમા હૈમવતીનું પ્રાગટ્ય આ અજ્ઞાન દૂર કરે છે. દેવતાઓને પોતાની શક્તિનો અનુભવ તો હતો, પરંતુ એ શક્તિના મૂળ વિશેનું જ્ઞાન નહોતું. ઇન્દ્રને બ્રહ્મનું જ્ઞાન ઉમા દ્વારા પ્રાપ્ત થાય છે. આથી કેનોપનિષદનો પ્રસંગ માત્ર દેવતાઓના અહંકારની કથા બની રહેતો નથી. તે શક્તિ અને જ્ઞાનના સંબંધને પણ પ્રગટ કરે છે. શક્તિ ધરાવવી એક બાબત છે, પરંતુ પોતાની શક્તિના મૂળને ઓળખવું અને તેની મર્યાદા સમજવી બીજી બાબત છે. જ્ઞાન વિના શક્તિ અહંકારને પોષી શકે છે. જ્ઞાન શક્તિને તેના યોગ્ય આધારનું ભાન કરાવે છે.

મનુષ્યના જીવનમાં પણ આ વાત અનેક રીતે દેખાય છે. કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળ થાય તો તેની પાછળ તેની મહેનત, પ્રતિભા અને સંકલ્પનો ફાળો હોય છે. પરંતુ ઘણી વાર સફળતા મળ્યા પછી માણસને એવું લાગવા માંડે છે કે જે કંઈ પ્રાપ્ત થયું છે તે માત્ર પોતાની જ ક્ષમતાનું પરિણામ છે. તેને પોતાના ગુરુનું માર્ગદર્શન, પરિવારનો સહયોગ, સાથીઓનું યોગદાન, સમાજે આપેલી તક અને સમયની અનુકૂળતા ભૂલાવા લાગે છે. પોતાની મહેનતનો સ્વીકાર કરવો યોગ્ય છે, પરંતુ પોતાની સફળતાના દરેક આધારને નકારીને તેને માત્ર પોતાની સિદ્ધિ માનવી એ વાસ્તવિકતાની અધૂરી સમજ છે. આ જ રીતે કોઈ વ્યક્તિ જ્ઞાન ધરાવતી હોય તોપણ જો તે શીખવાનું બંધ કરી દે અને પોતાની સમજને અંતિમ માની લે, તો તેનું જ્ઞાન જ તેની મર્યાદા બની શકે છે.

કેનોપનિષદનો પ્રસંગ આપણને નમ્રતા વિશેનો એક ઊંડો બોધ આપે છે. નમ્રતા એટલે પોતાની શક્તિનો ઇનકાર કરવો નહીં, પરંતુ પોતાની શક્તિની સાચી ઓળખ રાખવી. માણસે પોતાની સિદ્ધિઓ માટે પ્રયત્ન કરવો જોઈએ, પોતાની ક્ષમતાનો વિકાસ કરવો જોઈએ અને જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ સાથે-સાથે એ પણ સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિનું જ્ઞાન ક્યારેય સંપૂર્ણ નથી અને કોઈ સફળતા તેને સર્વજ્ઞ બનાવી દેતી નથી. પોતાની મર્યાદા ઓળખતો માણસ જ વધુ શીખી શકે છે, પોતાની ભૂલ સુધારી શકે છે અને પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.

અહીં ઉમા હૈમવતીનું સ્વરૂપ વિશેષ અર્થ ધરાવે છે. ઇન્દ્રને બ્રહ્મનું જ્ઞાન આપનારાં દેવી માત્ર એક પ્રસંગમાં પ્રગટ થતી દિવ્ય સ્ત્રી નથી. આ પ્રસંગમાં તેઓ દેવતાઓને તેમની પોતાની શક્તિ વિશેનું અજ્ઞાન દૂર કરાવે છે. જ્ઞાનનું આ સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે સાચું સામર્થ્ય માત્ર બળમાં નથી, પરંતુ બળના મૂળને ઓળખવામાં પણ છે. સનાતન પરંપરામાં દેવીતત્વને શક્તિ સાથે જોડવામાં આવે છે, પરંતુ શક્તિનો અર્થ માત્ર પ્રહાર કરવાની, વિજય મેળવવાની કે કોઈ કાર્ય કરી શકવાની ક્ષમતા પૂરતો નથી. શક્તિ જ્ઞાનને પ્રગટ કરે, વિવેકને આધાર આપે અને અહંકારની મર્યાદા સમજાવે ત્યારે તેનું તાત્વિક પરિમાણ વધુ સ્પષ્ટ બને છે.

નવદુર્ગાના પ્રથમ સ્વરૂપથી શરૂ થતી યાત્રા

દેવી કવચમાં નવદુર્ગાનાં નવ સ્વરૂપોની પરંપરાગત શ્રેણીમાં પ્રથમ નામ શૈલપુત્રીનું આવે છે. ત્યાર પછી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનાં સ્વરૂપોનો ક્રમ આવે છે. નવરાત્રિના નવ દિવસોમાં આ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. દરેક સ્વરૂપનું પોતાનું પૌરાણિક અને ઉપાસનાત્મક મહત્ત્વ છે. પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરીને ભક્ત નવદુર્ગાની યાત્રાનો આરંભ કરે છે.

શૈલપુત્રી પછી બ્રહ્મચારિણીનું સ્વરૂપ આવે છે, જે તપસ્યા અને સાધના સાથે જોડાયેલું છે. આ ક્રમને ધ્યાનમાં લઈએ તો એક સ્વાભાવિક વિચાર ઊભો થાય છે. કોઈ પણ ઊંડી યાત્રા માટે પહેલાં આધાર જરૂરી છે. સાધના શરૂ કરતા પહેલાં સાધકમાં નિષ્ઠા હોવી જોઈએ. જ્ઞાન મેળવતા પહેલાં શીખવાની તૈયારી હોવી જોઈએ. જીવનમાં પરિવર્તન લાવતા પહેલાં શું બદલવું છે અને શું જાળવી રાખવું છે તેની સમજ હોવી જોઈએ. ઉત્સાહ શરૂઆત કરાવી શકે છે, પરંતુ યોગ્ય આધાર અને સતત પ્રયત્ન જ યાત્રાને આગળ લઈ જાય છે.

આ વાત માત્ર આધ્યાત્મિક સાધના પૂરતી મર્યાદિત નથી. જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, નવી જવાબદારી સ્વીકારવાની હોય કે વર્ષોથી ચાલતી સમસ્યાનો ઉકેલ શોધવાનો હોય ત્યારે સૌથી પહેલાં પોતાની સ્થિતિને સાચી રીતે સમજવી પડે છે. માણસ ઘણી વાર પરિણામ બદલવા માગે છે, પરંતુ પોતાની ભૂમિકા તપાસવા તૈયાર હોતો નથી. તેને સંબંધ સુધારવો હોય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવી હોતી નથી. તેને સફળતા મેળવવી હોય છે, પરંતુ શીખવાની પ્રક્રિયામાંથી પસાર થવું હોતું નથી. તેને જીવનમાં નવી શરૂઆત કરવી હોય છે, પરંતુ જૂની ટેવો છોડવી હોતી નથી. આવી સ્થિતિમાં માત્ર ઇચ્છા પૂરતી નથી. ઇચ્છાને દિશા આપતી સમજ અને તેને સાકાર કરવા માટેનો સંકલ્પ પણ જરૂરી છે.

માતા શૈલપુત્રીના સ્વરૂપમાંથી મળતી પ્રેરણા આ આધારને ઓળખવાની છે. સતીથી પાર્વતી સુધીની યાત્રા દર્શાવે છે કે પ્રાગટ્યના સંજોગો બદલાઈ શકે છે. પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે પાર્વતીનું પ્રાગટ્ય થાય છે અને આગળ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે તેમની તપસ્યાની કથા વિસ્તરે છે. આ કથામાં નવી શરૂઆત છે, પરંતુ તે દિશાવિહીન નથી. દેવીની યાત્રા પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. માનવજીવનમાં પણ નવી શરૂઆત ત્યારે જ અર્થસભર બને છે જ્યારે માણસને એ સમજ હોય કે તે કઈ દિશામાં આગળ વધવા માગે છે અને એ દિશા માટે કયા પ્રયત્નો જરૂરી છે.

અહીં ભક્તિ અને જીવનબોધ વચ્ચેનો સંબંધ પણ સમજવા જેવો છે. માતા શૈલપુત્રી ભક્ત માટે આદ્યશક્તિનું પૂજનીય સ્વરૂપ છે. તેમની આરાધનાને માત્ર માનસિક શક્તિ વધારવાની રીત કે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની પદ્ધતિમાં સીમિત કરી શકાય નહીં. ભક્તિનું પોતાનું આધ્યાત્મિક ગૌરવ છે. પરંતુ ભક્તિ મનુષ્યને પોતાના જીવન વિશે વિચારવાની તક પણ આપે છે. દેવીની કથા સાંભળતી વખતે જો માણસને પોતાની નિષ્ઠા, પોતાના નિર્ણયો, પોતાની મર્યાદાઓ અને પોતાની જવાબદારીઓ વિશે વિચારવાની પ્રેરણા મળે તો તે કથાના જીવન સાથેના સ્વાભાવિક જોડાણનું પરિણામ છે.

નવરાત્રિમાં માતાજીની આરાધના માત્ર ઉત્સવની પરંપરા નથી. તે ભક્તિ, ઉપાસના અને આધ્યાત્મિક ચિંતનની પણ યાત્રા છે. દરેક સ્વરૂપના દર્શન સાથે ભક્ત દેવીની મહિમાને અનુભવે છે. સાથે સાથે તે પોતાના જીવનમાં પણ સત્ય, સંયમ, નિષ્ઠા, જ્ઞાન અને કર્તવ્ય જેવા મૂલ્યોને કેવી રીતે સ્થાન આપે છે તે વિશે વિચારવાની તક મેળવે છે. આ રીતે ઉપાસના અને આચરણ વચ્ચેનો સંબંધ જીવંત બને છે. દેવી પ્રત્યેની શ્રદ્ધા જીવનથી અલગ કોઈ ખૂણામાં બંધ રહેતી નથી, પરંતુ મનુષ્યના વ્યવહાર અને નિર્ણયો સુધી પહોંચે છે.

અંત નહીં, નવી યાત્રાનો આરંભ

સતીની કથામાં દક્ષના યજ્ઞનું અપમાન છે, દેહત્યાગની કરુણ ઘટના છે અને ત્યાર પછી પાર્વતીના પ્રાગટ્યની દિવ્ય કથા છે. આ કથાને માત્ર દુઃખ પછી સુખ આવવાની સરળ વાતમાં સીમિત કરી દેવી તેની ઊંડાઈને ઓછી કરી નાખશે. સતીથી પાર્વતી સુધીની યાત્રા આપણને પરિવર્તન અને સાતત્યના સંબંધ વિશે વિચારવા પ્રેરે છે. દેવીનું પ્રાગટ્ય બદલાય છે, પરંતુ તેમનું મૂળ સ્વરૂપ અખંડ રહે છે. શૈલપુત્રીનું નામ આપણને પર્વતની વિશાળતા અને સ્થિરતાની છબી તરફ લઈ જાય છે. કેનોપનિષદની ઉમા હૈમવતીનો પ્રસંગ શક્તિના મૂળને ઓળખવાના જ્ઞાન તરફ ધ્યાન દોરે છે. આ ત્રણેય સંદર્ભો પોતપોતાની જગ્યાએ અલગ છે, પરંતુ તેઓ ભક્તને જીવન અને અસ્તિત્વ વિશે વધુ ઊંડાણથી વિચારવાની તક આપે છે.

મનુષ્યના જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે. દરેક સંબંધ કાયમી રહેતો નથી, દરેક પ્રયત્ન સફળ થતો નથી અને દરેક નિર્ણયનું પરિણામ આપણી ઇચ્છા પ્રમાણે આવતું નથી. પરંતુ આ અનુભવો વચ્ચે પણ માણસ પાસે પસંદગી રહે છે. તે પોતાની નિષ્ફળતાને પોતાની ઓળખ બનાવી શકે છે અથવા તેમાંથી શીખીને આગળ વધી શકે છે. તે સફળતાને પોતાની સર્વશક્તિમાનતાનો પુરાવો માની શકે છે અથવા સફળતાની પાછળ રહેલા અનેક આધારને ઓળખીને વધુ નમ્ર બની શકે છે. તે જીવનમાં આવેલા પરિવર્તન સામે જડ બનીને ઊભો રહી શકે છે અથવા પોતાના મૂલ્યો જાળવી રાખીને નવી પરિસ્થિતિને અનુરૂપ થવાનો પ્રયાસ કરી શકે છે.

આ જ જીવનદૃષ્ટિ માતા શૈલપુત્રીની કથાને આજે પણ પ્રાસંગિક બનાવે છે. સતીથી પાર્વતી સુધીની યાત્રા આપણને કહે છે કે એક અવસ્થાનો અંત સમગ્ર યાત્રાનો અંત હોવો જરૂરી નથી. પર્વતની પુત્રીનું સ્વરૂપ આપણને સ્થિરતાને જડતા નહીં, પરંતુ યોગ્ય આધાર તરીકે સમજવાની તક આપે છે. ઉમા હૈમવતીનો પ્રસંગ યાદ અપાવે છે કે શક્તિનો સાચો અર્થ તેના મૂળના જ્ઞાન વિના પૂર્ણ થતો નથી.

નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરતી વખતે ભક્ત તેમના દિવ્ય સ્વરૂપને નમે છે. એ જ સમયે સતીથી પાર્વતી સુધીની તેમની યાત્રા આપણને પોતાના જીવનના અંત અને આરંભ વિશે વિચારવાની તક આપે છે. જે બદલાઈ ગયું છે તેને સ્વીકારવું, જે સાચું છે તેને જાળવી રાખવું, પોતાની શક્તિનો અહંકાર ન કરવો અને જ્ઞાન મેળવવાની તૈયારી સતત રાખવી. જીવનની દરેક નવી શરૂઆત માટે આ સમજ ઉપયોગી છે. માતા શૈલપુત્રી નવદુર્ગાની યાત્રાનું પ્રથમ સ્વરૂપ છે, પરંતુ તેમની કથા માત્ર શરૂઆતની વાત નથી. તે આપણને એ સમજવાની દિશા આપે છે કે જીવનમાં આગળ વધવા માટે પરિવર્તન જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી છે પોતાના મૂળ આધારને ઓળખવો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં