Friday, April 3, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપ્રયાગ સંગમમાં ફરી યોજાઈ રહ્યો છે ‘આસ્થાનો મહાકુંભ’: વાંચો માઘ મેળાનું માહાત્મ્ય...

    પ્રયાગ સંગમમાં ફરી યોજાઈ રહ્યો છે ‘આસ્થાનો મહાકુંભ’: વાંચો માઘ મેળાનું માહાત્મ્ય અને કલ્પવાસનું રહસ્ય

    આ પરંપરાઓ સનાતન સંસ્કૃતિના પુનરુત્થાનનું પ્રતીક છે. માઘ મેળો 2026 પણ આ જ શૃંખલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે 'મહાકુંભ મોડલ' પર આયોજિત થયો છે. પ્રયાગરાજ ફરી એકવાર વિશ્વને સંદેશ આપશે કે ભારતની આસ્થા અને સંસ્કૃતિ અમર છે.

    - Advertisement -

    નવા વર્ષની શરૂઆતની સાથે જ સંગમ નગરી પ્રયાગરાજ ફરી એકવાર આસ્થાના મહાસાગરમાં ડૂબવા માટે તૈયાર છે. 3 જાન્યુઆરી 2026થી શરૂ થઈને 15 ફેબ્રુઆરી 2026 સુધી ચાલનારો માઘ મેળો 2026 લાખો-કરોડો શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યો છે. મહાકુંભ 2025ની ભવ્ય સફળતા બાદ આ માઘ મેળો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર માટે વધુ એક મોટી કસોટી સમાન છે.

    યોગી સરકારે આ મેળાને ‘મહાકુંભ મોડલ’ પર આયોજિત કરવાનો નિર્ણય લીધો છે, જેથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત, સ્વચ્છ અને દિવ્ય અનુભવ મળી શકે. એવો અંદાજ છે કે આ વખતે આશરે 12થી 15 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવશે.

    માઘ મેળાને કુંભ મેળાનું નાનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ તેનું ધાર્મિક મહત્વ જરાય ઓછું નથી. ત્રિવેણી સંગમ પર માઘ માસમાં સ્નાન કરવાથી હજારો અશ્વમેધ યજ્ઞો સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મેળો માત્ર સ્નાનનું પર્વ નથી, પરંતુ તપ, સંયમ અને આત્મશુદ્ધિનો પણ મહોત્સવ છે.

    - Advertisement -

    માઘ મેળાનું ધાર્મિક મહત્વ

    હિંદુ ધર્મમાં માઘ માસનું વિશેષ સ્થાન છે. શાસ્ત્રો અનુસાર, માઘ મહિનામાં ગંગા સ્નાન કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રયાગરાજનો ત્રિવેણી સંગમ—જ્યાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનો મિલાપ થાય છે—તેને વિશ્વનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી વ્યક્તિના જન્મોજન્મના પાપ ધોવાઈ જાય છે.

    માઘ મેળો દર વર્ષે આયોજિત થાય છે, જ્યારે કુંભ મેળો દર 12 વર્ષે અને અર્ધકુંભ દર 6 વર્ષે યોજાય છે. પરંતુ મહાકુંભ 2025ની સફળતા બાદ આ માઘ મેળો વિશેષ મહત્વપૂર્ણ બની ગયો છે. શ્રદ્ધાળુઓ માને છે કે સંગમ પર માઘ સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ પર્વ સંયમ, દાન અને ભક્તિનું પ્રતીક છે.

    કલ્પવાસ: તપસ્યાની અનુપમ પરંપરા

    માઘ મેળાનો સૌથી વિશેષ ભાગ ‘કલ્પવાસ’ છે. કલ્પવાસનો અર્થ છે કલ્પ (લાંબા સમય) સુધી નિવાસ કરવો. શ્રદ્ધાળુઓ પૌષી પૂનમથી (3 જાન્યુઆરી 2026) મહાશિવરાત્રી (15 ફેબ્રુઆરી 2026) સુધી સંગમ તટ પર ટેન્ટમાં રહે છે અને કઠોર તપસ્યા કરે છે.

    કલ્પવાસના મુખ્ય નિયમો:

    ભૂશયન: જમીન પર કુશના આસન પર સૂવું.

    એકટાણું: દિવસમાં માત્ર એક જ વાર સાદો ખોરાક (ફળ, દૂધ કે સાત્વિક આહાર) લેવો.

    બ્રહ્મચર્ય: પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું.

    સ્નાન: દરરોજ સંગમમાં પવિત્ર સ્નાન કરવું.

    ભક્તિ: ભજન-કીર્તન, રામાયણ-મહાભારતના પાઠ અને ધ્યાન ધરવું.

    શાસ્ત્રોમાં કહેવાયું છે કે કલ્પવાસ કરવાથી વ્યક્તિને 12 વર્ષની તપસ્યાનું ફળ એકસાથે મળી જાય છે. તેને મોક્ષ પ્રાપ્તિનો સીધો માર્ગ માનવામાં આવે છે. લાખો કલ્પવાસીઓ સંગમ તટ પર નાના-નાના ટેન્ટ લગાવીને રહે છે અને આ આખો સમય અત્યંત સાદગીથી વિતાવે છે.

    2026માં મુખ્ય સ્નાન તિથિઓ

    પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર આયોજિત માઘ મેળા 2026માં છ મુખ્ય સ્નાન પર્વો છે, જેમાં ત્રણ અમૃત સ્નાનનો (શાહી સ્નાન) સમાવેશ થાય છે. આ તિથિઓ હિંદુ પંચાંગ મુજબ નિર્ધારિત છે અને દરેકનું વિશેષ ધાર્મિક મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે માઘ માસમાં સંગમ સ્નાન કરવાથી હજારો અશ્વમેધ યજ્ઞો સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે અને પૂર્વજન્મના પાપો નષ્ટ થાય છે (પદ્મ પુરાણ, પ્રયાગ માહાત્મ્ય).

    આ દિવસોમાં લાખો-કરોડો શ્રદ્ધાળુઓ સંગમ તટે એકત્ર થાય છે, જ્યાં પવિત્ર ડૂબકીની સાથે ભજન-કીર્તન, દાન-પુણ્ય અને તપસ્યાનું વાતાવરણ સર્જાય છે. અમૃત સ્નાન પ્રસંગે સાધુ-સંતોના અખાડાઓની ભવ્ય ‘પેશવાઈ’ (સરઘસ) નીકળે છે, જેમાં હાથી-ઘોડા પર સવાર નાગા સાધુઓ, ધ્વજ-પતાકા અને ઢોલ-નગારાનો નાદ જોવા જેવો હોય છે. આ દ્રશ્ય સનાતન પરંપરાની જીવંત ઝલક રજૂ કરે છે.

    માઘ મેળામાં છ મુખ્ય સ્નાન પર્વો છે, જેમાંથી ત્રણ અમૃત સ્નાન સૌથી મહત્વપૂર્ણ છે:

    3 જાન્યુઆરી 2026 (પોષી પૂનમ): આ માઘ મેળા અને કલ્પવાસની ઔપચારિક શરૂઆતની તિથિ છે. પ્રથમ મુખ્ય સ્નાન આ દિવસે થાય છે. પૂનમના દિવસે ચંદ્રની પૂર્ણ કળામાં સ્નાન કરવાથી મનની શુદ્ધિ અને આત્મિક શાંતિ મળે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે પોષી પૂનમ પર સંગમ સ્નાનથી વ્યક્તિને દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે કલ્પવાસીઓ ટેન્ટ લગાવીને તપસ્યા શરૂ કરે છે.

    14 જાન્યુઆરી 2026 (મકરસંક્રાંતિ): પ્રથમ અમૃત સ્નાન આ દિવસે થાય છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પર આ પર્વ મનાવવામાં આવે છે, જેને ઉત્તરાયણનો આરંભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, આ દિવસે સ્નાન, દાન અને તલ-ગોળનું સેવન વિશેષ પુણ્યદાયી છે. અમૃત સ્નાનમાં અખાડાઓની પેશવાઈ સૌથી આકર્ષક હોય છે—જૂના અખાડા, નિરંજની, મહાનિર્વાણી વગેરે અખાડાઓ ભવ્ય સરઘસ સાથે સંગમ તરફ આગળ વધે છે.

    29 જાન્યુઆરી 2026 (મૌની અમાસ): આ માઘ મેળાનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન પર્વ છે. આ દિવસે મૌન વ્રત રાખીને સ્નાન કરવાની પરંપરા છે, જેનાથી ઇન્દ્રિયો પર સંયમ અને આત્મચિંતન થાય છે. મત્સ્ય પુરાણમાં કહેવાયું છે કે મૌની અમાસ પર પ્રયાગ સ્નાનથી મોક્ષ પ્રાપ્તિનો દ્વાર ખુલે છે. આ દિવસે મેળામાં સૌથી વધુ ભીડ જોવા મળે છે.

    2 ફેબ્રુઆરી 2026 (વસંત પંચમી): બીજું અમૃત સ્નાન. આ વિદ્યા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજાનું પર્વ છે. પીળા વસ્ત્રો ધારણ કરી સરસ્વતી પૂજન અને સ્નાનથી બુદ્ધિ-વિવેકની પ્રાપ્તિ થાય છે. ભાગવત પુરાણમાં વસંત પંચમીનું મહત્વ વર્ણવેલું છે. આ દિવસે ફરીથી પેશવાઈ નીકળે છે અને સંગમ તટ પીળા ફૂલો અને વસ્ત્રોથી સજાવાય છે.

    12 ફેબ્રુઆરી 2026 (માઘી પૂનમ): ત્રીજું અમૃત સ્નાન આ દિવસે થાય છે. માઘી પૂનમ પર ચંદ્રની પૂર્ણ શક્તિ સાથે સ્નાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વિષ્ણુ પુરાણ અનુસાર, આ દિવસે સંગમ સ્નાનથી હજારો ગૌદાનનું ફળ મળે છે. અખાડાઓની અંતિમ ભવ્ય પેશવાઈ આ દિવસે યોજાય છે.

    15 ફેબ્રુઆરી 2026 (મહાશિવરાત્રી): આ દિવસે અંતિમ સ્નાન અને મેળાનું સમાપન થાય છે. ભગવાન શિવની આરાધના સાથે સ્નાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શિવ પુરાણમાં મહાશિવરાત્રી પર પ્રયાગ સ્નાનને પરમ પુણ્યકારી ગણાવ્યું છે.

    મહાકુંભ મોડલ પર યોગી સરકારની ભવ્ય તૈયારીઓ, શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ

    મહાકુંભ 2025ની ઐતિહાસિક સફળતા બાદ હવે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર માઘ મેળાને પણ તે જ ભવ્યતા અને સ્તર પર આયોજિત કરવા સજ્જ થઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તૈયારીઓની સમીક્ષા કરતા તમામ વ્યવસ્થાઓ 31 ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાના કડક નિર્દેશ આપ્યા હતા, જે મુજબ હવે તમામ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

    સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સંગમ તટે આવતા કરોડો શ્રદ્ધાળુઓને સુરક્ષિત, સ્વચ્છ અને દિવ્ય અનુભવ પ્રદાન કરવાનો છે.

    સરકાર દ્વારા કરવામાં આવેલી મુખ્ય તૈયારીઓ:

    વિશાળ ક્વિસ્તાર: મેળાના વ્યાપને વધારીને 800 હેક્ટર કરવામાં આવ્યો છે. અહીં આધુનિક ટેન્ટ સિટી, વ્યવસ્થિત સેક્ટર્સ અને ભવ્ય ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા: શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે હજારો પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત CCTV, ડ્રોન અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત દેખરેખ રાખવામાં આવશે. ખાસ કરીને મુખ્ય સ્નાનના દિવસોમાં VIP પ્રોટોકોલ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે જેથી સામાન્ય ભક્તોને તકલીફ ન પડે.

    સ્વચ્છતા અને આરોગ્ય: સંગમ તટ પર સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મેળા વિસ્તારમાં કામચલાઉ હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને તબીબોની વિશેષ ટીમો 24 કલાક કાર્યરત રહેશે.

    પરિવહન અને પાર્કિંગ: શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનો અને બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે મજબૂત ‘ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન’ અને વિશાળ પાર્કિંગ ઝોન તૈયાર છે.

    વીજળી અને પાણી: સમગ્ર મેળા વિસ્તારમાં 24 કલાક અવિરત વીજ પુરવઠો અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે.

    પ્રવાસી સુવિધાઓ: પ્રથમ વખત 4 કામચલાઉ પ્રવાસન માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી પ્રવાસીઓને ગાઈડ અને હોટલ બુકિંગ જેવી મહત્વની માહિતી મળી શકશે.

    બજેટ અને વ્યવસ્થાપન: આ આયોજન માટે શરૂઆતમાં જ ₹42 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, સાથે જ મહાકુંભના વધેલા બજેટનો ઉપયોગ કરીને વધારાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન: “માઘ મેળો એ સનાતન પરંપરાનું જીવંત સ્વરૂપ છે. અમારી સરકારનું લક્ષ્ય છે કે દરેક શ્રદ્ધાળુ પ્રયાગરાજથી એક દિવ્ય અને અવિસ્મરણીય અનુભવ લઈને પરત ફરે.”

    યોગી આદિત્યનાથન્નાં નેતૃત્વમાં 2017થી ઉત્તર પ્રદેશમાં હિંદુ તહેવારો અને ધાર્મિક આયોજનોને એક નવી ઊંચાઈ મળી છે. અગાઉ આ પર્વો સામાન્ય અને સ્થાનિક સ્તરે ઉજવવામાં આવતા હતા, પરંતુ હવે તે વિશ્વ સ્તરીય, રેકોર્ડ સર્જનારા અને કરોડો શ્રદ્ધાળુઓને આકર્ષનારા બન્યા છે. સરકારનું ધ્યાન સનાતન સંસ્કૃતિનાં સન્માન, શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતા પર રહ્યું છે. તેનાથી ન માત્ર આસ્થા મજબૂત થઈ, પરંતુ પર્યટન અને અર્થતંત્રને પણ મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ પરંપરા હવે ઉત્તર પ્રદેશની ઓળખ બની ગઈ છે.

    માઘ મેળા માટે ભદોહીની જ્ઞાનપુર જેલમાં ખાસ કાર્પેટ બનાવવામાં આવ્યા (Photo: OpIndia Hindi)

    ચાલો કેટલાક મુખ્ય ઉદાહરણો દ્વારા સમજીએ કે આ આયોજનો કેવી રીતે ભવ્ય અને દિવ્ય બન્યા:

    અયોધ્યામાં દીપોત્સવની અનુપમ છટા

    દિવાળી પર અયોધ્યાનો દીપોત્સવ હવે વિશ્વ પ્રસિદ્ધ બની ગયો છે. યોગી સરકારે તેને રામનગરીની આધ્યાત્મિક ગરિમા સાથે જોડ્યો. દર વર્ષે સરયૂ તટ પર લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. 2025માં 26 લાખ 17 હજારથી વધુ દીવાઓથી શહેર ઝળહળી ઉઠ્યું હતું, જેણે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા – સૌથી વધુ દીવા પ્રગટાવવાનો અને 2,128 વેદાચાર્યો દ્વારા સામૂહિક સરયૂ આરતીનો.

    આ આયોજન લેઝર શો, રામલીલા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સુશોભિત હોય છે. પહેલાં જ્યાં માત્ર થોડા દીવા પ્રગટતા હતા, હવે લાખોની સંખ્યા અને વિશ્વ રેકોર્ડ એ દર્શાવે છે કે સરકારે સનાતન પરંપરાને કેટલી ભવ્યતા આપી છે.

    મહાકુંભ 2025: વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સમાગમ

    પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ઐતિહાસિક રહ્યો હતો. 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી, જે એક વિશ્વ રેકોર્ડ છે. યોગી સરકારે તેને સૌથી સુરક્ષિત, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવ્યો. આ આયોજનથી રાજ્યના અર્થતંત્રને અંદાજે 3.5 લાખ કરોડનો લાભ થયો હતો. અગાઉ કુંભ મેળામાં વ્યવસ્થાઓ મર્યાદિત હતી, પરંતુ હવે તે વૈશ્વિક સ્તરનું દિવ્ય આયોજન બની ગયું છે.

    મહાકુંભ 2025 દરમિયાન, હેલિકોપ્ટરથી ભક્તો પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો (Photo: OpIndia Hindi)

    કાવડ યાત્રા: આસ્થા પર પુષ્પવર્ષાનો શણગાર

    શ્રાવણ માસમાં યોજાતી કાવડ યાત્રાને યોગી સરકારે અત્યંત ભવ્ય બનાવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે હેલિકોપ્ટર દ્વારા કાવડિયાઓ પર પુષ્પવર્ષા કરતા અને યાત્રાના રૂટનું હવાઈ નિરીક્ષણ કરતા જોવા મળે છે. વર્ષ 2025માં પણ મેરઠ-મુઝફ્ફરનગર માર્ગ પર આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. હજારો CCTV કેમેરા, આધુનિક પ્રકાશ વ્યવસ્થા, પીવાનું પાણી અને ચુસ્ત સુરક્ષાના પ્રબંધોને કારણે આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે સુગમ બની છે. પહેલા જ્યાં અસુવિધાઓની ફરિયાદો રહેતી હતી, ત્યાં હવે આ યાત્રા આસ્થાના એક સુરક્ષિત અને દિવ્ય પર્વમાં ફેરવાઈ ગઈ છે.

    વારાણસીમાં દેવ દિવાળીનો ઝળહળાટ

    કાર્તિક પૂર્ણિમાના અવસરે કાશીના તમામ ઘાટ 25 લાખ દીવાઓથી ઝળહળી ઉઠે છે. વર્ષ 2025માં લેઝર શો, ગ્રીન ફટાકડાની આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ આ ઉત્સવને વધુ ભવ્ય બનાવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ક્રૂઝ પર સવાર થઈને દેવ દિવાળીનો આ અદભૂત નજારો માણ્યો હતો. આ પર્વ હવે ‘દેવતાઓની દિવાળી’ તરીકે વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવી રહ્યો છે.

    આ પરંપરાઓ સનાતન સંસ્કૃતિના પુનરુત્થાનનું પ્રતીક છે. માઘ મેળો 2026 પણ આ જ શૃંખલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે ‘મહાકુંભ મોડલ’ પર આયોજિત થયો છે. પ્રયાગરાજ ફરી એકવાર વિશ્વને સંદેશ આપશે કે ભારતની આસ્થા અને સંસ્કૃતિ અમર છે.

    આ આર્ટીકલ મૂળ હિન્દીમાં લખાયો છે, મૂળ આર્ટીકલ વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં