Friday, April 3, 2026
More
    હોમપેજદેશ'આમ તો કોર્ટની ઇમારતને પણ પોતાની ગણાવશો': મુનંબમ જમીન વિવાદમાં કેરળ હાઇકોર્ટ,...

    ‘આમ તો કોર્ટની ઇમારતને પણ પોતાની ગણાવશો’: મુનંબમ જમીન વિવાદમાં કેરળ હાઇકોર્ટ, વક્ફના નિર્ણયને ગણાવ્યો ‘જમીન કબજે કરવાની યુક્તિ’, જાણો સમગ્ર મામલો

    કોર્ટે કહ્યું કે, "જો આવા નિર્ણયોને માન્યતા આપવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ ઐતિહાસિક સ્મારક, જેમ કે તાજમહેલ, કુતુબ મિનાર, રાષ્ટ્રપતિ ભવન કે આ કોર્ટની ઇમારતને પણ વક્ફ તરીકે ઘોષિત કરી શકાય."

    - Advertisement -

    કેરળ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં 2019માં મુનંબમની વિવાદિત જમીનને વક્ફ મિલકત તરીકે જાહેર કરવાનો કેરળ વક્ફ બોર્ડનો નિર્ણય ખોટો ઠેરવ્યો છે. કેરળ હાઇકોર્ટે આ કેસમાં વક્ફ કાયદાની વ્યાખ્યા, તેના ઉદ્દેશ, દુરુપયોગની સંભાવના અને બંધારણીય અધિકારોના રક્ષણ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા ભારતના ન્યાયિક ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે તે ધર્મનિરપેક્ષતા અને નાગરિકોના અધિકારોની રક્ષા માટે માર્ગદર્શક બનશે.

    શું છે આ કેસ?

    કેરળના એર્નાકુલમ જિલ્લામાં આવેલા મુનંબમ વિસ્તારમાં 404 એકર જમીનને લગતો આ વિવાદ દાયકાઓથી ચાલે છે, જે ભારતના ધર્મનિરપેક્ષ માળખા અને મિલકત અધિકારોના રક્ષણનો મહત્વનો મુદ્દો બન્યો છે. આ જમીન પર લગભગ 600 ખ્રિસ્તી પરિવારો દાયકાઓથી રહે છે, જેમણે આ જમીન ફારુક કોલેજ મેનેજમેન્ટ પાસેથી કાયદેસર રીતે ખરીદી હતી. 1950માં મોહમ્મદ સિદ્દીક સૈયદે આ જમીન ફારુક કોલેજને એક સામાન્ય ભેટ-લેખ (ગિફ્ટ ડીડ) દ્વારા આપી હતી, જેમાં વક્ફનો કોઈ ઉલ્લેખ નહોતો. કોલેજે આ જમીનના ભાગો આ પરિવારોને વેચી દીધા હતા.

    2019માં કેરળ વક્ફ બોર્ડે આ જમીનને વક્ફ મિલકત તરીકે એકતરફી રીતે ઘોષિત કરી દીધી હતી, જેનાથી આ પરિવારોને તેમની જમીન અને ઘરો ગુમાવવાનું જોખમ ઊભું થયું હતું. આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો, વિરોધ પ્રદર્શનો થયા અને મુદ્દો રાજકીય બની ગયો. રાજ્ય સરકારે 2024માં નિવૃત્ત જજ સી.એન. રામચંદ્રન નાયરની અધ્યક્ષતામાં તપાસ આયોગ નીમ્યો પરંતુ કેરળ વક્ફ બોર્ડે તેનો વિરોધ કર્યો. ત્યારપછી એકલ જજની બેન્ચે આ આયોગને રદ કર્યો, જેની સામે રાજ્ય સરકારે કેરળ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

    - Advertisement -

    2025માં કેરળ હાઇકોર્ટમાં જસ્ટિસ એસ.એ. ધર્માધિકારી અને જસ્ટિસ શ્યામ કુમાર વી.એમ.ની ડિવિઝન બેન્ચે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે એકલ જજના આદેશને રદ કરી તપાસ આયોગને પુનઃસ્થાપિત કર્યો છે. આ સિવાય 1950ના દસ્તાવેજને વક્ફ લેખ નહીં, પરંતુ સામાન્ય ભેટ-લેખ (ગિફ્ટ-ડીડ) ગણાવ્યો હતો. વક્ફ બોર્ડના 2019ના નિર્ણયને ‘અનૈતિક અને ગેરકાયદેસર’ ગણાવ્યો, પરંતુ તેને સીધો રદ ન કર્યો. કારણ કે અપીલ ફક્ત આયોગના રદબાતલને લગતી હતી. આ ચુકાદાએ 600 પરિવારોને રાહત આપી અને વક્ફ બોર્ડની એકતરફી કાર્યવાહી પર નિયંત્રણ લગાવ્યું છે.

    કોર્ટની વિગતવાર ટિપ્પણીઓ અને ચુકાદો

    કોર્ટે વક્ફ કાયદા (1954 અને 1995) હેઠળ વક્ફની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. વક્ફ એટલે કોઈ મિલકતને કાયમી રીતે ‘અલ્લાહના નામે’ સમર્પિત કરવી, જેનો ઉપયોગ ફક્ત મજહબી અથવા જાહેર કલ્યાણ માટે થાય. આ સમર્પણ કાયમી હોવું જોઈએ અને મિલકતનો ઉપયોગ વેચાણ, ટ્રાન્સફર કે અન્ય વ્યાપારિક હેતુઓ માટે ન થયો હોવો જોઈએ.

    1950ના ભેટ-લેખનું વિશ્લેષણ કરતાં કોર્ટે નોંધ્યું કે તેમાં વક્ફનો કોઈ ઉલ્લેખ નથી. ફારુક કોલેજને જમીન વેચવા, ભાડે આપવા કે અન્ય રીતે ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી, જે વક્ફના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે. દસ્તાવેજમાં એવું પણ હતું કે જો જમીનનો કોઈ ભાગ બચે તો તે દાતા અથવા તેના વારસદારોને પરત કરવામાં આવશે. આ પ્રાવધાન વક્ફને ગેરલાયક ઠેરવે છે, કારણ કે વક્ફ મિલકત કાયમી રીતે અલ્લાહના નામે હોવી જોઈએ, દાતાને પરત મળી શકે નહીં.

    કોર્ટે કહ્યું કે, “જો મિલકતના વેચાણ, ટ્રાન્સફર કે ભાડાની મંજૂરી હોય તો તે વક્ફ નથી, પરંતુ સામાન્ય જાહેર કલ્યાણકારી મિલકત ગણાય. 1950નો દસ્તાવેજ સ્પષ્ટ રીતે ભેટ-લેખ છે, વક્ફ લેખ નથી.”

    કોર્ટે વક્ફ બોર્ડના 2019ના નિર્ણયને ‘અનૈતિક, ગેરકાયદેસર અને મનસ્વી’ ગણાવ્યો હતો. 69 વર્ષના લાંબા સમયગાળા બાદ કોઈ પુરાવા, સુનાવણી કે તપાસ વિના આ જમીનને વક્ફ તરીકે ઘોષિત કરવામાં આવી હતી. કોર્ટે આને ‘જમીન કબજે કરવાની યુક્તિ’ (લેન્ડ ગ્રેબિંગ ટેક્ટિક) તરીકે ગણાવી, જેમાં બદનિયત (મેલા ફાઇડ્સ) સ્પષ્ટ દેખાય છે.

    કોર્ટે નોંધ્યું કે આ જમીનની વ્યાપારિક કિંમત 2019 સુધીમાં નોંધપાત્ર રીતે વધી ગઈ હતી અને આ સમયે જ વક્ફ બોર્ડે દાવો કર્યો, જે તેના ઇરાદા પર સવાલ ઊભા કરે છે. કોર્ટે ચેતવણી આપી કે આવા એકતરફી અને મનસ્વી નિર્ણયોને કોર્ટની મહોર લગવવાથી ભવિષ્યમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો અને જમીનો પણ વક્ફ થઈ શકે છે.

    કોર્ટે એમ પણ કહ્યું કે આવા નિર્ણયો ‘ન્યાયની ભાવના અને કાયદાના શાસનની વિરુદ્ધ’ છે. વક્ફ બોર્ડે કોઈ પારદર્શક પ્રક્રિયા અપનાવી ન હતી. કોર્ટે કહ્યું હતું કે આવા નિર્ણયો નાગરિકોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે વક્ફ બોર્ડના આવા નિર્ણયો ભારતના બંધારણના અનુચ્છેદ 300A (મિલકતનો અધિકાર), 19(1)(G) (વ્યવસાયની સ્વતંત્રતા) અને 21નું (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા) ઉલ્લંઘન કરે છે. આ 600 પરિવારો દાયકાઓથી આ જમીન પર રહે છે અને તેમને બેઘર કરવાનો નિર્ણય બંધારણીય અધિકારોની વિરુદ્ધ છે.

    કોર્ટે કહ્યું કે, “આવા નિર્ણયો નાગરિકોના જીવન, ઘર અને વ્યવસાય પર ગંભીર પરિણામો લાવે છે. ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં આવા એકતરફી અને વિલંબિત નિર્ણયોને મંજૂરી આપવી એ બંધારણના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડવા જેવું છે.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે વક્ફ ટ્રિબ્યુનલ એકમાત્ર નથી જે નિર્ણય લઈ શકે. હાઇકોર્ટને વક્ફ બોર્ડના નિર્ણયોની તપાસ, સરવે અને ક્વાસી-ન્યાયિક પ્રક્રિયાની ચકાસણી કરવાનો પૂર્ણ અધિકાર છે. આવા નિર્ણયો ‘ડ્રેકોનિયન’ (અત્યંત કઠોર) હોય શકે છે, જે હજારો લોકોને વિસ્થાપિત કરી શકે છે.

    કોર્ટે રાજ્ય સરકારની ફરજ યાદ અપાવતા કહ્યું કે, “રાજ્ય સરકારનું કર્તવ્ય છે કે તે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે અને વક્ફ બોર્ડના નિર્ણયોની ન્યાયી તપાસ કરે. તપાસ કમિશનની રચના આ દિશામાં એક યોગ્ય પગલું છે.” આયોગ હવે જમીનના સ્વામિત્વ અને વક્ફના દાવાની તથ્યાત્મક તપાસ કરશે, પરંતુ તે અંતિમ નિર્ણય નહીં લે. કોર્ટે એમ પણ કહ્યું કે વક્ફ બોર્ડની કાર્યવાહીમાં પારદર્શિતા અને જવાબદારી હોવી જોઈએ. કોર્ટે કહ્યું કે, “આવા નિર્ણયો લેતા પહેલાં બોર્ડે પ્રભાવિત પક્ષોને સુનાવણીની તક આપવી જોઈએ અને પુરાવા આધારિત પ્રક્રિયા અપનાવવી જોઈએ.”

    કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંત પર આધારિત છે. વક્ફ બોર્ડને અનિયંત્રિત અધિકારો આપવાથી નાગરિકોના મૂળભૂત અધિકારોને નુકસાન થશે અને દેશની ધર્મનિરપેક્ષ રચના જોખમમાં આવશે. કોર્ટે કહ્યું કે, “જો આવા નિર્ણયોને માન્યતા આપવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ ઐતિહાસિક સ્મારક, જેમ કે તાજમહેલ, કુતુબ મિનાર, રાષ્ટ્રપતિ ભવન કે આ કોર્ટની ઇમારતને પણ વક્ફ તરીકે ઘોષિત કરી શકાય. આવું થવું એ ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.” કોર્ટે એમ પણ કહ્યું કે “વક્ફ કાયદો મજહબી હેતુઓ માટે બનાવાયો છે, પરંતુ તેનો ઉપયોગ જમીન કબજે કરવા માટે થાય તો તે ન્યાયની ભાવનાને નુકસાન પહોંચાડે છે. કોર્ટની ફરજ છે કે તે આવા દુરુપયોગને રોકે.”

    કોર્ટે વક્ફ કાયદાના દુરુપયોગની સંભાવના પર વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે વક્ફ બોર્ડને આપેલા વિશેષ અધિકારોનો દુરુપયોગ થઈ શકે છે, જે નાગરિકોના અધિકારોને જોખમમાં મૂકે છે. કોર્ટે કહ્યું કે, “આવા અનિયંત્રિત અધિકારોને મંજૂરી આપવાથી નાગરિકોનો કાયદા પ્રત્યેનો વિશ્વાસ ઘટશે અને સામાજિક સંવાદિતા પર અસર થશે.” કોર્ટે એમ પણ કહ્યું કે વક્ફ બોર્ડના નિર્ણયોની તપાસ કરવાનો અધિકાર ફક્ત ટ્રિબ્યુનલ પાસે નથી, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ આવા નિર્ણયોની ન્યાયિક ચકાસણી કરી શકે છે, ખાસ કરીને જ્યારે તે બંધારણીય અધિકારોને અસર કરતા હોય.

    શું હતો સમગ્ર મામલો?

    મુનંબમ જમીન વિવાદની શરૂઆત 1902થી થાય છે, જ્યારે ત્રાવણકોર રાજવી પરિવારે આ જમીન અબ્દુલ સાથર મૂસા સૈયદ નામના એક જાણીતા વેપારીને ભાડે આપી હતી. 1950માં મૂસા સૈયદના જમાઈ મોહમ્મદ સિદ્દીક સૈયદે આ જમીન કોઝિકોડની ફારૂક કોલેજના મેનેજમેન્ટ કમિટીના પ્રમુખને ભેટ-લેખ દ્વારા આપી. આ દસ્તાવેજમાં જણાવાયું હતું કે આ જમીનનો ઉપયોગ ઇસ્લામી કાયદા અનુસાર મજહબી અને શૈક્ષણિક હેતુઓ માટે થશે.

    1960ના દાયકામાં આ જમીન પર કાનૂની વિવાદ શરૂ થયો, જ્યારે ફારૂક કોલેજે આ જમીન પર પેઢીઓથી રહેતા પરિવારોને જમીનની માલિકીના સત્તાવાર દસ્તાવેજોના અભાવનું બહાનું આપીને હાંકી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી. આખરે, કોલેજે આ પરિવારોને બજાર ભાવે જમીનના ટુકડા વેચવાનું નક્કી કર્યું. પરંતુ, કોલેજે આ જમીન વેચતી વખતે એ ના જણાવ્યું કે આ જમીન વક્ફ મિલકત છે કે કેમ. કોલેજે 1950ના ભેટ-લેખને પોતાની માલિકીનો આધાર ગણાવ્યો. તેની સામે, કેરળ વક્ફ બોર્ડે આ વેચાણનો વિરોધ કર્યો અને દાવો કર્યો કે આ જમીન વક્ફ મિલકત છે અને વક્ફ બોર્ડની પરવાનગી વિના તેનું વેચાણ ગેરકાયદેસર છે.

    આ મુદ્દો 2009માં વધુ ચર્ચામાં આવ્યો, જ્યારે CPI(M) સરકારે નીમેલા નિસ્સાર આયોગે જાહેર કર્યું કે મુનંબમ જમીન વક્ફ મિલકત છે. આયોગે કહ્યું કે ફારૂક કોલેજ દ્વારા કરવામાં આવેલું જમીનનું વેચાણ ગેરકાયદેસર હતું અને આ જમીન પાછી લેવી જોઈએ. 2019માં નિસ્સાર આયોગના અહેવાલના એક દાયકા બાદ કેરળ વક્ફ બોર્ડે આ અહેવાલના આધારે જમીનને વક્ફ મિલકત જાહેર કરી દીધી.

    વક્ફ એક્ટ, 1995ની કલમ 40 અને 41 હેઠળ બોર્ડે રેવન્યુ વિભાગને આ જમીન પર રહેતા લોકો પાસેથી જમીનનો ટેક્સ ન લેવા આદેશ આપ્યો, જેનાથી આ લોકોની માલિકી પર પ્રશ્ન ઊભો થયો. 2022માં, કેરળ સરકારે વક્ફ બોર્ડના આ આદેશને રદ કરી દીધો. પરંતુ, વક્ફ બોર્ડે આ નિર્ણયને કેરળ હાઇકોર્ટમાં પડકાર્યો. કોર્ટે સરકારના નિર્ણય પર સ્ટે (રોક) મૂક્યો, જેનાથી રહેવાસીઓ કાયદાકીય અનિશ્ચિતતામાં ફસાઈ ગયા.

    મુનંબમ જમીન વિવાદે કેરળમાં રાજકીય ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનોને જન્મ આપ્યો છે. આ વિવાદ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે કેન્દ્ર સરકારે 2025માં વક્ફ સુધારા બિલનો પ્રસ્તાવ મૂક્યો. આ બિલથી મુનંબમમાં રહેતા 600 ખ્રિસ્તી પરિવારો પર વક્ફ બોર્ડના ગેરકાયદેસર દાવાને રદ કરવાની શક્યતા હતી. કેરળના એકમાત્ર ભાજપ સાંસદ સુરેશ ગોપીએ આ બિલનું સમર્થન કર્યું અને કહ્યું હતું કે તે મુનંબમના ખ્રિસ્તી રહેવાસીઓને મદદ કરશે.

    આનાથી કોંગ્રેસ પાર્ટી મૂંઝવણમાં મૂકાઈ ગઈ, કારણ કે તે વક્ફ સુધારા બિલનો વિરોધ કરી રહી હતી, જેથી કેરળનો મુસ્લિમ સમુદાય અને તેના સાથી દળ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનું (IUML) સમર્થન જળવાઈ રહે. બીજી તરફ કોંગ્રેસે કેરળની વસ્તીના 18.4% ખ્રિસ્તી મતદારો જે પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપે છે તેમને ગુમાવવાનો પણ ડર હતો. આ મૂંઝવણમાં કોંગ્રેસે જાહેર કર્યું કે મુનંબમની જમીન વક્ફ મિલકત નથી. જોકે, આ પ્રયાસ છતાં ખ્રિસ્તી મતદારોનો એક હિસ્સો ભાજપ તરફ ખસી ગયો, જેના કારણે ભાજપે કેરળમાં પ્રથમ વખત લોકસભા બેઠક જીતી.

    મુનંબમ જમીન વિવાદ એ એક જટિલ મુદ્દો છે, જેમાં ઐતિહાસિક, કાનૂની અને રાજકીય પાસાંઓ સામેલ છે. 1902થી શરૂ થયેલો આ વિવાદ 1950ના ભેટ-લેખ અને 2019ના વક્ફ બોર્ડના નિર્ણય સુધી વધુ જટિલ બન્યો છે. 600 પરિવારોના અધિકારો અને જીવન પર આધારિત આ વિવાદે કેરળના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો ઊભો કર્યો હતો.

    આ સિવાય આ કેસ એક મહત્વનું ઉદાહરણ છે કે કેવી રીતે વક્ફ કાયદાનો દુરુપયોગ નાગરિકોના મૂળભૂત અધિકારોને જોખમમાં મૂકી શકે છે. કેરળ હાઇકોર્ટનો ચુકાદો ભવિષ્યમાં વક્ફ બોર્ડની કાર્યવાહી પર નિયંત્રણ લાવવા, પારદર્શક અને ન્યાયી પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા તથા નાગરિકોના મિલકત અધિકારોનું રક્ષણ કરવા માટે માર્ગદર્શક બનશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં