Thursday, April 2, 2026
More
    હોમપેજદેશદરેક સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ ફરજિયાત, ડિલીટ કરવાનો પણ વિકલ્પ: સાયબર...

    દરેક સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ ફરજિયાત, ડિલીટ કરવાનો પણ વિકલ્પ: સાયબર ગુના રોકનારી આ પહેલ શું છે?

    સંચાર સાથી એપ ભારતની ડિજિટલ સુરક્ષા માટે એક મોટું પગલું છે, જે ગુનેગારોને અંકુશમાં લેવા અને મોબાઇલ ઇકોસિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

    - Advertisement -

    ડિજિટલાઇઝેશનના આ યુગમાં મોબાઇલ ફોન માત્ર સંચારનું સાધન નથી, પરંતુ આપણી નાણાકીય અને વ્યક્તિગત ઓળખનો મુખ્ય આધાર પણ બની ગયો છે. આ સાથે જ મોબાઇલ સંબંધિત છેતરપિંડી, સાયબર ફ્રોડ, ફોનની ચોરી અને ગેરકાયદેસર કનેક્શન્સનો દુરુપયોગ જેવા પડકાર પણ મોટાપાયે ઉભરી રહ્યા છે. આ પડકારોનો સામનો કરવા માટે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા એક મહત્વાકાંક્ષી અને નાગરિક-કેન્દ્રિત પહેલ તરીકે સંચાર સાથી એપ (Sanchar Saathi App) અને પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

    આ પ્લેટફોર્મનો હેતુ મોબાઇલ યુઝર્સને સશક્ત બનાવવા, તેમની સુરક્ષાને મજબૂત કરવા અને ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને અટકાવવાનો છે. સંચાર સાથી એ ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને IMEI આધારિત છેતરપિંડી અને નકલી SIM કાર્ડના કનેક્શન્સને ઓળખીને તેના પર અંકુશ મૂકે છે.

    સત્તાવાર પોર્ટલ અનુસાર સંચાર સાથી પ્લેટફોર્મ વિવિધ સુરક્ષા સેવાઓ આપે છે, જેનો ઉદ્દેશ્ય નાગરિકોને તેમના મોબાઇલ ઉપકરણો પર સંપૂર્ણ નિયંત્રણ અને સુરક્ષા આપવાનો છે. જે અંતર્ગત આ એપ ઘણી બધી સુવિધાઓ પ્રદાન કરે છે. અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ એન્ડ્રોઇડ યુઝર્સ અને 9.5 લાખથી વધુ એપલ યુઝર્સ આ એપને ડાઉનલોડ કરી ચૂક્યા છે.

    - Advertisement -
    (ફોટો: સંચાર સાથી એપ)

    સંચાર સાથી એપ પર મળતી સુવિધાઓ

    1. CEIR: (Central Equipment Identity Register – કેન્દ્રીય સાધનો ઓળખ રજિસ્ટર): આ સંચાર સાથીની સૌથી મહત્ત્વપૂર્ણ સુવિધા છે, જે ચોરી થયેલા મોબાઈલને ભારતના ટેલિકોમ નેટવર્કમાં સંપૂર્ણપણે બિનઉપયોગી કે ઇનએક્ટિવ બનાવે છે. જો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો યુઝરે સૌપ્રથમ પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવી પડે છે. ત્યારબાદ ખોવાયેલા નંબર માટે ડુપ્લિકેટ SIM કાર્ડ મેળવવું પડે છે. આ વિગતો સાથે પોર્ટલ પર IMEI નંબર બ્લોક કરવાની વિનંતી કરવામાં આવે છે.

    એકવાર IMEI બ્લોક થયા પછી તે ફોન ભારતના કોઈપણ મોબાઇલ નેટવર્ક પર કામ કરી શકતો નથી, ભલે SIM કાર્ડ બદલવામાં આવે. તેમ છતાં જો કોઈ મોબાઈલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે તો તેની ટ્રેસેબિલિટી (શોધી શકાય તેવી માહિતી) જનરેટ થાય છે. જેના કારણે પોલીસ સરળતાથી ફોન શોધી શકે છે. જ્યારે ફોન પાછો મળી જાય ત્યારે, પોર્ટલ પર વિનંતી કરીને તેને સામાન્ય ઉપયોગ માટે સરળતાથી અનબ્લોક કરી શકાય છે.

    2. TAFCOP: (Telecom Analytics for Fraud Management and Consumer Protection): ઘણીવાર એવું બને છે કે લોકોના ID પર છેતરપિંડી દ્વારા વધારાના SIM કાર્ડ મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં થાય છે. TAFCOP યુઝર્સને આનાથી બચાવે છે. વપરાશકર્તા માત્ર તેમનો મોબાઇલ નંબર અને ID દાખલ કરીને તેમના ID પર નોંધાયેલા તમામ મોબાઇલ કનેક્શન્સની યાદી જોઈ શકે છે.

    જો કોઈ કનેક્શન એવું હોય જે યુઝરે ન લીધું હોય તો તેઓ તેને ‘Not My Number’ તરીકે રિપોર્ટ કરી શકે છે. DoT તાત્કાલિક ટેલિકોમ ઑપરેટરોને તે કનેક્શન બ્લોક કરવા આદેશ આપી શકે છે. જેનાથી ગ્રાહકોની ડિજિટલ ઓળખની ચોરી થતી અટકાવી શકાય છે.

    સંચાર સાથી એપ પર મળતી સુવિધાઓ (ફોટો: સ્ક્રીનશોટ, સંચારસાથી એપ)

    3. ચક્ષુ (Chakshu): ચક્ષુ સુવિધા નાગરિકોને છેતરપિંડીના ઇરાદાવાળા સંચારની(કોલ્સ, SMS, વોટ્સએપ મેસેજ) જાણ કરવા માટેનું મહત્વનું સાધન છે. જો તમને કોઈ શંકાસ્પદ કોલ આવે જેમાં લોન, નોકરી, બેંક KYC અપડેટ વગેરેનું કહીને વ્યક્તિગત માહિતી માંગવામાં આવે તો તેની ફરિયાદ ચક્ષુ પર કરી શકો છો. આ માહિતી ગુનેગારોને પકડવામાં અને ભવિષ્યના ફ્રોડને રોકવામાં મદદ કરે છે.

    ચક્ષુ સુવિધા નાગરિકોને ફ્રોડ વેબ લિંક્સ અને ફ્રોડ સંચારની જાણ કરવા માટે સશક્ત બનાવે છે. નાગરિકો વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમની જાણ કરી શકે છે, જેમાં નાણાકીય છેતરપિંડી, ફિશિંગ લિંક્સ, બિનચકાસાયેલ APKs, ડિવાઇસ ક્લોનિંગના પ્રયાસો અને અન્ય દુરુપયોગનો સમાવેશ થાય છે. આ પ્રકારનો દુરુપયોગ SMS, RCS, iMessage, તેમજ WhatsApp અને Telegram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી થઈ શકે છે. આ વ્યાપક રિપોર્ટિંગ પદ્ધતિથી ડિજિટલ ઇકોસિસ્ટમને સુરક્ષિત કરવામાં મદદ મળે છે.

    4. KYM (Know Your Mobile): આ ફોન ખરીદતા પહેલાં તેની અધિકૃતતા ચકાસવા માટેની સુવિધા છે. સેકન્ડ-હેન્ડ ફોન ખરીદતી વખતે યુઝર KYM સુવિધાનો ઉપયોગ કરીને ફોનનો IMEI નંબર ચેક કરી શકે છે કે તે ચોરાયેલો છે કે નહીં. જેથી ભૂલથી પણ ચોરાયેલો માલ ખરીદાઈ ન જાય.

    5. રિપોર્ટ ઇનકમિંગ ઇન્ટરનેશનલ કોલ વિથ ઇન્ડિયન નંબર: ગેરકાયદેસર ટેલિકોમ સેટઅપ (SIM Box) દ્વારા ભારતીય નંબર એટલે કે +91નો ઉપયોગ કરીને આવતા આંતરરાષ્ટ્રીય કોલ્સની જાણ કરી શકાય છે.

    6. Know Your Wireline ISP: ગ્રાહકોને પિન કોડ દ્વારા તેમના વિસ્તારમાં વાયરલાઇન ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરની (ISP) વિગતો જાણવા માટેની સુવિધા આપે છે.

    7. Trusted Contact Details (વિશ્વાસ પાત્ર માહિતી): બેંકો અને નાણાકીય સંસ્થાઓ જેવી મહત્વની સંસ્થાઓના સત્તાવાર સંપર્ક નંબરો અને વેબસાઇટની લિંક્સ ચકાસવામાં મદદ કરે છે, જેથી છેતરપિંડી અટકી શકે.

    ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશનનો આદેશ અને ‘બિગ બ્રધર’ વિવાદ

    તાજેતરમાં DoT દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો, જેના કારણે એક વિવાદ ઉભો થયો હતો. સરકારે મોબાઈલ કંપનીઓને એવો આદેશ આપ્યો કે ભારતમાં વેચાતા તમામ નવા સ્માર્ટફોન પર સંચાર સાથી એપને ફરજિયાતપણે પ્રી-ઇન્સ્ટોલ કરવી પડશે. આદેશ મુજબ, એપલ, સેમસંગ, વિવો, ઓપ્પો અને શાઓમી જેવી મોટી કંપનીઓએ 90 દિવસની અંદર એપ પ્રી-ઇન્સ્ટોલ કરી હોવાની ખાતરી કરવી પડશે.

    સપ્લાય ચેઇનમાં પહેલાંથી જ રહેલા ઉપકરણો પર એપ્લિકેશનને OTA (ઓવર-ધ-એર) અપડેટ્સ દ્વારા લઈ જવામાં આવશે. આ પહેલી વાર છે જ્યારે ભારતમાં દરેક ઉપકરણ પર સરકારી એપ્લિકેશન ફરજિયાત કરવામાં આવી છે. ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ કે આ એપ પ્રી-ઇન્સ્ટોલ કરેલી હોવાથી યુઝર તેને અનઇન્સ્ટોલ કે ડિસેબલ કરી શકશે નહીં.

    આ અટકળોના આધારે વિપક્ષી નેતાઓ અને અન્ય સંગઠનોએ આ નિર્ણયને ગોપનીયતાના ભંગ તરીકે ગણાવ્યો. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો કે ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન અને અન-ડિલીટેબલ જોગવાઈના કારણે આ એપ સરકારને યુઝર્સના ડેટા અને પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટેનું સર્વેલન્સ ટૂલ બની જશે.

    આ પગલાંને ‘બિગ બ્રધર’ તરીકે ગણાવીને ટીકા કરવામાં આવી, જે લોકશાહી દેશમાં નાગરિકોના ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી શકે છે. જોકે આવી અટકળો વધતા સરકારે સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે આ માત્ર અફવાઓ છે.

    કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

    ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્રીય ટેલિકોમ અને સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે સ્પષ્ટતા કરી કે સંચાર સાથી એપ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. તેમણે કહ્યું કે આ એપ ગમે ત્યારે ડિલીટ કરી શકાય છે અને જો વપરાશકર્તા તેને એનેબલ કરે તો જ તે કામ કરે છે. આ નિવેદનથી સ્પષ્ટ થયું કે એપને પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત છે, પરંતુ યુઝરને તેને પોતાના ફોનમાંથી દૂર કરવાની સ્વતંત્રતા છે.

    તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સંચાર સાથી એપનો મુખ્ય હેતુ માત્ર નાગરિકોની સુરક્ષા વધારવાનો છે અને તે કોઈ પણ સંજોગોમાં જાસૂસીનું સાધન નથી. એપનું ફોકસ માત્ર શંકાસ્પદ ઉપકરણો અને કનેક્શન્સને ઓળખવા પર છે, ન કે વ્યક્તિગત સંચાર પર. ગોપનીયતાના ભંગના આક્ષેપોને નકારી કાઢીને સરકારે એપને એક પારદર્શક અને નાગરિકોને સશક્ત બનાવતું સાધન ગણાવ્યું છે.

    સંચાર સાથીનો પ્રભાવ અને સત્તાવાર સફળતા

    સંચાર સાથી એપ જાન્યુઆરી 2024માં લૉન્ચ કરવામાં આવી હતી. તે 5 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. તે વપરાશકર્તાઓને IMEI નંબર દ્વારા છેતરપિંડીના કોલની જાણ કરવા, ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને બ્લોક કરવા, ઉપકરણની માન્યતા ચકાસવા અને છેતરપિંડીવાળા સિમ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. તે સેન્ટ્રલ રજિસ્ટ્રી દ્વારા તમામ ટેલિકોમ નેટવર્ક પર કાર્ય કરે છે.

    સત્તાવાર વેબસાઈટ પર દર્શાવાયેલા આંકડાઓ અનુસાર અત્યારસુધીમાં આ એપના માધ્યમથી 42.18 લાખથી વધુ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને બ્લોક કરવામાં આવ્યા છે અને 26.14 લાખથી વધુ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2.89 કરોડમાંથી 2.55 કરોડ ફ્રોડ TAFCOP વિનંતીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ડેટા અનુસાર 40.96 લાખથી વધુ ચક્ષુ ઇનપુટ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 21.71 કરોડથી વધુ લોકો સંચાર સારથીનું પોર્ટલ વિઝીટ કરી ચૂક્યા છે. આ આંકડા દર્શાવે છે કે આ પ્લેટફોર્મ મોબાઇલ ફ્રોડ અને ચોરીના ગુનાઓ સામે એક મજબૂત અવરોધ બની રહ્યું છે.

    આ એપની મદદથી પોલીસે પકડેલા ફોન અને ટેબલેટ્સ (ફોટો: સંચાર સાથી એપ)

    સંચાર સાથી એપ ભારતની ડિજિટલ સુરક્ષા માટે એક મોટું પગલું છે, જે ગુનેગારોને અંકુશમાં લેવા અને મોબાઇલ ઇકોસિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. જોકે, આ પગલાના અમલીકરણમાં સરકારે સુરક્ષાના ધ્યેય અને વ્યક્તિગત ગોપનીયતાના અધિકાર વચ્ચે નાજુક સંતુલન જાળવવું પડશે.

    આ એપનું લક્ષ્ય મોબાઇલની ચોરી કે ફ્રોડ અટકાવવાનો છે અને જો તે આ લક્ષ્યને પારદર્શિતા સાથે પાર પાડે તો તે ખરેખર ભારતીય નાગરિકો માટે એક શક્તિશાળી ‘સાથી’ સાબિત થશે. આખરે, સંચાર સાથીનો પ્રભાવ એ વાત પર નિર્ભર રહેશે કે DoT તેના ડેટા સંચાલન અને ગોપનીયતા પ્રોટોકોલ્સને કેટલી કડક રીતે લાગુ કરે છે, જેથી જાસૂસીનો કોઈ ડર ન રહે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં