દક્ષિણ એશિયાનું ભૂરાજકારણ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. તાજેતરમાં ઉસ્માન હાદીનાં મોત બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ભારે અરાજકતા ઊભી કરી છે. ભારતની પશ્ચિમી સરહદો પર દાયકાઓથી સક્રિય પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પણ હવે પોતાની રણનીતિને પૂર્વ તરફ પુનર્ગઠિત કરતી દેખાઈ રહી છે. તાજેતરના રિપોર્ટ્સમાં એવા સંકેત મળ્યા છે કે બાંગ્લાદેશમાં ISIની વાપસી કોઈ સામાન્ય કૂટનીતિક પ્રવૃત્તિ નથી, પરંતુ એક સુનિયોજિત રણનીતિક અભિયાનનો ભાગ છે – જેનો હેતુ છે હિંદુવિરોધી વાતાવરણ બનાવવું, ભારતવિરોધી કટ્ટરવાદને હવા આપવી અને ભારતની પૂર્વી સરહદોને અસ્થિર કરવી.
આ તે જ બાંગ્લાદેશ છે, જેનો જન્મ 1971માં ભારતીય સૈન્ય અને રાજકીય સમર્થનથી થયો હતો. આજે એ જ ભૂમિ પર ભારતવિરોધી નારા, હિંદુ અલ્પસંખ્યકો પર હુમલા અને ઇસ્લામી કટ્ટરપંથના વધતા કેસોએ ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. ઢાકામાં વધતી અશાંતિ, હિંસા અને ભારતવિરોધી નારાઓ વચ્ચે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ) પ્રવૃત્તિઓ પર પણ ગંભીર સવાલો ઊઠી રહ્યા છે – ખાસ કરીને હિંદુ અલ્પસંખ્યકો તથા ભારત-સમર્થક વિચારધારાઓ વિરુદ્ધ.
ISI અને ‘સ્પેશલ સેલ’નું ગઠન
તાજેતરમાં બાંગ્લાદેશમાં 15 વર્ષ પછી ISIની સક્રિય હાજરીના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઢાકામાં આવેલા પાકિસ્તાની હાઈકમિશનમાં એક વિશેષ એકમ કે ‘સ્પેશલ સેલ’ના ગઠનની વાત સામે આવી છે. આ સેલમાં ઉચ્ચ હોદ્દાના પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ, બ્રિગેડિયર, કર્નલ, મેજર સહિત નૌસેના અને વાયુસેનાના નિષ્ણાતો સામેલ હોવાનું કહેવાય છે. તેને બાંગ્લાદેશી યુવાનોને કટ્ટરપંથી વિચારો તરફ આકર્ષિત કરવા, ભારત-વિરોધી વાતાવરણ તૈયાર કરવા તથા દેશમાં અસ્થિરતા ફેલાવવાના ઇરાદા સાથે જોડવામાં આવી રહ્યું છે.
News18નો એક રિપોર્ટ આ સમગ્ર ઘટનાક્રમને માત્ર ‘ISIની વાપસી’ નહીં, પરંતુ પાકિસ્તાન દ્વારા પોતાના ઇસ્ટર્ન ફ્રન્ટના પુનર્ગઠન (Recalibration of Eastern Front) તરીકે રજૂ કરે છે. આ શબ્દ પોતે જ ઘણું કહી દે છે. પાકિસ્તાન હવે માત્ર કાશ્મીર કે પશ્ચિમી મોર્ચા સુધી મર્યાદિત રહેવા માંગતું નથી. તેની નજર ભારતની પૂર્વી સરહદો પર છે, ખાસ કરીને બાંગ્લાદેશને એક રણનીતિક લૉન્ચપેડ તરીકે વાપરવા પર છે. ISIએ ઢાકાને એક નવા ઑપરેશનલ થિયેટર તરીકે ચિહ્નિત કર્યું છે, જ્યાં રાજકીય અસ્થિરતા, મજહબી કટ્ટરતા અને યુવા વસ્તી – ત્રણેય પરિબળો એકસાથે હાજર છે.
બાંગ્લાદેશ-પાકિસ્તાનના વધતાં સંબંધો
હાલના મહિનાઓમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધોમાં અસામાન્ય સુધારો આવ્યો છે. ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકો માટે વીઝા-મુક્ત વ્યવસ્થા, કરાચી-ચિટ્ટાગોંગ ડાયરેક્ટ શિપિંગ રૂટ અને સૈન્ય અધિકારીઓની સતત ઉચ્ચ-સ્તરીય મુલાકાતો. આ બધું સંકેત આપે છે કે સંબંધો માત્ર ઔપચારિક રહ્યા નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સૈન્ય અને ગુપ્તચર સ્તરે આટલી સક્રિયતા વધે તો તેની સીધી અસર ભારતની સુરક્ષા પર પડે છે, ખાસ કરીને તે સમયે જ્યારે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો પહેલેથી જ સક્રિય હોય.
કટ્ટરવાદ અને ભારત-હિંદુવિરોધી હિંસા
ISIનું ધ્યાન માત્ર સંસ્થાગત સ્તરે નથી, પરંતુ બાંગ્લાદેશી યુવાનોને કટ્ટરવાદ તરફ વાળવા પર પણ છે. સ્થાનિક ઇસ્લામી સંગઠનો અને કથિત વિદ્યાર્થી મંચો દ્વારા ભારત-વિરોધી માહોલ, હિંદુઓ વિરુદ્ધ નફરત અને મજહબી ઉન્માદને વ્યવસ્થિત રીતે ફેલાવવામાં આવી રહ્યો છે. આ તે જ પેટર્ન છે, જે પાકિસ્તાન અગાઉ કાશ્મીરમાં અપનાવતું રહ્યું છે, ફરક માત્ર એટલો છે કે હવે આ પ્રયોગ બાંગ્લાદેશમાં કરવામાં આવી રહ્યો છે.
બાંગ્લાદેશમાં ISI દ્વારા સ્થાપિત આ સેલનો સૌથી મોટો ઉદ્દેશ્ય યુવાનોને ‘બ્રેઇનવૉશ’ કરીને કટ્ટરવાદી વિચારો તરફ લઈ જવાનો છે. આ કામ માટે સ્થાનિક કટ્ટરપંથી સંગઠનો જેમ કે જમાત-એ-ઇસ્લામી અને ઇન્કલાબ મંચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પહેલેથી જ બાંગ્લાદેશી રાજકારણમાં સક્રિય છે અને તેમાં ભારતવિરોધી નિવેદનો તથા હિંસક આંદોલનોની પ્રવૃત્તિ પણ રહી છે.
વિશ્લેષકોનું માનવું છે કે આ રણનીતિ માત્ર રાજકીય વિરોધ નથી પરંતુ એક હાઇબ્રિડ રણનીતિ છે, જેમાં મજહબી ઉન્માદ, સામુદાયિક વિભાજન અને રાષ્ટ્રીય ગર્વના મુદ્દાઓને હથિયાર તરીકે વાપરવામાં આવે છે, જેથી સામાજિક માળખામાં તિરાડ પાડી શકાય અને ભારતવિરોધી લાગણીઓને ભડકાવી શકાય.
આ રણનીતિનો સૌથી ભયાવહ ચેહરો ત્યારે સામે આવે છે, જ્યારે તેને જમીની હિંસા સાથે જોડવામાં આવે. હાલમાં જ દીપુ ચંદ્ર દાસની જે રીતે કટ્ટરપંથીઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી, તે કોઈ એક વ્યક્તિ પર હુમલો નહોતો, તે આખા હિંદુ સમુદાય માટે એક ચેતવણી હતી. ઇશનિંદાના આરોપની આડમાં એક હિંદુ યુવાનને માર મારવો, તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દેવો અને પછી આગ લગાવી દેવી. આ ઘટના સાબિતી છે કે કટ્ટરપંથ હવે માત્ર વાતો સુધી મર્યાદિત રહ્યો નથી. આવી ઘટનાઓ અચાનક નથી થતી. તેની પાછળ લાંબા સમયથી તૈયાર કરવામાં આવેલું વૈચારિક ઝેર હોય છે અને એ જ ઝેર ISI જેવા નેટવર્કો માટે સૌથી અસરકારક હથિયાર છે.
તાજેતરની હિંસા દરમિયાન ઢાકા અને ચિટ્ટાગોંગમાં ભારતીય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા સંસ્થાઓ પર પણ હુમલા થયા હતા. આ માત્ર કટ્ટરપંથી ટોળાંનો ગુસ્સો નહોતો. આ એક નિર્દેશિત ઉન્માદ હતો, જેના નિશાના પર ભારત હતું.
બાંગ્લાદેશની ધરતી ક્યારેક ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અત્યાચારો વિરુદ્ધ ઊભી થઈ હતી. આજે એ જ ધરતી પર ભારતવિરોધી નારા, હિંદુવિરોધી હિંસા અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની સક્રિયતા, એક અત્યંત ખતરનાક વળાંક તરફ ઇશારો કરી રહી છે. પાકિસ્તાનની ISI બાંગ્લાદેશમાં સક્રિય છે અને તે સુનિયોજિત રીતે હિંદુવિરોધી અને ભારતવિરોધી કટ્ટરવાદને ખાતર-પાણી આપી રહી છે. જો તેને સમયસર ન રોકવામાં આવ્યું તો તેની કિંમત માત્ર બાંગ્લાદેશ જ નહીં, આખું દક્ષિણ એશિયા ભોગવશે.


