Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશસમુદ્રી સુરક્ષા, નૌસેના અભિયાનો અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન: ISROએ લૉન્ચ કરેલો GSAT-7R...

    સમુદ્રી સુરક્ષા, નૌસેના અભિયાનો અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન: ISROએ લૉન્ચ કરેલો GSAT-7R સેટેલાઈટ કેવી રીતે સાબિત થશે ગેમ ચેન્જર?

    આ સેટેલાઈટ ભારતની અવકાશ આધારિત ડિફેન્સ ક્ષમતાને મજબૂત કરશે, જેમાં મેરીટાઇમ સર્વેલન્સ અને કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે. તે રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપશે, જેનાથી અવકાશ ક્ષેત્રમાં ભારતનું વૈશ્વિક સ્થાન વધશે.

    - Advertisement -

    2 નવેમ્બર, 2025ના રોજ ISROએ એક ઐતિહાસિક સેટેલાઈટને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. સતીશ ધવન અવકાશ સેન્ટર, શ્રીહરિકોટા ખાતેથી ISROએ ભારતીય નૌકાદળના GSAT-7R (CMS-03) સેટેલાઈટને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં (GTO) સફળતાપૂર્વક સ્થાપિત કર્યો છે. 4,410 કિલોગ્રામ વજનનો આ સેટેલાઈટ ભારતનો હમણાં સુધીનો સૌથી ભારે સેટેલાઈટ છે. આ સેટેલાઈટને LVM-3 રોકેટ પરથી લૉન્ચ કરવામાં આવ્યો છે, આ લૉન્ચ વ્હીકલને ‘બાહુબલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેના દ્વારા ખૂબ ભારે સેટેલાઈટ લૉન્ચ કરી શકાય છે. 

    આ સેટેલાઈટ લૉન્ચ થયા બાદ ભારતીય સેનાને ઉન્નત ટેકનોલોજી અને મજબૂત નેટવર્ક મળી શકશે. ખાસ કરીને ભારતીય નૌકાદળને તેનો સૌથી વધુ લાભ મળશે. કારણ કે આ સેટેલાઈટની મદદથી સમુદ્રી ગતિવિધિઓ પર ધ્યાન આપી શકાશે અને સમુદ્રનું નિરીક્ષણ પણ કરી શકાશે. આ ઉપરાંત દુશ્મન દેશોની ગતિવિધિ પર પણ તેનાથી નજર રાખી શકાય છે. આપણે વિગતે આ મિશન વિશેની માહિતી મેળવવા પ્રયાસ કરીશું. 

    શું છે આ સેટેલાઈટ?

    GSAT-7R સેટેલાઈટને CMS-03 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેટેલાઈટ ભારતીય નૌકાદળ માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલો મલ્ટી-બેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. 2019માં નૌકાદળ અને ISRO વચ્ચે ₹1589 કરોડનો કરાર થયો હતો, જે હેઠળ આ સેટેલાઈટને વિકસાવવામાં આવ્યો છે. આ સેટેલાઈટ GSAT-7 રુક્મિણીનું અપગ્રેટ વર્ઝન છે. GSAT-7 સેટેલાઈટ 2013માં લૉન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તેનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે. જેના કારણે હવે વધુ આધુનિક સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    આ સેટેલાઈટ નૌકાદળની અવકાશ આધારિત સંચાર વ્યવસ્થાને મજબૂત બનાવશે અને તેની સમુદ્રી ક્ષેત્રની ક્ષમતાઓમાં પણ વધારો કરશે. મહત્વની વાત એ છે કે આ સેટેલાઈટનું નિર્માણ સંપૂર્ણપણે સ્વદેશી પદ્ધતિથી થયું છે. આ ઉપગ્રહ ભારતની અવકાશ તકનીકોમાં આત્મનિર્ભરતની યાત્રામાં મહત્વનો માઈલ્સટોન સાબિત થશે. આ ઉપરાંત આ સેટેલાઈટ દેશની વધતી જતી ક્ષમતાઓનું પણ પ્રતિક છે, જેમાં જટિલ અને મિશન-ક્રિટિકલ સેટેલાઈટની ડિઝાઇન, નિર્માણ અને લૉન્ચિંગનો સમાવેશ થાય છે. 

    GSAT-7R સંપૂર્ણ સ્વદેશી ઉપગ્રહ છે, જેનું વજન આશરે 4,400 કિલો છે અને તેમાં ભારતીય નૌકાદળની કાર્યાત્મક જરૂરિયાતોને પૂરી કરવા વિશેષ રીતે વિકસિત અનેક સ્વદેશી અત્યાધુનિક ઘટકો જોડવામાં આવ્યા છે. તે હિન્દ મહાસાગર વિસ્તારમાં મજબૂત ટેલિકોમ્યુનિકેશન કવરેજ પૂરું પાડશે, જેમાં ભારતીય ભૂમિ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ ઉપગ્રહ ઉચ્ચ ક્ષમતા ધરાવતા બેન્ડવિડ્થ સાથેના કનેક્શનને પણ નોંધપાત્ર રીતે વધારશે, જેનાથી જહાજો, વિમાનો, સબમરીન અને ભારતીય નૌકાદળના મેરીટાઇમ ઑપરેશન્સ સેન્ટર્સ વચ્ચે કોઈપણ અડચણ વગર સુરક્ષિત સંચાર લિંક્સ બનશે. 

    આ ઉપગ્રહ નૌકાદળની નેટવર્ક-કેન્દ્રિત યુદ્ધ ક્ષમતાઓને મજબૂત કરશે, જેમાં યુદ્ધ જહાજો, સબમરીન, વિમાનો અને કમાન્ડ સેન્ટર્સ સહિતના નૌકાદળના એકમો વચ્ચે રીઅલ-ટાઇમ સુરક્ષિત વૉઇસ, વિડીયો અને ડેટા ટ્રાન્સમિશન થશે.

    સેટેલાઈટની વિશેષતા

    GSAT-7R (CMS-03) એ એક અદ્યતન મલ્ટી-બેન્ડ કમ્યુનિકેશન સેટેલાઈટ છે, જે UHF, S, C અને Ku બેન્ડનો ઉપયોગ કરીને વૉઇસ, વિડીયો અને ડેટા ટ્રાન્સમિશન કરે છે. તેનું મુખ્ય કાર્ય હિન્દ મહાસાગર વિસ્તારમાં (IOR) 2,000 કિલોમીટર સુધીના વિસ્તારને આવરી લેવાનું છે, જેમાં ભારતીય ભૂમિ અને તટરક્ષા પણ સામેલ છે. સેટેલાઈટમાં હાઈ-થ્રૂપુટ ટ્રાન્સપોન્ડર્સ અને અપગ્રેડેડ પેલોડ છે, જે એન્ક્રિપ્શન સિસ્ટમ સાથે સુરક્ષિત કમ્યુનિકેશન પ્રદાન કરે છે. તેનું આયુષ્ય 15 વર્ષનું છે.

    આ ઉપગ્રહ ભારતીય નૌકાદળ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલો કમ્યુનિકેશન સેટેલાઈટ છે, જે  ISRO અને નૌકાદળ વચ્ચેના કરાર હેઠળ વિકસાવાયો છે. તે મલ્ટી-બેન્ડ ક્ષમતા સાથે સુરક્ષિત અને રીઅલ-ટાઇમ કમ્યુનિકેશન પ્રદાન કરે છે. આ સેટેલાઈટ વેધર-પ્રૂફ છે અને પ્રતિકૂળ વાતાવરણમાં પણ કામ કરવાની ક્ષમતા છે. તેનું મુખ્ય ધ્યેય નૌકાદળના નેટવર્ક-સેન્ટ્રિક ઑપરેશન્સને મજબૂત કરવાનું છે, જેમાં મેરીટાઇમ ડોમેઇન અવેરનેસ (MDA) અને સુરક્ષા સામેલ છે. આ સેટેલાઈટ ભારતની બ્લુ-વોટર નેવીને સપોર્ટ કરશે અને આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારશે.

    કઈ રીતે સાબિત થશે ગેમ ચેન્જર?

    GSAT-7Rનું સફળ લૉન્ચિંગ ભારતીય નૌકાદળ માટે ગેમ ચેન્જર સાબિત થશે, કારણ કે તે GSAT-7 કરતાં વધુ વિશાળ કવરેજ અને બેન્ડવિડ્થ પ્રદાન કરે છે. તે રીઅલ-ટાઇમ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે, જે મહાસાગરીય વિસ્તારોમાં પણ કામ કરશે. અપગ્રેડેડ એન્ક્રિપ્શન અને હાઈ-ક્ષમતા સાથેના ટ્રાન્સપોન્ડર્સથી તે સાયબર સુરક્ષા વધારશે અને નેવલ ઑપરેશન્સને વધુ કાર્યક્ષમ બનાવશે. તેનાથી ભારતની મેરીટાઇમ સુરક્ષા અને સ્ટ્રેટેજિક પોઝિશન વધશે, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા પડોશીઓના વધતા પડકારો વચ્ચે.

    આ સેટેલાઈટ ભારતની અવકાશ આધારિત ડિફેન્સ ક્ષમતાને મજબૂત કરશે, જેમાં મેરીટાઇમ સર્વેલન્સ અને કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે. તે રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપશે, જેનાથી અવકાશ ક્ષેત્રમાં ભારતનું વૈશ્વિક સ્થાન વધશે. તે IORમાં ભારતની પ્રભાવશાળી હાજરી વધારશે અને આર્થિક/સુરક્ષા હિતોનું પણ રક્ષણ કરશે.

    સામાન્ય નાગરિકો અને ભારતીય સેના માટે પણ તે વિશેષ વરદાનરૂપ સાબિત થશે. તે ઇન્ડિયન ઓશન રિજનમાં (IOR) દેખરેખ અને સર્વેલન્સને મજબૂત કરશે. તે જહાજો, સબમરીન અને વિમાનો વચ્ચે સુરક્ષિત વ્યાપક-બેન્ડ કમ્યુનિકેશન પ્રદાન કરશે, જે સિચ્યુએશનલ અવેરનેસ અને નેટવર્ક-સેન્ટ્રિક વોરફેરને સપોર્ટ કરશે. તેનાથી બ્લુ-વોટર ઑપરેશન્સ વધશે, જેમાં દૂરનું પેટ્રોલિંગ અને કો-ઓર્ડિનેશન સામેલ છે. તેનાથી નૌકાદળની ઑપરેશનલ ક્ષમતા વધશે અને વિપરીત વાતાવરણમાં પણ કનેક્ટિવિટી જળવાઈ રહેશે.

    LVM3-M5 રોકેટની ભૂમિકા

    આ સેટેલાઈટને LVM3-M5 રોકેટ પરથી લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ રોકેટ ISROનું સૌથી શક્તિશાળી વ્હીકલ છે અને તેની પેલોડ ક્ષમતા 8,000 કિલોગ્રામ સુધીની છે. તેથી આ રોકેટને ‘બાહુબલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. Chandrayaan-3 (જુલાઈ 2023) પછી LVM3નું આ પ્રથમ મિશન હતું. આ પહેલાં GSAT-11, GSAT-24 અને GSAT-20 જેવા ભારે સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ તેના માટે સ્પેસએક્સ અને એરિયનસ્પેસ જેવા વિદેશી લૉન્ચ વ્હીકલ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ, હવે ભારતે તે નિર્ભરતાને દૂર કરીને ‘આત્મનિર્ભરતા’ તરફ ડગ માંડ્યાં છે અને પોતાના બાહુબલી રોકેટની ક્ષમતાને દુનિયાની સામે રાખી છે. 

    સેટેલાઈટ લૉન્ચ થયાની આ સફળતાથી પુષ્ટિ થઈ છે કે ISROનું સૌથી શક્તિશાળી રોકેટ ‘બાહુબલી’ હવે આવા ભારે અને મજબૂત પેલોડને સંભાળી શકે છે અને સફળતાપૂર્વક લૉન્ચ પણ કરી શકે છે. તેથી હવે ભારે સેટેલાઈટ લૉન્ચ કરવા માટે ભારતે અન્ય દેશની સંસ્થા કે ટેકનોલોજીનો સહારો લેવો પડશે નહીં.

    વાત કરીએ સેટેલાઈટની તો તેને GTOમાં સ્થાપિત કર્યા બાદ હવે ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમથી જીઓસ્ટેશનરી ઓર્બિટમાં (GEO) સ્થાપિત કરવામાં આવશે. મિશનની કુલ કિંમત ₹1,589 કરોડ (લગભગ 225 મિલિયન ડોલર) છે, જેમાં સેટેલાઈટ નિર્માણ, લૉન્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ પણ થઈ જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં