Sunday, March 8, 2026
More
    હોમપેજદેશવૈશ્વિક વ્યાપારમાં અનેક અનિશ્ચિતતાઓ… છતાં મજબૂતીથી આગળ વધતું ભારતનું અર્થતંત્ર: વાંચો શું કહે...

    વૈશ્વિક વ્યાપારમાં અનેક અનિશ્ચિતતાઓ… છતાં મજબૂતીથી આગળ વધતું ભારતનું અર્થતંત્ર: વાંચો શું કહે છે 2025નો આર્થિક સરવે

    આર્થિક સરવે અનુસાર, વૈશ્વિક પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે. આગામી નાણાકીય વર્ષમાં રિયલ GDP ગ્રોથ 6.8%થી 7.2% જેટલો રહી શકે છે. જે અનેક વૈશ્વિક સંસ્થાઓએ લગાવેલાં અનુમાનોથી વધુ છે.

    - Advertisement -

    દર વર્ષે વાર્ષિક બજેટ પહેલાં સરકાર સંસદમાં આર્થિક સરવે રજૂ કરે છે. સરવેનો મૂળ ઉદ્દેશ્ય ગત વર્ષમાં અર્થતંત્ર કેવું રહ્યું અને હાલની સ્થિતિ શું છે, પડકારો કેવા આવ્યા અને આગામી વર્ષોમાં શું કરી શકાય આ બધા પ્રશ્નોના જવાબ મેળવવાનો છે. બજેટ પહેલાં આ બધી બાબતોની જાણ હોય તો સરકાર, નીતિ નિર્ધારકો તે હિસાબે બજેટ તૈયાર કરી શકે છે.

    ગુરુવારે (29 જાન્યુઆરી) નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સરવે રજૂ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય આર્થિક સલાહકારે એક પત્રકાર પરિષદ પણ યોજી. ઉલ્લેખનીય છે કે આ સરવે રિપોર્ટ નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર અને તેમની સાથે કામ કરતા અર્થશાસ્ત્રીઓની ટીમ જ તૈયાર કરે છે.

    આમ તો સરવેનો દસ્તાવેજ બહુ લાંબો અને વિગતવાર છે, પણ મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ.

    - Advertisement -

    વૈશ્વિક પરિસ્થિતિ

    શરૂઆતમાં જ વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાની શું સ્થિતિ છે તેની ચર્ચા કરવામાં આવી છે. સરવે કહે છે કે ગ્લોબલ ઇકોનોમી અનેક અનિશ્ચિતાઓમાંથી પસાર થઈ રહી છે. અનેક દેશો યુદ્ધ, ભૂરાજકીય તણાવ, વેપારમાં અનેક નિયંત્રણો, વધુ વ્યાજદરો, ઊર્જા ક્ષેત્રે ચાલતા વિખવાદો અને ટેકનોલોજી બૅનના કારણે ધીમા વિકાસ દરનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત ગ્લોબલ સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ અનેક અડચણો આવી છે. જેથી અનેક એડવાન્ડ્સ ઇકોનોમી પણ દેવું, ફુગાવો, ઓછી માંગ વગેરેનો સામનો કરી રહ્યા છે.

    જોકે સરવે કહે છે કે આવી કપરી પૃષ્ઠભૂમિમાં પણ ભારત મહદ અંશે સ્થિર રહી શક્યું છે.

    આર્થિક સરવે અનુસાર, વૈશ્વિક પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે. આગામી નાણાકીય વર્ષમાં રિયલ GDP ગ્રોથ 6.8%થી 7.2% જેટલો રહી શકે છે. જે અનેક વૈશ્વિક સંસ્થાઓએ લગાવેલાં અનુમાનોથી વધુ છે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતની અર્થવ્યવસ્થા અનેક દેશોની અર્થવ્યવસ્થા કરતાં ઝડપથી આગળ વધી રહી છે.

    સરવે કહે છે કે ભારતનો આર્થિક વિકાસ મુખ્યત્વે આ ત્રણ પાસાં પર આધારિત છે.

    1) લોકો ગુડ્સ અને સર્વિસ પર પૈસા ખર્ચી રહ્યા છે

    2) વ્યવસાયોએ ફરી રોકાણ શરૂ કર્યું છે

    3) સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભરપૂર ખર્ચ કરી રહી છે

    સરકારી ખર્ચ નિયંત્રણમાં

    સરવેનો એક મોટો હિસ્સો નાણાકીય સ્થિરતાની વાત કરે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી ફાયનાન્સ ધીમેધીમે વધુ મજબૂત થઈ રહ્યું છે. ટેક્સ કલેક્શન, ખાસ કરીને ઇન્કમ ટેક્સ કલેક્શન વધી રહ્યું છે. ટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓ વધી રહ્યા છે. બીજી તરફ ફિસ્કલ ડેફિસિટ (સરકારનો કુલ ખર્ચ આવક કરતાં વધે એ સ્થિતિ) પણ ધીમેધીમે ઘટી રહ્યું છે. સરવે કહે છે કે આવા શિસ્તબદ્ધ આર્થિક આયોજનના કારણે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ પણ ભારતની અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

    GST સિસ્ટમ અને ટેક્સ રિફોર્મ

    સરવેમાં વધતા GST કલેક્શનની પણ ચર્ચા કરવામાં આવી છે. GSTથી થતી આવક સતત વધી રહી છે. વધુમાં તાજેતરમાં જ સરકારે GST માળખાને ખાસ્સું સરળ કરી દીધું હતું. સરવે જણાવે છે કે તેના કારણે કુલ વપરાશ પણ વધ્યો છે, ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળ્યું છે અને વધુને વધુ નાના ઉદ્યોગો વિકસી રહ્યા છે.

    બેન્કિંગ સેક્ટર

    બેન્કિંગ સેક્ટર પણ સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું હોવાનું આ સરવે જણાવે છે. ઘણાં વર્ષો સુધી ભારતીય બેન્કો હાઈ બેડ લૉનના (ચૂકવાઈ ન હોય એવી) કારણે પડકારોનો સામનો કરતી રહી, પણ હવે સ્થિતિ ઘણીખરી બદલાઈ છે. બેન્કો નાણાકીય રીતે મજબૂત બનતી જાય છે. ગ્રેડિટ ગ્રોથમાં પણ સુધારો જોવા મળ્યો છે.

    વિદેશી રોકાણ

    સરવે કહે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગ્રીનફિલ્ડ ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે ભારત પહેલી પસંદગી બન્યું છે. ઈલેક્ટ્રોનિક્સ, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ સર્વિસ વગેરે ક્ષેત્રોમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વ 700 બિલિયન ડોલરનો આંકડો પાર કરી લીધો છે.

    સરવે અનુસાર, ફુગાવો હવે નિયંત્રણમાં છે. 2025 દરમ્યાન સરેરાશ દર 1.7% જેટલો રહ્યો, જે ઘણાં વર્ષોમાં સૌથી નીચો દર હતો. કારણમાં ઓછી ફૂડ પ્રાઇસ, સારું ચોમાસું, ફૂડ સપ્લાય મેનેજમેન્ટમાં સુધારો અને સમયે-સમયે થતો સરકારનો હસ્તક્ષેપ વગેરે જણાવવામાં આવ્યાં છે. અનેક મોટાં અર્થતંત્રોની સરખામણીએ આ વર્ષે ભારતમાં સૌથી ઓછો ફુગાવાનો દર જોવા મળ્યો.

    ઉત્પાદન-ઔદ્યોગિક વિકાસ

    મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીને ફરી એક વખત વેગ મળ્યો છે. સ્ટીલ, સિમેન્ટ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ, ઈલેક્ટ્રોનિક્સ– તમામનું ઉત્પાદન વધી રહ્યું છે. 2015થી આજે લગભગ ત્રણ ગણા વધુ મોબાઇલ ભારતમાં બની રહ્યા છે. ઇલેક્ટ્રોનિક વાહનોની નોંધણી સતત વધી રહી છે.

    પેટન્ટમાં વધારો, સ્ટાર્ટ અપમાં વધારો અને રિસર્ચ એક્ટિવિટી વધવાના કારણે ગ્લોબલ ઈનોવેશન રેન્કિંગમાં પણ ભારતનું સ્થાન ઉપર આવી રહ્યું છે.

    ઇન્ફ્રાસ્ટ્રક્ચર

    સરવેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને સૌથી મજબૂત પાસું ગણાવવામાં આવ્યું છે. હાઇવે, રેલવે, બંદરો, પાવર જનરેશન ફેસિલિટી, લોજિસ્ટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર– આ તમામમાં વધારો જોવા મળી રહ્યો છે અને સરકાર પૈસા પણ ખર્ચ કરી રહી છે.

    બીજી તરફ વીજ પુરવઠામાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધારો જોવા મળ્યો છે.

    ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

    સરવે કહે છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ કનેક્શન બમણાં થઈ રહ્યાં છે અને ડેટાની કિંમત ઘટી રહી છે.

    ભારતનેટ થકી ગ્રામ્ય વિસ્તારોને જોડવામાં આવી રહ્યા છે.

    શિક્ષણ અને આરોગ્ય

    સરવે જણાવે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સારી એવી પ્રગતિમાં છે. એડમિશનનો વધી રહ્યાં છે, પરિણામોમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. શિક્ષણમાં પણ ડિજિટલાઈઝેશનનું પ્રમાણ વધી રહ્યું છે.

    સ્વાસ્થ્ય સુવિધાઓમાં પણ અનેકગણો સુધારો આવ્યો છે. ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ અને ઈન્સ્યોરન્સ કવરેજનો ફેલાવો પણ રાષ્ટ્રવ્યાપી જોવા મળ્યો છે.

    ગ્રામ વિકાસ અને ગરીબીમાં ઘટાડો

    રુરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ– આ બધું જ હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા માંડ્યું છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં ગરીબીનું પ્રમાણ પણ ખાસું ઘટ્યું છે અને કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જેનો શ્રેય પણ મોદી સરકારની નીતિઓને આપવામાં આવ્યો છે.

    AI

    સરવેમાં AIની પણ ચર્ચા છે. જોકે તેમાં જેટલી તકો વિશે વાત કરવામાં આવી છે એટલી જ ચેતવણી તેનાં જોખમો વિશે પણ અપાઈ છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઇનોવેશન, પ્રોડક્ટિવિટી વગેરેમાં AI મદદરૂપ થઈ શકે છે.

    ટૂંકમાં આ સરવે જણાવે છે કે અનેક વૈશ્વિક પડકારો હોવા છતાં અને વૈશ્વિક વ્યાપારમાં અનેક અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહી છે અને સતત અર્થતંત્ર આગળ વધી રહ્યું છે. હાલ દેશનું અર્થતંત્ર સ્થિર છે, હવે તેને આગળ લઈ જવાની જરૂર છે. જેના માટે પહેલી ફેબ્રુઆરીએ સરકાર બજેટ રજૂ કરશે. હવે તમામ નજર બજેટ ઉપર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં