નાણાં મંત્રીએ સંસદમાં રજૂ કર્યો આર્થિક સરવે: 2026-27માં આર્થિક વિકાસ દર 6.8-7.2% રહેવાનું અનુમાન

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુરુવારે (29 જાન્યુઆરી) કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ગત નાણાકીય વર્ષનો આર્થિક સરવે રજૂ કર્યો હતો.

સરવે અનુસાર આગામી નાણાકીય વર્ષ 2026-27માં ભારતીય અર્થવ્યવસ્થા 6.8થી 7.2%ના દરે આગળ વધી શકે છે.

સરવેમાં જણાવવામાં આવ્યું કે વર્ષ 2025-26 આર્થિક રીતે ખૂબ પડકારજનક રહ્યું. તેનાં ઘણાં કારણો હતાં. વૈશ્વિક વ્યાપારમાં અનિશ્ચિતાઓ જોવા મળી, વધુ ટેરિફના કારણે પણ વ્યવસાયો પર અસર થઈ. જોકે સરકારે આ પડકારજનક પરિસ્થિતિમાં પણ તક શોધીને GSTમાં ફેરફાર સહિતના ઘણા બદલાવો કર્યા, જેના કારણે નકારાત્મક અસરો ઘટાડી શકાઈ.  

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી નાણાકીય વર્ષ ‘એડજસ્ટમેન્ટ’નું વર્ષ રહેશે અને ડોમેસ્ટિક ડિમાન્ડ અને રોકાણ બંનેમાં મજબૂતી જોવા મળશે.

સરવેમાં GDP ગ્રોથનું જે અનુમાન લગાવવામાં આવ્યું છે તે અન્ય એજન્સીઓની સરખામણીએ વધારે છે. આ મહિને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતનો GDP ગ્રોથ દર 6.4% રહેશે એવું અનુમાન લગાવ્યું હતું. તે પહેલાં વર્લ્ડ બેન્કે 2026-27 માટે 6.5%નું અનુમાન લગાવ્યું હતું. પરંતુ મુખ્ય આર્થિક સલાહકારના વડપણ હેઠળ તૈયાર કરવામાં આવેલા આર્થિક સરવેમાં GDP ગ્રોથ 6.8થી 7.2%ના દરે વધી શકે તેવું જણાવાયું છે.

આ સરવે સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. હવે 1 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી બજેટ રજૂ કરશે. આર્થિક સરવે સામાન્ય રીતે ગયા વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ શું રહી અને આગામી વર્ષે કેવી રહેવાની સંભાવના છે એ જણાવે છે. બજેટમાં આગામી વર્ષમાં પૈસાનો ક્યાં, કેટલો ખર્ચ થશે તેની વિગતો હોય છે.