બાંગ્લાદેશના (Bangladesh) મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે (MD Yunus) ચીનને ખુશ કરવા માટે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મોહમ્મદ યુનુસે દાવો કર્યો છે કે, તેઓ બંગાળની ખાડીના એકમાત્ર માલિક છે અને ભારતને આ વિસ્તાર સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે ઈશારો કરતા કહ્યું હતું કે, પૂર્વોત્તર રાજ્યો (સેવન સિસ્ટર્સ) ભારત સાથે ફક્ત જમીન માર્ગ દ્વારા જોડાયેલા છે. તેમનો સીધો ઈશારો પણ ‘ચિકન નેક કોરિડોર’ (Chicken Neck Corridor) પર છે.
આ બધી વાતો મોહમ્મદ યુનુસે તેમની તાજેતરની ચીન મુલાકાત દરમિયાન કહી હતી. તેમનું આ નિવેદન તેમના સત્તાવાર પેજ પરથી પોસ્ટ પણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન મોહમ્મદ યુનુસે ચીનને પૂર્વોત્તરના રાજ્યોની નજીકના વિસ્તારોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે, જે ભારત માટે વ્યૂહાત્મક ખતરો ઊભો કરી શકે તેમ છે.
શું કહ્યું મોહમ્મદ યુનુસે?
મોહમ્મદ યુનુસે તેના નિવેદનમાં કહ્યું કે, “ભારતના સાત રાજ્યો, ભારતનો પૂર્વ ભાગ, જેને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે, તે જમીનથી ઘેરાયેલા છે… તેમને સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો મળ્યો નથી.” મોહમ્મદ યુનુસે વધુમાં દાવો કર્યો હતો કે, તેઓ આ વિસ્તારમાં સમુદ્રના એકમાત્ર રક્ષક છે.
'7 states of India, eastern part of India, they are a landlocked region, no way to reach out to the ocean, we are the only guardian of the ocean…'
— Sidhant Sibal (@sidhant) March 31, 2025
Bangladeshi chief advisor Md Yunus in China last week. The exact same byte was uploaded on his FB page 3 days ago. pic.twitter.com/ygATTh5g1E
તેમણે કહ્યું કે, “તેથી આ એક વિશાળ સંભાવના લાવે છે. તે ચીની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક બની શકે છે. ચીન અહીં આવી શકે છે અને વસ્તુઓ બનાવી શકે છે, તેનું ઉત્પાદન કરી શકે છે અને વેચી શકે છે… તેમને અહીંથી ચીન લઈ જઈ શકે છે અને સમગ્ર વિશ્વમાં નિકાસ કરી શકે છે.”
મોહમ્મદ યુનુસે ભલે સમુદ્ર વિશે વાત કરી હોય, પરંતુ તેનો ઈશારો ‘ચિકન નેક કોરિડોર’ તરફ હતો, જેને ભારત માટે એક મોટો સુરક્ષા પડકાર ગણાવવામાં આવ્યો છે. ચિકન નેક કોરિડોર એ આશરે 22 કિમી પહોળો જમીનનો પટ છે, જે બાકીના ભારતને ઉત્તર-પૂર્વના બાકીના 7 રાજ્યો સાથે જોડે છે. ચિકન નેક કોરિડોરનું આધિકારિક નામ સિલિગુડી કોરિડોર છે.
શું છે ચિકન નેક કોરિડોર?
ચિકન નેક એટલે કે સિલિગુડી કોરિડોર ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એકમાત્ર રસ્તો છે જે પશ્ચિમ બંગાળના સિલિગુડી પ્રદેશને ભારતના સાત ઉત્તરપૂર્વીય રાજ્યો સાથે જોડે છે. તેની પહોળાઈ ફક્ત 22 કિલોમીટર છે અને તે ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશને અડીને આવેલો છે.

જો આ ક્ષેત્રમાં કોઈ વિક્ષેપ પડે છે તો સમગ્ર ઉત્તરપૂર્વ ભારત દેશના બાકીના ભાગ સાથે કનેક્ટિવિટી ગુમાવી શકે છે. આ કારણે આ વિસ્તાર હંમેશા આતંકવાદીઓ માટે સંવેદનશીલ લક્ષ્ય રહ્યો છે. વ્યૂહરચનાકારો માને છે કે યુદ્ધની સ્થિતિમાં આ વિસ્તાર ઉત્તરપૂર્વમાં સૈન્યની પ્રવૃત્તિઓને ગંભીર અસર કરી શકે છે.
તેના કપાઈ જવાથી દેશનો બાકીનો ભાગ ઉત્તરપૂર્વ સાથેનો સંપર્ક ગુમાવી દેશે. યુનુસે પોતાના નિવેદનમાં સંકેત આપ્યો છે કે, તેઓ ચીનને આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પટ્ટીની નજીક લાવશે. આ જ કારણ છે કે, પૂર્વોત્તર રાજ્ય આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ યુનુસના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે અને ઝડપી કનેક્ટિવિટી વધારવા માટેની સરકારને અપીલ કરી છે.
ચિકન નેક કોરિડોર ક્યારે આવ્યો અસ્તિત્વમાં?
આ કોરિડોર પશ્ચિમ બંગાળના સિલિગુડી શહેરમાંથી પસાર થાય છે. ભારતના નકશામાં સાંકડા ગલિયારા જેવો દેખાતો ધરતીનો આ ટુકડો 60 કિલોમીટર લાંબો અને માત્ર 22 કિલોમીટર પહોળો છે. આ પટ્ટાની બે બાજુએ નેપાળ અને બાંગ્લાદેશ અને ઉત્તરી કિનારા પર ભૂટાન આવેલા છે અને આમ તે ત્રણ દેશોની સીમાને એક સાથે વહેંચે છે. તે પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમ (જેમને ‘સેવન સિસ્ટર્સ’થી (Seven Systers) પણ ઓળખવામાં આવે છે) એમ સાત રાજ્યોને ભારત સાથે જોડવાનું કામ કરે છે.
તેના અસ્તિત્વની વાત કરીએ તો બંગાળના વિભાજન બાદ એટલે કે 1947માં તે અસ્તિત્વમાં આવ્યો. 1975માં જ્યારે સિક્કિમ ભારતમાં વિલીન થયું તે પહેલાં આ કોરિડોરનો ઉત્તરનો ભાગ સિક્કિમ રજવાડાનો ભાગ હતો. વિલીનીકરણ બાદ તેના ઉત્તરી ભાગમાં ભારતની રક્ષાત્મક સ્થિતિને મજબૂતી મળી અને ચીનની ચુંબી ઘાટીના પશ્ચિમી કિનારે પણ ભારતનું નિયંત્રણ મજબૂત બન્યું.
શું છે તેનું ભૌગોલિક મહત્વ?
ચિકન નેક કોરિડોર ભારતના પૂર્વોત્તર ભાગ અને તેમાં આવેલાં સાતેય રાજ્યો માટે એક પુલ કે સાંકળનું કામ કરે છે. પૂર્વોત્તર સાથે દેશને જોડતો આ એક માત્ર ભૂભાગ હોવાના કારણે તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. એવું કહી શકાય કે ભારત માટે પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવેશ માટે આ મુખ અને એકમાત્ર પ્રવેશદ્વાર છે. દક્ષિણ અને પશ્ચિમમાં બાંગ્લાદેશ અને ઉત્તરમાં ચીનનું અસ્તિત્વ કોરિડોરના મહત્વને વધારી દે છે. ભારત અને ચીન વચ્ચે વર્ષ 2017માં ઉદભવેલા ડોકલામ વિવાદમાં એક મુદ્દો આ કોરિડોરનો પણ હતો. ચીન અહીં લાંબા સમયથી કબજો જમાવવાની ફિરાકમાં છે. ચીન ભૂટાનની ઓથ લઈને અહીં સુધી એક રોડ તૈયાર કરવા માંગતું હતું. જો ચીન તેમ કરવામાં સફળ થાય તો પૂર્વોત્તરના રાજ્યો માટે ખોબ મોટું જોખમ ઉભું થઈ જાય.
એટલા મહત્ત્વપૂર્ણ ભૂભાગ હોવાના કારણે તેની સુરક્ષા પણ એટલી જ અગત્યની બની જાય છે. અહીં ભારતીય સેના, આસામ રાયફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, પશ્ચિમ બંગાળ પોલીસ અને SSBના જવાનો 24 કલાક ખડેપગે રહીને ભારતની સીમાઓનું રક્ષણ કરે છે. એક તો ચીન તે વિસ્તાર પર પહેલાંથી ગીધ દ્રષ્ટિ નાખીને બેઠું છે અને તેવામાં બાંગ્લાદેશી મોહમ્મદ યુનુસ તેને આમંત્રણ આપીને ભારત માટે ખૂબ મોટું સંકટ ઊભું કરી રહ્યા છે.
શું છે તેનું આર્થિક મહત્વ?
ચિકન નેક કોરિડોર આર્થિક રીતે પણ ભારત માટે એક મહત્વની કડી છે. ભારતના પૂર્વોત્તર ભાગનાં સાતેય રાજ્યોમાં 5 કરોડથી વધુની વસ્તી છે. અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આ કોરિડોર ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ભારતના અન્ય ભાગમાં વેપાર માટે એક મહત્વપૂર્ણ પટ્ટો છે. પૂર્વોત્તર સાથે ભારતને જોડતી એક માત્ર રેલવેલાઈન પણ અહીંથી જ પસાર થાય છે. દાર્જીલિંગ કે આસામની ચા હોય, ઈમારતી લાકડું હોય કે અન્ય મહત્વપૂર્ણ સંસાધનો, આ કોરિડોર મારફતે જ ભારતના અન્ય ભાગમાં પહોંચી શકે છે.
LACથી સાવ નજીક રોડ અને રેલવે એમ બંને આ કોરિડોર સાથે જોડાયેલા છે. આ કોરિડોર મારફતે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂર્વોત્તરમાં અને પૂર્વોત્તરથી દેશભરમાં આવી-જઈ શકે છે. માત્ર ભારત વચ્ચે જ નહીં, સિલિગુડી કોરિડોર દક્ષિણ-પૂર્વીય એશિયન દેશો વચ્ચે ભારતની ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ વધુ મજબૂત કરવામાં માઈલસ્ટોન સાબિત થયો છે.
શા માટે તેને કહેવાય છે ‘ચિકન નેક’?
સામાન્ય રીતે ‘ચિકન નેક’ એટલે ગુજરાતીમાં કહીએ તો મરઘાની ગરદન. આ શબ્દ કોઈ પણ દેશના સામરિક રૂપે અત્યંત મહત્ત્વના વિસ્તારને દર્શાવે છે. આ વિસ્તાર ભૌગોલિક કે સર્ચનાત્મક રૂપે ખૂબ જ સંવેદનશીલ અને અત્યંત મહત્વપૂર્ણ હોય છે. સિલિગુડી કોરિડોર પણ આવી જ સ્થિતિ સાથે ભારત સાથે જોડાયેલો છે. માટે તેને ચિકન નેક કહેવાય છે. તેને આમ કહેવા પાછળનું બીજું એક કારણ એ પણ છે કે નકશા પર જોતા તે ભૂભાગનો આકાર ઉભા મરઘા જેવો લાગે છે અને આ ભાગ બરાબર તે મરઘાની ગરદનના ભાગે આવેલો છે, આથી પણ તેને ચિકન નેક કહેવામાં આવે છે.
યુદ્ધના સમયે ભજવી શકે છે મહત્વપૂર્વ ભાગ
પોતાની આગવી ભૌગોલિક પરિસ્થિતિના કારણે ચિકન નેક કોરિડોર યુદ્ધ જેવી કપરી સ્થિતિમાં ભારત માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. વિષમ સ્થિતિમાં અહીંથી સેના પોતાના જવાનો અને હથિયારોને સરળતાથી પૂર્વોત્તરના સીમાડાઓ સુધી પહોંચાડી શકે છે. ખાસ કરીને ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સીમાઓ પર સેનાની મૂવમેન્ટ અને સેનાના જવાનો માટેના સંસાધનો આ કોરિડોરથી જ પહોંચી શકે છે. અહીંનો એક માત્ર રેલવે ટ્રેક અને રોડ ભારતીય સેના માટે જીવાદોરી સમાન છે.

વર્તમાન સમયમાં ભારતના મોટાભાગના પાડોશી દેશ ચીનના દેવા હેઠળ કચડાયેલા છે. રોકાણના નામે તેમની પાસેથી રાજનૈતિક દુરુપયોગ કરવાની ચીનની નીતિ આજે જગજાહેર છે. તેવામાં ભારતના પૂર્વોત્તર સાથે સીમાઓ વહેંચતા દેશોનો પોતાનો અને આડકતરી રીતે ચીનનો ડોળો ભારત પર સળવળે તો આ કોરિડોર એક માત્ર એવો ભૂભાગ છે જેની મદદથી ભારત તે તમામને જડબાતોડ જવાબ આપી શકે. અને આ જ કારણે ચીન વર્ષોથી આ કોરિડોર પર નજર નાખીને બેઠું છે અને તેને મદદ આપવાનું કામ હવે બાંગ્લાદેશ કરી રહ્યું છે.
કોરિડોરની વર્તમાન સ્થિતિ અને પડકારો
ત્રણ દેશો સાથે બોર્ડર વહેંચવા પર અને ચીન જેવા દેશોથી સાવ નજીક હોવાના કારણે ચિકન નેક કોરિડોર કેટલો સંવેદનશીલ છે તે તો સમજી લીધું, હવે એક નજર તેની વર્તમાન સ્થિતિ પર પણ કરી લઈએ. ઉપર જણાવ્યા અનુસાર, આ કોરિડોર પૂર્વોત્તરને ભારત સાથે જોડતો એક માત્ર દ્વાર છે, ત્યારે આ દ્વારનો ઉપયોગ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે પણ થઈ રહ્યો છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાથે વેપારમાં આ કૉરિડોર જેટલો ઉપયોગી તો છે, પરંતુ તેનાથી સુરક્ષા જોખમમાં પણ મૂકાય છે. મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ જેવા ડ્રગ્સ સહિતની ગુનાખોરી માટે કુખ્યાત દેશો માટે પણ આ કોરિડોર તસ્કરીનો માર્ગ છે. અહીંથી તેઓ ત્રિપુરા, મિઝોરમ, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશમાં ડ્રગ્સ પહોંચાડવા પ્રયત્નશીલ રહેતા હોય છે.
વધુમાં હાલનો સૌથી મોટો પડકાર છે બાંગ્લાદેશ અને તેના ચીન સાથેના સંબંધો. શેખ હસીનાના રાજીનામાં બાદથી ચિકન નેક કોરિડોર માટે નવો એક પડકાર કટ્ટરપંથી ઇસ્લામી બાંગ્લાદેશી ચળવળ બની છે. કટ્ટરપંથીઓના શાસનમાં ઘૂસ્યા બાદ જોખમ વધ્યું છે અને હવે તો બાંગ્લાદેશી મોહમ્મદ યુનુસે ચીનને ત્યાં સુધી પહોંચવા માટેનું આમંત્રણ આપીને ભારતને ઘેરવાનો પ્રયાસ પણ કરી દીધો છે.
જોકે, ભારતીય સુરક્ષાદળોની બાજનજરથી બચવું તેમના માટે અશક્ય થઈ પડે છે અને મોટાભાગના તસ્કરીના કેસોને ઉગતા જ ડામી દેવામાં આવે છે. સાથેસાથે દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે પણ આ પટ્ટો એક સમયે કુખ્યાત હતો. ભારતીય સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તેના પર પણ સારું એવું નિયંત્રણ લાદી દીધું છે. ભૂટાન નજીક હોવાના કારણે ચીન પણ અહીં નાની-મોટી હરકતો કરવા તત્પર રહેતું હોય છે, પણ ઉપર જણાવ્યું એમ ભારતીય સુરક્ષાદળોનું આ ચક્રવ્યૂહ ભેદવું એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
શરજીલ ઈમામે પણ કરી હતી ચિકન નેકને કાપવાની વાત
2019-20નાં તથાકથિત CAAવિરોધી આંદોલનમાં શરજીલ ઈમામ નામના એક કથિત વિદ્યાર્થી નેતાએ મુસ્લિમોને ભેગા કરીને એક અતિ ઝેરીલું ભાષણ આપ્યું હતું. તેમાં તેણે મુસ્લિમોને ભેગા થઈને આ ચિકન નેક પર કબજો મેળવી લેવાનું આહ્વાન કર્યું હતું. હાલ આ ઈસમ દિલ્હીની તિહાડ જેલમાં હવા ખાઈ રહ્યો છે.
શરજીલે ચિકન નેક કોરિડોર કાપીને પૂર્વોત્તર ભારતને દેશથી અલગ પાડી દેવાની વાત કરી હતી. એક ભાષણમાં તેણે કહ્યું હતું કે,, “હવે સમય આવી ગયો છે કે આપણે બિન-મુસ્લિમોને કહીએ કે આપણી શરતોને આધીન ચાલે. જો આપણી પાસે 5 લાખ લોકો આવે તો આપણે નોર્થ-ઇસ્ટ અને હિન્દુસ્તાનને કાયમ માટે કાપીને અલગ કરી શકીએ છીએ. કાયમી નહીં, તો આપણે એકાદ મહિના માટે તો આસામને દેશથી વિખૂટું પાડી જ શકીએ.”
તેણે સિલિગુડી કોરિડોરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આસામને કાપવાની જવાબદારી આપણી છે. જો આસામ અને ભારત કપાઈ જશે તો જ તેઓ (ભારત સરકાર) આપણી વાત સાંભળશે. તમને ખબર છે કે આસામમાં મુસ્લિમોની હાલત શું છે? ત્યાં CAA-NRC લાગુ કરવામાં આવ્યું છે. કત્લેઆમ ચલાવવામાં આવી રહી છે. 6-8 મહિનામાં આપણને ખબર પડી જશે કે ત્યાં બધા બંગાળીઓને મારી નાખવામાં આવ્યા છે, પછી ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ. જો આપણે આસામની મદદ કરવી હોય તો આપણે સેના માટે આસામનો રસ્તો રોકવો પડશે અને જે પણ પુરવઠો આવી રહ્યો છે તેને રોકવો પડશે. આમ કરવું આપણા માટે એટલે શક્ય છે કે, ‘ચિકન નેક’ નામનો વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે.”
ઇસ્લામી આતંકીઓની પણ નજર
નોંધનીય છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અંસાર-ઉલ-ઇસ્લામ બાંગ્લાદેશના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ લોકોનો ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળના સિલિગુડી અને ઉત્તર-પૂર્વના સાત રાજ્યોને જોડતા ‘ચિકન નેક’ વિસ્તારમાં મોટા પાયે અસ્થિરતા ફેલાવવાનો હતો.
મુર્શિદાબાદમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓ એક સ્લીપર સેલનો ભાગ હતા, જે દક્ષિણ અને ઉત્તર બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાં અસ્થિરતા પેદા કરવાની તેમજ ઉત્તર-પૂર્વ ભારતમાં આતંક ફેલાવવાની યોજના બનાવી રહ્યા હતા. તેમની પાસેથી આ યોજનાની એક પેનડ્રાઇવ પણ મળી આવી હતી.
બાંગ્લાદેશની નવી સરકારના વડા મોહમ્મદ યુનુસે ચીનને ચિકન નેક વિસ્તારની આસપાસ આમંત્રણ આપીને ભારત માટે એક મોટું જોખમ ઊભું કર્યું છે. આ કારણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ કેન્દ્ર સરકારને આવા નિવેદનોને હળવાશથી ન લેવાની સલાહ આપી છે અને ઝડપી કનેક્ટિવિટી વધારવા માટેની અપીલ કરી છે.