કેરળ રાજ્યના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં તાજેતરના ઑડિટ રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ મંદિર ભારતના સૌથી વધુ ભક્તો આકર્ષિત કરતા તીર્થસ્થળો પૈકીનું એક છે. મંદિરમાં સોના, ચાંદી, હાથીના દાંત (ઇવરી) અને ભક્તોની દાન કરેલી અન્ય મૂલ્યવાન વસ્તુઓની અનિયમિતતાઓ અને ખોવાઈ જવાની વાત સામે આવી છે. 2019-20 અને 2020-21ના નાણાકીય વર્ષોના કેરળ સ્ટેટ ઓડિટ વિભાગના રિપોર્ટમાં આ તથ્યો ઉજાગર થયા છે.
આ ઘટના કેરળના અન્ય મંદિરો સાથે પણ જોડાયેલી છે, ખાસ કરીને સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના આરોપો સાથે. કેરળ હાઇકોર્ટે સબરીમાલા માટે SIT બનાવી છે અને તેમાં મુખ્ય આરોપીને અટકાયતમાં પણ લેવામાં આવ્યો છે. હવે એવા જ ચોરી અને ગેરરીતિઓના આરોપો ગુરુવાયુર મંદિરમાંથી સામે આવી રહ્યા છે.
ઓડિટમાં સામે આવ્યું કે ગુરુવાયુર દેવસ્વોમ એક્ટ, 1978 અને દેવસ્વોમ નિયમો, 1980 હેઠળ સ્પષ્ટ નિયમો હોવા છતાં મંદિરે 40 વર્ષથી વધુ સમયથી તેની કિંમતી સંપત્તિઓનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું નથી. કાયદા અનુસાર, દર વર્ષે સોનું, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓની ભૌતિક ચકાસણી કરવી અને 30 જૂન સુધીમાં દેવસ્વોમ કમિશનરને વિગતવાર ચકાસણી રિપોર્ટ મોકલવો ફરજિયાત છે.
2009માં જારી કરાયેલા આદેશોમાં મુખ્ય નાણાં અને હિસાબ અધિકારીને આ કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ 2019-20 અને 2020-21ના ઓડિટમાં પુષ્ટિ થઈ કે આવી કોઈ ચકાસણી કરવામાં આવી નથી. કોઈ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા નથી, કોઈ નિરીક્ષણ રિપોર્ટ નથી અને 2023માં કેરળ રાજ્ય ઓડિટ વિભાગની ઔપચારિક લેખિત વિનંતીઓ પછી પણ કોઈ અપડેટેડ આંકડા ઉપલબ્ધ નથી.
હાથીદાંતના રેકોર્ડ્સમાં ગેરરીતિ!
ઓડિટ અહેવાલોમાં ઉઠાવવામાં આવેલો સૌથી ગંભીર મુદ્દો દેવસ્વોમના પુન્નાથુર કોટ્ટા હાથી અભયારણ્યમાં હાથીદાંતના સંચાલન સાથે સંબંધિત છે. 2019-20ના ઓડિટ દરમિયાન, વિભાગને જાણવા મળ્યું કે આ વર્ષે હાથીદાંતનો સંગ્રહ અને દાંતની કાપણીમાં 522.86 કિલોગ્રામ હાથીદાંતનો સમાવેશ થયો હતો. જોકે હાથીદાંતમાંથી કોઈ પણ વન વિભાગને સોંપવામાં આવ્યો ન હતો, જે કાયદાનું ઉલ્લંઘન છે.
એપ્રિલથી નવેમ્બર 2019 દરમિયાન વિવિધ વજનના હાથીદાંત, જેમ કે 505 કિલોગ્રામ (26 સપ્ટેમ્બર, 2019), 14.18 કિલોગ્રામ (19 સપ્ટેમ્બર, 2019), 2018-19નો બાકી રહેલો 2.35 કિલોગ્રામ, 730 ગ્રામ (22 એપ્રિલ, 2019), 320 ગ્રામ (14 જુલાઈ, 2019) અને 280 ગ્રામ (29 જુલાઈ, 2019), યોગ્ય દસ્તાવેજો વિના હટાવવામાં આવ્યા અથવા સંગ્રહિત કરવામાં આવ્યા હતા. ફરજિયાત દસ્તાવેજો જેવા કે મહજર (સત્તાવાર જપ્તી મેમોરેન્ડમ) અને હેન્ડઓવર રસીદો પણ મળી નથી. આ મુદ્દો માત્ર કાયદાકીય ઉલ્લંઘન જ નથી, પરંતુ હાથીદાંતનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે નિયંત્રણ બહાર અને નોંધણી વિના હોવાનું જોખમ પણ દર્શાવે છે.
આ મુદ્દે ગુરુવાયુર દેવસ્વોમના અધ્યક્ષ વી.કે. વિજયનનું કહેવું છે કે આ સમસ્યાઓ હાલના બોર્ડના કાર્યકાળ પહેલાંની છે. તેમણે જણાવ્યું કે આ પ્રશ્ન કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો છે અને દેવસ્વોમે ત્યાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. વિજયને કહ્યું કે, “આ નિરીક્ષણો અમારા કાર્યકાળ પહેલાંના સમયગાળાને લગતા છે. 2022થી છ હાથીઓના મૃત્યુ થયા છે અને દરેક કિસ્સામાં વન અધિકારીઓની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અમને તે હાથીઓના હાથીદાંત ક્યારેય પ્રાપ્ત થયા નથી, માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા છે.”
કિંમતી વસ્તુઓ સાથે છેડછાડ
આ ઉપરાંત દરરોજની પૂજા માટે વપરાતી સોના-ચાંદીની વસ્તુઓનું ‘ડબલ-લોક રજિસ્ટર’ (જેમાં વસ્તુઓનું વજન અને રિટર્ન નોંધવામાં આવે છે) અધૂરું છે. વસ્તુઓ પૂજા પછી વજનમાં હળવી થઈ જાય છે, પરંતુ તપાસ કરવામાં આવતી નથી. સામે આવ્યું છે કે એક ચાંદીના ઘડાનો વજન 10 મહિનામાં 1.19 કિલો ઓછો થયો, એક ચાંદીના દીવાનું વજન સો ગ્રામ ઓછું થયું, સોનાનો મુગટ ચાંદીના મુગટ સાથે બદલી દેવાયો, 2.65 કિલોનું ચાંદીનું પાત્ર માત્ર 750 ગ્રામના વજનનું થઈ ગયું.
આ ઉપરાંત કોપર, બ્રોન્ઝ અને પંચલોહની (પાંચ ધાતુઓનું મિશ્રણ) વસ્તુઓનું રજિસ્ટર 2016થી અપડેટ થયું નથી. 2022માં પલાક્કડના એક ભક્તે 15 લાખનું 2 ટનનું બ્રોન્ઝ પાત્ર દાન કર્યું હતું, પરંતુ તેની કોઈ રસીદ જારી કરવામાં આવી ન હતી અને તેને સત્તાવાર રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું ન હતું કે કોઈની સંભાળમાં સોંપવામાં આવ્યું ન હતું.
ઓડિટર્સે એ પણ નોંધ્યું કે કાશ્મીરી કેસર જેવા અર્પણો, જે મંદિર 1.47 લાખ પ્રતિ કિલોગ્રામના દરે ખરીદે છે, તે ફક્ત ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર દ્વારા રાખવામાં આવેલા વ્યક્તિગત રજિસ્ટરમાં નોંધાયેલા હતા. આ વ્યક્તિગત રેકોર્ડ સત્તાવાર રસીદ સિસ્ટમને બાયપાસ કરતા હતા, જેના કારણે આવા કિંમતી દાન સત્તાવાર ઓડિટની બહાર રહેતા હતા.
આ સિવાય 2020-21ના ઓડિટ અહેવાલમાં જાણવા મળ્યું કે દેવસ્વોમની વિવિધ સંસ્થાઓ, જેમાં રેસ્ટહાઉસનો કુલ ખર્ચ તેમની સંયુક્ત આવક કરતાં લગભગ ₹25 કરોડ વધુ હતો. આ ઉપરાંત, 2020-21ના નાણાકીય વર્ષ દરમિયાન મંદિરનો ખર્ચ તેની આવકના ત્રણ ગણો હતો, જે 2016-17 પછી પ્રથમ વખત જોવા મળ્યું.
2019-20ના ઓડિટમાં એક અન્ય વિચિત્ર કેસ પણ બહાર આવ્યો, જેમાં મંદિરના પશ્ચિમ ટાવરમાંથી 17 થેલી મંજડીકુરુ ગાયબ થઈ. આ થેલીઓમાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલા લાલ બીજ હતા, તેની હરાજી 100 પ્રતિ કિલોગ્રામના દરે કરવામાં આવી હતી, પરંતુ બિડરને તે મળી નહોતી. બાદમાં સીસીટીવી ફૂટેજમાં આ થેલીઓ દેવસ્વોમના ટ્રેક્ટરમાં આરોગ્ય વિભાગના કામદારો દ્વારા લોડ થતી જોવા મળી હતી. અધિકારીઓએ દાવો કર્યો કે જગ્યા ખાલી કરવા માટે આ થેલીઓ નજીકના ગોડાઉનમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તે ક્યાં લઈ જવામાં આવી અથવા તેનું શું થયું તેનો કોઈ સ્પષ્ટ રેકોર્ડ રજૂ કરાયો નહીં.
નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ કેરળમાં સબરીમાલા મંદિરમાં પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો. મંદિરમાં રહેલ સોનું ગાયબ થઈ જવાને કારણે ભારે હોબાળો થયો હતો અને રાજકારણ પણ ગરમાયું હતું. કોર્ટે આ મામલે SITની રચના કરીને તપાસ પણ શરૂ કરી છે. હાલ આ ઘટનાને પગલે એક મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તેવામાં હવે રાજ્યમાં આ બીજો વિવાદ શરૂ થઈ ગયો છે. ગુરુવાયુર મંદિરના આ વિવાદને લઈને ભાજપે CBI તપાસની માંગણી પણ કરી છે.


